મારે નથી આવવું
‘મમ્મી, પ્લીઝ પપ્પાને કહી દે ને, મારે નથી આવવું.’
‘બેટા, બે જ દિવસનો સવાલ છે. કાલે સવારે જઈને પરમ દિવસે રાતે તો પાછા ઘરે પણ આવી જઈશું.’
‘નહીં મમ્મી, પ્લીઝ, મને જરા પણ મન નથી થતું. તમારા બેમાં હું શું નકામી બોર થઈશ ને તમને પણ બોર કરીશ. એના કરતાં તમે આરામથી જઈ આવો. તમે મારી ફિકર નહીં કરતાં, હું મારી બે-ત્રણ ફ્રેન્ડસને અહીં રહેવા બોલાવી લઈશ.
‘દીકરા, પપ્પા ગુસ્સો કરશે, એક તો બહુ વખતે પપ્પાએ આપણા ત્રણનું વેકેશન ગોઠવ્યું છે. તે પણ તારી ફેવરિટ જગ્યાએ. હવે તું ના પાડશે તો પપ્પા કેટલા ગુસ્સે થશે? બે દિવસનો તો સવાલ છે, બેટા મારે ખાતર પણ આવ, તારી બેગ તૈયાર કરી દે ચાલ જોઉં.’
તુલિકાને લાગ્યું કે, હવે જીદ કરવાનો કોઈ જ ફાયદો નથી, એટલે એણે મરજી વગર બેગ તૈયાર કરીને મૂકી દીધી. મનમાં ને મનમાં એ ધુંધવાતી રહી. ‘પપ્પાને આખા દિવસમાં દસ મિનિટ તો મળતી નથી મારી સાથે વાત કરવા. મમ્મી આખો દિવસ એના કામમાં ને ફોન પર બિઝી હોય. એ લોકો કેમ નથી સમજતાં કે હું કેટલી બોર થઈશ એમની સાથે? બે દિવસ ફ્રેન્ડસ સાથે કેટલી મઝા આવત એકલાં રહેવાની? એકાદ ફિલ્મ જોવા જાત, બહાર મસ્ત ડિનર કરીને આવીને ઘરમાં મોડે સુધી જાગીને ધમાલ મચાવવાની બધ્ધી મજા ગઈ. એમ નહીં તો દર વખતે મમ્મી મારી ફેવર કરે, પણ આ વખતે એ પણ પપ્પાની પાર્ટીમાં જતી રહી. જવા દે, બધાં જ મારા દુશ્મન જ છે, મને કોઈ સમજતું જ નથી. ’
વિવાનની બેગ તૈયાર કરતાં તારિકા મનમાં બબડતી હતી, ‘આ છોકરીને ખબર નહીં શું થઈ ગયું છે, કે સાથે આવવાનું ના પાડે ને ના જ પાડી દે. આખો વખત એની ને એની ફ્રેન્ડસ સાથે જ મંડેલી હોય. કોણ જાણે આખો દિવસ એવી તે કઈ વાતો કરવાની હોય? મારી સાથે ખાવા-પીવાની પણ થોડી વાત તો થાય, પણ વિવાન સાથે તો એટલીય નહીં, ભલે આ વખતે થોડું મોં ચડાવીને આવતી. એ બહાને પપ્પા સાથે પણ થોડું રહેશે તો પપ્પાને ઓળખશે. એના મનમાં તો એમ જ થઈ ગયું છે, કે પપ્પા એટલે તો જાણે પૈસા કઢાવવાનું મશીન. એને થોડી ખબર પડે કે પપ્પા રાત-દિવસ કેટલી મહેનત કરે, ત્યારે આપણે આટલા આરામથી રહી શકીએ છે. બધા શોખ અને બધી માગણીઓ કોઈ જ કચકચ વગર પૂરી થાય, એમાં પપ્પાના રોલની એને ક્યાંથી કદર થાય.
ખેર, કદર ના સહી પણ સાથે રહેવાથી બાપનો પ્રેમ શું છે એ જાણશે તોય બહુ છે. નહીં તો આ ભણવાના ચક્કરમાં ક્યારે મોટી થઈને વિદાય થઈ જશે તેય કોઈને ખબર નહીં પડે.’ બધી તૈયારી પતાવીને તારિકા વિવાનની રાહ જોતી બેઠી. તુલિકા તો મમ્મી સાથે કટ્ટી કરીને ક્યારની સૂવા જતી રહેલી.
બીજી સવારે પાંચ વાગ્યે એક નાનકડું ફેમિલી, એક નાનકડા ફેમિલી વેકેશન પર નીકળી પડ્યું. સામાન્ય રીતે વિવાન તારિકાને આગળ બેસવા આગ્રહ કરતો. તે દિવસે એણે તુલિકાને આગળ બેસાડી, ‘બેટા, મને ઊંઘ આવે ને એટલે તું કંઈ કંઈ ખટપટ કર્યા કરજે હં. તારી મમ્મી બાજુમાં બેસે ને તો પાંચ જ મિનિટમાં ઉંઘવા માંડે, તું તારી સ્કૂલની, ટીચર્સની ને ફ્રેન્ડસની વાતો કરજે. મને પણ મજા આવશે ને, એટલે ડ્રાઈવિંગ પણ એન્જોય કરીશ. મમ્મીને પાછળ ઊંઘવે દે આરામથી. આપણે ગપ્પાં મારીશું.’
તુલિકા મરજી વગર આગલી સીટમાં ગોઠવાઈ ગઈ. વિવાનને ધીરે ધીરે તુલિકાના મનની વાતો પર ટકોરા મારતાં, તુલિકા એકાદ કલાકમાં તો છૂટથી બોલતી થઈ ગઈ. તારિકા પાછળ બેઠી બેઠી મલકાતી હતી. કદાચ બહુ લાંબા સમય પછી આ દિવસ આવ્યો હતો, જ્યારે બાપ-દીકરી એમની દુનિયામાં ખોવાઈ ગયાં હોય! હવે એને ઊંઘ ક્યાંથી આવવાની?
હજી કલાકનો રસ્તો બાકી હતો અને કાર ઝાટકા ખાતી ખાતી થોડે આગળ જઈને બંધ પડી ગઈ.
‘ઓહ ! પપ્પા શું થઈ ગયું?’
‘જોઉં દીકરા, પંકચર જ પડ્યું લાગે છે, થોડો ખરાબ રસ્તો આવેલો ને વચ્ચે, લાગે છે કે ત્યારે જ ગરબડ થઈ ગઈ, કંઈ નહીં, તમે લોકો બેસો. હું હમણાં ટાયર બદલી કાઢું છું.’
‘પપ્પા, તમે એકલા જ ટાયર બદલશો? હું આવું હેલ્પ કરવા, ઊભા રહો.’
તુલિકા વિનાનની સાથે બહાર ગપ્પા મારતાં મારતાં, વિવાનને ટાયર બદલવામાં મદદ પણ કરતી રહી અને મમ્મી પાસેથી ચા-પાણી માગીને પપ્પાને આપતી રહી.
‘પપ્પા, થાકી જશો – ચા પી લો પહેલાં. પપ્પા, આ... કરો. આ બે બિસ્કીટ ખાઈ લો. ક્યારના ભૂખ્યા જ છો.’ વિવાનના ચહેરાના ભાવ ત્યારે કદાચ કોઈથીય ના ઉકલે તેવા થઈ રહ્યા હતા. અને તારિકાની આંખોમાં તો હર્ષનાં આંસુ ન ચમકે તો જ નવાઈ!
પછી તો, બે દિવસનું મિનિ વેકેશન જાણે ગણેલી સેકંડોમાં પસાર થઈ ગયું. એ અણમોલ સેકંડોએ તો ત્રણેયના જીવનમાં એવી જ અણમોલ યાદોનો મસ્ત મોટો ખજાનો ભરી દીધો, જેની ચાવી ત્રણેય પાસે હતી. જ્યારે જેને મન થાય, તેને માટે ખજાનો ખૂલી જાય. જો કે પછી એ પટારાને જબરદસ્તી બંધકરવો પડતો!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર