જરાય ફુરસદ નથી

02 Aug, 2017
12:20 AM

કલ્પના દેસાઈ

PC:

‘મંજરી, બેટા તારું ટિફિન ડાઈનિંગ ટેબલ પર છે, યાદ રાખીને જતાં લઈ લેજે. સાથે સફરજન ને સેલડ પણ છે, યાદ રાખીને ખાઈ લેજે. આજકાલ તારું ટિફિન પણ અડધા દિવસ પાછું આવે છે. ફ્રૂટ અને સેલડ પણ એમ જ પાછાં આવે છે, તો તું શું ખાય છે ઓફિસમાં? બહારથી મંગાવી લે છે?’ મંજરીનાં મમ્મીએ રસોડામાંથી મંજરીને એમની ચિંતા સાથે ટિફિન યાદ કરાવ્યું.

‘ના મમ્મી, તને ખબર છે, કે મને બહારનું ખાવાનું નથી ફાવતું પણ મમ્મી આજ કાલ મને ટાઈમ જ નથી મળતો. આ નવી જોબમાં તો એટલું બધું કામ છે ને, કે પૂરું જ ન થાય. મને તો શ્વાસ લેવાની પણ ફુરસદ નથી. તું ચિંતા નહીં કર પણ, સવારે જ તું એટલો હેલ્ધી નાસ્તો આપી દે છે ને, કે ઓલમોસ્ટ લંચ જેવું જ થઈ જાય છે. ખરેખર, મને તો બપોર સુધી ભૂખ જ નથી લાગતી. ઓફિસમાં બે ત્રણ વાર ચા કૉફી આવી જાય અને લંચ બ્રેકમાં જ્યૂસ પી લઉં, એટલે પછી ટિફિન રહી જાય. સૉરી મમ્મી, તું કેટલી કાળજી ને મહેનતથી મારું ટિફિન તૈયાર કરે અને હું એમ જ પાછું લાવું તો તને કેટલું દુ:ખ થતું હશે હું સમજું છું. પણ હવે નહીં, બસ? પ્રોમિસ. હવેથી ટાઈમ પર બધું ખાઈ લઈશ ને તને બિલકુલ ટેન્શન નહીં કરાવું, ઓકે?’

‘ઓક્કે બાબા ઓક્કે. ચાલ જા હવે, મોડું થાય છે ને તને?’

‘લવ યુ મમ્મી. બાય.’

‘બાય બેટા.’

મંજરીએ ભાગતાં ભાગતાં ટ્રેન પકડી. બેસવાની જગ્યા તો ઠીક, ઓફિસ અવર્સમાં ઊભા રહેવા મળ્યું તેય બહુ છે. મંજરીએ નિરાંતનો શ્વાસ લીધો. પર્સમાંથી મોબાઈલ કાઢી ઓફિસે ફોન લગાવ્યો, ‘મૅમ, અડધા કલાકમાં પહોંચું છું. આવીને રિપોર્ટ તૈયાર કરી દઉં, ડૉન્ટ વરી.’ 

બીજો એક ફોન લગાવી, પોતાની કલીગને જરૂરી સુચનાઓ આપી દીધી. ઉતરવાનું સ્ટેશન આવ્યું ત્યાં સુધીમાં તો એણે રિપોર્ટ તૈયાર કરવાના મુદ્દા જોઈ લીધા અને મોબાઈલ બંધ કર્યો. ટ્રેન ધીમી પડે તે પહેલાં મોબાઈલના સ્ક્રીન પર ઓફિસનો મેસેજ ઝળક્યો. કંઈક વિચારી ફટાફટ જવાબ આપી મંજરીએ મોબાઈલ પર્સમાં સાચવીને મૂકયો. પર્સ સજ્જડ પકડી રાખી ભીડની સાથે સાથે એ પણ સ્ટેશન પર ઉતરી ગઈ. જલદી જલદી ટૅક્સી કરીને ટ્રાફિકને ભાંડતી, એ ટૅક્સીમાં બેઠી તો ખરી, પણ એટલી વાર સતત એની આંગળીઓ મોબાઈલ પર ફરતી રહી. આખરે ઊંચા જીવે એ ટાઈમ પર ઓફિસ પહોંચી ખરી! સતત છેલ્લા અઠવાડિયાથી એ આ રિપોર્ટની પાછળ પડી હતી. મૅમ એના પર ભરોસો કરતાં, એટલે તો એની જવાબદારી ઔર વધી ગયેલી. મંજરીને કામ તો પાછું એ વન જ જોઈએ. જરાય કચાશ ચલાવી ના લે, એટલે ખાસ્સી મહેનતને અંતે કામ તો સંતોષકારક જ થઈને રહેતું. નવી ઓફિસમાં જતાં જ એણે સૌને ઈમ્પ્રેસ કરી દીધેલાં, એટલે એને માથે જવાબદારીનો પહાડ ગોઠવાવામાં જરાય વાર ન લાગી.

જોકે, મંજરી પણ કામમાં તો પાછી પડે તેવી નહોતી. ખાધાપીધા ને ઊંઘ્યા વગર પણ એ કલાકો સુધી કામ કરી શકતી. જીવનમાં પહેલેથી જ એણે ભણતર અને પછીથી જૉબને મહત્વ આપીને તબિયત પ્રત્યે ધ્યાન આપ્યું જ નહોતું. ઘરમાં તો મમ્મી જબરદસ્તી ખવડાવી પણ દે, બહાર કોણ ધ્યાન રાખે? તેમાંય આ ઓફિસમાં તો મંજરીનું મગજ એના શરીરને ગણકાર્યા વગર, મશીનની જેમ સતત ધમધમતું જ રહેતું. લંચટાઈમમાં બધાં ગપ્પાં મારતાં ને મજાકમસ્તી કરતાં, ટિફિન શેર કરતાં હોય, ત્યારે મંજરી મૅમ સાથે મિટિંગમાં હોય! ટિફિનને જોવાની પણ ફુરસદ નહીં, તો ખાવાની તો વાત જ ક્યાં?

જોકે એક દિવસ શરીરે પણ જવાબ આપી દીધો. મૅમની કૅબિનમાંથી બહાર નીકળતાં જ મંજરીને લથડિયું આવ્યું. હજી એ પોતાની જાતને સંભાળે તે પહેલાં તો એ જમીન પર ઢળી પડી. ઓફિસમાં દોડાદોડી થઈ ગઈ. એમ્બ્યુલન્સમાં મંજરીને નજીકના નર્સિંગ હૉમમાં લઈ જવાઈ. નિદાન થયું, માઈલ્ડ હાર્ટ એટેક! મમ્મી દોડતી આવી ને પોતાનાં આંસુને સંતાડતાં, મંજરીને માથે હાથ ફેરવતી બેઠી. મૅમ પોતાને ગુનેગાર સમજતાં હતાં. ‘આઈ એમ રિયલી સૉરી આન્ટી. મંજરીનું ધ્યાન હવેથી હું રાખીશ. એની સાથે જ ટિફિન શેર કરીશ ને રોજ તમને ફોન કરી દઈશ, પણ પ્લીઝ આન્ટી મને માફ કરી દો.’

‘ના બેટા, એમાં તમારો કોઈ વાંક નથી મારી મંજરી છે જ એના પપ્પા જેવી. કામની સામે તબિયતની બિલકુલ પરવા ન કરે. એના પપ્પા પણ પચાસ વર્સની ઉંમરે જ, સિવિયર હાર્ટ એટેકથી જ ગુજરી ગયેલા. મારું તો એ બિલકુલ સાંભળતી નથી. મારું તો એ રતન છે પણ આ બાબતે અમારી બહુ ચર્ચા થતી રહે. હવે એ માને તો સારું છે. મને તો સતત એની જ ચિંતા રહે છે.’

થોડા દિવસથી થાક, ચક્કર અને શ્વાસની તકલીફને ન ગણકારતી મંજરી, આખરે નર્સિંગ હોમમાં એનો થાક પણ ઉતારતી હતી, અને શ્વાસ પણ ગણી ગણીને નિરાંતે લેતી હતી. એના શરીરમાંથી ઘટી ગયેલા લોહીના પ્રવાહને પણ એણે ધસમસતો કરી નાંખ્યો હતો. નજીક બેઠેલી મમ્મી સામે જોતાં એણે પોતાનાં ગળા પર હાથ મૂક્યો, ‘આ વખતે પાક્કું પ્રોમિસ.’ મમ્મીએ એનો હાથ પકડી વહાલથી ચૂમી લીધો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.