સાથ નિભાવવો તો ક્યાં સુધી?
‘બેન, બે અ’જાર રૂપિયા આપજો ની.’ એક દિવસ લતાએ અચકાતાં પોતાની માગણી મૂકી.
‘કેમ ? એકદમ બે હજાર રૂપિયાની શું જરૂર પડી?’ રાધાબેનને નવાઈ લાગી. હજી લતાને કામ પર લાગ્યાને છ જ મહિના થયા હતા. આજ સુધી પગાર સિવાય કોઈ વાર એણે વધારાના પૈસા માગ્યા નહોતા. ‘બેન, મને ઉધાર માગવાનું ગમે જ ની. જેટલું મલે એટલામાં ચલાવી લેવાનું’ એવું તો એ કાયમ કહેતી, તો પછી આજે એવું તે શું કામ આવી પડ્યું એને?
‘બેન, મારા લગન છે.’
‘અરે વાહ! બોલતી પણ નથી, પૂછ્યું ત્યારે. ક્યાં છે લગન ને ક્યારે છે?’ રાધાબેન તો દીકરી પરણવાની હોય એવાં ખુશ થઈ ગયાં. લતા હતી પણ દીકરી જેવી જ. છ મહિનામાં તો રાધાબેનની ટેકણલાકડી બની ચૂકેલી લતાની એમને એવી આદત પડી ગયેલી કે, લતા વગર એમને બે ઘડીય ન ચાલે. એમ તો લતાને લાવનાર દેવલી પણ દેવલી મોટાં કામ કરે ને ઘરનાં ઝીણાં ઝીણાં સઘળાં કામમાં લતા… લતા… ને લતા. પેલી છાપામાં જાહેરાત આવે ને કે, ‘સુંદર, દેખાવડી, ભણેલી ને સ્માર્ટ કન્યા...’ બસ, લતા એમાં બરાબર ફિટ બેસી જાય. એ બારમામાં ભણતી હતી ત્યારે એની મા એને છોડીને આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ. એક બહેન સાસરે હતી ને ઘરમાં બિમાર બાપની સંભાળ રાખવાવાળું ને ખવડાવનારું પણ કોઈ નહીં. નાછૂટકે લતાએ ઘરકામની વાટ પકડવી પડી. નસીબજોગે સારું ઘર મળતાં લતાની મુશ્કેલીઓ ઓછી થઈ.
હવે એક દિવસ લતાની કોઈ દૂરની ફોઈ નીકળી આવી, તે અચાનક જ લતા માટે પોતાનો કોઈ સગો, ને લાયક(!) મુરતિયો શોધી લાવી. લતાના બાપને એણે વાતમાં સમજાવી કાઢ્યો ને લતાને જૂઠી લાગણીમાં! ‘માય વગરની પોરીની મને તો બો દયા આવે. ને બાપનો વિચાર કર દીકરી… આપણે રી’યા ગરીબ માણહ. અં’ઈયે પણહે તો સુખી થેઈ જહે. પોઈરો હારું કમાતો છે, પછી આપુન્ને હું જોઈએ? ગામ હો પાંહે જ છે, તારથી બાપાને મલવા હો અવાહે.’ મધમીઠાં વાક્યોમાં લતાનો સોદો થઈ ગયો. ‘પણ બાપાને કોણ ખવડાવહે?’ દીકરીનું દિલ બાપની ચિંતામાં લગન કરવા માનતું નહોતું.
‘આ પોરીને કંઈ હમજાવો તમે. તમારી સગવડ તો હૌ થઈ રેહે. એને હારુ ઘર મલતુ છે તે કાં ના પાડવાની? ઉં તો હા પાડી દેઉં ને દા’ડો હો નક્કી કરી લાખુ. ફોન કરું ત્યારે આવી રે’જો. બે અ’જાર રૂપિયા પોઈરાને ચડાવવા પડહે તે લેતા આવજો.’ ને ફોઈ ગયાં. બાપે દીકરીના ભિવષ્યના વિચારમાં પોતાની કુરબાની આપી. ‘અ’વે ઉં કેટલા વરહ રે’વાનો?’ પડોશમાં કાકાનો દીકરો રહેતો હતો તેને લતાએ વાત કરી. જો સારું ઘર મળતું હોય તો એણે કાકાની જવાબદારી સ્વીકારવા હામી ભરી. સંતોષનો શ્વાસ લઈ લતાએ ઘરે જઈ માના કપડાંની ટ્રંક ખોલી. માની સાડીને માથે લગાવી માના આશીર્વાદ લીધા ને બાપને માથે હાથ ફેરવતી લતા આખી રાત આંસુ સારતી બેસી રહી.
રાધાબેને તો ખુશી ખુશી દીકરીને રોકડા ને ભેટસોગાદોથી વિદાય કરી. ‘લે દીકરી, આ પૈસા તને કામ આવશે ને જરૂર પડે તો આ માને ચોક્કસ યાદ કરજે.’ નવોઢા બનવા જઈ રહેલી લતાની સુંદરતા નજર લાગે એવી હતી. રાધાબેનના આશીર્વાદ મેળવવા વાંકી વળેલી લતાએ ભારે મને વિદાય લેતાં કહ્યું, ‘બેન, મારા બાપાની ખબર કા’ડતા રે’જો.’ એટલું બોલતાં બોલતાં તો લતા રાધાબેનને વળગીને ખૂબ રડી. રાધાબેને કાળજું કઠણ કરી લતાને માથે વહાલનો હાથ ફેરવ્યો.
અઠવાડિયા પછીની વાત...
રાધાબેનના ઘરે સવારે ૮ વાગ્યામાં બેલ વાગી. અત્યારમાં કોણ? હજી દેવલીને આવવાને તો વાર છે. મનમાં બબડતાં રાધાબેને બારણું ખોલ્યું તો સામે જુસ્સામાં ઊભેલી લતા.
‘અરે શું થયું? કેમ અત્યારે? અચાનક?’ રાધાબેન સામે એક નવી જ લતા ઊભેલી.
‘બેન, ઉં હાહરેથી આવી ર’ઈ. મારે તાં નથી રે’વું.’ લતાએ પોતાનો નિર્ણય જણાવી દીધો.
‘પણ થયું શું? વાત તો કર. છોકરો નથી સારો? સાસરાવાળા નથી સારા?’
‘બેન, મારી ફોઈએ અમને ફસાઈવા. મીઠી મીઠી વાત કરીને મને પણ્ણાવી કા’ડી, મારા બાપાને ફોહલાઈવો ને પૈહા પોતે ખાઈ ગઈ. જેવા લગન પઈતા કે ફોઈ ચાલતી થઈ ગઈ ને મારા હાહરાવારા મારી પાંહે પૈહા માંગવા બેઠા. તમે આપેલા તેમાંથી મેં એ લોકને પૈહા તો આઈપા પણ મારા કપડા ને બીજુ બધું એ લોકોએ પોતાની પાંહે રાખી લીધુ. એમ કે’ય કે, જોઈએ ત્યારે માગજે. તે હો ચાલો કંઈ નીં, એમ કરીને ર’ઈ તો પેલો પોઈરો તો હાવ છાકટો નીકઈરો. બાકી ઉતુ તે બીજે દા’ડથી જ મને મારવા માંઈન્ડો. બે દા’ડા તો ઉં હામી થઈ ને ઝઘડો હો કઈરો તો બધાએ ભેગા થઈને મને મારવા લીધી. કાલે હાંજે બધા દારૂ પીવા ગીયા કે ઉં બધુ મૂકીને નાહી આવી. અવે ઉં તાં નથી જવાની. કંઈ લેવાદેવા વગર મારે માર હું કા ખાવાનો? નીં પણ્ણા તે હો ચાલહે પણ આવા ઘેરે તો મારાથી નીં રે’વાય. મારા બાપાને હો જોવા ને કામ કરીને આરામથી મારી મરજીથી રે’વા. હાચી વાત ને બેન?’
રાધાબેન તો લતાની હિંમત પર વારી ગયાં. ‘વાહ દીકરી વાહ! જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તું અહીં આરામથી કામ કરતી રહે ને મજેથી રહે. તારો આ જુસ્સો જોયા પછી તો કોઈ તારો વાળ વાંકો નહીં કરી શકે મને ખાતરી છે.’ લતા રાધાબેનને વળગી પડી. માએ દીકરીને માથે આશીર્વાદનો હાથ ફેરવ્યો. રાધાબેન મનમાં વિચારી રહ્યાં, કાશ ચાલીસ વરસ પહેલાં પોતે આટલી હિંમત બતાવી હોત !
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર