રમાનો છૂટકારો
‘એય રમલી, ઊઠ ચાલ. છ વાગી ગયા. જા વહેલી દૂધ લઈ આવ નહીં તો ખલાસ થઈ જશે. વહેલી આવજે પાછી, રમતી રમતી નહીં આવતી. બેની ઊઠી જશે તો પાછી દૂધ વગર રડશે. ચાલ જા હવે, એમ મારી સામે શું જોયા કરે છે?’
ઊંઘમાંથી ચમકીને જાગેલી રમા આંખો ચોળતાં ચોળતાં માધવી તરફ જોઈ રહી. સવાર પણ પડી ગઈ? હજી હમણાં તો બેનીને હીંચકો નાંખીને સૂવડાવીને પોતે સૂતેલી ને એટલામાં સવાર પણ પડી ગઈ? આંખો ચોળતાં જ, સપનામાં માનો છેડો પકડીને સૂતેલી રમાના હાથમાં ઘોડિયાની દોરી ક્યારે આવી ગઈ? શેતરંજી ને ઓઢવાનું ગડી કરી, દાદર નીચે મૂકીને રમા વહેલી વહેલી થેલી લઈને દૂધ લેવા ચાલતી થઈ. પાછી ફરી ત્યારે બેનીના જોરજોરથી રડવાનો અવાજ આવતાં જ રમાના ચહેરા પર ભય ચીતરાઈ ગયો. હવે નક્કી બેનના બરાડા ચાલશે. એ વહેલી વહેલી દોડીને રસોડામાં દૂધ ગરમ કરવાની તૈયારી કરવા લાગી.
માધવીએ ગુસ્સામાં રમાના હાથમાંથી તપેલી આંચકી લીધી. ‘લાવ હું દૂધ ગરમ કરું છું. તારાથી કંઈ થવાનું નથી, તું હીંચકો નાંખ એના કરતાં જા.’ રમા વળી ઘોડિયાની સામે ગોઠવાઈ ગઈ ને દોરી ખેંચવા લાગી. દોરી ખેંચતાં ખેંચતાં એ ક્યારે જમીન પર લાંબી થઈ ગઈ તેની એને સૂધ ન રહી. જોરમાં બેનીના રડવાનો અવાજ ને માધવીનો કકળાટ સાંભળતાં જ બેઠી થઈ ફરી રમા ઘોડિયાની દોરી શોધવા લાગી. બેનીના માટે આવેલા દૂધની બાટલી સામે નજર જતાં રમાના પેટમાં પણ કંઈક સળવળ્યું. બાટલીને રમાની નજરથી બચાવવા માધવીએ એને રસોડામાં મોકલી આપી. ‘જા કાચનાં વાસણ સાફ કરતી થા એટલે હું આવી. જોજે પાછી કંઈ ફોડતી નહીં.’ પાણી પીને કપરકાબી ધોતાં રમાને માની યાદ આવી.
‘મમ્મી ને પપ્પા તો રોજ મને સાથે બેસાડીને ચા પીવડાવતા ને ગાંઠિયા પણ ખવડાવતા. મને કેમ અંઈ મોકલી આપી? આ નાની બેનીને હીંચકો નાંખવા? એની સાથે રમવા? અંઈ ક્યાં કોઈ બેની સાથે મને રમવા દે છે? બેની જાગે એટલે તો સકુમાસી એને નવડાવવાનું ને એવું બધું કામ કરે. પછી આયાબાઈ બેનીને ખવડાવે, રમાડે ને પછી સૂવડાવે ત્યારે મને બૂમ પાડે, ‘એય રમલી, આને હીંચકો નાંખ્યા કરજે હવે. જોજે તું નંઈ સૂઈ જતી પાછી.’ આ સકુમાસી ને આયાબાઈ તો આખો દિવસ પોતાનાં બધાં કામ તો મારી પાસે જ કરાવે છે. ‘જા, મારી ચંપલ લઈ આવ. જા મારી થેલીમાંથી ફલાણું લાવ ને ઢીંકણું લાવ’. તો મારે ક્યારે રમવાનું? બેની તો હજુ ઘોડિયામાં છે ને એની પાસે કેટલા બધા રમકડા છે! જે મહેમાન આવે તે બી રમકડા લઈ આવે. મારી પૈડાગાડી તો ઘરે જ છે તે કોણ ચલાવે? અંઈ લાવતે તો કેટલુ સારુ? પણ અંઈ ક્યાં મને બહાર જવા જ મળે છે? ‘જો, આ કમ્પાઉન્ડની બહાર પગ નથી મૂકવાનો સમજી? ખબરદાર જો પૂછ્યા વગર કશે ગઈ તો.’ પહેલે દિવસે જ મળેલી ધમકીથી રમા નિરાશ થઈ ગયેલી.
રમાની મા જ્યાં કામ કરતી તેના નાના છોકરાને સાસરે, રમાને પટાવીને મોકલી અપાયેલી. દસ વર્ષની અબુધ છોકરી. માબાપથી ક્યારેય વિખૂટી ન પડેલી રમા એમના પૈસાને ખાતર અહીં આવવા રાજી થયેલી. ઘરની બહાર રમવા ટેવાયેલી રમા બેની સાથે પણ રમવા ન મળતાં મુરઝાવા માંડી ને એનાથી અવારનવાર પથારીમાં પેશાબ થવા માંડ્યો. થોડા દિવસ તો ધાકધમકીથી ચાલ્યું પણ એનાથી તો રોગ વકર્યો, પરિણામે રમાને ચૂપચાપ વિદાઈ અપાઈ. રમાના માથેથી તો જાણે કોઈએ પહાડ ઉતારી લીધો હોય એટલી ખુશ. જોકે એની ખુશી વધારે દિવસ ન ટકી. એક ઘરે એની રાહ જોવાતી હતી.
તે દિવસે તો ખાસ રમાને લેવા માટે ગાડી આવી. ડ્રાઈવર શોભાબેનની ચિઠ્ઠી લઈને આવેલો એટલે ના પાડવાનો તો સવાલ જ નહોતો. ફરી એક વાર રમાને સમજાવાઈ ને ફરી એક વાર એને કસાઈવાડે ધકેલાઈ. ચાર દિવાલના પીંજરામાં પુરાઈને રમાએ એનાથી ચાર કે પાંચ વરસ નાના છોકરા આગળ જાતજાતના ખેલ બતાવવાના રહેતા. કોઈ વાર ચોપડીઓમાં કે રમકડાંના ઢગલામાં રમા ખોવાઈ જતી તો એને બે ચાર ધોલધપાટ કરીને અસલી દુનિયામાં ખેંચી કઢાતી. રમા મમ્મીને યાદ કરીને ને પપ્પા સાથે કિટ્ટા કરીને એના ફ્રોકની બાંયથી આંખના કિનારા લૂછી કાઢતી. રમાને રમાડવાવાળું કે એને સમજવાવાળું કોણ હતું? જ્યાં ખુદ એના માબાપ જ પૈસાની લાલચમાં એને આમ દર દરની ઠોકર ખવડાવતા હોય ત્યાં બીજાને દોષ કેમ અપાય? હા, બીજાનો દોષ એટલો કે, બાળમજૂરી શબ્દ એમની મોટી મોટી વાતોની બહાર નીકળી શકતો નહીં.
કશેક પથારીમાં પેશાબની ફરિયાદ તો કશેક બાળક પર ઓછું ધ્યાન તો કશેક રમકડાંમાં ને ચોપડાઓમાં જ ધ્યાનના આરોપે રમા અહીંથી ત્યાં ફંગોળાતી રહી ને એનું બાળપણ ગુમાવતી રહી.
આખરે એક દિવસ એ માનસીની નજરે ચડી. જ્યાં રમાનું બાળપણ મુરઝાતું હતું તે ઘરની પડોસમાં માનસી રહેતી હતી. બે ચાર દિવસમાં જ એ પામી ગઈ કે, રમા પાસે રીતસરની મજૂરી જ કરાવાય છે. સવારે વહેલાં ઉઠવું અને રાતે બધાં સૂઈ જાય પછી સૂવું. ત્યાં સુધીમાં તો કદાચ આખા ઘરમાં એ કેટલાય માઈલોના ચક્કર કાપી ચૂકી હોય. ‘રમા...પાણી લાવજે.’ ‘રમા...ગૅસ બંધ કરજે.’ ‘રમા...બારણું ખોલજે, કોઈ આવ્યું લાગે છે.’ ‘રમા...રમા...રમા...’ એમ દરેક બૂમના પડઘા રૂપે રમા ચકરડી માર્યા કરતી ને રાતે પગ દુખવાની ફરિયાદ કર્યા વગર પડતાંની સાથે જ ઊંઘવા માંડતી. માનસીએ જાણી જોઈને પડોસમાં એક દિવસ રમાની વાત મૂકી. પાડોશણ તો જાણે રાહ જ જોઈ રહેલી તે એક પછી એક ફરિયાદ ગણાવવા જ માંડી. માનસીએ જો એને અટકાવી ન હોત તો કદાચ રમાને દુનિયાની ખરાબમાં ખરાબ છોકરી સાબિત કરીને જ રહેત. માનસી રમા વતી બધા અપમાનના ઘુંટડા પીતી ગઈ ને આખરે પાડોશણને, રમાને કાઢી મૂકવા સમજાવી લીધી.
બીજે દિવસે માનસી રમાના ઘરના દરવાજો ખખડાવતી હતી. રમાના માબાપને રમા પાસે બાળમજૂરી ન કરાવવા સમજાવીને રમાને સ્કૂલે મોકલવા રાજી કરી લીધા. રમાના ભણતરથી માંડીને એના પૂરેપૂરા ઉછેરની જવાબદારી હોંશે હોંશે સ્વીકારીને માનસીએ નિરાંતનો શ્વાસ લીધો. જાણે કસાઈવાડેથી કોઈ જીવને છોડાવ્યો!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર