તારી મારી વાતની ભીતર
‘અમારે એવી કૉલમ શરૂ કરવી છે જેમાં સ્ત્રીઓના પ્રશ્નો હોય ને સાથે સાથે એના ઉકેલ પણ હોય. તમે ડૉક્ટર નથી કે સાઈકિયાટ્રિસ્ટ નથી તે મને ખબર છે. તમે સાસ–બહુની સિરિયલો પણ નથી લખતાં તેય જાણું છું ને એટલે જ કદાચ તમને કહેવાની હિંમત કરું છું. તમને ‘ગાર્ડિયન’ના લેખોથી અમે ઓળખીએ છીએ.’ (અમે એટલે, ‘khabarchhe.com’ના અંકિત દેસાઈ અને નિલેશ પરમાર)
‘હા ભાઈ, પણ હું તો ફક્ત હાસ્યલેખો લખું છું. વાર્તા કોઈક વાર લખી છે પણ દર અઠવાડિયે તો મારાથી વાર્તા નહીં લખાય.’ મેં પહેલેથી જ ચોખવટ કરી લીધી. નકામી મોટે ઉપાડે કૉલમ ચાલુ કરું ને અધવચ્ચે ફસકી પડે તો મનદુ:ખ થાય.
‘મને તમારામાં વિશ્વાસ છે, તમે ફક્ત હા પાડો.’ અંકિતે હક કર્યો.
આ તો અજબ કહેવાય! મને મારામાં વિશ્વાસ નહોતો પણ મારામાં આ છોકરાને વિશ્વાસ હતો!
મારી અવઢવે હા થતાં, મને કૉલમનું ફોર્મેટ સમજાવાયું ને ત્યારથી શરૂ થઈ દર અઠવાડિયે નવા નવા વિષયની શોધ ને ત્યારથી મંડાઈ ‘તારી મારી વાત.’ શોધવા બેઠી ત્યારે ખબર પડી કે, મારી આસપાસ તો સતત જીવંત વાર્તાઓ ઘુમરાતી જ રહે છે! આજ સુધી જેમની વાતો સાંભળી હતી, નજરે નિહાળી હતી કે પછી જેમના દુ:ખે દુ:ખી થઈ હતી તે લોકોની જ વાતો લખું તો કેમ? બહુ લાંબી પળોજણમાં પડ્યા વગર કે કાનૂનના દાવપેચને વચ્ચે લાવ્યા વગર સીધેસીધી વાતચીતના રૂપમાં જ વાર્તા લખવાનું રાખું. વાંચનારને લાગે કે, આ વાત તો મેં પણ જોઈ છે કે મેં પણ અનુભવી છે. બસ, આમ જ પહેલી વાર્તાની નાયિકા બનીને આવી રમીલા. મારે ત્યાં જ કામ કરે. ગભરુ સ્વભાવની રમીલા બધાંનો સાથ મળતાં કેવી હિંમત બતાવી શકે તે જાણીને મને પણ ખૂબ ખુશી થયેલી. જોઈએ વાર્તાનો એક અંશ.
‘એક રાતે પ્રકાશે હંમેશની જેમ ઘર માથે લીધું. હજી તો ખાવા જ બેઠો, કે કોઈ બહાનું શોધીને એણે બરાડો પાડ્યો ને થાળી ફેંકી દીધી. ઊભો થઈને એ રમીલાને મારવા જ જતો હતો કે, રમીલા પણ તરત જ ઊભી થઈ ગઈ. પ્રકાશનો ઊંચો થયેલો હાથ જોરમાં પકડી એણે મચડી કાઢ્યો. પ્રકાશની સઘળી તાકાત તો દારૂએ છીનવી લીધેલી. એ સામો થવા ગયો પણ રમીલાએ એને હડસેલી દીધો.’
અને તે દિવસથી પ્રકાશ સીધો થઈ ગયો.
આ દિવસો દરમિયાન જુદી જુદી પરીક્ષાઓના રિઝલ્ટ્સની રાહ જોવાતી હતી અને સમાચાર મળ્યા કે, એક ખૂબ જ અંગત મિત્રની દીકરીએ રિઝલ્ટની બીકમાં ઝેર પી લીધું ને એ હૉસ્પિટલમાં છે.
‘આ આજકાલનાં છોકરાંઓને કોણ જાણે શું થઈ ગયું છે! વાતે વાતે મરવાની વાત. તું બોલ તો હીમુ, આપણે નિરાલીને શાની ખોટ પાડી? જે માગ્યું તે હાજર કર્યું, જ્યાં કહ્યું ત્યાં ભણવા મૂકી, કપડાં, પૈસા, મોબાઈલ ને લેપટૉપ ને શું નથી લઈ આપ્યું? આપણા લાડ–પ્યારમાં કંઈ ખોટ હતી? શું આપણે બીજાં માબાપ કરતાં ઉતરતાં નીકળ્યાં? મને કંઈ જ સમજાતું નથી, આવું કેમ થયું?’ સુમીતે વાતના જોશમાં એક્સીલરેટર પર પગ દબાવ્યો ને અચાનક ગાડીની સ્પીડ વધી ગઈ. હીમાએ સુમીતને વારીને સ્પીડ ઓછી કરાવી પણ મનની સ્પીડનું શું? એ તો ક્યારનું ક્લિનિક ને હૉસ્ટેલની ફરતે ફરતું હતું.’
માબાપની સતત ચિંતાની વાતો ને દોડાદોડી જોઈને થયું કે, હજી પણ રિઝલ્ટની બીકમાં આ બધી કોશિશો શા માટે? ક્યાંક કોઈ કડી ખૂટે છે માબાપ અને બાળકો વચ્ચે. એ કડી તે પ્રેમની કડી ને દીકરી બચી ગઈ તેની ખુશી સાથે વાર્તા બની, ‘મુસીબતોથી ડરવું કે એની સામે લડવું?’
એમ તો, દરેકના જીવનમાં સવાલો હોય ને તેના જવાબો પણ હોય પણ ઘણી વાર મનોમન વિચારેલા ખોટા જવાબો તરફ દિશા ફેરવાઈ જાય ત્યારે નાસીપાસ થઈ જવાય. આ કૉલમમાં એવો જ કંઈક પ્રયાસ કરવામાં આવે છે કે, નાસીપાસ થયા વગર ફક્ત હિંમતથી મુસીબતોનો સામનો કરવાથી જ મોટા ભાગના સવાલો આપમેળે પોતાના જવાબો શોધી લે છે. ખોટા રિવાજો સામે એક જ વાર ઉઠાવેલો અવાજ, કાયમ માટે રિવાજની હકાલપટી કરવાની સાથે બીજા પર પણ દાખલો બેસાડતો જાય છે. ‘સાચા માણસ, ખોટા રિવાજો’ વાર્તામાં વર્ષો પહેલાં કરાયેલા વિરોધને જાણીએ ત્યારે થાય કે, ખોટા રિવાજોને હદ પાર કરવા કોઈ બહુ મોટી વાત નથી. બસ, મોટી વાત છે અવાજ ઉઠાવવાની.
લવ મૅરેજ વર્ષો પહેલાં પણ થતાં અને આજે પણ થાય છે, કોઈ નવાઈ નથી. નવાઈ તો એ છે કે, આજના કહેવાતા બદલાયેલા જમાનામાં પણ જ્યારે માબાપ લવ મૅરેજનો વિરોધ કરે, જાતજાતની અડચણો ઊભી કરે ને દહેજના નામે ઉઘરાણાં કરે! ફેસબુક પર મિત્ર બનેલી એક છોકરીને જાતજાતની મુસીબતોથી બચાવીને, પોતાના પ્રિય પાત્ર સાથે પરણાવીને જ મારી બહેને શાંતિથી દમ લીધો હતો. આશી નામની એ છોકરીના લગ્નની વાર્તા દરેક હપ્તે નવો મોડ લેતી અને અમને પણ થતું કે, લગ્ન હેમખેમ તો થશે ને? લગભગ બધી વાર્તા સાચી જ છે કારણકે આ તો તારી ને મારી સાથે આપણી ને આપણા સૌની વાત છે.
જમાનાઓથી સ્ત્રીઓના પોતાના અનેક પ્રશ્નો છે તો સાથે સાથે કુટુંબની દરેક વ્યક્તિના પ્રશ્નો સાથે પણ એ સંકળાયેલી રહે છે. એમાં અમુક પ્રશ્નોના હલ મળી ગયા છે તો જમાના પ્રમાણે બીજા નવા પ્રશ્નો ઊભા પણ થયા છે. ગામડું હોય કે શહેર હોય, ગરીબ કે તવંગર પ્રશ્નો વગરની જિંદગી હોતી નથી ને પ્રશ્નો વગરની જિંદગીમાં મજા પણ નથી હોતી. ધારો કે, તમારી બસમાં કોઈ ત્રણ અજાણી છોકરીઓ મુસીબતમાં છે એવું લાગે તો તમે એમને મદદ કરશો કે મારે શું? કહીને છટકી જશો? એ છોકરીઓનું શું થયું તે જાણવા વાંચવી પડે વાર્તા, ‘દાદી, તમે તો સુપરદાદી!’
અખબારમાં રોજ છપાતા અમુક દુ:ખદ બનાવો સિવાય પણ આપણા સંબંધોમાં ખૂબ નાની નાની વાતે ટકરાવ અને મનદુ:ખ ચાલુ જ રહે છે. એ બધામાંથી સરળતાથી નીકળી જવાતું નથી કે ભાગી શકાતું નથી પણ ઠંડા દિમાગની સોચ કે અરસપરસની સમજુતીથી જો શાંતિના રસ્તા નીકળતા હોય ને હળવાશથી જીવાતું હોય તો, તારી મારી વાત વહેંચવામાં કંઈ ખોટું નહીં એવું માનું.
અને છેલ્લે, વેકેશન ક્લાસને નામે ચાલતા ક્લાસ પર એક નજર.
‘બેટા, મેં ક્લાસ ભરવાની ક્યાં ના પાડી? મારે ફક્ત જાણવું છે કે, જે ક્લાસ તું ભરવાની તે સેફ છે કે નહીં? કોઈ મુસીબતની રાહ જોવી ને પછી એનો સામનો કરવો એના કરતાં જો પહેલેથી જ થોડી સાવચેતી રાખી હોય તો એમાં શું ખોટું છે તે જ મને સમજાતું નથી.’
‘ઓક્કે. તો સાંભળી લે કે, આ ક્લાસ અમારી સ્કૂલના સર જ ચલાવે છે, એ માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે ને પર્સનલી બધાના ઈન્ટરવ્યૂઝ લે પછી જ એડમિશન આપે એટલા સ્ટ્રિક્ટ છે.’
ડ્રોઈંગક્લાસ માટે પર્સનલ ઈન્ટરવ્યૂ? મમ્મીની સિક્સ્થ સેન્સે ટકોરો માર્યો.
‘એમાં વળી શું ઈન્ટરવ્યૂ લેવાનો? તારી કોઈ ફાઈલ હોય તો બતાવી દેવાની અને ન હોય તો પણ વેકેશનક્લાસમાં તો બધાંને જ એન્ટ્રી મળવી જોઈએ ને? એમને તો ફી સાથે મતલબ હોય. ભલે ને સ્ટુડન્ટ ગમે તે હોય.’
‘જો મેં તને પહેલાં જ કહ્યું ને કે, તારી બધી વાતો તારા જૂના જમાનામાં ચાલી ગઈ. હવે નવો જમાનો ને નવા રૂલ્સ. નવી સ્ટાઈલ ને નવો અંદાઝ, સમજી મારી મૉમ? સારા સ્ટુડન્ટ્સ હોય તો સરનું નામ થાય ને ક્લાસ જોરમાં ચાલે. ડોબા લોકોને નો એન્ટ્રી. ને મારું ડ્રોઈંગ તો તને ખબર છે કે કેટલું મસ્ત છે. તમે લોકો જ તો નાનપણથી બધાંની આગળ મારાં વખાણ કરતાં ને કહેતાં કે, મારી દીકરી તો બહુ મોટી આર્ટિસ્ટ બનવાની છે. ભૂલી ગઈ એ બધી વાત ? સરે જ કહ્યું કે, ‘તારું ડ્રોઈંગ એ ગ્રેડનું છે. તું જો મારા ક્લાસમાં આવે તો બે જ મહિનામાં તને નંબર વન બનાવી દઉં. ફક્ત તારે મહેનત કરવાની જ જરૂર છે. બાકી તું તો બહુ મોટી આર્ટિસ્ટ થવાની છે તે હું અત્યારથી તને લખી આપું.’ બસ ? હવે આનાથી વધારે બીજું તને શું જોઈએ?’
(બસ, હવે મને કંઈ નથી જોઈતું. આ જ બધું મારે જાણવું હતું બેટા.) મમ્મીની સિક્સ્થ સેન્સ દીકરી કરતાં બે ડગલાં આગળ જ હોવાની ને?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર