લાગણીની કિંમત
‘મુદિતા, મમ્મીને ફોન કર્યો કે નહીં? શૈલાનો પહેલો બર્થ ડે છે તે મમ્મી વગર થોડો ઉજવાશે?’
‘હસિત, ખરું કહું ને તો મમ્મીને લીધે જ મને તો શૈલાનો બર્થ ડે ઉજવવાનું પણ મન નથી થતું. બીક લાગે છે મમ્મીની.’
‘અરે! મમ્મીની બીક લાગે છે? પ્લીઝ હં, જરા વધારે જ રીએક્ટ કરે છે તું. હું તો મમ્મીને ફોન કરવાનો જ છું પણ મને એમ કે તું પહેલાં ફોન કરે ને હું પછી વાત કરું તો સારું. હવે તને મમ્મી સાથે શું વાંકું પડ્યું? મમ્મી પાછું કંઈ બોલી? જો બોલી પણ હોય ને તો મા છે એમ સમજીને અને ખાસ તો આપણી લાડલીની વર્ષગાંઠ છે એટલે પણ મોટું મન રાખીને જવા દે જે વાત હોય તે.’
‘હસિત, આ એક દિવસની વાત નથી. દર વખતની વાત છે. જ્યારે જ્યારે મમ્મી આ ઘરમાં આવે છે, ત્યારે ત્યારે આપણને બેયને ડિસ્ટર્બ કરીને જ જાય છે તે ભૂલી ગયો? આ વખતે તો પાછી આપણી દીકરીની વર્ષગાંઠ છે. હું નથી ઈચ્છતી કે મમ્મી એના વિચિત્ર વર્તનથી ને જાતજાતનાં મેણાંથી શૈલાને આશીર્વાદ આપે. મારી સગ્ગી મા છે પણ એના વર્તનથી હવે ખરેખર મને એના ઉપર ગુસ્સો આવે છે.’
‘પ્લીઝ મુદિતા, રિલેક્સ. એક જ દિવસનો તો સવાલ છે. આપણે બન્ને સાચવી લઈશું ને બધું. કેમ ચિંતા કરે છે? મમ્મી જે કંઈ વાંકું બોલે તેનો જવાબ જ નહીં આપવાનો. બસ વાત ખતમ’
‘ના, વાત એટલી સહેલાઈથી ખતમ નથી થતી તે જ તો વાંધો છે. તું બધું ભૂલી જાય છે કારણકે તું મોટા મનનો છે ને મારું દિલ એટલુંય મોટું નથી, કે છાસવારે થતા અપમાનોને ગણકારું જ નહીં કે મન પર જ ન લઉં. એકને ખોળ ને એકને ગોળની એની આ આદત મને નાનપણથી ખબર છે. મોટીબેન દેખાવે સુંદર તે મારો વાંક હતો? નાનપણથી ફક્ત ઘઉંવર્ણી હોવાને કારણે જ સતત તરછોડાતી રહી ને મોટીબેનને અછોવાનાં થતાં રહ્યાં. ભણવામાં પણ એ કારણે જ મારું ચિત્ત ચોંટતું નહીં ને મોટીબેન કાયમ પહેલો નંબર લાવતી તે મારા માટે તો સજા જ બની જતી. એના રિઝલ્ટને દિવસે મારે કેટલું બધું સાંભળવું પડતું.’ હસિત મમ્મી માટે બે સારા શબ્દો શું બોલી પડતો, કે તરત જ મુદિતાનો વરસોનો આક્રોશ ઠલવાવા માંડતો.
‘અધૂરામાં પૂરું, મોટીબેનના સાસરાની જાહોજલાલીથી અંજાયેલી મમ્મીના દિલમાં તારા જેવા સાધારણ ઘરના જમાઈનો મેળ બેઠો જ નહીં. તને કેમ સમજ નથી પડતી, કે મમ્મી આપણે જઈએ ત્યારે કેવું વર્તન કરે અને તે જ સમયે મોટીબેન ને જીજાજી આવી જાય તો કેવી ઓછી ઓછી થઈ જાય! તું તો સાવ ભોળો જ રહ્યો ને એટલે જ તને બધા સારા જ લાગે છે ને મમ્મીની કોઈ ખામી સિક્કે તને દેખાતી નથી.
હવે મમ્મીને નવો ટૉપિક મળશે. મોટીબેનના સૌરવ સાથે આપણી શૈલાની સરખામણી કર્યા કરશે. ક્યાં સૌરવ ને ક્યાં હજી વરસ દિવસની શૈલા? તોય મમ્મીને જોયા કરજે. જીભમાંથી ઝેર જ ઓકવાનું બાકી રાખશે. મને તો મારી મા હોવા છતાં એના આવતાં જ એક જાતની સૂગ ચડવા માંડે છે. મારું માનતો હો તો આપણે બે એકલાં જ, શાંતિથી ને ખુશીથી શૈલાનો બર્થ ડે ઉજવીશું. તે ઉલટાનો વધારે સારી રીતે ઉજવાશે, કોઈનીય રોકટોક કે ટીકા ટિપ્પણ વગર.’
હસિત વિચારમાં પડ્યો. મુદિતાની વાતમાં દમ તો હતો. આજ સુધીમાં સાસુજીએ કાયમ મેણાંટોણાંથી જ એમને આવકારેલાં. એ કોઈ વાર આવીને કલાક બેઠાં હોય કે બે દિવસ રહેવા આવ્યાં હોય, નાની નાની વાતે મુદિતાની કંઈ ને કંઈ ખામી કાઢવાનું કે પોતાના અથવા મોટીબેનના સાસરાના પૈસાનો દેખાડો કરવાનું સહેજ પણ ચૂકતાં નહીં. પોતાની બૅગ ખાલી કરતી વખતે, દર વખતે દરેક વસ્તુની કિંમત બોલતાં ને મુદિતાને સાચવીને વાપરવાની સલાહ પણ આપી દેતાં એણે ઘણી વાર જોયાં હતાં. મા છે, બોલે એમ સમજીને એ દિલમાં લેતો નહીં પણ સાસુજીના ગયા પછી દર વખતે મુદિતા ક્યાં તો ખૂબ ગુસ્સો કરતી અથવા તો ખૂબ રડતી ને દુ:ખી થતી તે એનાથી સહન થતું નહીં.
મુદિતાની વાત તો સાચી છે. ફક્ત શરમમાં પડીને વહેવાર સાચવવામાં પોતે ને મુદિતાએ દુ:ખી થવું ને પ્રસંગની કાયમ કડવી યાદ સંઘરવી, એના કરતાં કોઈને બોલાવવા જ નથી. બહાનાં તો હજાર મળી જશે. પછીથી ગમે ત્યારે પાર્ટી આપી દેવાશે પણ શૈલાની પહેલી વર્ષગાંઠ તો પોતે મુદિતાની સાથે જ ઉજવશે.
‘મુદિતા, તું કહે તેમ બસ? હું, તું ને શૈલા જ પાર્ટી કરશું ને એક નાનકડી પિકનિક કરીને બર્થ ડે ઉજવશું, મંજૂર? આપણી દીકરીને આપણાં આશીર્વાદ જ કાફી છે. કોઈની બૂરી નજર કે વેણ મારી દીકરીને ન લાગે તે જોવાની જવાબદારી આપણી. ઓકે? ચાલ, તો હવે ક્યાં જઈશુ તે તું નક્કી કર.’
મુદિતા તો હસિતની સામે જોઈ જ રહી. એણે હસિતના ગાલ પર મીઠું હસતાં એક ટપલી મારી લીધી. હવે એના પરિવારને કોઈની નજર કે કોઈની ટોક નહીં લાગે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર