છેડતીનો જવાબ શું આપવો?
સાંજની બજારની ભીડમાં સ્કૂલ-કૉલેજથી છૂટેલા ઉતાવળમાં દોડતા લોકો હતા. કામ પરથી છૂટેલા મજૂરો હતા ને વચ્ચેથી ગમે તે રીતે જગ્યા કરીને નીકળી જતા વાહનો હતા. આ બધી ભીડમાં શાકભાજી લેવા નીકળેલી બે ગૃહિણીઓ, લગભગ પાંસઠથી સિત્તેરની ઉંમરની હતી તે શાકની લારી પાસે ઊભી રહીને શાક જોખાવતી હતી. અચાનક જ એ બેમાંથી એક સ્ત્રીએ એક જુવાનિયા તરફ હાથ લાંબો કરીને એને ગાળો ભાંડવા માંડી, ‘મરી ગ્યા મારા રોયા... તારા ઘરે મા-બેન છે કે નહીં? શરમાતો નથી હાથ લગાડતા? સાલા ગધેડા... અહીં આવ, તને સીધો કરું.’
‘શું થયું?’ ‘શું થયું?’ની થોડી હો-હા થઈ ને પછી બજાર પાછી હતી તેવી થઈ ગઈ. જેની છેડતી થયેલી તે સ્ત્રી થોડીવાર ઉશ્કેરાટથી સાથેની સ્ત્રી સાથે ચર્ચા-બબડાટ કરીને પુરુષ જાતને ગાળો આપતી રહી. સાથે ચાલતી સ્ત્રીએ એને જેમ-તેમ શાંત કરી, ‘આ લોકો તો આવા જ આવે, આપણને ખબર જ નહીં પડે કે, કોણ ક્યારે ને ક્યાં હાથ મારી જશે? કેટલુંય સાચવીએ તોય ભીડનો લાભ આવા મવાલીઓ લઈ જ લે.' 'શાંત પડો હવે, આમાં આપણાથી કંઈ ન થાય.’ કલાકો, દિવસો ને વરસો વીતી ગયા ને એવી નાની-મોટી તો કેટલીય છેડતીઓ એ સ્ત્રી સાથે થઈ. છેડતીના જવાબમાં ગાળો, બબડાટ, ચર્ચા ને ગુસ્સા સિવાય કંઈ ન થયું.
એ જ કિસ્સો બીજી એક આઝાદ ગણાતી પણ બહાદુર સ્ત્રીના મોંએ સાંભળેલો.
‘મને જેવો પાછળ ધક્કો લાગ્યો ને મારા ખભે હાથ મુકાયેલો લાગ્યો કે, તરત જ મેં ફરીને જોયું. ખૂબ ઝડપથી ભીડમાં છટકી જવાની કોશિશ કરતા લાલ શર્ટવાળા છોડરાની પાછળ હું તો શાક-બાક બધું બાજુ પર છોડીને દોડી ને મેં એનો શર્ટ પકડીને ખેંચી ઊભો રાખ્યો. આ જોઈને આજુબાજુ બધા ઊભા રહી ગયા ને તમાશો જોવા લાગ્યા કે, મેં બધાના દેખતાં જ તેને બે લાફા ઝીંકી દીધા. ‘જા, પહેલાં તારી મા-બેનને પૂછી આવ કે, તમને બજારમાં કોઈ છેડે તો તમે શું કરો?’ મારી હિંમત જોઈને બીજી બે-ત્રણ છોકરીઓ પણ આગળ આવી ને પેલાને, અમે ભેગી થઈને સારો એવો ધોઈ નાંખ્યો.’
એક બીજો કિસ્સો જોઈએ. એક સ્ત્રી બસની ભીડમાં બે બાળકોને લઈ અને થોડા સામાન સાથે ચડી, બેસવાની જગ્યા તો મળવી મુશ્કેલ જ હતી. તેથી જેમ-તેમ જગ્યા કરી એ એક તરફ ઊભી રહી. એક હાથમાં નાનું છોકરું ને બીજા ખભે પર્સ ને થેલી ભેરવીને જેમ-તેમ બેલેન્સ જાળવીને ઊભી રહેલી સ્ત્રીને જોઈને નજીક બેઠેલા મુસાફરના દિમાગમાં કીડો સળવળ્યો ને એણે ધીરે ધીરે એ સ્ત્રીને, ભૂલમાં હાથ લાગી ગયાના અભિનય સાથે છેડવાનું ચાલુ રાખ્યું. પેલી સ્ત્રી ડોળા કાઢીને અણગમો બતાવ્યા સિવાય કંઈ ન કરી શકી.
આ કિસ્સાને સાંભળીને એક ભરવાડણે કહેલું, ‘બેન આવા ટાઈમે છોકરાને ને થેલી બીજાના ખોળામાં સોંપીને, પેલા રોયાને ટીપી નાંખવાનો હોય. એમ ચૂપચાપ ઊભા રે’ને એટલે જ એવા લોકોને ઝોર સડે.’
છેડતી એક એવો શબ્દ છે, એવો મુદ્દો છે કે, જેનો યોગ્ય જવાબ આજ સુધી કોઈ શોધી નથી શક્યું. વર્ષોથી શાબ્દિક ને શારીરિક છેડતી સ્ત્રી વર્ગે સહન કરી છે ને હજીય કરે છે. આ નવો, ફ્રી ને બોલ્ડ કહેવાતો જમાનો છે તો પણ. કેમ? કારણ કે આનો કોઈ એક જ જવાબ નથી. નરમ, ડરપોક કે વ્યવહારુ ગણાતી સ્ત્રીઓ છેડતીનો જવાબ ન આપવામાં માને છે. જવાબ ન આપવાનાં કારણો છે : (1) એવાને શું જવાબ આપવાનો? (2) આપણને કોઈ સાથ ન આપે ને આપણે એકલાં પડી જઈએ તો? (3) આપણી ને એ લોકોની તાકાતનો કોઈ મુકાબલો ન થાય. આપણે મારવા ગયા ને એણે હાથ ખેંચીને માર્યું તો? (4) પછીથી આપણને ધ્યાનમાં રાખીને બદલો લેવા કંઈ કર્યું તો? એસિડ ફેંકે કે બીજા ગુંડાને બોલાવી ઊંચકી જાય તો? (5) પોલીસ પાસે મદદ માંગવા જાય તો દર વખતે એ લોકો સાંભળે કે આપણી મદદ કરે એનો ભરોસો કેવી રીતે કરાય? (6) કેસ થવાની બીકે કોઈ કેસ પણ ન કરે ને કોઈ આપણને સાથ પણ ન આપે.
આનો જવાબ વાચકો પર છોડીએ કારણ કે, નિર્ભયા કેસમાં ગજબના વળાંકો આવવા હજીય ચાલુ જ છે. છોકરીઓ-સ્ત્રીઓ કેટલી સુરક્ષિત પોતાની જાતે થઈ શકે ને બીજાથી પોતાની જાતને કઈ રીતે બચાવીને રાખી શકે એવી હજારો ચર્ચાઓ થાય છે. ને થશે. જાત-જાતના રસ્તાઓ બતાવાશે, અપનાવાશે ને થોડો સમય બધું સારું-સારું લાગશે. મૂળ વાત છે માનસિકતા બદલવાની, સ્ત્રીઓએ પણ અને પુરુષોએ પણ.
મા-બેન-દીકરીઓ વગેરે સૌ મનથી મજબૂત બને ને બાપ-ભાઈ-દીકરાઓ વગેરે સૌ સ્ત્રી વર્ગ પ્રત્યે આદર કેળવે, એ જ સંસ્કાર ગળથૂથીમાં મળે તો બહુ મોટા સવાલનો જવાબ મળી જાય. તમે શું માનો?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર