હું તો એવી જ છું

10 Feb, 2016
12:05 AM

કલ્પના દેસાઈ

PC:

મમ્મી, તું કેમ આવું કરે છે?’

બસ એમ જ. મારી મરજી.’

તને મારી કંઈ પડી નથી ?’

છે ને, કેમ નહીં? તારા માટે લાગણી છે ને પ્રેમ છે એટલે જ તો ના પાડું છું.’

અરે બીજાની મમ્મી તો આ વાતે કેટલી ગાંડી ગાંડી થઈ જાય ને તું? મેં તને આવી નહોતી ધારી મમ્મી.’

એ બીજાની મમ્મી હશે ને હું તારી મમ્મી છું, સમજ્યો બેટા?’

પણ તને વાંધો શું છે એ કહેશે? પપ્પાને તો કોઈ વાંધો નથી.’

વાંધો? અરે વાંધો નહીં વાંધા કહે. મને આ તમારા પ્રસ્તાવ પર જ મોટો વાંધો છે. તમે લોકોએ પહેલેથી જ મને પૂછ્યા વગર એવું વિચારી જ કેમ લીધું કે, હું હા જ પાડીશ?

પણ એમાં શું પૂછવાનું? એ તો જમાનાઓથી ચાલતું જ આવ્યું છે ને?’

હં તે જ. જમાનો તમારા માટે બદલાય ને અમારા માટે નહીં, એવું કેમ? અમારે તો જેમ ચાલતું આવ્યું છે એમ જ રહેવાનું ને એમ જ કરવાનું એમ ને? મને ગમી તમારી આ સોચ. ને પપ્પાના વાંધાની વાત કરે છે? એમને હવે મારી મરજી પર ના કહેવાનો કોઈ અધિકાર નથી. હવેની જિંદગી હું મારી રીતે જીવવા માગું છું ને જીવીશ. તમને લોકોને ગમે કે નહીં ગમે. બહુ કઠોર લાગતું હશે સાંભળવાનું પણ મારે તો મક્કમ રહેવું જ પડશે.’

પ્લીઝ મમ્મી, બધું ઊંધું ઊંધું નહીં વિચારી લે. આટલાં વરસોમાં મેં કોઈ દિવસ તારા મોંએથી આવી વાતો નહોતી સાંભળી એટલે મને એમ કે તું પણ આવું જ માનતી હોઈશ.’

હા, માનતી હતી ને મેં પણ વિચારેલું કે, હું પણ એ જ રીતે રહીશ. પણ હવે નહીં. મારી નજર સામે જમાનો ઘણો જ બદલાઈ ચૂક્યો છે. મારા કહેવાનો એ અર્થ બિલકુલ નથી કે, તમે લોકો ખરાબ છો કે બેજવાબદાર છો કે મને પ્રેમ નથી કરતાં. મારાં સૌથી પ્રિય છો તમે ને તમને ખુશ જોઈને મને પણ બહુ ખુશી થાય છે પણ સૉરી, આ બાબતે હું તમને સાથ નહીં આપું.’

અચ્છા ચાલ માની તારી વાત. હવે કહેશે કે તું કેમ ના પાડે છે ?’

તમને લોકોને મેં ઘણી વાર વાતવાતમાં કહેલું તે તો યાદ જ હશે કે, મેં સ્કૂલના દિવસોમાં મ્યુઝિક ને ડાન્સના ક્લાસ ભરેલા.’

યાદ છે ને પછી તારાં દાદી તમારે ત્યાં રહેવા આવેલાં એમણે તારા બંને ક્લાસ બંધ કરાવી દીધેલાં કે, છોકરીઓને નાચગાના શોભે નહીં કહીને, એ પણ ખબર છે. તેને આ વાત સાથે શું લાગેવળગે?’

બસ, તો હું હવે એ બંને ક્લાસ ચાલુ કરવા માગુ છું. તમને તો સારી રીતે ખબર જ હશે કે, આ ક્લાસ ઘરે બેઠાં બેઠાં, કે જ્યારે નવરાશ મળે ત્યારે ભરાય એવા તો નથી જ. ક્લાસ સિવાય પણ ઘરે એની પ્રેક્ટિસ ચાલુ રાખવી પડે. મારા મનમાં વર્ષોથી આ ઈચ્છા સળવળ સળવળ તો થયા જ કરતી હતી ને હવે મને લાગે છે કે, મારી ઈચ્છાપૂર્તિનો સમય હવે આવી ચૂક્યો છે ને આ જ યોગ્ય સમય છે.

આ તો એક મુખ્ય કારણ થયું. હવે ધારો કે, હું ફરી એક વાર મારા શોખને બાજુએ મૂકું ને તમારી વાત માનું તો, મારે કે અમારે તમારે ત્યાં કેટલો સમય રહેવું પડે? તમે લોકો તો તમારી નોકરી માટે અમારાથી દૂર રહો છો ને તમારી પોતાની અલગ લાઈફસ્ટાઈલ બની ચૂકી છે. એવું જ અમારું પણ છે. અમે બંને નિવૃતિનો સમય અમારી રીતે વીતાવીએ છીએ, પોતાની મરજીથી ને કોઈ જાતની રોકટોક વગર. ચાલો, એ પણ છોડી દઈએ તોય આ સગવડ કે અગવડ કેટલો સમય પૂરતી? બે, પાંચ કે દસ વર્ષ? કે કાયમ માટે? બધું વિચારી લેજો. મેં તો બધું જ વિચારી લીધું છે ને એટલે જ ચોખ્ખી ને ચટ વાત કરી દીધી.’

મમ્મી, તને નથી લાગતું કે તું બહુ રુડલી વાત કરે છે?’

ખબર છે, મને પણ નથી ગમતું આવું બધું બોલવું પણ શું છે કે, જેમ જેમ બધે એકની એક વાર્તા રિપીટ થતી જોઉં છું તેમ તેમ મનમાં ગુસ્સો વધતો જાય છે ને જ્યારે જ્યારે આ ટૉપિક નીકળે છે કે મારાથી આવું બોલાઈ જ જાય છે. તેમાં હવે તો ઘરમાં જ વાત આવીને ઊભી રહી એટલે હવે તો ચોખવટ જ કરી લેવી સારી ને ?’

કઈ વાર્તાની વાત કરે છે ?’

કેમ તને ઉષામાસીની વાત નથી ખબર? માસી ને માસાજી વડોદરા એકલાં મજેથી રહેતાં હતાં. જ્યારે મુંબઈ એમના દીકરાને ત્યાં દીકરો આવ્યો ત્યારે એ લોકોએ બંનેને આગ્રહ કરીને રહેવા બોલાવ્યાં ને પછી ત્યાં જ રાખી પાડ્યાં. માસાજીને મુંબઈની હવા માફક ન આવી એટલે એ વડોદરા પાછા ફરેલા–એકલા જ. પછી માસાજીનું તો બિચારા પાડોશીઓએ ટિફિન બંધાવી આપ્યું. સાજે માંદે પણ એ લોકો જ દોડતાં. માસી બિચારાં બંને બાજુ જીવ વળગાડીને દર શુક્રવારે રાતની ગાડીમાં વડોદરા આવે ને પાછાં રવિવારે રાતે મુંબઈ પહોંચે. એમની તબિયત કે એમની હાલાકીને કોણ જુએ, માસા સિવાય? આ તો માસા ને માસીને હૉસ્ટેલમાં મૂકી દીધાં હોય એવું દર અઠવાડિયે થતું. સાંભળીને બધાંના બહુ જીવ બળતાં પણ દીકરા ને વહુને સાચવવામાં એ લોકો કહેવા પણ કોને જાય? આવા તો બહુ માસા ને માસીઓની એકસરખી વાર્તાઓ છે. કશેક વળી આના કરતાં ઊંધું પણ બને છે.

કેતકીકાકીને ઓળખે છે ને? દીકરાને ત્યાં શરત કરીને ગયાં કે, રસોઈવાળી ને છોકરાને રાખવાવાળી કોઈ બહેન મળશે તો જ હું આવીશ. નોકરીની ગરજે બંને શરતો કબૂલ રાખીને દીકરાએ માને બોલાવી. એમ પણ મા પાસે કોઈ કામ કરાવવાનાં જ નહોતાં પણ બાળક ઘરનાંની નજર નીચે રહે એ જ આશયે એમણે માને બોલાવી. થયું એવું કે, કાકીની કચકચથી રસોઈવાળી બહેન કોઈ ટકતી જ નહીં એટલે નાછૂટકે વહુએ સવારે દોડાદોડી કરીને બધી રસોઈ કરીને જવું પડતું ને સાંજે પણ આવીને એણે બધું કામ કર્યા વગર છૂટકો નહોતો. સાસુ તો આરામ જ ફરમાવતાં! એના કરતાં સમજીને રહ્યાં હોત ને વહેંચીને કામ કર્યું હોત તો? હવે આવી મા આવી તોય શું ને ન આવી તોય શું?

ચાલ હવે બોલ, જો હું તારે ત્યાં રહું તો હું કામ પણ કરીશ ને બાળકને પણ રાખીશ. પછી એ બાળક મને જ ઓળખશે તો ચાલશે? તમને તો ફક્ત શનિ રવિ જ ટાઈમ મળે, એમાં તમે તમારું કામ કરો કે તમારા વહેવાર પતાવો કે બાળકને ટાઈમ આપો? હમણાં જ તમારી પાસે શ્વાસ લેવાની ફુરસદ નથી ને આખો દિવસ નોકરી કરીને તૂટી જવાય છેની ફરિયાદ કરતાં રહો છો. તો પછી તમારા બાળકની ઓછામાં ઓછા પાંચ વર્ષની માવજતનો તમારી પાસે ટાઈમ ક્યાંથી નીકળશે? હું ઈચ્છું છું કે, બાળક તમારી નજર નીચે ને તમારા સહવાસમાં તમારો પ્રેમ પામે કારણકે આખી જિંદગી એનું વળતર બહુ અદ્ભૂત રીતે વગર કંઈ કર્યે મળતું રહે છે. પછી તો સ્કૂલ ને ભણતરમાં બાળક ક્યારે આપણા હાથમાંથી સરકી જાય તે આપણને જ ખબર નથી પડતી.

અને છેલ્લી વાત કે, એક વાર બાળક સાથે માયા બંધાઈ જાય પછી એનાથી દૂર થવું, બંને માટે બહુ જ કપરું હોય છે. તારાથી દૂર થઈને વ્યવસ્થિત ગોઠવાતાં મને સમય લાગ્યો હતો. હવે મારી પાસે એવો સમય નથી. મારું દિલ પણ હવે બાળકની બાબતે બહુ નાજુક બની ગયું છે. તમારી સાથે થવાય એવા કઠોર એની સાથે નહીં થવાય. વળી મારાં સપનાં પણ મારી રાહ જુએ છે. તમને બાળક જોઈતું જ હોય તો બેમાંથી એક જણ નોકરી છોડી દો. થોડી કસર કરી લેજો પણ કોઈના ભરોસે બાળકને રાખવાની ભૂલ નહીં કરતા, સિવાય કે કોઈ મજબૂરી હોય. હવે તો ઘરે બેસીને પણ ઘણું કામ કરી શકાય છે. વિચારી લેજો કારણ કે મારી વાતનો અર્થ તમને વિચાર્યા પછી જ સમજાશે.’

થૅંક યુ મમ્મી. મેં તો તારી વાત સાંભળતાં સાંભળતાં જ નક્કી કરી લીધું. જ્યારે અમારું બાળક આવે ત્યારે તમે લોકો તમારી મરજી થાય ત્યારે આવજો ને તમને ગમે ત્યાં સુધી રહેજો બસ? અમને બાળઉછેરની થોડી ટ્રેઈનિંગ પણ આપજો ને બાળકને દાદાદાદીનો પ્યાર પણ આપજો. તું તારા બંને ક્લાસ મજેથી ભરજે ને જ્યારે અહીં આવે ત્યારે તારા પોઈતરા કે પોઈતરીને પણ થોડું થોડું ગાતાં ને ડાન્સ કરતાં શીખવતી રહેજે. અમારા બાળકને તો અમે જ મોટું કરશું. ફિકર નોટ.’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.