ઘરમાં વડીલોનું મહત્ત્વ કેટલું?

27 Jan, 2016
12:05 AM

કલ્પના દેસાઈ

PC:

અંદરના રૂમમાંથી એક પછી એક બૅગ બહાર આવીને દરવાજા પાસે ગોઠવાવા માંડી. નાસ્તાનું બૉક્સ ને પાણીની બાટલીઓ પણ યાદ કરીને મૂકી દેવાઈ. ઘરનાં સભ્યો વારાફરતી આગલા રૂમમાં આવવા માંડ્યા. બધાંની નજર ઘડીક સામાન પર તો ઘડીક જનારાની ગતિવિધિ પર ફરતી રહી. માએ તો સવારથી ઉદાસી ઓઢી લીધેલી. એણે રોજનાં બધાં કામ તો કર્યાં, દેવસેવા પણ કરી તોય આજે બધી વાતમાં વડચકાં ને આંસુ. કોઈ કામમાં એનું ચિત્ત જ નહોતું ચોંટ્યું. ક્યાંથી ચોંટે? એકની એક દીકરી આજે એને છોડીને નવા શહેરમાં જતી રહેવાની હતી ને તેય પાછી બંને દીકરાને સાથે લઈને. ઘરથી દૂર ને નજરથી દૂર એટલે દિલથી પણ દૂર જ ને? શું આ શહેર નથી? અહીં કમાણી નથી? અહીંની નોકરી શું ખોટી હતી? થોડી વધારે સગવડ ને વધારે પગારની લાલચમાં જમાઈ પણ શું જોઈને અહીંથી જવા તૈયાર થઈ ગયા? અહીં બાપનું ઘર છે, છોકરાઓ સચવાઈ જાય ને સાજે–માંદે કે જરૂર પડે ત્યારે બધાં તરત દોડીને આવી શકે. ત્યાં કોણ છે? માનો સતત બબડાટ ઘડીક મનમાં તો ઘડીક બહાર રેલાઈ જતો.

અજાણ્યા શહેરમાં એ કેવી રીતે બે છોકરાને સાચવશે? બહુ કહ્યું ને બહુ સમજાવ્યા પણ જમાઈ તો ન માન્યા તે ન જ માન્યા. પાછી દીકરી પણ મને સમજાવવા બેઠી. ‘એ તો ગમે ત્યારે તો જવાનું જ હતું ને? ક્યાં સુધી એક જ જગ્યાએ પડી રહેવાનું? દીકરાઓના ભવિષ્ય ખાતર થોડી હિંમત તો કરવી જ પડે. ને અમે ક્યાં એટલાં દૂર જવાનાં છીએ? ફોન આવતાં જ પાંચ–છ કલાકમાં તો હાજર થઈ જઈશું. તમે પણ આવતાં રહેજો. શરૂ શરૂમાં એવું લાગે પણ પછી ટેવાઈ જવાશે.’ નવી જગ્યાએ ને નવા ઘરમાં જવાની હોંશમાં દીકરીને પોતાની કંઈ પડી નથી એવું સતત અનુભવતી માએ બંને દોઈતરાંને પોતાની પાસે બોલાવ્યાં પણ એ લોકોય જવાના ઉત્સાહમાં નાની પાસે આવીને પાછાં દોડી ગયાં. નાનીના ખોળામાં બેસવાની બેમાંથી કોઈએ જીદ ન કરી. નાનીની આંખમાં તો આંસુ ઘડી ઘડી ડોકાઈને પાછાં વળી જવા માંડ્યા.

જ્યારથી દીકરીએ બીજા શહેરમાં જવાના સમાચાર આપેલા ત્યારથી જ માનું તો દિલ બેસવા માંડેલું. કેટલીય વાર બ્લડપ્રેશર વધી જતું તો કેટલીય વાર અમસ્તો જ તાવ આવી જતો. એના મનમાં એ વાત કેમેય બેસતી નહોતી કે બબ્બે છોકરા સાથે બિચારી દીકરી એકલી કેમ કરતાં બધું પંજેલશે? પહેલી વાર જોડિયા દોહિત્રોના આવવાના સમાચાર મળેલા ત્યારથી તે આજ સુધીની એક એક પળ એની આંખ આગળ કેટલાય દિવસોથી ફરવા માંડેલી. પહેલા દિવસે જ એણે તો જમાઈને ફરજ પાડેલી કે, દિવસમાં એક વાર તમારે મારી દીકરીને મારે ઘરે લઈ આવવી. હું રોજ એને જોઈને એની કાળજી કરતી રહીશ. તમને એ બધી વાતમાં કંઈ સમજ ન પડે ને તમારા ઘરમાં કોઈ છે નહીં એટલે આ વાતમાં તમારે કંઈ બોલવાનું નથી.’

માએ તો પોતાનાં રાતદિવસ દીકરીનાં ભવિષ્યને સોંપી દીધાં હતાં ને આજ સુધી બંને દીકરાને કેટલી કાળજીથી આટલા મોટા કર્યા, તે આજે આ રીતે વિદાય કરવા માટે? લાચાર ને બેબસ બનીને એક બાજુ બેસી રહેલી માને જોઈને બધાંને દયા આવતી હતી પણ છૂટકોય ક્યાં હતો? મા વહેલી સમજી જાય તો સારું નહીં તો બિમાર થઈ જશે એની સૌને બીક હતી. સૌએ પોતપોતાની રીતે માને સમજાવી જોઈ. કોઈનું માને તો આજે મા શેની?

દીકરી કરતાં પણ દોહિત્રોની વસમી વિદાયની ઘડી આખરે આવી પહોંચી ને માએ જિગરના ટૂકડાઓને ભારે મને આવજો કહ્યું. માથી દરવાજા સુધી વળાવવા ન જવાયું. બારીમાંથી દૂર સુધી આંસુઓની આરપાર જિગરના ટુકડાઓને જતાં જોઈ રહી ને લડખડાતી ચાલે રૂમમાં જઈ પલંગમાં ફસડાઈ પડી. તકિયામાં ડૂસકાં દબાવીને દરિયો નીચોવી દીધો. ઘરનાં સૌ માને સમજાવવા એની ફરતે ફરી વળ્યાં પણ મા તો બહેરી બનીને ગાડીની પાછળ દોડતી રહી...દોડતી રહી, જ્યાં સુધી થાકીને ઘડીક ઉંઘી ન ગઈ. ઝબકીને અચાનક જાગતાં વળી એ જ દરિયાનાં મોજાંનો ઘુઘવાટ ને પથ્થર સાથે અફળાઈને નિરાશાનો ભાર.

માના દિવસો ખાલીખમ. ચારે બાજુ નાની... નાની… ના ભણકારા સિવાય કંઈ નહીં. કોઈની સાથે વાત નહીં ને કોઈ કામ તો ઠીક પણ ખાવામાંય ચિત્ત નહીં. થવા ખાતર બધી ક્રિયાઓ થયા કરે, જાણે હાલતાંચાલતાં જોરે જોરે જીવતું રહેલું કોઈ પૂતળું. ઘરમાં દીકરા વહુને ને નાનાને હવે ચિંતા પેઠી. માને મગજ પર અસર તો નહીં થઈ જાય? માંદી તો નહીં પડી જાય? કેટલું સમજાવી તોય જાણે કંઈ સાંભળતી જ નથી. આખરે એક દિવસ દીકરો ડૉક્ટરને જ બોલાવી લાવ્યો.

‘માને બાળકોના વિયોગનો આઘાત લાગ્યો છે. થોડા દિવસ એમને બાળકો પાસે મૂકી આવો. ત્યાં એમની સાથે થોડા દિવસ રહેશે એટલે એમને સંતોષ થશે. ત્યાં રહ્યે રહ્યે જ એમની દિનચર્યા જોશે એટલે જાતે જ સમજી જશે. બાળકોની માયા ધીરે ધીરે એની મેળે છૂટશે, ચિંતા ના કરો. એકદમ જુદા થવાથી એકલાં પડ્યા જેવું લાગે છે. ત્યાંથી આવે પછી એમને કોઈ ગમતી પ્રવૃત્તિમાં વાળી દેજો. બહાર ફરવા લઈ જજો અને ઘરનું વાતાવરણ હળવું રાખજો. દવાની કે બીજી કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી.’

બીજી બાજુ, નાનીનો વધારે હેવાયો હોવાથી બેમાંથી એક દોહિત્ર પણ માંદો પડી ગયો. આખો દિવસ રડતાં રડતાં, નાની...નાની...નું રટણ ચાલુ ને ખાવાપીવાનું બંધ. બે દિવસ તો તાવ પણ આવી ગયો. જેમતેમ સમજાવતાં–પટાવતાં માબાપના નાકે તો દમ આવી ગયો. આખરે થોડા દિવસ નાની સાથે રહેવાનું નક્કી થતાં જ બંને તરફ તાવ પણ ગાયબ ને આંસુડાં પણ ગાયબ!

આવી જ બીજી એક કહાની કે સત્ય ઘટના સાથે ફરી આવતે અઠવાડિયે મળીએ. તમે નક્કી કરજો કે, ખરેખર બાળકોને કોની સાથે રાખવાં ? કે બાળકોની જવાબદારી કોની ગણાય?

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.