જુલમ સહેવો કે સામા થવું?
‘રમીલા, તું પાછી આજે મોડી આવી? સીધી રીતે કામ કરવું છે કે આમ જ ખાડા પાડવાના, મોડાં આવવાનું ને અમને હેરાન કરવાનાં? તને નહીં ફાવતું હોય તો ના કહી દે, અમને બીજા કોઈને શોધવાની સમજ પડે.’ રમીલા કામ પર મોડી આવતાં શોભાબેને હંમેશનો બબડાટ કરીને તેમનો ઊભરો કાઢ્યો. એમની વાત પણ ખોટી તો નહોતી. રોજ રોજ કામની દોડાદોડી પછી શોભાબેને જ કરવી પડતી અને ઘરમાં ધમાલ થઈ જતી તે અલગ.
રમીલા કંઈ બોલ્યા વગર ચૂપચાપ કામે વળગી ગઈ. શોભાબેનને નવાઈ લાગી. કામ પર ન આવવાની લાંબી લાંબી વાર્તા કરવાની રમીલાને ટેવ હતી. શોભાબેન પણ દર વખતે બધું હસવામાં ઊડાવીને એને માફ કરી દેતાં. એમ તો, રમીલા સ્વભાવે શાંત ને કામમાં પણ સારી. મૂળ તો દાનતે ચોખ્ખી હોવાથી શોભાબેનને બધી વાતે શાંતિ હતી. જોકે, હમણાં થોડા દિવસોથી રમીલા કલાક–બે કલાક મોડી આવતી થઈ હતી પણ આવીને ચૂપચાપ કામે લાગી જતી ને કામ પતાવી ચાલવા માંડતી. હવે એ પહેલાં જેવી વાતો નહોતી કરતી. શોભાબેનને શંકા જતાં એમણે રમીલાને પૂછયું, ‘રમીલા ઘરમાં કંઈ ગરબડ ચાલે છે? કેમ આજકાલ કંઈ બોલતી નથી?’
રમીલાએ કંઈ જ બોલ્યા વગર વાંકા વળી સલવારના બંને પાયચા ઊંચા કરી પગ પર પડેલા લાલ લાલ સોળ બતાવ્યા. ઊભી થઈને કૂર્તો ઊંચો કરીને વાંસા પરના સોળ બતાવ્યા ને શોભાબેનને ઘૂટણિયે પડી રડતી ગઈ ને બોલતી ગઈ, ‘બેન, મને મારો વર બો મારતો છે. રોજ દારૂ પીને આવે, ધમાલ કરે, ખાવાનું ઊડાડી મેલે ને પોઈરાંને હો હૂતેલા ઉઠાડીને મારવા વરગે. અવે મારાથી સહન નથી થતું. પેલા હો પીતો પણ આવુ નીં કરતો. આજકાલ ખબર નીં કેમ પણ મારવાનું જ ચાલુ કરી દીધું ને પૈહા હો નીં આલે. પેલા તો ઘરમાં અનાજપાણીના ને બજારના પૈહા આલતો, પોઈરાઓને જોઈતું લાવી આલતો ને કોઈ જાતની માથાકૂટ નીં ઊતી. પણ અમણે આખ્ખો દાડો પીને પડી રેય ને મારા પૈહાના હારુ બેહી રેય. ઉં નીં આલુ તો પછી આવુ મારે. પૈહા આલુ તે હો દુખ. પૈહા મલતા જ દારૂ પીને ધમાલ કરે ને અમને બધાને મારવા લેય.’ હીબકે ચડેલી રમીલાની કહાણી સાંભળી શોભાબેન તો સૂન મારી ગયાં.
બાપ રે! આ છોકરી આટલું બધું ચૂપચાપ સહન કરે છે જ કેવી રીતે? ને એનો વર રાક્ષસ છે કે કોણ છે? દારૂ પીવામાં એટલું ભાન નથી રહેતું કે, એ એનાં બૈરી–છોકરાંને જ મારે છે? એને ખાવા ને પીવાના પૈસા પણ એની ઘરવાળી જ આપે છે તેની એને જરાય કદર નથી? ઉલટાનો એને જાનવરની જેમ મારીને અધમૂઈ કરી નાખે છે? ને બિચારાં બાળકોનો શો વાંક? શોભાબેનની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એમણે રમીલાને શાંતિથી બેસાડી પાણી આપ્યું ને ચા–નાસ્તો કરાવ્યો. ‘જો તું કામની ચિંતા નહીં કર. પહેલાં આપણે પોલીસ–સ્ટેશને જઈએ. તારા વરની સામે ફરિયાદ લખાવી દઈએ, એટલે જો બે દિવસમાં એ સીધો થઈ જાય છે કે નહીં?’
આ સાંભળતાં જ રમીલા ગભરાટની મારી ઊભી થઈ ગઈ. ‘ના ના, પોલીસમાં નથી જવું. ઘેરે આવીને તો એ વધારે પીહે ને અમને વધારે મારહે. એના કરતા તમે પરકાસને બોલાવીને હમજાવજો, તમને એ બો માનતો છે.’
શોભાબેનને થયું, ચાલો સમજાવટથી જો વાત પતતી હોય તો નકામું પોલીસ સ્ટેશને નથી જવું. ‘તો પછી, એક કામ કરજે. પ્રકાશ જ્યારે પીધેલો ન હોય ત્યારે એને કહેજે કે, મેં એને બોલાવ્યો છે.’
રમીલાના ગયા પછી શોભાબેનનું કોઈ કામમાં ચિત્ત ન ચોંટ્યું. તેના પગ પરના ને વાંસા પરના સોળ નજર સામે ભૂતાવળની જેમ નાચતા હતા. શોભના બહેનનું મગજ બહેર મારી ગયું હતું. આટલા જુલમ છતાં રમીલા અહીં કામ કરવા પણ આવતી હતી ને મારી સામે એક શબ્દ પણ બોલી નહોતી. જો હું પૂછત નહીં તો કદાચ હજી એની વ્યથા મારી આગળ ઠાલવત જ નહીં. રાતે રવિભાઈ આગળ એમણે રમીલાની વાત કરી. રવિભાઈએ પણ પોલીસમાં ફરિયાદ આપવા જ જણાવ્યું પણ શોભાબેને કારણ સમજાવી ના પાડી. આખરે પ્રકાશને સમજાવવા પર વાત અટકી.
બે–ત્રણ દિવસ પછી પ્રકાશ શોભાબેનને મળવા આવ્યો. પગે લાગ્યો ને ડાહી ડાહી વાત કરવા માંડ્યો. શોભાબેને એને વાતમાં પાડી ધીરે રહીને સમજાવ્યો કે, ‘દારૂ બહુ ખરાબ ચીજ છે. તારું શરીર એમાં જ ખલાસ થઈ જશે ને તું વહેલો મરી જશે તો તારાં બૈરી–પોઈરાં રખડી જશે. સારી રીતે નોકરી કર ને તારા ઘરનાં સાથે મજા કર. આ તારું કામ નથી.’ વગેરે વગેરે સલાહો આપીને શોભાબેને નિરાંતનો શ્વાસ લીધો. જાણે કે, ઘરે જઈને પ્રકાશ સુધરી જવાનો !
આમ જ થોડા વધુ દિવસ નીકળી ગયા. ન તો પ્રકાશે કોઈની સલાહ માની કે ન કોઈનો એના પર ધાક બેઠો. ઓછું–વધતું પીતા ને કોઈ વાર ધમાલ કરતા ને કોઈ વાર મોજ કરતા કરતા પ્રકાશ ને રમીલાનો સંસાર ગબડી રહ્યો હતો. ગબડતાં ગબડતાં એમનો સંસાર ઊંડી ખાઈ તરફ ધકેલાતો હતો તે કોઈ નહોતું જાણતું. આમ પણ ઝૂંપડપટ્ટીઓમાં વસતી અને અકારણ ખુવાર થઈ જતી આવી અનેક સ્ત્રીઓની ચિંતા પણ કોણે હોય?
પ્રકાશ હવે ચોવીસ કલાક પીને પડી રહેવા માંડયો. તેની ધમાલ ઓર વધી ગયેલી. તેજસ અને લાલી આટલી મુસીબતો વચ્ચે પણ ભણવામાં હોશિયાર હોવાથી સારું ભણતાં હતાં. રમીલાને આજકાલ એક જ વિચાર સતત સતાવતો હતો. કાલ ઊઠીને લાલી પરણી જશે ને સાસરે જતી રહેશે, તેજસ કમાવા બહાર જશે ત્યારે એનું કોણ? શું એણે આખી જિંદગી આમ જ ઢોરની જેમ કામ કરીને માર જ ખાધે રાખવાનો છે? એણે શોભાબેન આગળ પોતાની મૂંઝવણ જણાવી. શોભાબહેને કંઈક વિચારી લીધું ને રમીલાને સમજાવી દીધી.
એક રાતે પ્રકાશે હંમેશની જેમ ઘર માથે લીધું. હજી તો ખાવા જ બેઠો, કે કોઈ બહાનું શોધીને એણે બરાડો પાડ્યો ને થાળી ફેંકી દીધી. ઊભો થઈને એ રમીલાને મારવા જતો હતો કે, રમીલા પણ તરત જ ઊભી થઈ ગઈ. પ્રકાશનો ઊંચો થયેલો હાથ જોરમાં પકડી એણે મચડી કાઢ્યો અને બળપૂર્વક એક ધક્કો મારીને તેને પાછળ હડસેલી દીધો. પ્રકાશની સઘળી તાકાત તો દારૂએ છીનવી જ લીધી હતી.
પરંતુ આજે રમીલાએ કંઈક અલગ જ રૂપ ધારણ કર્યું હતું. રમીલાનું રૌદ્ર સ્વરૂપ જોઈને બાળકો આશ્ચર્યમાં પડી ગયા. અને દીવાલ સાથે અથડાયેલા પ્રકાશના શરીરમાં જાણે લખલખું પસાર થઈ ગયું. રમીલાના ચહેરા પરની રેખાઓ જોઈને પ્રકાશ પામી ગયો કે એની સામે જે રમીલા ઊભી હતી એ માર ખાઈને બેસી રહેતી ગભરું રમીલા ન હતી. આ તો કોઈ રણચંડી હતી, જે હવે પાછળ હટે એવી ન હતી. પ્રકાશે હવે વધુ ધમાલ નહીં કરતા શાંતિથી સૂઈ જવાનું જ મુનાસિબ સમજ્યું. રમીલાના આ પ્રતિકાર પછી પ્રકાશના સ્વભાવમાં ધરખમ પરિવર્તન આવ્યું અને તેના મનમાં રમીલાની ધાક બેઠી.
ત્યાર પછી પ્રકાશે દારૂ પીવાનું તો નહીં છોડ્યું પરંતુ દારૂ પીને રમીલાને મારવાનું બંધ કર્યું. આવા ઘરેલું અત્યાચારનો એક જ રસ્તો છે કે સ્ત્રીઓ સંસાર બગડવાના ડરને કારણે અન્યાય સહી લેવા કરતા એકવાર હિંમતપૂર્વક પ્રતિકાર કરી લેવો જોઈએ, જેથી વારંવાર થતાં આવા ઝગડામાંથી શાંતિ મેળવી શકાય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર