મારે ભણવું છે
‘ગીતા હારુ કાલે પાછો મૅડમનો ફોન આવેલો. તમે કંઈ નક્કી કઈરુ કે નીં?’
‘તું દર વખતે એકનો એક જ સવાલ પૂછે ને દર વખતે મારો એક જ જવાબ રેહે તે હમજી લે.’
‘એટલે તમે ગીતાને નીં મોકલવાના એમ ને?’
‘ના, ને અ’વે મે’રબાની કરીને નીં પૂછતી.’
‘મારે હું છે? તમને જ બો સોખ ઓ’ય રાત દા’ડો કારી મજૂરી કરવાનો તો કઈરા કરો. હામે ચાલીને પૈહા આવતા છે તે મગજમાં નીં ઉતરે, કેં?’
મગને પત્નીને જવાબ આપવાનું ટાળ્યું ને કામ પર જતો રહ્યો.
રસોડામાં વાસણ માંજતી ગીતાના હાથ તો જોકે થાળી પકડીને જ સ્થિર થઈ ગયેલા. ફરી પાછી એ જ મામા ને મામીની રકઝક. સમજણી થઈ ત્યારથી જાણેલું કે, એના માબાપ જે ગણો તે મામા મામી જ છે. દેવાં ને દવાએ માબાપનો ભોગ લીધેલો પછી મામાએ એને પોતાના ઘરમાં સમાવી લીધેલી. મામીને તો ત્યારથી જ ગીતા દીઠીય ગમતી નહોતી એટલે ગીતાને તો નાનપણથી જ ઘરનાં કામ આવડતાં થઈ ગયેલાં. જોકે ગીતાને ભણવા મૂકવા બાબતે મામા ને મામીમાં લાંબો સમય અબોલાં પણ રહેલાં ને અવારનવારના ઝઘડાઓએ ઉગ્ર રૂપ પણ ધારણ કરેલું. તોય ગીતાના સદનસીબે ને રાતદિવસની મહેનતે એ દસમાની ધોરણની પરીક્ષા સુધી પહોંચી શકેલી. દસમા પછી શું? ગીતા માટે આ સવાલનો જવાબ કદાચ એક જ હતો, જે એની મામીએ નક્કી કરી રાખેલો. એના જેવડી બીજી છોકરીઓ જેવો જવાબ એના માટે નહોતો આવવાનો તે કદાચ ગીતા બહુ પહેલેથી સમજી ચૂકેલી.
મગન જ્યાં કામ કરતો તે ફૅકટરીના સાહેબને ત્યાં સાહેબનાં બીમાર પત્ની માટે કોઈ કૅરટેકરની જરૂર હતી અને મગન સાથે એક વાર ઘરે આવેલી ગીતા મૅડમ સરિતાબહેનની નજરમાં વસી ગયેલી. છોકરી શાંત પણ હોશિયાર હતી એ સરિતાબહેનની ચકોર નજરે પારખી લીધું હતું. કાર એક્સિડન્ટ બાદ લાંબો સમય પથારીવશ રહેવાનું આવતાં જ સરિતાબહેનને ગીતાની યાદ આવી. કદાચ છોકરી ભણતી પણ હોય તોય પૂછાવી જોવામાં શું વાંધો? એ લોકોમાં હજીય છોકરીઓને ખાસ ભણાવતાં નથી એટલી એમને ખબર હતી. મજબૂરી સિવાય ન ભણવાનાં આ લોકોમાં કોઈ કારણો હોય છે?
સાહેબે મગનને ઓફિસમાં બોલાવ્યો ત્યાં સુધી મગનને આ વાતનો કોઈ જ અંદાજ નહોતો. અચાનક જ સાહેબે ગીતા વિશે પૂછપરછ કરી ત્યારે મગન બધી વાત પામી ગયો. સાહેબનાં પત્નીનો એક્સિડન્ટ થયો હતો તે સૌને ખબર હતી. મગન માટે તો ધર્મસંકટ આવીને ઊભું. ના કહેતાં સાહેબ નારાજ થાય. કહેવાય નહીં, કદાચ નોકરીમાંથી પણ બહાનું કાઢીને રવાના કરી દે! એક તરફ ગીતાના ઉજ્જવળ ભવિષ્યના કરેલા સંકલ્પ સાથે બહેનના આત્માને શાંતિ આપવાનો સંતોષ હતો તો બીજી તરફ નોકરીની ને પત્નીની બીક મોં ફાડીને પોતાને ગળી જવા તૈયાર હતી. ઘરે પૂછીને જણાવવાનું સાહેબને કહી મગન ઘર તરફ જવા માંડ્યો. ઘરે કોને ને શું પૂછવાનું હતું? ગીતાને તો બિચારીને પૂછવાનું નહીં પણ કહેવાનું હતું કે, ‘બેટા, તું તારું ભણવાનું છોડી દે, અ’વે બો ભણી. મારી હો અ’વે ઉંમર થવા માંડી છે ને મારાથી અ’વે બધા ખર્ચા હો પોં’ચી નથી વરાતા. તુ જો સાહેબને તાં કામે લાગી જાય તો મને હો થોડી મદદ થાય.’
શું એણે પત્નીને પૂછવાનું હતું કે, ‘સાહેબને તાં ગીતાને કામ પર બોલાવતા છે. હારો પગાર ને ખાવાપીવા હાથે કપડાં હો આપહે. મારો તો બો વિચાર નથી પણ તુ હું કે’ય?’
આ સવાલ પૂછાતાં જ પત્ની ફાડી ખાવાની હતી તે મગન સારી રીતે જાણતો હતો છતાં એણે હિંમત એકઠી કરીને ઘરમાં વાત છેડી.
‘મને હું પૂછવા બેઠા? હા જ ક’ઈ દેવાની ઓ’ય ને? બો ભઈણા બેનબા, અ’વે કામે નીં લાગહે તો કે દા’ડે લાગહે. એ તો નીં બોલહે કોઈ દા’ડો પણ તમારે હમજવુ જોઈએ ને? તમે કાં હુધી એને બેહાડીને ખવડાવહો? ભણાવીને હું મોટી સાહેબ બનાવવાની છે તમારે એને? એના ખર્ચા તો ઓછા થહે ને હાથે બે પૈહા લાવહે તો આપણને હો કામ લાગહે. આપણાં પોઈરાનું કે દા’ડે જોહો? મારુ માનતા ઓ’ય તો કાલે જ એને તમે સાહેબને તાં મૂકી જ આવો. તાં વરી હા કે’વા જવામાં હું દા’ડો બગાડવાનો? ને અ’વે મને કંઈ પૂછતા નો, જો તમે તમારી મરજીનું જ કરવાના ઓ’ય તો. ચાલ ગીતલી, કાં ગઈ? રોટલા થઈ રી’યા કે નીં? આ તારો મામો આઈવો તેને જમાડી દે, ઉં જરા વાર બેહું કે નીં?’
મામા ભાણેજે આંખમાં પાણી સાથે જેમ તેમ રોટલાના ડૂચાને ગળા નીચે ઉતાર્યા. ગીતાના મનમાં તો વર્ષોનું ઘણુંય હતું, જે કાયમ હોઠ સુધી આવીને અટકી જતું. ફક્ત મામાની આંખમાં પાણી ન આવે એટલા ખાતર જ એ ચૂપ રહેતી પણ હવે પાણી માથા પરથી નીકળી ચૂકેલું ને કાલે એણે જવાની તૈયારી કરવાની હતી. મામાએ એને કંઈ પૂછ્યું કે કહ્યું નહીં તેના પરથી સમજી ગયેલી ગીતાએ ચૂપચાપ કપડાંની થેલી ભરી લીધી ને રાત સ્કૂલની ગલીઓમાં વિતાવી. સવારે મામીએ પહેલી વાર ગીતા માટે ચા–નાસ્તો જાતે તૈયાર કર્યાં ને એને ઢગલો શિખામણ આપીને ખુશી ખુશી વિદાય કરી.
સરિતાબહેને ગીતાને પ્રેમથી પાસે બોલાવી, બેસાડી ને સીતાબહેનને ચા નાસ્તો લાવવા કહ્યું. મામાની આંખોમાં પાણી જોઈને સરિતાબહેને એમને ધીરજ બંધાવી, ‘ભાઈ, તમારી દીકરીને મારી દીકરી ગણીને રાખીશ, બિલકુલ ફિકર નહીં કરતા. જો એને અહીં નહીં ગમે તો તરત જ તમે એને આવીને લઈ જજો બસ? ફક્ત છ મહિનાનો જ સવાલ છે પછી તમારી દીકરી તમારે ત્યાં આવી જશે ને જો અહીં ગમી જશે તો અહીં રહેશે.’
સરિતાબહેનની વાતોથી થોડી રાહત મેળવીને મગને ગીતાને માથે હાથ ફેરવી ઝડપથી ત્યાંથી વિદાય લીધી, ક્યાંક મોટેથી ધ્રૂસ્કું ન મુકાઈ જાય. ગીતા પણ મામાના વિચારોમાં ને પોતાના ભવિષ્યનાં સપનાંની વચ્ચે વચ્ચે સરિતાબહેનની વાતો સાંભળી ડોકું ધુણાવતી રહી. વાતવાતમાં સરિતાબહેને ગીતા પાસેથી મામીના ત્રાસ ને એના ભણતરના વિરોધની વાત જાણી. બે મહિના પછી દસમાની પરીક્ષાનો પણ મામીએ વિચાર ન કર્યો તે જાણી સરિતાબહેનને આંચકો લાગ્યો. જાણેઅજાણે પોતે જ આમાં ગુનેગાર છે, સરિતાબહેનના મનમાં સતત કંઈક ખૂંચતું રહ્યું.
એક વાર મામીની વાત જાણ્યા પછી હવે ગીતાને પાછી એ ઘરે મોકલવા જેવી નથી, એટલું તો સરિતાબહેન સમજી ચૂક્યાં હતાં. એમણે શ્યામભાઈને બોલાવ્યા.
‘મારા માટે બીજા કોઈ બહેનની વ્યવસ્થા કરી દો. આ છોકરી હવેથી અહીં જ રહેશે ને અહીં જ ભણશે. દર મહિને એના ઘરે પાંચ હજાર મોકલી આપજો.’
ગીતાની આંખોમાં આભારવશ ધસી આવેલાં આંસુઓની ચમક ત્યારે અનોખી જ હતી. સરિતાબહેને ગીતાના મામાને ફોન લગાવ્યો, ‘લો, તમારી દીકરી સાથે વાત કરો.’
મગનને ફાળ પડી. હજી ઘરે પણ નથી પહોંચ્યો ને ગીતાથી એટલું પણ નહીં ટકાયું? ધ્રૂજતા હાથે એણે ‘હલો’ કહ્યું ને ખુશીનાં આંસુ લૂછતાં ફોન પાછો ખીસામાં મૂક્યો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર