આઈ લવ યુ મૉમ
‘મને બહુ બીક લાગે છે, ’એમ રીયલી સ્કૅર્ડ યુ નો ?’
કાન પર ગુસપુસિયા શબ્દો પડતાં જ મોનાના પગ અટકી ગયા. એણે ધીરેથી નિશીના રૂમની નજીક જઈ કાન માંડી, વાત પર ધ્યાન આપવાની કોશિશ કરી.
‘અરે, આઈ એમ શ્યૉર કે, આ વખતે હું ફેઈલ જ થવાની છું. મેં કંઈ લખ્યું જ નથી તો ક્યાંથી પાસ થાઉં? હવે કાલે રિઝલ્ટ છે ને મને બહુ ડર લાગે છે. મમ્મી–પપ્પા તો કેટલા દિવસથી મારા રિઝલ્ટની રાહ જુએ છે તને ખબર છે ને? કેટલા દિવસથી પપ્પા તો મમ્મી આગળ પણ બોલ્યા જ કરે છે, ‘આપણી એકની એક દીકરી ને ડૉક્ટર? વાહ! આપણો તો વટ પડી જશે. અરે! હું ડૉક્ટર ન બન્યો તો કંઈ નહીં પણ મારા બેટાને મેં ડૉક્ટર બનાવ્યો. તું જોજે તો ખરી. આપણે એક ગ્રાન્ડ પાર્ટી પણ આપશું. ને મેં શું કર્યું રીમી? ઓહ ગૉ...ડ!’ ને દબાયેલાં ડૂસકાંનો અવાજ ચાલું રહ્યો.
સામેથી શું વાત થઈ તે કંઈ સમજાયું નહીં પણ તરત જ નિશી બોલી ઊઠી, ‘નો નો. આઈ કાન્ટ. એ લોકોને તો મારાથી કંઈ કહેવાશે જ નહીં. બિચારાં કેટલી મહેનત કરીને ને કેટલા પૈસા ખરચીને મને ભણાવે છે, તું જાણે જ છે. શું કરું એ જ સમજાતું નથી. આઈ ડૉન્ટ નો, એ લોકોને કેવી રીતે ફેઈસ કરીશ? ને એ લોકો પછી, બધા આગળ શું મોં બતાવશે? મને તો એ વિચારથી જ કેટલા દિવસથી ચક્કર આવે છે, માથું દુ:ખે છે ને વૉમિટ પણ થવા માંડી છે. કશે ભાગી જાઉં એમ થાય છે પણ ક્યાં જાઉં? એના કરતાં તો મરી જાઉં એમ થાય છે.’ બોલતાં બોલતાં નિશી રડવા માંડી.
નિશીની વાત સાંભળીને મોનાના માથે તો જાણે વીજળી ત્રાટકી. એ પૂતળું બની ગઈ, એકદમ સ્થિર. મગજ બહેર મારી ગયું. ઓહ! વાત અહીં સુધી પહોંચી ગઈ અને પોતાને ખબર પણ ન પડી? મનોમન પોતાના મા હોવા પર મોનાને ફિટકાર થયો. છટ્! હું કેવી મા છું? દીકરી ઘરમાં ને ઘરમાં જ દિવસોથી મૂંઝાય છે ને મને કંઈ ખબર જ નથી? એણે આમ મારી આગળ દિલ હલકું કરવાને બદલે કોઈ દોસ્તને શોધવી પડી? હે ભગવાન! મારી નિશીને કંઈ નહીં કરતા. બિચારી ફૂલ જેવી નાજુક છે. હજી તો આ દુનિયામાં એણે ખીલવાનું છે–ખુલવાનું છે. પ્લીઝ હેલ્પ મી. મોનાને મન તો થયું કે, એની લાડકીને દોડીને ગળે લગાવી દે ને એને આશ્વાસન આપે, પણ હજી ફોન પત્યો નહોતો ને વાત ચાલુ હતી.
સામેથી કંઈક આશ્વાસન મળ્યું હોય એવું લાગતાં થોડી વાર પછી નિશી શાંત થઈ ને ‘ઓક્કે..ઓક્કે..’ બોલીને ફોન લઈ પથારીમાં ઊંધે મોંએ ફસડાઈ પડી. ડૂસકાં તો હજીય ચાલું જ હતાં.
ઓહ! આમ વાત છે? મોનાનું દિમાગ કામે લાગ્યું. હમણાં તો કંઈ ખબર નથી એમ જ રાખું પણ સમય બરબાદ નથી કરવો. દીકરીના જીવનમરણનો સવાલ છે. હજી સૌમિલને આવવાને વાર છે, તે પહેલાં મારે કંઈક કરવું જ પડશે.
મોનાએ ફટાફટ નિશીનો પ્રિય ચિલ્ડ ઓરેન્જ પાઈનેપલ જ્યૂસ બનાવી કાઢ્યો. બે ગ્લાસ લઈને એ નિશીના રૂમમાં પ્રવેશી. મમ્મી ઘરમાં જ છે ને ગમે ત્યારે રૂમમાં આવશે તે જાણતી નિશી ફ્રેશ થવાનો ડોળ કરતી, મિરર સામે ઊભી રહીને વાળમાં બ્રશ ફેરવતી હતી.
‘ચાલ બેટા, આવી જા જ્યૂસ પીવા.’
‘મમ્મા, તું પી લે. હું પછી પી લઈશ.’
‘ના, આજે આપણે સાથે બેસીને જ્યૂસ એન્જોય કરીએ. એક કામ કરીએ. ચાલ આપણે બાલ્કનીમાં હીંચકે બેસીએ. બહુ દિવસ થઈ ગયા સાથે બેઠાં જ નથી.’ નિશી ના કહેતી રહી પણ મોના સમજાવી બહેલાવીને નિશીને બાલ્કનીમાં લઈ ગઈ. આઠમા માળની બાલ્કનીમાંથી સૂર્યાસ્તનો મસ્ત નજારો માણવાના બેમાંથી કોઈનામાં હોશ નહોતા. બાકી તો, અહીં જ બેસીને બંને મા–દીકરીએ કેટલીય સાંજો ગપ્પાં મારતાં વિતાવી હતી.
‘નિશી બેટા, તારી સાથે મારે કંઈક શેર કરવું છે.’
‘હમમમ... બોલ.’ વિચારમાં ડૂબેલી નિશીએ આડું જોતાં જેમતેમ આંસુને પાછાં વાળ્યાં.
‘તને તો ખબર જ છે કે, હું અમારી કૉલેજની પહેલી સ્ટુડન્ટ હતી જેણે એમ એસસીમાં ગોલ્ડ મેડલ મેળવેલો.’
‘હમમમ… યાદ છે.’ મમ્મી હમણાં કેમ આ વાત કરે છે? ક્યાંક એને મારા ગોલ્ડ મેડલની આશા તો નથી ને? નિશીના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું.
‘પણ એ કોઈ નથી જાણતું કે, હું ફર્સ્ટ યરમાં બધામાં વિષયોમાં ઝીરો લાવેલી.’
નિશીએ ચમકીને મમ્મી સામે જોયું. ‘રીઅલી?’
‘યસ બેટા, હું રિઝલ્ટ લેવા એકલી જ ગયેલી કારણકે મને ખબર હતી કે, મેં કંઈ જ નહોતું લખ્યું. કોઈ જ તૈયારી નહોતી કરી. પછી પાસ ક્યાંથી થાઉં? માર્કશીટ હાથમાં આવતાં જ મને ઘરનાંનો ને લોકોનો વિચાર આવ્યો. હવે? ઘરે પાછી જઈને શું મોં બતાવીશ? ને મેં નજીકના તળાવ તરફ ચાલવા માંડ્યું. બસ, મરી જાઉં કે બધા પ્રોબ્લેમ્સ જ જાય. મરવાના વિચારે જોશ આવી ગયું. જાણે કે ઝનૂન ઉપડ્યું. ને હું તળાવના કિનારે જઈને ઊભી રહી. આમ તેમ જોયું. કોઈ નથી જોતું તેવું લાગતાં મેં કૂદી પડવાની જેવી તૈયારી કરી કે, પાછળથી બે લેડી પોલીસે મને પકડીને નીચે ઉતારી.
હું ગભરાઈને શરમથી નીચું જોઈ ગઈ.
‘શું છે? લવ પ્રોબ્લેમ કે રિઝલ્ટ?’
મેં અચકાતાં કહ્યું, ‘ફેલ થઈ છું.’
‘તો આવતું વરસ નહીં આવે? માબાપ મારી નાખે એટલાં ઘાતકી છે?’
મેં ના કહી, ‘મારાં માબાપ જેટલું ભલું આ દુનિયામાં કોઈ નથી. મારા પર બહુ મોટી આશા છે એમને, એટલે જ એમને દુ:ખી કરવા કરતાં મારે મરી જવું છે.’
‘તો તારા મરવાથી એ લોકો સુખી થઈ જશે? પછી એ લોકો રોજ કોની રાહ જોશે? કોના ખાતર જીવશે? એ લોકો મરી જશે તો? ત્યારે લોકો તારું નામ નહીં આપે? એના કરતાં ઘરે જા. એ લોકોને સાચી વાત જણાવીને માફી માગી લે. આવતે વરસે ફર્સ્ટ આવીને બતાવી દેજે. તારા રિઝલ્ટ કરતાં એ લોકો તારી રાહ વધારે જુએ છે. જા ઘરે જા ને કોઈ વાર મરવાના વિચાર હવે પછી નહીં કરતી. જિંદગી બહુ લાંબી છે. એને આમ મરજીમાં આવે ત્યારે ખતમ કરવાનો આપણને કોઈ હક નથી. એના કરતાં મજેથી જીવો ને કંઈક સારું કામ કર્યાનો આનંદ માણો.’
મોના હજી આગળ કંઈ બોલે તે પહેલાં તો નિશી મોનાને ગળે વળગી પડી હતી. નિશી મોનાના શબ્દો અને લાગણી બરાબર સમજી ગઈ હતી. તે મોનાને માત્ર એટલું જ કહી શકી, 'લવ યુ મૉમ'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર