જો મારી પાસે...
મહિલામંડળની મિટિંગમાંથી જ્યારે જ્યારે શ્યામા ઘરે પાછી ફરતી, ત્યારે ત્યારે એના મોં પર કોઈ અજબ ચમક કલાકો સુધી પથરાયેલી રહેતી. ઘરે આવતાં વેંત, એની મિટિંગની ને મિટિંગની જ વાતો શરૂ થઈ જતી. પછી ઘરમાં શ્રોતા તરીકે એનો પતિ હોય, દીકરી હોય, કે સાસુ હોય. અરે! ઘરમાં કોઈ ન હોય તોય એને વાંધો ન આવતો. જુદી જુદી સખીઓને ફોન કરીને સામેથી જ પોતાની વાત કરવાને બહાને આપવડાઈ કરવાનું એ ન ચૂકતી. એની સખીઓ પણ હવે તો બધું સમજતી હતી, તોય સંબંધ તૂટવાની બીકે એને સહી લેતી. ઘરનાંનો તો છૂટકો જ નહોતો. દર વખતે જઈ જઈને પણ ક્યાં જાય? દીકરી કૉલેજ કે વાંચવાને બહાને આમતેમ થઈ જતી ને પતિ ઓફિસને બહાને! બાકી રહેતાં સાસુ, એમનાથી તબિયતને કારણે કશે નીકળી ન જવાતું એટલે શ્યામાનાં ગુણગાન માથા પરથી જવા દેવા પડતાં. માણસ દર વખતે હોંકારાય કેટલા પૂરે?
વાતમાં એમ તો જોકે, ખાસ કંઈ દમ રહેતો નહીં–દર વખતે જ. તોય દરેક મિટિંગ પછી નવી જ વાત હોય તેમ શ્યામા, સાસુજી સાંભળે છેના વહેમમાં એમની સામે કથા કરવા બેસી જતી. કોઈક શ્રોતા પણ જોઈએ ને? થતું એવું, કે મહિલામંડળની મિટિંગમાં દર વખતે, મિટિંગ પત્યા પછી આખા હૉલમાં સભ્યો વચ્ચે થેલી ફરતી. દરેકની મરજી મુજબ થેલીમાં કંઈક ભેટ મૂકવાની એવો નિયમ હતો. ખરેખર તો, આ ગુપ્ત દાન જ હતું. પણ શ્યામાને આ રીતે ગુપ્ત દાન કરવું મંજૂર નહોતું. ભઈ, આપણે જો કોઈકને મદદ કરીએ તો બધાંને ખબર તો પડવી જોઈએ ને? તે વગર લોકોને પ્રેરણા કેમ મળે? ‘હું કંઈક આપીશ, તો લોકો મને જોઈને પણ કંઈક આપશે’ એવી ઉચ્ચ ભાવનાને કારણે શ્યામા હંમેશાં સૌને જણાવીને જ થેલીમાં પૈસા મૂકતી. ‘ગયા મહિને પાંચ હજાર આપેલા, તો મારા હસબંડે કહ્યું, કે પાંચ હજારમાં શું થાય? એટલે આ વખતે મારા તરફથી દસ હજાર છે હં કે!’
હૉલમાં બધી બહેનો એકબીજા તરફ જોઈને મોં મચકોડતી. કોઈક મોં દાબીને હસી પણ લેતી. મંડળના પ્રમુખ બહેનને દાન સાથે મતલબ હતો, પછી તે ગુપ્ત હોય કે જાહેર. દાનમાંથી જ તો કેટલીય બહેનોની નાની મોટી જરૂરિયાતો પૂરી થતી હતી. એમને તો શ્યામાબહેનને અવગણવાનું પોસાય તેમ નહોતું. હશે હવે, વિચારીને એ બહેન પોતાનું કામ કર્યા કરતાં. થતું પણ એવું, કે શ્યામાથી વધારે દાન કોઈ આપતું પણ નહોતું. દર મહિને અમુક ચોક્કસ રકમ દાન કરવાની બધાંની હેસિયત ન પણ હોય, એ તો સમજવાની વાત હતી. શ્યામા ધનવાન હતી. પિતા અને પતિ તરફથી પૈસાની કોઈ ખોટ ક્યારેય પડી નહોતી, અને છૂટથી વાપરતાંય એને ખોટ પડે એવુંય નહોતું. આવાં દસ–વીસ હજારનાં દાન તો એ દર મહિને ફક્ત પોતાનું નામ ચમકાવવા જ કરી નાંખતી. વળી, ખાસ આગ્રહ પણ રાખતી, કે એનું નામ બીજે દિવસે પેપરમાં પણ છપાય! દુનિયામાં આવા દાનેશ્વરીઓની પણ ક્યાં ખોટ છે? સંતોષ એટલો જ, કે એ બહાને લોકોને મદદ મળતી રહે છે.
દિવાળી નજીક આવતી હતી અને દર વરસની જેમ આ વરસે પણ, મિટિંગમાં વાર્ષિક થેલી ફરવાની હતી. આ થેલીમાં ભેગી થતી રકમથી, ગરીબ બહેનોને અને એમનાં બાળકોને નવાં કપડાં, ફટાકડા તેમ જ મિઠાઈની દિવાળી ભેટ મળવાની હતી. સૌને દિલ ખોલીને દાન કરવાની પ્રમુખે જાહેરાત કરી હતી. શ્યામા તો બહુ ખુશ હતી. પતિએ દિવાળી નિમિત્તે દાન કરવા પચીસ હજારનો ચેક આપ્યો હતો અને પિતા તરફથી પણ એટલા જ પૈસાની ભેટ મળતાં શ્યામાની ખુશી માતી નહોતી. ‘આજે તો મારો વટ પડી જવાનો, જોજો ને. આટલું મોટું દાન તો કોઈ આપે એવું છે જ નહીં, અમારા મંડળમાં. બસ, આજે મારી દિવાળી જ સમજી લેવાની.’ મિટિંગમાં જવા તૈયાર થતી વખતે શ્યામા સાસુ આગળ લવારીએ ચડી ગયેલી. સાસુએ ચોપડીમાં મોં ખોસેલું રાખતાં, હું હાં કરી લીધેલું. ‘દાન કરવા નીકળી છે, ને નામના ધખારા તો જો. અરે, જમણો હાથ દાન કરે તો ડાબા હાથને અણસારેય ના આવવો જોઈએ. આ બહેન તો ગામ ગજાવવા નીકળવાની. હશે, જેવી જેની અક્કલ!’
પૂર્વા પણ રજા હોવાથી ઘરમાં જ હતી ને એણે પણ આ બધી વાતો સાંભળી. ‘મમ્મી, તું તારી મિટિંગમાં દાન કરે તેનું કંઈ નહીં, પણ નામ શું કામ જાહેર કરાવે છે?’ સમજુ દિકરીથી મમ્મીને ટોક્યા વગર ન રહેવાયું. ‘તું બેસ, તને કંઈ સમજ ન પડે આ બધી વાતમાં. જરા કોઈ દિવસ આવીને તો જો, કે તારી મમ્મીનો કેટલો વટ પડે છે! ઘરમાં બેસીને ડહાપણ કરવું બહુ સહેલું છે. પણ મને તારી સલાહ નથી જોઈતી. માગું ત્યારે આપજે, હં બેટા!’ કહેતી શ્યામા મિટિંગમાં જવા નીકળી ગઈ.
દાદી અને પૌત્રી એકબીજા સામું જોઈ મોં બગાડી બેસી ગયાં. ‘દાદી, મમ્મીને આ શું આવું ગાંડપણ હશે? કોઈને મદદ કરીએ તો કંઈ શહેર આખામાં ઢંઢેરો પીટવાનો હોય? મને તો એટલી શરમ આવે ને, મમ્મીની આ બધી વાતો સાંભળીને.’
‘જવા દે બેટા, કોઈને હોય એવો નામનો મોહ. હવે એ તારી મમ્મી છે એટલે કહેવાય પણ કોને? એને એનામાં ખુશ રહેવા દે. આપણે આપણું કામ કરીએ. ચાલ, મને એક વાત જણાવ, કે તારી પાસે હાલ કેટલા રૂપિયા છે? પાંચેક હજાર હશે?’
‘હા, છે ને દાદી. મારો એક ડ્રેસ લેવાનો છે, તેમાં ઘટતા હતા તે પપ્પાએ સવારે જ મને આપ્યા છે. શું કામ પડ્યું તમને વળી, પાંચ હજારનું? કોઈને દાન કરવાના?’ કહેતાં પૂર્વા હસી પડી.
‘હા બેટા દાન જ કરવાનું છે, પણ ગુપચુપ.’
‘કોણ છે એ?’
‘આપણાં કાંતામાસી. એના ઘરે રજામાં એની છોકરીઓ ને એમનાં બાળકો આવવાનાં છે. મમ્મી પાસે માગવાની એમને બીક લાગે છે. કારણ તો તું જાણે છે. તારી મમ્મી દસ વાત સંભળાવીને અને હજાર સવાલ કરીને, એમને જેમતેમ હજાર રૂપિયા આપશે ને પાછી દિવાળીમાં રજા ન પાડવાની શરતે! હવે જેવી આપણી દિવાળી, તેવી એ લોકોની પણ દિવાળી ને? આ બધું તારી મમ્મીના ગળે નહીં ઉતરે, કારણકે કાંતામાસી કંઈ ઢંઢેરો ઓછો પીટવાનાં, કે મારી શેઠાણીએ મને પાંચ હજાર આપ્યા? એટલે એ બિચારાં મારી પાસે આવેલાં. મારી પાસે જો એટલા રૂપિયા હોત તો હું તને ના કહેત, પણ...’
‘બસ દાદી, હું સમજી ગઈ બધી વાત. મારી પાસે તો બહુ ડ્રેસ પડ્યા છે. તમે તમારી મેળે કાંતામાસીને ગુપચુપ પૈસા આપી દેજો. હજાર બીજા મારા તરફથી પણ આપી દેજો.’
દાદી હરખનાં આંસુની આરપાર પૂર્વા સામે હેતથી જોઈ રહ્યાં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર