દાદાજી

28 Jun, 2017
12:00 AM

કલ્પના દેસાઈ

PC: wikimedia.org

‘શીના, તું એક વાર મારે ત્યાં આવ અને મારા દાદાજીને મળ. તું ખુશ થઈ જશે મને જોઈને.’

‘એમ? એવું તે શું છે તારા દાદાજીમાં ખાસ? અમિતાભ બચ્ચન છે તારા દાદાજી?’

‘અરે, અમિતાભ કરતાં પણ એકદમ હેન્ડસમ. ગોરાગોરા, લાલ ટામેટા જેવા, ઋતિક રોશન જેવી બોડી ને પાછા સ્ટાલિશ. રસ્તા પર નીકળે તો બધી આન્ટીઓ તો ઠીક, આપણા જેવી ગર્લ્સ પણ બે મિનિટ એમને જોવા ઊભી રહી જાય. જુવાન કે બુઢ્ઢા, જે હોય તે બધા એમને જ જોયા કરે. આઈ એમ પ્રાઉડ ઑફ માય દાદાજી.’

‘ઓહો ! આટલું બધું કહે છે તો પછી મારે આવવું જ પડશે. ક્યારે મળશે તારા દાદાજીની અપોન્ટમેન્ટ?’

‘ચાલ હવે મસ્તી નહીં કર. દાદાજી સાંજે વૉક લઈને આવે પછી આવ. તારા પણ ક્લાસ પતી જાય. એક કામ કરજે. મારે ત્યાં જ જમીને જજે એટલે આપણે એમની ફિલ્મી સ્ટોરી જેવી વાતો પણ એન્જોય કરશું. ઓકે?’

શીના શનિવારે સાંજે કાજલના ઘેર સાડા સાતે પહોંચી ગઈ. બેલ વાગે તે પહેલાં જ કાજલે બારણું ખોલી શીનાને ‘વેલકમ’ કહેતાં અંદર ખેંચી લીધી. શીનાની નજર ઘરમાં બધે ફરી વળી.

‘દાદાજી ઉપર ફ્રેશ થવા ગયા છે, આવતા જ હશે. તું બેસ, હું મમ્મી-પપ્પાને બોલાવી લાવું.’

‘અરે, કંઈ નહીં, આવવા દે એ લોકોને એમની ફુરસદે. કામમાં હશે. હું કોઈ વીઆઈપી છું?’

‘હા, આજે તો તું જ વી.આઈ.પી. તું બેસ, હું આવી.’

કાજલને બેડરૂમ તરફ ગયાને એકાદ મિનિટ થઈ હશે, કે શીનાને એની પાછળ આવીને કોઈ ઊભું રહ્યું છે, એવું લાગતાં એ પાછળ ફરી.

‘હાય બ્યુટીફુલ !’

‘ઓહ હાય !’ શીનાએ ચોંકતાં જ પોતાની સામે ઊભેલા હેન્ડસમ શખ્સને જોયો. કાજલે કહેલું તેના કરતાં પણ ક્યાંય ચડિયાતો. કોઈ પણ એનાથી પહેલી નજરે જ ઈમ્પ્રેસ થઈ જાય એમાં કોઈ શક નહીં. દાદાજીએ લંબાવી રાખેલા હાથમાં શીનાએ હસીને પોતાનો હાથ મૂકી સ્માઈલ આપી.

‘હું શીના.’ શીનાએ હાથ પાછો ખેંચતાં કહ્યું.

‘હા, કાજલે સવારથી કહી રાખ્યું છે અને અમે બધાં જ, સવારથી તારી રાહ જોઈએ છીએ.’ દાદાજીએ હાથ પર હળવું દબાણ આપતાં બીજો હાથ પણ શીનાના હાથ પર મૂકી બંને હાથે શીનાનો હાથ દબાવ્યો.

અચાનક જ, અણધારેલી પરિસ્થિતિ ઊભી થતાં શીના એક મિનિટ જરા ચમકી.

‘ઓહ થેન્કયુ. સો નાઈસ ઓફ યુ.’ કહેતાં જોરમાં શીનાએ હાથ ખેંચી લીધો.

‘અરે શીના, મીટ માય હેન્ડસમ હીરો. માય એવર યન્ગ દાદાજી.’ કાજલ એના મમ્મી-પપ્પાને લઈને હોલમાં આવી, જ્યાં શીના પરાણે હસવાનો પ્રયત્ન કરતી હતી અને હેન્ડસમ દાદાજી પોતાની જીત પર મુસ્કાન વેરી રહ્યા હતા. મનમાં ને મનમાં તો, શીના પોતાના ગુસ્સાને દબાવી બેઠી હતી. ‘આ દાદાજી? આવો ચાલુ? કોઈ મહેનત વગર મળેલા રંગરૂપ પર આટલો ગુરૂર? હું એની દીકરીની દીકરી જેવી લાગું છું, તોય એના હરામીવેડા નહીં ગયા, પોતાને શું સમજે છે? હીરો દેખાય છે તો, દુનિયાની બધી સ્ત્રીઓને છોકરીઓ એની પાછળ લટ્ટુ બની જશે? એ બધીઓ પાસે કંઈ કામધંધો નથી તે તારી પાછળ ટાઈમ બગાડે? સાલા નાલાયક. ઊભો રહે, તને મજા ચખાડું.’ આવા લાળપાડુઓને સારી રીતે ઓળખતી શીનાએ બધાના દેખતાં જ એની પોલ ખોલવાનો નિશ્ચય કરી લીધો.

કાજલે શીનાની બધા સાથે ઓળખાણ કરાવી અને શીના આવતા મહિને ચંદીગઢની કૉલેજમાં ભણવા જવાની છે એ પણ જણાવ્યું. જમીને બધાં વાતે જ વળગેલાં એટલે થોડી વાર રહીને શીનાએ સૌની વિદાય માગી.

જતાં પહેલાં શીના કાજલની મમ્મીને પગે લાગી, એના પપ્પાને ઝડપથી પગે લાગવા જેવું કરતાં ઊભી થઈ ગઈ. જો કે, કાજલના પપ્પાએ દૂરથી જ બે હાથે આશીર્વાદ આપી દીધા, માથે હાથ મૂકવાની પણ કોઈ ચેષ્ટા ન કરી. છેલ્લે શીના જાણીજોઈને દાદાજીને વાંકી વળીને પગે લાગી. એને ખાતરી હતી તેવું જ થયું. દાદાજીએ એના વાંસે વહાલથી હાથ ફેરવ્યો, બે ખભે પકડી ઊભી કરી અને શીનાના માથે, ગાલે હાથ ફેરવતાં કહ્યું, ‘ઑલ ધ બેસ્ટ બેટા.’

‘વાહ દાદાજી, તમારી આશીર્વાદ આપવાની સ્ટાઈલ મને બહુ ગમી. દરેક છોકરી કે સ્ત્રીને તમે આવી રીતે જ બધે હાથ ફેરવીને આશીર્વાદ આપો છો? અરે, જરા તો શરમ કરો. આ કાજલના પપ્પાએ મને આંગળી સુધ્ધાં નથી અડાડી, જ્યારે તમે? આવી ત્યારના મને કોઈને કોઈ રીતે અડકવાનું બહાનું જ શોધો છો, તમે કાજલને કે એની મમ્મીને પણ આવી રીતે જ આશીર્વાદ આપો છો?’

કાજલ, ખરાબ નહીં લગાડતી પણ આ તારો હેન્ડસમ હીરો એક નંબરનો ચાલુ ને નાલાયક માણસ છે. એના મનમાં વહેમ છે કે, બધા એની પાછળ પાગલ થઈ જશે. માય ફૂટ ! આવા જંગલીથી તો દૂર જ સારા. એની પહેલી નજરથી જ મેં એને ઓળખી કાઢ્યો. પણ હવે તમે લોકો બરાબર ઓળખી લો, સાચવજે તારા દાદાથી, ગુડ બાય.’

સ્તબ્ધ વાતાવરણમાં કાજલના કાનમાં પડઘા પડતા રહ્યા,

‘આવતી રહે બેટા, દાદાજીના ખોળામાં બેસી જા જોઉં. મમ્મી ને પપ્પા તને હેરાન કરે છે? તારે દાદાજી પાસે આવી રહેવાનું હોં.’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.