કોઈને યાદ કરવાની રીત!
વિભા રસોડામાં ગઈ ને એક ખૂણામાં રહેલો વાસણનો કબાટ ખોલી, હાથમાં રહેલો ડબ્બો અંદર ગોઠવી દીધો. કબાટ તરત જ બંધ કરવાને બદલે, હંમેશની જેમ એ કબાટની માયામાં ભાન ભૂલી ગઈ. દર વખતની જેમ, કબાટમાં ઉપરથી નીચે સુધી નજર નાંખી મનમાં ખુશ થતી રહી. આખો કબાટ જાતજાતનાં વાસણોથી શોભતો હતો. એકદમ ઉપરના ખાનામાં તાંબાના વાસણ, એની નીચેના ખાનામાં પિત્તળના વાસણ અને બાકીના બધા ખાનામાં સ્ટીલનાં વાસણ.
'આહાહા! આટલાં વરસોમાં તો કંઈ વાસણ આવ્યાં છે! અસલ તો પિત્તળનાં વાસણ જ વહેંચતાં, એટલે પિત્તળનાં થાળી-વાટકા ને લોટા જ કેટલા બધા ભેગા થયા છે. અમુક વળી સધ્ધર હતા, તેમણે તાંબાના વાસણ વહેંચેલાં. હવે તો ક્યાં તાંબું ને ક્યાં પિત્તળ? સ્ટિલનાં સ્તો! જે હોય તે, પણ સ્ટીલનાં વાસણેય આવે છે તો નવી-નવી ડિઝાઈનનાં, માર્કેટમાં નવું આવ્યું નથી કે, મારા કબાટમાં ગોઠવાયું નથી. મારે તો અમુક વાસણ લેવાય નથી પડતાં. આમાંથી જ અડધાં તો કામ લાગી જાય.'
વિભા એના વાસણની દુનિયામાં એટલી ઊંડી ઉતરી ગયેલી કે, પાછળ કેતન આવીને ઊભો રહ્યો તેય એને ખબર ન પડી.
'મમ્મી, કોની સાથે વાત કરે છે?'
'અરે, કંઈ નહીં, એ તો આ બધા વાસણ જોતી હતી. જો તો ખરો, આખો કબાટ ભરાઈ ગયો છે. હવે તો એમાં નવું વાસણ મૂકવાનીય જગ્યા નથી. બીજાં આવે તો, મારે તો કબાટ લેવો પડશે.' બહુ મોટી વાત કરી હોય તેમ, પોતાની વાત પર વિભા હસી પડી.
કેતન મોં બગાડી ત્યાંથી ખસી ગયો. મમ્મી બહુ સારી હતી ને બહુ સમજુ હતી, પણ આ એક વાતમાં કેમ એ કંઈ સમજતી નહોતી, તેની કેતનને કાયમ નવાઈ લાગતી. સગેવહાલે કે પાસપડોશમાં કોઈ ગુજરી જાય, તો આગ્રહ કરીને પોતાને સ્મશાને મોકલતી અને પોતે અચૂક બેસણામાં જતી, તેનું કારણ વર્ષો સુધી કેતન સમજ્યો નહોતો. મમ્મી બહુ વહેવારુ હતી એવું સમજતો કેતન, ઘરમાં આવાં વાસણ આવતાં થયાં પછી, મનમાં મમ્મીની ગાળ ખાવી કે એના પર ગુસ્સો કરવો તેની અવઢવમાં રહેતો. પપ્પાના ગયા પછી મમ્મીનું મન ખૂબ આળું થઈ ગયેલું. સાચવીને રહેવા છતાંય કઈ વાતે મમ્મી રિસાઈ જશે તે કેતન સમજી ન શકતો.
આ કેવો રિવાજ હતો? મૃત વ્યક્તિની યાદમાં વાસણ વહેંચાય! શું એ બહાને એ વ્યક્તિની યાદ કાયમ રહે છે? એ વ્યક્તિ સારી હતી કે ખરાબ તે ગૌણ બની જાય અને ફક્ત વાસણ જ એની પહેચાન બની રહે? અને કેટલાં વરસ? વાસણ રહે એટલાં વરસ? કે વાસણ જેટલી વાર હાથમાં આવે એટલી વાર? માયા કે લાગણી વ્યક્તિ માટે કે વાસણ માટે? કેતનના મનમાં આ સવાલો ઘુમરાયા કરતા અને મમ્મી તરફથી કોઈ જવાબ ન મળતાં આખરે વિખેરાઈ જતા. ફરી કોઈ વાસણ ઘરમાં આવતું અને કેતનનું મગજ ઘુમરીએ ચડતું.
એક દિવસ કોઈ દૂરના કાકાની યાદમાં, એમના પૌત્રો આમ જ, ઘેર-ઘેર વાસણ વહેંચવા નીકળેલા. કેતને એમને આવકાર્યા અને જોઈ લીધું કે મમ્મી રસોડામાં જ છે.
'ભાઈ, તમે કોને ત્યાંથી આવો?'
'અમે પ્રમોદકાકાને ત્યાંથી આવીએ છીએ. અમારા દાદાની યાદમાં વાસણ વહેંચવા નીકળ્યા છીએ.'
'તમે તો નવી જનરેશનના છો, માનો છો આ બધા રિવાજમાં?'
'ના માનતા તો નથી પણ ઘરમાં સૌની મરજી વિરૂદ્ધ કંઈ બોલાય નહીં.'
'તો ક્યારે બોલશો? તમારાં વાસણ વહેંચાશે ત્યારે? એટલું તો વિચારો કે, તમે તમારું કામ બગાડીને ભર તાપમાં નીકળ્યા છો. શેના માટે? કોઈ પૂછે તો પણ તમને શરમ આવવી જોઈએ. તમારા દાદાની યાદ ફક્ત એક વાસણમાં સમાઈ ગઈ? વાસણ ના વહેંચત, તો તમારા દાદાને કોઈ યાદ ના કરત? એમનાં તો કેટલાં બધાં કામ આજે પણ લોકો વખાણે જ છે ને કાયમ વખાણશે. વાસણની શી જરૂર? તમારા સમયની કે આ પેટ્રોલના બગાડની કોઈ કિંમત નહીં? આ એક વાસણથી તમારી વાહવાહ થશે? હા, કદાચ મારી મમ્મી જેવી સ્ત્રીઓ ખુશ થશે, પણ એવું જ વાસણ અમે ના ખરીદી શકીએ? શા માટે આ ખોટા રિવાજને પ્રોત્સાહન આપો છો? ઘરમાં વિરોધ નહોતો કરાતો?
તમે મહેરબાની કરી આ વાસણ પાછું લઈ જાઓ. તમારામાં હિંમત હોય તો બાકીનાં વાસણ જરૂરિયાતમંદોને આપી દેજો. હું કાયમ તમને યાદ કરીશ. આવજો.' ક્યારની રસોડામાં કામ કરતાં કરતાં કેતનની વાત સાંભળી રસોડામાંથી વિભા બહાર આવી. ગળગળા અવાજે એટલું જ બોલી, 'બેટા, ગાડી કાઢ, આપણે અનાથાશ્રમ જઈએ.' કેતન વિભાને વળગી પડ્યો, 'મમ્મી, પ્લીઝ રડતી નહીં. આટલી જલદી તેં વાસણની માયા મૂકી દીધી તે મને બહુ ગમ્યું. થેંક્યુ.'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર