દોષિત–2

17 May, 2017
12:00 AM

કલ્પના દેસાઈ

PC: therakyatpost.com

‘જોખમનું કામ છે, ત્રીસ હજાર થશે.’ 

‘સાહેબ, ત્રીસ હજાર હું ક્યાંથી લાવું? કંઈ ઓછા કરો ને.’

‘જો બહેન, આ કામ એક તો મારે ખાનગીમાં કરવું પડે, પોલીસના લફરાંથી બચીને ચાલવું પડે અને તેમાંય તારી છોકરીનો જાન પણ બચાવવાનો છે. તને નહીં પરવડે તો બીજા કોઈ ડૉક્ટરને શોધી લે, નહીં તો સરકારી હૉસ્પિટલમાં કરાવી લે જા.’ ગરજના માર્યાં પોતાના જેવા લાચાર ને ગરીબોના બની બેઠેલા મસીહા પાસે, રાનીની મા પાલવ પાથરીને દીકરીની જાનની કિંમત ઓછી કરાવતી હતી. ઘરમાં તો જેમતેમ દસ હજાર બચાવીને રાખેલા, તે સિવાય એકેય પૈસો ક્યાં છે?  આટલા બધા રૂપિયા કોણ આપશે? ડૉક્ટરે તો ફરી એને ઢંઢોળી, જલદી નક્કી કરીને આવવા જણાવી દીધું. દવાખાનાની બહાર નીકળીને ઘસડાતી ચાલે રાનીના વિચારમાં મા ઘરે પહોંચી. 

એક તો કામ કરવામાં પડતી હજાર મુશ્કેલીઓમાં આવી પડેલી આ મોટી મુસીબત. છોકરી આટલો માર ખાઈને પણ કોઈનું નામ નથી આપતી. કોણ હશે એ રાક્ષસ? મારા કામ પર ગયા પછી કોણ જાણે કોણ આવતું હશે? મરી ગ્યો કાકો જ લાગે છે. કોને ખબર મારો દૂરનો ભાઈ પેલો, મામા મામા કરતો રાનીને ભોળવી નહીં ગયો હોય, શું ખબર? ને બાપ? એના શરીર પર જાણે કે અજગર ફરી વળ્યો એમ એ સૂન થઈ ગઈ. રાનીના વિચારોમાં જ એ ઘરમાં દાખલ થઈ. રાની એની નાની બે બહેનોની મા બની બંનેને જમાડતી હતી. રે કિસ્મત! આજે પોતાનાં જ બાળકને જનમવા પહેલાં જ? એના ગળામાં ધ્રુસ્કું અટકી ગયું. આંસુના બંધને જેમતેમ ખાળતી એ રાની પાસે બેઠી. રાનીની પીઠે હાથ પસવાર્યો, ‘ચિંતા નહીં કરતી બેટા, બધું સારું થશે. તેં ખાધું?’ 

રાની માને વળગીને રડી પડી. મા સિવાય એને કોઈ સમજતું નહોતું. આ લોકો ભેગાં થઈ હવે કોણ જાણે મારી સાથે શું કરશે? સવારે તો બધા ગામ લઈ જવાની વાત કરતા હતા ને મા કોણ જાણે ક્યાં જઈ આવી? ‘બેટા, બારણાંને તાળું મારી દેજે’ બોલતાં ફરી મા ભાંગી પડી. હવે શું તાળું મારવું ને શું ઈજ્જત બચાવવી? હવે તો છોકરીનો જીવ બચે તો બસ છે. દીકરીની વેદના અનુભવતી માએ, એને ગામ લઈ જવાનો વિરોધ કરી જોયો પણ રાનીના બાપની વાતમાં જ્યારે રાનીના કાકા અને મામા પણ જોડાઈ ગયા, પછી કંઈ બોલવા જેવું રહ્યું નહીં. તોય માએ એક છેલ્લી કોશિશ કરી જોઈ. એ વહેલી વહેલી જ્યાં કામ કરતી ત્યાં પહોંચી. બધેથી માંદગીનું બહાનું કાઢીને, આજીજી કરીને પાંચ પાંચ હજાર માગી લીધા. છેલ્લું ઘર એક ડૉક્ટરનું હતું. ત્યાં ડૉક્ટરે એની સાથે થોડી વાતચીત કરતાં, એણે છૂટથી બધી વાત જણાવીને કોઈ રસ્તો હોય તો કાઢવા કહ્યું.

બે ઘડી તો એ ડૉક્ટરનું મગજ પણ ચકરાવે ચડી ગયું. પાંચ મહિનાનો ગર્ભ? ને જીવહત્યાના પાપમાં ભાગીદારી? રાનીની સાથે એની માની હાલત અને ઘરની પરિસ્થિતી જોતાં, ડૉક્ટરે પોતાની ઓળખાણમાં જ એક લૅડી ડૉક્ટર પાસે એબોર્શન કરાવવાની સલાહ આપી. ‘તમે લોકો હવે નક્કી કરો પણ બને તેટલું જલદી હં. આમાં હવે દિવસ લંબાવવામાં વધારે જોખમ છે. જુઓ, ઓળખાણ છે એટલે એક પણ પૈસો લેશે નહીં. અહીં બધી રીતે છોકરી સલામત પણ છે. જો તમે ગામ લઈ જશો તો, એક તો આટલે દૂર જવામાં જ તકલીફ ને રસ્તામાં જ કંઈ થયું તો શું કરશો? ત્યાંના ભગત–ભૂવામાં તમે છોકરીને મારી નાંખશો. જો અહીં કોઈ ચલતાપૂર્જા જેવા ડૉક્ટરમાં ફસાયા તોય છોકરીના જાનને જોખમ તો ખરું જ. એના કરતાં મારી વાત પર વિશ્વાસ રાખો ને અહીં એક પણ પૈસાનો ખર્ચો કર્યા વગર ઓપરેશન કરાવી લો. વળી, તારી છોકરી તારી નજર સામે જ રહેશે. જરાય ટાઈમ બગાડ્યા વગર કાલે સવારે છોકરીને લઈને પહોંચી જજે, હું હમણાં જ ફોન કી દઉં છું.’ માને ડૉક્ટરમાં ભગવાન દેખાયા. 

ઘરે જતાં જ જોયું તો, ઘરનાં વડીલો રાનીનો હવાલો લઈને બેઠેલાં. ‘હવે ગામ લઈ જવાનું માંડી વાળ્યું છે. અહીં એક ડૉક્ટર ત્રીસ હજારમાં બધું પતાવી દેશે. તારી પાસે જેટલા હોય એટલા પૈસા કાઢ.’ બધી જવાબદારી રાનીની મા પર ઢોળીને બધા મરદોએ હાથ ખંખેરી કાઢ્યા. ઉધાર લીધેલા બધા પૈસા રાનીના બાપના હાથમાં સોંપી મા રાની પાસે જઈ બેઠી. મા–દીકરીના અંકોડા ભીડેલા હાથ, અંદરઅંદર વાત કરતા, એકબીજાને આશ્વાસન આપી રહ્યા. બીજી સવારે એક ખાનગી દવાખાનામાં, ત્રીસ હજારમાં રાનીનો ફેંસલો થઈ ગયો. 

મા ચોધાર આંસુએ રડતાં વિચારતી હતી, ત્રણ ચાર વરસમાં જ રાનીનાં લગન થઈ જાત ને છોકરો જનમ્યો હોત તો રાની, ઘરની રાની બનીને જ રહેત. વટથી પોતે પણ બધાંને પેંડા વહેંચત ને પોતાની નાતમાં તો રાનીને બધાં માનથી જ બોલાવત. પણ હાય રે નસીબ! છોકરાને મારી નાંખવો પડ્યો તે સારું થયું કે ખરાબ? છોકરો રાક્ષસનો જનમ લેત તો? ને છોકરીની જન્મીને રાણી જેવી હાલત થાત તો? માથે હાથ દઈને બેસી પડેલી માએ રાનીના જીવન માટે બાધા માની લીધી. ‘હે મા, મારી છોકરીને બચાવી લેજે. તારા દર્શન કરવા આવી જઈશ.’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.