મમ્મી, હું નથી જવાની

26 Oct, 2016
12:00 AM

કલ્પના દેસાઈ

PC: aprillinewriting.files.wordpress.com

‘બેટા, આ વખતે રજા લઈને આવી છે તો જરા ચારુમાસીને ત્યાં પણ બે ઘડી જઈ આવજે. બહુ યાદ કરે છે તને. જ્યારે જ્યારે હું એમને મળવા જાઉં, ત્યારે ત્યારે માસી અચૂક, તારા સમાચાર તો પૂછે જ. બહુ વખતથી તને જોઈ પણ નથી, એટલે દર વખતે કહે, કે ‘હવે તો તારી દીકરી ખાસ્સી મોટી થઈ ગઈ હશે. ભણીને કમાતી પણ થઈ ગઈ, તોય મેં એને જોઈ નથી. કેવીક દેખાય છે, કોઈક વાર તો મળવા મોકલ.’ હવે દર વખતે હું બહાનું કાઢું તેય સારું તો ન કહેવાય ને? બેટા, મારું માન અને આ વખતે એમનું માન ને મારું મન રાખવા પણ એમને ત્યાં એક આંટો મારી આવજે.’

સુચિ ચુપચાપ મમ્મીની વાત સાંભળી રહી. ‘હજી તો ઘરમાં આવીને મને કલાક પણ નથી થયો. હજી પપ્પાને અને ભાઈને તો હું મળી પણ નથી અને મારા થાકનો તો વિચાર કરવાનો જ નહીં! મને હમણાં જો કોઈ કહે ને, તો હું બેડરૂમમાં દોડીને પથારીમાં પડું ને બે દિવસની ઊંઘ પૂરી કરીને જ બહાર નીકળું. હજી બધાં સાથે બેસીને જમવાની, ગપ્પાં મારવાની ને ધમાલ કરવાની તો બાકી જ છે ને મમ્મી પણ સાવ! ઓહ, ખરેખર! મમ્મીને ચારુમાસી માટે બહુ જીવ બળે. દરેક વાતમાં ચારુમાસી–ચારુમાસી. અમને તો કોઈને ગમતું જ નથી આ બધું. ઠીક છે પણ, મમ્મીને એમને ત્યાં ગમે છે તો ભલે, એની મરજી. કોઈ ના થોડું પાડે છે? પણ મને ચારુમાસીને મળવાનો આગ્રહ? ના ભાઈ ના.કોઈ કાળેય નહીં. ઓહ! હું પણ! ચાલ સુચિ, જવા દે. અહીંથી જ મનને વાળી લે, નહીં તો આવતાંની સાથે જ મમ્મી પર ગુસ્સો થઈ જશે, તો એને મનાવતાં દમ નીકળશે.’

‘હા મમ્મી, મળી આવીશ.’ વાત પતાવતાં સુચિએ મમ્મીને બીજી વાતે વાળી લીધી. 

સુચિના માનમાં ભાઈ ને પપ્પા વહેલા ઘરે આવી ગયા, ને સાથે સુચિને ગમતી એની દિવાળી ગિફ્ટ્સ તો ખરી જ. રાતના ડિનરમાં સુચિને ભાવતાં ભોજન સાથે એનું મનગમતું સંગીત અને મહિનાઓની–દિવસોની બહુ બધી...બહુ બધી...લાંબી લાંબી, પૂરી જ ન થાય એટલી વાતોનો સરસર વહેતો પ્રવાહ. આનંદના મોજાં ઊછળી રહ્યાં હતાં અને અચાનક જ મમ્મીએ વાતનો પ્રવાહ બદલી નાંખ્યો. 

‘સુચિને મેં કહ્યું કે, આ વખતે આવી છે, તો બે ઘડી જરા ચારુમાસીને મળતી આવજે. કેમ બરાબર ને? બિચારાં બહુ વખતથી કે’ કે’ કરે છે, અને સુચિ પણ ચાર દિવસની રજા લઈને આવી છે. શું કહેવું છે તમારું? મારી વાત ખરી છે ને? ઘરડું માણસ બિચારું માયા રાખે ને બોલાવે તો આપણે મળી આવવું જોઈએ કે નહીં?’

‘મમ્મી પ્લીઝ, હમણાં મૂક ને એ બધી વાત.’

‘અરે, તારી મમ્મીને તો આપણાં કરતાં ચારુમાસીની કંપની બહુ ગમે. અડધો દિવસ તો તારી મમ્મી ચારુમાસીને ત્યાં જ હોય.’

‘સુચિ, તું પપ્પાનું નહીં સાંભળતી હં. એ તો બસ, મારી મજાક કરવાનો એક પણ મોકો જવા દે એવા નથી, તે તો તને સારી રીતે ખબર છે. હવે માસી બિચારાં ઘરડાં છે, અને એમની વહુ સાથે એમને ફાવતું નથી. મારી સાથે સુખદુ:ખની બે વાત કરીને હળવાં થાય, તેમાં મારું શું લૂંટાઈ જવાનું? આખો દિવસ આપણા ઘરમાં તો કોઈ હોય નહીં, છેક સાંજે બધા આવે, પછી હું પણ શું કરું?’

‘કંઈ નહીં મમ્મી, તને જે ગમે તે કરવાનું. આ વાતમાં તો હું પણ તને ટેકો આપું છું.’ મજાકમસ્તીમાં સુચિનો એક દિવસ પૂરો પણ થઈ ગયો.

બીજા દિવસે બપોરે ફરી મમ્મીએ યાદ કરાવ્યું, ‘બેટા, ચારુમાસીને ત્યાં આજે જશે કે કાલે? માસી મને પૂછતાં હતાં.તું બપોરે ફ્રી હોય તો આપણે જઈ આવશું.’

‘જો મમ્મી, તું વારંવાર આગ્રહ કરે છે એટલે તને જણાવી દઉં, કે ચારુમાસીને ત્યાં હું નથી જવાની.’

‘પણ બેટા...’

‘મમ્મી પ્લીઝ, મને બિલકુલ આગ્રહ નહીં કરતી. એક તો મને જેમતેમ દિવાળીની ચાર રજા મળી છે, અને તેમાંય તું મને ચારુમાસીને ત્યાં જબરદસ્તી મોકલવા માગે છે? તું જરાક તો વિચાર કર, કે ચારુમાસી કોણ છે? એ તારા ગામના ફળિયામાં રહેતાં અને અહીં એક શહેરમાં મળી ગયાં, એટલો જ તમારો સંબંધ છે ને? ચાલ, માન્યું કે તમને બંનેને બહુ સારું ફાવે છે ને એકબીજાને ન મળો તો ગમે પણ નહીં. હશે, એ તમારી મરજી ને તમારો સંબંધ, તેમાં મારે કેમ મારી રજાનો કે મારી મરજીનો ભોગ આપવાનો? હું તમારી સાથે ચાર દિવસ રહેવા આવી છું. મારી મમ્મી, મારા પપ્પા ને મારા ભાઈ સાથે. તમને સૌને ખુશ કરવા, ખુશ જોવા અને તમારી સાથે મારી ખુશી વહેંચવા હું આટલે દૂર, બૅંગલોરથી બને તેટલી વહેલી આવી છું. મારી રજાની દરેક પળનો આનંદ તમારી સાથે લૂંટવા આવી છું. અને એમાંથી એક કલાક પણ કોઈને આપવા કે કોઈની સાથે વહેંચવા હું તૈયાર નથી.

મારી કેટલી બધી ફ્રેન્ડ્સ આ જ શહેરમાં રહે છે, મારા સગા મામાનું ઘર પણ છે ને દિવાળીમાં ત્યાં બધાં ભેગાં પણ થાય છે, મને ખબર છે. મને ઘણી વાર ત્યાં જવાનું બહુ મન થઈ આવે. પણ ના, મારા પપ્પા આખું વરસ મારી રાહ જુએ, મારી મમ્મી મારા વગર એકલી પડી જાય અને મારો બોક્સર ભાઈલો તો મારી સાથે ધમાલ કરવા ટાંપી રહ્યો હોય, ત્યારે તું એવું ચાહે છે, કે હું તારી સાથે માસીને ત્યાં આવું? માસીને ત્યાં જઈને શું કરવાનું? ‘કેમ છે દીકરા? બહુ દિવસે આવી. તું તો આવતી જ નથી’ વગેરે વગેરે, એકના એક સવાલોનાં રોદણાં સાંભળવાનાં? અને વાતે વાતે મહેણાં સાંભળવાનાં? ‘તું તો હવે મોટી થઈ ગઈ એટલે શાની આવે? તારી માને મારી ફિકર છે, તો કંઈક સારું છે. બાકી તો, મારા દીકરા ને વહુ જોયાં ને? એક ગ્લાસ પાણી પણ પૂછે એવાં નથી. તમે લોકો જુવાનિયાઓ, માબાપને બાજુ પર જ મૂકી દો કેમ? તું તારી માને જોજે બેન.’ વગેરે વગેરે લવારે ચડી જાય ને મને ડિસ્ટર્બ કરી દે. સાચું કહેજે મમ્મી, માસી આવી જ બધી વાતો કરે છે ને? મને નથી ગમતું આવી બધી ખોટી ખોટી ફોર્માલિટી કરવાનું કે બતાવવાનું. 

ધારો કે, હું ચારુમાસીને ત્યાં જાઉં તો મારા કેટલા કલાક બગડી જાય તને ખબર છે ને? તું તો બપોરના સમયે જઈ આવે ને ઠેઠ સાંજે આવે. કોઈને ત્યાં એમ, બે વાત સાંભળવા કે અડધો કલાક મળવા માટે ચાર–પાંચ કલાક બગાડવા જવું મને મંજૂર નથી. સ્કૂલ કે કૉલેજની વાત જુદી હતી. હવે નોકરીનો સવાલ થઈ જાય. વરસની ગણેલી રજા હોય ત્યાં આવા બધા સંબંધ કઈ રીતે સચવાય? અમારે અમારી માંદગી કે અમારા કામની રજા લેવી પડે, અમારા ઓફિસના સંબંધો સાચવવા કોઈ વાર રજા લેવી પડે, અમારું ફ્રેન્ડસર્કલ હોય તેમાં બધાંને મળવાનું મન થાય. એવું થઈ જાય, કે દિવસો ઓછા પડે પણ કામ જ ના પતે. પહેલાંની વાત જુદી હતી, હવે સંબંધો ફોન પર જ સચવાઈ જાય છે ને બધા જ સાચવી લે છે. કોઈ માઠું નથી લગાડતું. હું માનું છું, કે તું મારી વાત સમજી ગઈ ને હવે મને કોઈ દિવસ કોઈને મળવા જવાનો આગ્રહ નહીં કરે.’

‘નહીં કરું બેટા, અને તું છે એટલા દિવસ હું પણ કશે નથી જવાની. આપણે બધાં પહેલાંની જેમ જ નાઈટ શોમાં પિક્ચર જોવા જઈશું ને બહાર ખાઈને આવશું, બસ?’

‘હવે તું મારી મમ્મી સાચી. લવ યુ મમ્મી.’

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.