બાપનું ઘર
‘હલ્લો પપ્પા...’
‘હા, બોલ બેટા. કેમ છે? મજામાં છે ને બધાં તારા સાસરામાં? જમાઈરાજ શું કરે છે?’
‘પપ્પા...’
‘હા હા બોલ, શું વાત છે? કેમ અચકાય છે? બોલી દે જે હોય તે. ઘરમાં બધા સારા તો છે ને? કે કંઈ થયું છે કોઈને?’
‘પપ્પા, મને અંઈ નથી રહેવું. મને અહીંથી લઈ જાઓ, નહીં તો હું ત્યાં આવી રહું. આ લોકો નથી સારા.’
‘અરે, પણ થયું શું? કંઈ બોલશે કે એમ જ? કોણ નથી સારા? બધા જ નથી સારા કે સાસુ ને સસરા નથી સારા? જમાઈ તો સારા છે ને? કે એ પણ નથી સારા? કંઈ બોલે તો ખબર પડે ને બેટા?’
‘પપ્પા, બધા જ નથી સારા. આટલા મહિના કોઈ કંઈ ન બોલ્યું ને હવે ધીરે ધીરે બધા જ કોઈ ને કોઈ બહાને મને રોજ હેરાન કરે છે.’
‘શું કહે છે? પૈસા માગે છે? કે તને મારે છે? કે તને ગમે તેવા ટોણા મારે છે?’
થોડી વાર એક છેડે મૌન પથરાયું.
બીજે છેડેથી હલો...હલો...બોલાતું રહ્યું ને ફોન કટ થઈ ગયો.
ફરી ફોનની રિંગ વાગી.
‘હલો બેટા, કેમ ફોન કટ કર્યો? શું થયું છે બોલ તો ખરી.’
‘પપ્પા, આ બધા જ મને તમારા લોકો વિશે ગમે તેમ બોલીને સંભળાવે છે, મારા દેખાવ ને ભણતર બાબતે પણ કંઈ કંઈ બોલ્યા જ કરે. ‘તારા કરતાં તો બહુ રૂપાળી ને ભણેલી મળતી હતી, એ લોકો તો દહેજમાં પણ અમને જે જોઈએ તે બધું જ આપવા તૈયાર હતાં, કોણ જાણે તારામાં શું હીરામોતી જડેલાં તે મારા દીકરાએ તને જ પસંદ કરી ને તું અમારા ઘરનું કમનસીબ લઈને આવી.’ હવે તો તમારા જમાઈ પણ એમની સાથે થઈ ગયા ને મારું જીવવું હરામ કરી નાંખ્યું છે આ લોકોએ. થોડા દિવસથી તો કોઈ ને કોઈ બહાને મને મારવાનું બહાનું શોધીને મને મારવા પણ માંડી છે. પપ્પા, પ્લીઝ મને અહીંથી લઈ જાઓ. હું તમારા ઉપર બોજ નહીં બનું. મમ્મી તો મને ના જ પાડશે કે બેટા સાસરામાં તો એવું જ હોય ને થોડું સહન કરી લેવાનું. એટલે તમે જલદી નક્કી કરીને મને ફોન કરો નહીં તો હું કાલે આવું છું.’ ફોન મૂકાઈ ગયો.
ગિરીશભાઈ માથે હાથ દઈને બેસી પડ્યા. આ જ દિવસની બીક હતી. ઘર તો ભાડેનું હતું નહીં તો એને જ ગીરવે મૂકીને દીકરીનાં લગ્ન કર્યાં હોત. એક જ દીકરો, તે પણ હજી તો કૉલેજના પહેલા જ વર્ષમાં. પત્નીનાં દાગીના વેચાયે તો વરસો વીતી ગયેલાં. હવે? દીકરીને લાવીને રાખે ક્યાં? એનાં લગ્નની ઉતાવળમાં એને એટલું ભણાવી પણ નહીં કે કપરા સમયમાં પોતાના પગ ઉપર પણ ઊભી રહે. ન તો પત્નીને કોઈ નોકરી કરવા દીધી કે ઘરનાં બે છેડા આસાનીથી ભેગાં થાય ને સૌનું ભવિષ્ય સુધરે. ખોટી જીદ ને સમાજના ખોટા નિયમો આજે ગિરીશભાઈના ખુદના ગળામાં ફાંસો દઈ રહ્યા હતા. હવે શું થાય? એ તો ગિરીશથાઈ ધારે તે જ થાય ને?
‘તબિયત સારી નથી’ના બહાના હેઠળ ગિરીશભાઈ રૂમમાં જઈ સૂઈ ગયા. ઘરમાં કોઈને કશી ખબર ના પડી. પેલી તરફ સુલેખાએ આખી રાત ઊંચા જીવે ફોનની રાહ જોઈને મળસ્કે હાથમાં બેગ લઈ પતિનું ઘર છોડ્યું, એક એવા બાપના ઘર તરફ, જ્યાં એના જેવી નિરાધાર દીકરીઓને આસરો મળતો હતો. પોતાનાં શહેરથી થોડે દૂર બીજા શહેરને જોડતા ધોરી માર્ગ પર ‘બાપનું ઘર’ એને પ્રેમથી આવકારવા તૈયાર હતું. એક ઉંમરલાયક પ્રેમાળ દંપતિ સમાજને નડતી કે ઘરનાંને ભારરૂપ લાગતી કન્યાઓને આશ્રય અને સહારો આપી એમને રાહત આપતું હતું. ભણવાથી માંડીને કામકાજ કરવા માગતી દીકરીઓને દરેક સગવડ પૂરી પાડતાં આ માબાપ, આ બહાને પોતાની વહુનું કરજ ફેડતાં હતાં. દહેજ માટે પોતાના સગા દીકરાએ વહુને આપઘાત કરવા ફરજ પાડેલી, એનો પસ્તાવો આ રીતે કરીને આ માબાપ દરેક નવી દીકરીના આગમનમાં વહુને જ દેખતાં અને એને સારામાં સારી સગવડ પૂરી પાડી એને પગભર પણ કરતાં. આવી કોઈ પણ સંસ્થા કરે, તે કરતાંય સવાયું કામ આ બે જણ બહુ દિલથી કરતાં ને કેટલીય દીકરીઓની દુઆઓ લેતાં.
સુલેખા તો બે જ દિવસમાં બધાં સાથે ભળી ગઈ ને આ દિલદાર માબાપની સઘળી જવાબદારી પણ પોતાને માથે લઈ લીધી. સહારો આપનારનો જ સહારો બનવાની ને એ બહાને હળવી રહેવાની કોશિશ કરતાં કરતાં સુલેખા એક પછી એક પરીક્ષાઓ આપતી ગઈ અને પોતાના પગ ઉપર આરામથી, કોઈનાય ટેકા વગર ઊભી રહી શકે એવી થઈ ગઈ. આખરે વિદાયની ઘડી આવી પહોંચી. ‘દીકરા, હવે તું ક્યાં જશે ને શું કરશે? અમને તો તારા વગર એક ઘડી પણ ગમવાનું નથી.’
‘મમ્મી ને પપ્પા, તમે મારી બિલકુલ ચિંતા ના કરો. મારામાં હવે એટલી તો હિંમત ને હોશિયારી છે જ કે કોઈ પણ મુસીબતનો હું એકલે હાથે સામનો કરી શકું. રહી વાત મારાં માબાપની ને ભાઈની. તો અહીં રહીને હું એટલું તો શીખી જ છું કે જિંદગીભર પસ્તાવું પડે એના કરતાં કોઈ નક્કર ફેંસલો લઈ જ લેવો. તો મેં ફેંસલો કર્યો છે કે હું મારા પિયરમાં જ પાછી ફરીશ. મારા પપ્પાની જરૂર ઘણી બધી મજબૂરી રહી હશે તો જ મને તે દિવસે એમણે ફોન ના કર્યો. હું ઘડપણમાં એમનો સહારો બનીને નાના ભાઈને પણ ખૂબ ભણાવીને પગભર કરવા માગું છું. ગમે ત્યાં અથડાવા કરતાં હું પરિવાર સાથે જ રહેવા ચાહું છું. મારાં માબાપનાં સંજોગો અને એમના ઉછેરમાં જરૂર કચાશ રહી હશે, બાકી કોણ બાપ આ રીતે દીકરીને રિબાવા સાસરામાં છોડી દે? તમારા સૌના પ્રેમે મને પરિવારની સમજ આપી છે, તો હું મારા પરિવારમાં જ પાછી ફરીશ. અને હા, અહીં દર મહિને તો સૌને મળવા આવીશ જ પણ કંઈ કામ હોય તોય મને ચોક્કસ યાદ કરજો. મને બહુ ગમશે.’
બાપના ઘરમાંથી વિદાય થતી સુલેખાને હરખ અને શોકનાં આંસુઓએ ભાવભીની વિદાય આપી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર