દોષિત

10 May, 2017
12:00 AM

કલ્પના દેસાઈ

PC: kaieteurnewsonline.com

સટાક કરીને રાનીના ગાલ પર એક તમાચો પડ્યો. હબકીને ઓરડીના ખૂણામાં ભરાતાં રાનીએ ગાલ પર હાથ ફેરવતાં આંસુઓને લૂછવા માંડ્યાં. હજી એ ધ્રૂજતા શરીરને સ્વસ્થ કરે ત્યાં તો એક બરાડો પડ્યો ને સાથે બીજો તમાચો ઝીંકાયો. રાની ગભરાટમાં લથડી ગઈ ને પડતાં બચી પણ  મારનારને એની કોઈ પડી નહોતી, કારણકે એના માથા પર તો સમાજનો ડર સવાર હતો. લોકોના સવાલોનો સામનો કરવાની એનામાં હિંમત નહોતી અને હવે આ છોકરીનું શું કરવું તેની મોટામાં મોટી ચિંતા એનો ગુસ્સો વધારી રહી હતી. 

‘છોકરી, ક્યારનો તારો બાપ પૂછે છે જવાબ આપી દે, નંઈ તો માર ખાઈ ખાઈને મર ને હાથે અમને હૌ મારી નાંખ.’

ભીંત સાથે દબાઈને, ભીંતમાં જ સમાઈ જવાની હોય એમ સ્થિર બની ગયેલી રાની નીચું જોઈ ધ્રુસકાં ભરતી રહી. સામે ઊભેલા રાક્ષસ જેવા બાપથી ગભરાવું કે એના પર ગુસ્સો કરવો કે પછી થાકેલી, હારેલી માને જોઈને એની દયા ખાવી તે રાનીને સમજાતું નહોતું. ગુસ્સો તો એને પોતાની જાત પર જ આવતો હતો. કેમ પોતે આટલો વખત ચૂપ રહી? કેમ માને પણ વિશ્વાસમાં ન લીધી? કેમ ચુપચાપ બધું સહેતી રહી? તે બપોરે જો પોતે ઘરમાં જ ન હોત તો? ઘરમાંથી નાસી ગઈ હોત તો? ક્યાંય પણ, દૂર દૂર કોઈ ગલીમાં સંતાઈ ગઈ હોત અથવા કોઈ મકાનની પાછળ કે કોઈ અગાસીમાં કે કોઈ બગીચામાં ઝાડની પાછળ સંતાઈ રહી હોત તો આ બધું થવાનું હતું? કેમ પોતે ટિફિનની લાલચમાં બારણું ખોલેલું? એને જોતાં જ, એના પગ કેમ જમીનમાં ખોડાઈ જતા? એ કેમ કંઈ બોલતી નહીં? કોનો ડર હતો એને? 

‘ખબરદાર જો કોઈને કંઈ કહ્યું છે તો, તારી બહેનો સાથે તને પણ કાપીને ફેંકી દઈશ ને કોઈને ખબર પણ નહીં પડે.’ એ તે બપોરની વાત, જ્યારે ઘરમાં એ એકલી જ હતી. એમ તો, બે નાની બહેનો પણ હતી. મા આવે ત્યાં સુધી રોજ એણે ઘર સાચવવાનું ને નાની બે બહેનોનું ધ્યાન રાખવાનું. એક બહેન ઘોડિયામાં પડી રહેતી. ભૂખે રડતી, ઘોડિયું બગાડતી ને ખાતાં પીતાં કપડાં પણ બગાડતી અને બીજી વરસ દિવસની જે આખા ઘરમાં ઉથલપાથલ મચાવતી. એની પાછળ દોડી દોડીને રાની થાકી જતી ત્યારે રડી પડતી. માને કે બાપને તો કહેવાય એવું જ નહોતું. બંને સવારથી કામ પર નીકળી જતાં. મા તો વચ્ચે એકાદ વાર નાનકીને ખવડાવવા આવી જતી ને વહેલી વહેલી જમીને નીકળી જતી. બાપ તો છેક રાતે જ આવતો. ખાઈ પીને સૂઈ જતો તે બીજી સવારે જતો જ જોવા મળતો. રાની પહેલાં તો મા સાથે બધે કામ પર જતી ને ત્યાં રમ્યા કરતી. બંને સાથે જ ઘરે પાછાં ફરતાં. પણ ઉપરાઉપરી આવેલી બે બહેનોએ રાનીના પગમાં સાંકળ બાંધી દીધી.

માને તો રોજ જ ત્રણ ત્રણ છોકરીની ચિંતા રહેતી પણ રાની પર એને ભરોસો હતો. સમજદાર છોકરી બધું બરાબર સાચવી લેતી. વચ્ચે ઉતાવળી ઉતાવળી ઘરે જઈને, મા ત્રણેયને સહીસલામત જોઈને હાશ કરતી ફરી કામ પર દોડી જતી. ઘર એટલે એક જ રૂમની પાકી ઓરડી. 

‘બેટા રાની, ઘર બરાબર બંધ કરી લેજે. હું આવું ત્યારે જ દરવાજો ખોલજે. હું વહેલી આવી રહીશ, આ લોકોને સાચવજે હં.’ બચપણ ને જુવાની વચ્ચે ઝોલાં ખાતી રાની, ધીરેથી દરવાજા સાથે પોતાની કેટલીય ઈચ્છાઓ ઉપર પણ આગળો લગાવી દેતી. ત્રીજા ધોરણમાંથી ઊઠી ગયેલી રાની બે ચાર ચોપડી લઈને ફોટા જોયા કરતી. કોઈ વાર વળી નિરાંતે એને બારી પાસે બેસવા મળતું, ત્યારે એ જતાં આવતાં લોકોને અને એના જેવડી છોકરીઓને, સ્કૂલે જતાં કે આવતાં જોતી રહેતી. 

તે બપોરે પણ મા આવી હતી. જમીને નીકળી ગઈ પછી રાની બંને બહેનો સાથે વાતે લાગી હતી. 

એટલામાં ધીમો ધીમો અવાજ સંભળાયો, ‘શીસ, શીસ્ રાની.’ 

સામે રહેતો છોકરો બારીમાંથી એને બોલાવી રહ્યો હતો. ‘બારણું ખોલ ને. તારી માએ આ ટિફિન મોકલ્યું છે.’

મા તો જમીને ગઈ ને આ ટિફિન? એક ઘડી રાનીને વિચાર આવ્યો પણ ઘણી વાર મા ટિફિનમાં સારું સારું ખાવાનું લઈ આવતી તે એને યાદ આવ્યું. બહુ દિવસોથી કંઈ સારું ખાધું નથી. કદાચ માને કોઈએ ટિફિન ભરી આપ્યું લાગે છે. એણે મોંમાં જીભ ફેરવી. ‘મા તને ક્યાં મળી?’

‘હું એ બાજુ કામથી ગયેલો ત્યાં મને જોયો એટલે માસીએ ટિફિન મને જ આપી દીધું. લે લઈ લે, અમારે મોડું થાય છે.’ એની સાથે એક દોસ્ત પણ હતો.

રાનીએ બારણું ખોલીને પોતાના કમનસીબને અંદર લીધું. ટિફિન જોઈને, ટિફિન તરફ દોડી ગયેલી નાની બહેનને સાચવવામાં રાનીને ખ્યાલ ના રહ્યો, કે ઘરનાં બારીબારણાં સાથે એના નસીબના દરવાજા પણ બંધ થઈ ગયાં છે. પૂરી તૈયારી સાથે આવેલા બંને છોકરાઓએ, નાની છોકરીઓને રૂમાલ સુંઘાડી દીધો અને રાનીના ઉપર અત્યાચાર ગુજારી નીકળી ગયા. જતાં જતાં મારવાની ધમકી પણ આપતા ગયા. અબુધ, કુમળા મનની ને નાજુક શરીરની રાની કંઈ સમજે કે પોતાની જાતને સાચવે ત્યાં તો સાંજ પડી ગઈ અને માનો આવવાનો ટાઈમ પણ થઈ ગયો. કલાકો સુધી રડી રડીને, સાંજ સુધીમાં રાનીએ થોડી ઘણી સ્વસ્થતા મેળવીને માનો સામનો તો કર્યો પણ પેટમાં દુ:ખે છે કહી, ઓઢીને પડી રહી. બીજા દિવસની સવાર તો પડવાની જ હતી પણ રાની નહોતી ઈચ્છતી, કે મા કામ પર જાય. પેલા લોકો પાછા આજે પણ આવ્યા તો? ને કાલે પણ આવે તો? માને શું કહીને રોકું? પેટમાં દુ:ખવાનું બહાનું રોજ કેવી રીતે કાઢું? રાની મનમાં ને મનમાં બંને બહેનોને કોસવા માંડી. ‘તમારા લીધે મારે ઘરમાં રહેવું પડ્યું, તમારા લીધે.’ માના કામ પર જતાં જ રાનીએ બારણે તાળું માર્યુ ને બારી બંધ કરી દીધી. જોર જોરમાં ડુસકાં ભરતી રાની કોકડું વળીને ગાદલામાં પડી રહી.  

પાંચ મહિના એમ જ નીકળી ગયા અને એક દિવસ રાનીના ઉપસી આવેલા પેટ ઉપર માની નજર પડી. આખો દિવસ કામની દોડાદોડી અને બે નાની છોકરીઓના ધ્યાનમાં, રાની જ ધ્યાન બહાર રહી ગયેલી. બહાવરી બનેલી મા કામ પર જવાનું માંડી વાળી રાનીની પાછળ પડી ગઈ. માએ બહુ સમજાવી, બહુ પટાવી, પગે પડી ને રડી રડીને એને કાકલુદીઓ કરી પણ ધાકમાં ને ધાકમાં રાનીની જીભ મોંમાં જ ગોટા વળતી રહી. કાનમાં તો, ‘બહેનોને કાપી નાંખીશ’ જ પડઘાતું રહ્યું ને એનાથી ઢોર માર ખાવા છતાંય પેલા છોકરાનું નામ નીકળ્યું નહીં.

આખરે બાપને જણાવ્યા વગર છૂટકો નહોતો. એ જ સમજાવટ ને ધમકી ને મારનો દૌર ચાલ્યો પણ રાનીની જીભ તો સિવાઈ ગયેલી. આખરે ગામના કોઈ મહારાજ પાસે લઈ જવાનું નક્કી થયું. ‘મહારાજ આગળ તો એણે નામ બોલવું જ પડશે. બહુ મોટા મહારાજ છે. જરૂર કોઈ રસ્તો પણ નીકળશે. ત્યાં જ બધું પતાવી આવશું એટલે કોઈને ખબરય નહીં પડે.’ 

(ક્રમશ:)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.