‘બિચારી?’
‘ગોકુલ ધામ’ બોલી રેવાએ રિક્ષામાં બે ભારે થેલા ગોઠવી દીધા ને હાશ કરતી બેઠી. ‘હવે અઠવાડિયાની નિરાંત.’ મનમાં ગણગણી રેવાએ બિલ કાઢી બધો હિસાબ ગણવા માંડ્યો. રિક્ષા ટ્રાફિકમાં અટકતી, ભાગતી, ઉછળતી ને અચાનક બ્રેક મારતી આગળ વધી રહી હતી. ‘ભાઈ જરા ધીરે. મારે મરવાની કોઈ ઉતાવળ નથી.’ ધ્યાનભંગ થયેલી રેવાએ ડ્રાઈવરને ટપાર્યો.
રિક્ષાવાળાએ માફી માગતાં રિક્ષા થોડી ધીમે ચલાવવા માંડી. નદી પાર ગોકુલધામ જવા માટે એક લાંબો બ્રિજ પાર કરવો પડતો. રિક્ષા બ્રિજ તરફ વળી ગઈ. બપોરનો સમય હોઈ બ્રિજ પર પાંખો ટ્રાફિક હતો. રેવા એના ધ્યાનમાં મગન હતી. અચાનક રિક્ષા ઊભી રહી જતાં રેવાએ ઊંચે જોયું. રિક્ષાવાળો રિક્ષામાંથી ઊતરી ઝડપથી ફૂટપાથ પર જતો રહ્યો. કોઈ કામ યાદ આવ્યું હશે, સમજી રેવા એને જોતી રહી. અચાનક જ એ તો બ્રિજની રેલિંગ પર ચડી ગયો. રેવાનો શ્વાસ અધ્ધર થઈ ગયો. ‘અરે બાપ રે! આ તો નદીમાં કૂદી પડવાનો!’
ગભરાયેલી રેવા ફટાફટ રિક્ષાવાળા પાસે પહોંચી ગઈ. હતું તેટલું જોર લગાવી પેલાને રેલિંગ પરથી નીચે ખેંચી લીધો. ‘ભાઈ, આ શું કરો છો તમે?’
રિક્ષાવાળો બંને હાથમાં મોં છુપાવી જોરમાં રડી પડ્યો. ‘મારે હવે નથી જીવવું, મારે મરી જવું છે.’ ‘અરે, પણ અચાનક જ તમને શું થઈ ગયું કે એમ તમે મરવા તૈયાર થઈ ગયા? તમે કંઈ વાત કરો કે કંઈ બોલો તો હલ નીકળે. બધી મુશ્કેલીના રસ્તા નીકળી શકે. એમ મરી જવાથી કંઈ તમારી તકલીફ દૂર નથી થઈ જવાની. ચાલો, રિક્ષામાં બેસો, ને મને બધી વાત કરો. મારાથી કોઈ મદદ થશે તો હું જરૂર કરીશ બોલો, શું થયું છે?’
રિક્ષાવાળાએ રડતા રડતા જણાવ્યું, કે એના ચાર બાળકો છે. ત્રણ એક જ સ્કૂલમાં ભણે છે અને ચોથું હજી ઘોડિયામાં છે. હોંકારો પૂરતાં રેવાને દયા આવી ગઈ, ખાવાનાં પણ ફાંફાં છે ને ચાર ચાર છોકરાં? પેલાએ એની દુ:ખદ કહાણી આગળ ચલાવી. ‘છ મહિનાથી રિક્ષા બંધ હતી. બેંકના હપ્તા ભર્યા નહોતા એટલે બૅંકે જમા કરી દીધેલી. તમારા જેવા એક દયાળુ ભાઈએ બૅંકમાં મારા પૈસા ભર્યા છે, એટલે હવે અઠવાડિયાથી જ ચાલુ થઈ છે. મારે એમને તો પૈસા પાછા વાળવાના ને? છોકરાંઓની સ્કૂલમાં ચાર મહિનાથી કોઈની ફી નથી ભરાઈ એટલે કાલે જ બધાંને ઘરે રવાના કરી દીધાં. ‘હવે ફી હોય તો ભણવા આવજો’ એમ કહી દીધું. ઘરે તો ખાવાનાં ફાંફાં જ છે ને તેમાં પત્નીની અવારનવારની બિમારી. હવે તમે બોલો કોઈ મરે નહીં તો શું કરે?’
રિક્ષાવાળાના વાક્યે વાક્યે રેવાનું દિલ કકળતું હતું. અરેરે! આને ખાવાનાં ફાંફાં છે, એનાં છોકરાંને સ્કૂલમાંથી કાઢી મૂક્યાં છે, એની પત્ની બિમાર છે અને એ મારી નજર સામે જ નદીમાં કૂદી પડવાનો હતો! જ્યારે હું? પાંચ હજારનો ફક્ત અઠવાડિયાનો જ સામાન લઈને ખુશ થાઉં છું. જ્યાં સુધી આવા લોકો છે, ત્યાં સુધી મને ખુશ થવાનો કોઈ હક નથી.
‘ભાઈ, મારાથી તમને વધારે મદદ તો નહીં થઈ શકે, પણ તમારાં બાળકોની ફી હું ભરી આપું એટલે એ લોકોનું ભણવાનું ન બગડે અને થોડું શાકભાજી સાથે અનાજપાણી પણ આપું. બધું મળીને કેટલી ફી થાય છે?’ ‘ચાર મહિનાની બે હજાર અને આ મહિનાની પાંચસો.’ ‘જુઓ, હાલ તો મારી પાસે એટલા રોકડા નથી પણ હું તમને ઘરે જઈને આપું. તમે આજે જ સ્કૂલમાં બધાંની ફી ભરી દેજો, એટલે કાલથી બધાં સ્કૂલે જવા માંડે, સમજ્યા?’ રિક્ષાવાળો તો ફરી રડવા માંડ્યો. જો કે, આ વખતે એની આંખોમાં હર્ષનાં આંસુ હતાં. રેવાને પગે પડવાનું બાકી રાખ્યું હશે, એટલી વાર એણે ગળગળા સાદે રેવાનો આભાર માન્યે રાખ્યો.
ઘરે જતાં જ રેવાએ સૌથી પહેલાં રિક્ષાવાળાને ચા નાસ્તો કરાવ્યો. બિચારો ગરીબડો રિક્ષાવાળો, એક તરફ બેસીને રેવા તરફ આભારની નજરે જોઈ રહેલો. આ દયાની દેવીનો આભાર શી રીતે મનાય? ‘બેન, તમે હવે જ્યારે પણ એ તરફ આવો તો મારી રિક્ષામાં જ બેસજો. હું ભાડું નહીં લઉ. મને બહુ ખુશી થશે.’ રેવાએ સ્મિત કરતાં એના હાથમાં પાંચ હજાર મૂક્યા. ‘હવે ધ્યાન રાખજો ને પત્નીની દવા પણ કરાવજો બરાબર.’ રિક્ષાવાળો તો રેવાના પગમાં જ પડી ગયો. વિદાય લઈને ફરી આભાર માનતાં, વળી વળીને રેવા તરફ જોતાં એ રિક્ષા હંકારી ગયો. રેવાને એક દરિદ્રમાં નારાયણનાં દર્શન થયાં. એની પૂજા સફળ થઈ.
રેવાએ રાતે જમતી વખતે, માનવ આગળ રિક્ષાવાળાની કહાણી ગદ્ગદ થતાં કહી સંભળાવી. વાત સાંભળતી વખતે જ માનવના મોં પરના હાવભાવ તો બદલાવા જ માંડેલા, પણ એણે મન પર કાબૂ રાખ્યો.
‘સારું થયું કે હું મળી, તો બિચારાને મદદ થઈ રહી. બાકી કોણ એની બિચારાની મદદ કરત? મને તો એનાં છોકરાંની દયા આવી ગઈ, એટલે મારાથી રહેવાયું નહીં. પાંચ આપ્યા તે બરાબર ને?’ માનવને સમજ નહોતી પડતી, કે રેવાની દયા ખાવી કે એના પર ગુસ્સો કરવો? ગુસ્સાને બાજુ પર મૂકી એણે રેવાને બે ચાર સવાલો એવા પૂછ્યા, કે રેવા પણ માથું ખંજવાળતી થઈ ગઈ.
‘એ રિક્ષાવાળાની રિક્ષાનો નંબર લીધો? એનું નામ પૂછ્યું? એનાં બાળકો કઈ સ્કૂલમાં ભણે છે તે જાણ્યું? એને પૈસા આપવાને બદલે, તું જાતે બધી વાતની ખાતરી કરી શકત કે નહીં? એને ઘરમાં બેસાડ્યો એને બદલે બહાર બેસાડીને પણ ચા–નાસ્તો આપી શકત ને? રિક્ષાના પૈસા આપીને એને રવાના કરી શકાત? ઘરમાં તને એકલી જાણીને ઘર સાફ કરી જાત તો? આજ કાલ તો ભલભલા કિસ્સા બને છે, એવો કોઈ કિસ્સો બની જાત તો? પાંચ હજારનો સવાલ નથી પણ તારી થોડી દયા, માયા કે ભલમનસાઈનો કેવો મોટો બદલો આપણે ચૂકવવો પડત તે નહોતું વિચાર્યું?’
રેવા શું બોલે?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર