રજા

23 Aug, 2017
12:01 AM

કલ્પના દેસાઈ

PC:

‘મમ્મી...રમલીને કહેજો આજે નવાં કપડાં ધોવાનાં છે તો પરવારીને મને જણાવે.’

‘રમાનો તો સવારે જ ફોન આવી ગયો. એ બે દિવસ નથી આવવાની.’

‘વાહ! આ બહુ સરસ. ફોન કરી દેવાનો એટલે કોઈ કંઈ બોલે જ નહીં. કેમ એણે તમને ફોન કર્યો? મને ફોન કરતાં એના પેટમાં દુ:ખે? જાણે, કે હું એને દસ સવાલ પૂછીને ખખડાવી કાઢીશ એટલે મને શાની ફોન કરે? તમે લોકોએ જ બધાંએ ભેગાં થઈને એને બગાડી મૂકી છે. પગાર લે છે, કંઈ મહેરબાની નથી કરતી. હવે આવે તો એને મારી સાથે વાત કરવા કહેજો. હું જોઉં જ છું, આજકાલ એનાં નખરાં કંઈ વધારે જ વધી ગયાં છે. તમે લોકો એની આળપંપાળ કરો પછી એ કંઈ મને ઓછી ગાંઠે? આવવા દો, પછી વાત છે એની.’ બબડતી બબડતી ચૈતાલી રૂમમાં જતી રહી.

નયનાબહેને બન્ને કાનમાં આંગળી ભેરવી જોરમાં હલાવી. હાશ! સારું લાગ્યું. હવે પાછું રમાપુરાણ ચાલે ત્યાં સુધી શાંતિ. એમણે રૂમમાં જઈ પોતાનો કબાટ ગોઠવવા માંડ્યો. બહુ દિવસથી રહી જાય છે, આજે તો ગોઠવી જ કાઢું. રમા નથી આવી તો શું? સાવિત્રી આવીને બધું કામ તો પતાવી ગઈ, પછી શું વાંધો? તોય નહીં. ચૈતાલીને તો રમા એટલે રમા જ જોઈએ. આખો દિવસ આંગળીને ઈશારે પછી ઘરમાં કે ઘરની બહાર ચકરડીએ ફેરવી શકાય ને? ‘રમા, ફલાણું લાવજે. રમા ઢીકણું લાવજે. રમા પેલી સાડી ક્યાં મૂકી? રમા મારી પથારી હજી લેવાની બાકી જ છે? શું કરે છે ક્યારની?’ ઓહો! રમા ને રમા! આખો દિવસ રમા વગર રહેવાતું જ ન હોય, એમ ડગલે ને પગલે રમાના નામની બૂમો પાડ્યા કરે.ચાલ જવા દે, હું વળી ક્યાં એ બધા વિચારે ચડી? 

થોડી વારમાં જ ચૈતાલી પાછી આવી.

‘મમ્મી, બળેવ તો કાલે છે ને? પછી આજે કેમ રજા પાડી પેલી રમલીએ?’

‘એના ભાઈઓ ને ભાભીઓ આવશે ને? એમના માટે બધી તૈયારી કરવાની એટલે આગલે દિવસે જ રજા પાડે ને?’

‘બધી બહુ તૈયારી કરવાની! એ લોકોને ઓછી જ આપણી જેમ બધી તૈયારી કરવાની હોય? અમસ્તી બસ બહાનાં જ શોધ્યા કરે ને તમે એની બધી વાતે હા એ હા. શિશિરને કંઈ કહેવા જાઉં તો કહે, કે એ બધી વાતમાં મને નહીં પાડવાનો. તો મારે કોને કહેવાનું? આવવા દો આ વખતે. એનો પગાર જ કાપી લેવાની છું. નહીં આવવું હોય તો નહીં આવે, બીજી બહુ જોઈએ તેવી મળી જશે. હજી તો તહેવાર ચાલુ થયા અને એની રજા ચાલુ થઈ ગઈ. પછી માંદી પડે તેની રજા, છોકરાં કે વર માંદો પડે તેની રજા તો બાકી જ. કેટલી રજા પાડે કંઈ ભાન હશે એને? આપણે બીજી શોધવા માંડવી પડશે. આમ નહીં ચાલે. હવે આવે ને તો મારી સાથે વાત કરવા કહેજો. તમે કંઈ બોલતાં નહીં પ્લીઝ.’ વળી ચૈતાલી એના રૂમમાં ભરાઈ ગઈ.

નયનાબહેનને હસવું આવ્યું. હે ભગવાન! હવે જ્યાં સુધી આ રમા નહીં આવે ત્યાં સુધી કોઈ ને કોઈ બહાને ચૈતાલીના જીવને જપ નહીં વળે. જેમ જેમ નાનાં મોટાં કામ યાદ આવતાં જશે, તેમ તેમ બબડાટ કર્યા કરશે. છો કરતી. મારે ક્યાં મન પર લેવાનું છે? ચાલ મન, કબાટ ગોઠવ એના કરતાં.

તોય કબાટ ગોઠવતાં તો નયનાબહેનને રમાના જ વિચારો આવતા રહ્યા. જેમ આપણને તહેવારનો ઉમંગ હોય, આપણને તહેવાર ઉજવવા જોઈએ, બધાં સાથે તહેવારમાં હળવામળવાનું ગમે તેવું જ રમાને પણ ગમે જ ને? વરસમાં એક જ વાર તો બળેવ પર એનાં પિયરિયાં આવે તો એટલુંય એણે નહીં સાચવવાનું? આપણે તો બધાં ભેગાં થઈએ ત્યારે કેટલી મજા કરીએ? તો એને હક નથી મજા કરવાનો? શું એ પગાર લે છે એટલે એ આપણી ગુલામ બની ગઈ? આપણે તો બહાર પણ ખાઈ લઈએ ને ઘરનાં કામ પણ બધામાં વહેંચાઈ જાય, પછી ક્યાં વાંધો પડે? વળી માંદગીમાં તો આરામ જ કરવાનો હોય ને? વર ને છોકરાંની માંદગીમાં એના સિવાય છે કોઈ કરવાવાળું? આટલા બધા સ્વાર્થી તો ન જ બનાય ને આપણાથી?

ચૈતાલીને એક વાર નયનાબહેને આ બધી વાતો સમજાવેલી પણ એના મગજમાં કંઈ ઊતરી નહોતી. એનું તો કાયમનું એક જ રટણ. રમાએ ટાઈમ ટુ ટાઈમ કામ પર આવવાનું, રજા નહીં પાડવાની, જે કામ કહે તે બોલ્યા વગર ચુપચાપ કર્યા કરવાનું અને મહેમાન આવે કે તહેવાર હોય ત્યારે તો રજાની વાત જ નહીં કરવાની! નયનાબહેને એક વાર જોઈ લીધું, કે ચૈતાલીને રમા સાથે ફક્ત કામ પૂરતો જ સંબંધ છે ત્યારથી એમણે ચૈતાલીને સમજાવવાની છોડી દીધી. પથ્થર પર રોજ પાણી નાંખવાનો કોઈ અર્થ નહોતો. એમણે  રમાની રજા પૂરી થવાની સાંજે રમાને ફોન લગાવ્યો. 

‘રમા, મામલો ગરમ છે. જેમ રોજ આવતી તેમ આવીને કામે લાગી જજે. વહુ કંઈ બોલે તો મનમાં લેતી નહીં. થોડી વાર બોલશે પછી તો તને ખબર જ છે, કે એ તો પાછી હતી તેવી ને તેવી. સમજી ગઈ ને?’

‘હા મમ્મી, તમે ફિકર નહીં કરો. હું તમને પણ સારી રીતે ઓળખું છું ને ભાભીને પણ. તમે બિલકુલ ચિંતા નહીં કરો. એમ પણ આટલાં વરસ થયાં, હવે શું ભાભીની વાતનું ખોટું લગાડવાનું? ભાભીના દિલમાં કંઈ નથી, એ તો એમને ટેવ પડી ગઈ છે મને કંઈ કંઈ કહેવાની. તમે પણ મને સમજો છો ને ઘરનાં બીજાં પણ મને કંઈ બોલતાં નથી પછી મને કોઈ વાંધો નથી. તમે બેફિકર રહો. મમ્મી તમે તો મજામાં છો ને? ને ઘરમાં બધાં? મજામાં? હું વહેલી આવી જઈશ. ચિંતા નહીં કરો હં. આવજો.’

નયનાબહેનના હોઠ મલક્યા ને આંખો ચમકી ઊઠી. ‘વાહ રમા!’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.