સાલ મુબારક

18 Oct, 2017
04:28 PM

કલ્પના દેસાઈ

PC: youtube.com

દિવાળીનું એક અઠવાડિયું નિકુંજભાઈના ઘરમાં ધમાલ રહેતી. નિકુંજભાઈના બે ભાઈઓ અને ત્રણ દીકરાઓ પરિવાર સમેત આખું ઘર ગજવતા રહેતા. જુની વાતોના પટારા ખૂલતા, એકની એક વાતોની મજા લેવાતી અને ખુશીના માહોલની વચ્ચે દિવાળીના નાસ્તા ખવાતા રહેતા, ફટાકડાઓ ફૂટતા રહેતા અને આંગણા સહિત સૌના દિલોમાં પણ અવનવી રંગોળીઓ પૂરાતી રહેતી. એક અઠવાડિયું તો જોતજોતામાં વીતી જતું અને સૌ છૂટા પડતાં ફરી નવી દિવાળીની રાહ જોવાની વાતોમાં પડી જતાં.

દિવાળી તો રંગેચંગે ઉજવાતી અને કોઈને કોઈ વાતે મનમાં કચવાટ ન રહે એનું નિકુંજભાઈ અને નલિનીબહેન તરફથી પૂરતું ધ્યાન રખાતું. છતાંય દરેકના દિલની વાતમાં સ્વભાવમાં છાના ખૂણામાં તો કોઈ ન ભરાઈ શકે ને? આટલા બધા લોકોની હો-હા અને હાહા હીહીમાં વહુઓના દિલોની વાત ફક્ત એ ત્રણ જ જાણતી. બન્ને કાકાને ત્યાં જમાઈ મહેરબાન હતા, વહુઓ નહોતી, એટલે આ સમસ્યા નિકુંજભાઈને ત્યાં જ હતી.

વાત ખાનગી પણ હતી અને શરમજનક પણ હતી. ત્રણેય વહુઓ એકબીજીને કહી શકે અને મનમાં જ સમજીને બેસી રહે તેવી હતી. ન તો વરને કહેવાય કે ન તો સાસુને કહેવાય. સામેની વ્યક્તિ જ કુટુંબમાં એટલું આદરભર્યું સ્થાન ધરાવતી હતી કે, વહુઓની વાત તો કોઈ માનવા પણ તૈયાર ન થાય.

બેસતા વરસની આગલી રાતે પરવારીને ત્રણેય વહુની ખાનગી મિટિંગ ચાલી.

‘મોટીબેન, કાલે પાછુ નાના કાકાને પગે લાગવાનો દિવસ આવી ગયો. મને તો આ જ વાતનો બહુ ગુસ્સો આવે. બેટા, બેટા કરીને લહેરથી આપણે વાંસે હાથ ફેરવી લે.’

‘હા, વહુ, મને પણ એટલી દાઝ ચડે ને એ બુઢ્ઢા પર. આવ બેટા, મારા તને આશીર્વાદ છે,’ બોલવા માંડે એટલે જ મને તો બીક લાગવા માંડે કે હમણાં એનો હાથ મારા વાંસા પર ફરી જશે. આપણે પપ્પા ને વચલા કાકા કેટલા સારા ને સમજુ છે! આપણે વાંકા વળીને પગે લાગીએ, તોય દૂરથી હાથ ઊંચો કરીને આશીર્વાદ આપી દે.’

‘તે આ નાનીકાકી, વિભાકાકી કે આપણી મમ્મીના ધ્યાનમાં કેમ નહીં આવતું? આપણા વરને કહ્યું હોય ને તો, મોટી ધમાલ થઈ જાય.’

‘હા, તે પરિવાર ના તૂટે એટલે સ્તો આપણે સમજીને ચૂપ રહીએ છીએ પણ આ વખતે કંઈક કરવું પડશે.’ સૌથી નાની ઈરાએ પોતાના મનની વાત કહી દીધી.

‘ના, ના. જો જે પાછું કંઈ કરતી. આપણે તો ધારીએ તોય મોટા ઘરની આબરૂની ખાતર ચૂપ રહેવું પડે. અને પપ્પાજીને કેટલું દુઃખ થાય? એમને કેવું લાગે?’

‘તો પછી શું કરીએ? પગે તો લાગવું જ પડશે ને? વડીલના આશીર્વાદ વગર આપણું વરસ ખરાબ જશે તો?’

ત્રણેય વિચારોની આપ-લે કરતી રહી. આખરે એક વિચાર પર ત્રણેય સહમત થઈ ગઈ અને મનોમન ખુશ થતી શાંતિથી સૂઈ ગઈ.

નવા વરસની સવારે તો ‘સાલ મુબારક’ના નારાથી જાણે ઘર ગુંજી રહ્યું. બાળકોએ પણ વહેલા ઊઠી-પરવારીને વડીલોના આશીર્વાદ લીધા. અને ભેગાં થઈ બહાર ફટાકડા ફોડવા દોડી ગયાં. આગલા ઓરડામાં નિકુંજભાઈ અને નલિનીબહેન, વહુઓ અને દીકરાઓની રાહ જોતાં બેઠેલાં.

પછી વારાફરતી સૌ મંદિરે જવા નીકળી જવાનાં હતાં.

ત્રણેય ભાઈઓ એમની પત્નીઓ સહિત મા-બાપના આશીર્વાદ મેળવી ધન્ય થયા.

‘જાઓ, કાકાઓના અને કાકીઓના પણ આશીર્વાદ લઈ આવો. પછી અમે મંદિરે જઈએ.’

ઘરના ઉપરના માળે વચેટ કાકાના રૂમમાંથી સૌ આશીર્વાદ લઈને નીકળ્યા પછી નાના કાકાના રૂમમાં જતાં પહેલાં ત્રણેય વહુઓએ આંખોથી ઈશારા કરી લીધા.

નાના કાકા તો આશીર્વાદ આપવા રાહ જોતાં તૈયાર જ બેઠેલા. ખુશી ખુશી સૌને આવકારી બેસાડ્યા. કાકીના હાથમાંથી મીઠાઈ લઈ દીકરાઓ વાંકા વળી વડીલોને પગે લાગ્યા. અને વહુઓએ કાકાથી બે ફૂટ દૂર ઊભા રહી નમસ્તેની મુદ્રા કરી સહેજસાજ વાંકા વળી મનમાં બબડી લીધું. કાકાએ અસમંજસમાં દૂરથી હાથ લાંબો કરી, ‘સૌભાગ્યવતી ભવ’ ગણગણી લીધું.

રૂમની બહાર નીકળી ત્રણેય ભાઈઓના આશ્ચર્ય વચ્ચે વહુઓએ એકબીજાના હાથમાં તાળી ઠોકતાં કહ્યું ‘સાલ મુબારક...’ સૌભાગ્યવતી ભવ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.