ગ્રીન રૂમ
મહિલા દિનની ઉજવણી રૂપે શહેરના જાણીતા હૉલમાં, ખૂબ જાણીતા કલાકારો દ્વારા નાટક ભજવાઈ રહ્યું હતું, ‘સન્માન’. નારીનું સન્માન જાળવનાર અને ન જાળવનારના વિચારોને ખૂબીથી વણી લેતું અદ્ભૂત નાટક હતું. એક એક કલાકાર પોતાનો જીવ રેડીને, પોતાનાં પાત્રને સ્ટેજ પર જીવંત કરી રહ્યો હતો. દર્શકો મંત્રમુગ્ધ થઈ રહ્યા હતા. દરેક દૃશ્યે તાળીઓનો ગડગડાટ અને પ્રેક્ષકોની સાથે કલાકારો પણ ખુશ. મહેનત સફળ થઈ રહી છે, જોઈને દિગ્દર્શક અને બીજા સહકર્મીઓના મોં પર પણ સંતોષની લાગણી ફરી વળી.
દરેક શહેર અને દરેક ગામમાં પણ આ નાટક સફળતા મેળવી ધૂમ મચાવી રહ્યું હતું. સ્ત્રીઓના એવા કેટલાય પ્રશ્નો હતા, જેની દરેકને ખબર હોવા છતાં કોઈ એની સામે પડકાર ફેંકવા કે અવાજ ઉઠાવવા આગળ આવવાનું વિચારતું સુદ્ધાં નહીં. આ નાટક એ બહાને સારી સમાજસેવા પણ કરી રહ્યું હતું. નાટક જોતાં જોતાં અને જોયા પછી પણ લોકો વિચારતા થઈ જાય, એવી લોકોનાં દિલો પર નાટકે પકડ જમાવી હતી. મુખ્ય હીરોઈનનો દરેક દૃશ્યે બદલાતો પહેરવેશ સૌમાં કુતૂહલ ખડું કરતો. ‘કેટલી ઝડપથી આ હીરોઈન પાત્ર મુજબનો પહેરવેશ અને તેવો જ મેક અપ પણ કરીને ફટાફટ સ્ટેજ પર આવી જાય છે! વળી, દરેક દૃશ્યના સંવાદો પણ પાત્ર મુજબની લઢણના જ! વાહ! કહેવું પડે! અદ્ભૂત કલાકાર!’
નાટકના બંનેય અંકોમાં, પાત્રોની સતત અવરજવર રહેતી અને સાથે સાથે પાત્રોના પહેરવેશ પણ સતત બદલાતા રહેતા. જરાય કંટાળા વગરનું ને લાગણીથી છલોછલ નાટક પૂરું થતાં જ, હૉલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો. હવે સૌ રાહ જોઈ રહ્યા એ ક્ષણની, જ્યારે કલાકારોને મૂળ નામ સાથે સ્ટેજ પર રજુ કરવાના હતા. પ્રેક્ષકોને પાંચ મિનિટ શાંતિથી બેસવા અનુરોધ કરાયો. જ્યારે પડદો ખુલ્યો ત્યારે સ્ટેજ પર સૌ કલાકારો હાથ જોડીને પ્રેક્ષકોનું અભિવાદન કરતા નજરે ચડ્યા. ફરી જોરદાર તાળીઓ. વારાફરતી કરાવાતી કલાકારોની ઓળખાણ સાથે, વારંવાર પડતી કેટલીય તાળીઓ વચ્ચે, ગ્રીન રૂમમાંથી એક ચહેરો પણ ડોકાઈને આ આનંદની પળોને અશ્રુભીની આંખે માણી રહ્યો હતો.
અચાનક એ ચહેરાની સામે કોઈ આવીને ઊભું રહ્યું. ‘ચાલ.’
‘ક્યાં?’
‘સ્ટેજ પર. તારી ઓળખાણ કરાવું.’
‘ના, ના. મારી ઓળખાણ શું કામ? હું કંઈ થોડી નાટકમાં કામ કરું છું?’
‘હું કહું છું ને, ચાલ.’
કંઈક ગભરાટ અને કંઈક ક્ષોભ સાથે એ ચહેરો સ્ટેજ પર હાજર થયો. સૌ આશ્ચર્યથી જોઈ રહ્યા. આ કોણ? આના જેવું દેખાતું કોઈ પાત્ર તો નાટકમાં નહોતું. કોણ હશે આ?
સૌની મૂંઝવણ દૂર કરતાં, નાટકના દિગ્દર્શકે એ ચહેરાની ઓળખાણ કરાવી.
‘આ મારી પત્ની છે, આ નાટકની તમારી પ્રિય હીરોઈનની મા.’
સૌએ તાળીઓથી માને વધાવી લીધી પણ હજી ઓળખાણ અધૂરી હતી.
‘તમને સૌને આશ્ચર્ય તો થયું જ હશે, કે નાટકમાં આવતું દરેક પાત્ર આટલી ઝડપથી, પોતાનો પહેરવેશ કઈ રીતે બદલીને તરત જ સ્ટેજ પર હાજર થતું હશે, ખરું ને? દરેક દૃશ્યનો જુદો પહેરવેશ અને મેક અપ પણ જુદો જ. આ શક્ય બન્યું ફક્ત અને ફક્ત, મારી પત્નીની મહેનત ને લગનથી. દરેક કલાકાર માટે દૃશ્ય મુજબનાં કપડાં તૈયાર રાખવાં, એમનો મેક અપ દર વખતે ઠીકઠાક કરવો, દરેકને ડાયલૉગ પણ યાદ કરાવી દેવા અને એમના મૂડનો કે ખાવાપીવા જેવી મહત્ત્વની દરેક નાની મોટી વાતોનો, મારી પત્ની સુલેખા ખૂબ કાળજીથી ધ્યાન રાખે છે. હંમેશાં મારા નાટકની સફળતાનો સંપૂર્ણ શ્રેય તો હું મારી પત્નીને જ આપું છું, પણ બધાંને વહેંચી દેવામાં એને આનંદ મળતો હોવાથી, દર વખતે આ શ્રેય પણ એ બધાંને જ વહેંચી દે છે. મને મારી પત્ની પર ગર્વ છે. આપ સૌએ આ નાટક માણ્યું અને આપને ગમ્યું, તે બદલ અમે સૌ આપનાં ખૂબ જ આભારી છીએ. ફરી મળશું એ વાયદા સાથે અલવિદા.’
ત્યાર પછીની તાળીઓ તો, સ્વાભાવિક જ પેલા ચહેરા માટે, પેલી મા માટે જ હતી. સ્ટેજ પર ઊભેલા કલાકારો પણ માને વળગી પડ્યા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર