ના, મને બીક લાગે
‘રુખી, તું કેમ ચશ્માં નથી પહેરતી? તને બધું દેખાય છે બરાબર?’
‘હા બેન. બધું ચોખ્ખું દેખાય છે.’
મને ખબર હતી કે રુખી તદ્દન જુઠ્ઠું બોલતી હતી એટલે જ મેં એને બે ત્રણ વાર ફેરવી ફેરવીને પૂછ્યું પણ એનો તો ભારોભાર વિશ્વાસથી બોલાતો એક જ જવાબ મળતો, ‘મને બરાબર દેખાય છે.’
લગભગ છેલ્લા એકાદ વરસથી રુખીની આંખની કમજોરી મારી નજરમાં આવી ગયેલી. એ ઘઉં કે ચોખા વિણતી તેમાં ઘણી કાંકરીઓ નીકળતી, ઘરમાં અમુક જગ્યાએ કચરો રહી જતો, વાસણમાં ડાઘ રહી જતા ને કપડાંમાં પણ એવા જ ગોટાળા થવા માંડેલા. ઉંમર થાય તો બધાંને ચશ્માં આવે કે પછીથી આંખે મોતિયો આવે તે બહુ સ્વાભાવિક જ છે. આ રુખી થોડી અલગ માટીની લાગી. એની સાથે કામ કરતી લગભગ એની ઉંમરની જ રુખમા અને દેવલીએ તો કેટલાં વરસોથી ચશ્માં સોહાવી દીધેલાં ને આ એક રુખીને જ કોણ જાણે ચશ્માં પહેરવામાં શું વાંધો હતો! દર મહિને થતા આઈ કૅમ્પમાં પણ જવાનું એને યાદ કરાવું ત્યારે એનો તો એક જ જવાબ હોય, ‘બેન, મને તો બધુ બરાબર દેખાતુ છે.’
રુખીને પછી ઝીણાં કામ સોંપવાનાં બંધ કરીને મેં એને વાડીના કામમાં મોકલવા માંડી. વાડીના કામમાં ઝીણવટનું કામ રહેતું નહીં અને મારે એને સવાલ કરવાના થતા નહીં. એક દિવસ સવારમાં જ રુખમા ખરાબ સમાચાર લાવી.
‘બેન, રુખી તો હાંજે એના ઘરની પાંહે જ દોરડામાં ભેરવાતાં પડી ગયેલી ને ખભા પર વજન આવતા હાથ ભાઈન્ગો હોય એવું લાગતુ છે.’
‘ઓહો! કઈ હોસ્પિટલમાં લઈ ગયલા?’
‘કોઈ ઓસ્પિટલમાં કાં બેન? એ તો આખી રાત ઘેરે જ હૂઈ રેઈલી ને અમણે હવારે એને એના પોરી–જમાઇ આડવૈદને તાં લેઈ ગીયા.’
‘હું વાત કરે? આખી રાત એમ જ કાઢી? તે રાતના તો બો દુઈખુ ઓહે! ને આથ ભાઈન્ગો ઓય તેમાં આડવૈદ હું કરે? એને વેલ્લી તકે સંદેસો પોંચાડ કે, બેને ઓસ્પિટલમાં જવા કહ્યુ છે. આથનો એક્સ રે કાડહે તો જ ખબર પડહે કે નીં કે કેટલુ ભાંગેલુ છે?’
‘હારુ બેન, કેઈ જોઉં પણ મને નીં લાગે કે એ દવાખાને જહે. એને ઈંજીસનની બો બીક લાગે.’
‘હે ભગવાન! તમારા જેવા મહેનતુ ને મજબૂત લોકો હો ઈંજેક્સનથી બીએ કે? ખરી છે રુખી!’
પછી તો મેં રુખીના દવાખાને જવાની આશા મૂકી દીધી પણ હું રોજ રુખીના સમાચાર પૂછતી રહી. એ જિદ્દી સ્ત્રી દવાખાને તો નહોતી જ ગઈ. હાડવૈદને ત્યાં રોજ કે બે ત્રણ દિવસે એની છોકરી કે જમાઈ સાથે જઈને, કંઈ માલીશ કે પાટાપીંડી કરાવી આવતી. આખરે એક મહિના પછી એ ફરી આવી ને કામ પર હાજર થઈ ગઈ.
‘રુખી, જરા તારો હાથ જોવા દે તો.’ મેં ખાતરી કરવા ને કંઈક કુતૂહલથી પણ, એને બોલાવીને હાથ ઊંચોનીચો કરવા કહ્યું. એણે ધીરે ધીરે થાય તેટલો હાથ ઊંચો કરી મને બતાવ્યો.
‘બેન. અજુ થોડા દા’ડા લાગહે આથ હીધો થતા. અવે તો બો દુખતો હો નથી.’
‘કંઈ દવા બવા આપી હું?’
‘કંઈ હો ની. એ તો પાટાએ જ આવી જહે એમ કેતો છે વૈદ,’
‘હારુ ત્યારે. અવે હાચવજે, કામ કરવામાં હો ને ચાલવામાં હો. એ આથે વજન ની ઊંચકતી હં. કઈ કામ ઓય તો કેજે.’ હજીય મારા મનમાં ઊંડે ઊંડે આશા હતી કે એ દવાખાને જાય ને એક્સ રે કઢાવે. ખભામાં કોઈ ખોડ ના રહી ગઈ હોય! ખેર, એ તો એનું કામ કરતી રહી પણ મારા મનમાં થોડો અજંપો એણે ભરી દીધો. ખબર નહીં કેમ પણ એના દવાખાને ન જવાની વાત મને અંદરઅંદર ખટકતી રહી.
એવી તે કઈ બીક એના મનમાં ભરાઈ ગયેલી કે એ આટલી મોટી દુર્ઘટના સામે પણ ટક્કર ઝીલી ગઈ? એને તો ખબર જ નહોતી ને કે ફક્ત એનો ખભો તૂટ્યો હશે કે વધારે પણ કોઈ નુકસાન થયું હશે! એનાથી ભવિષ્યમાં કોઈ કામ નહીં થઈ શકે કે આખી જિંદગી કદાચ પરવશ બનીને પણ જીવવું પડે, એવો વિચાર એને નહીં આવ્યો હોય? કોઈ હાડવૈદ પર આટલો બધો આંધળો વિશ્વાસ? પોતાના દીકરી–જમાઈનું પણ જેણે કહ્યું માન્યું નહોતું એ રુખી આંખની ફક્ત મામુલી ઝાંખપ માટે ડૉક્ટર પાસે જતી હશે? હું પણ કેટલી અક્કલ વગરની કે રુખીની સામે અવારનવાર ભાગવત વાંચવા બેસી જાઉં છું!
તાવ આવે તો ડૉક્ટર પાસે જવાને બદલે મંદિર કે દરગાહના ચક્કર કાપતી રુખી જાતજાતના દોરા ને માદળિયા સજાવતી રહેતી. પેટના અસહ્ય દુખાવા માટે પેટ પર ડામ દેવડાવતી ને વાર તહેવારે નાળિયેર કે મરઘાંની ભેટ ચડાવતી રુખીના મનને બદલવાની મારી લાખ કોશિશ પર તો દર વખતે થાક્યા વિના એણે પાણી જ રેડ્યું છે. ઓહે તો, મારે હું? એવો વિચાર કોઈ વાર આવી જાય પણ એમ હારી જવાય? ના રે. મેં તો મનમાં ગાંઠ જ વાળી છે કે આજે નહીં ને કાલે પણ રુખી કે રુખી જેવા બાકી રહી ગયેલા લોકોની બુધ્ધિ ફેરવીને જ રહીશ. સત્યશોધક સભાના સભ્યોને બોલાવીને ગામમાં અંધવિશ્વાસ ને કુરિવાજોનો એક મોટો હવન કરાવી લેવો છે. ઓમ સ્વાહા!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર