આ પીડાઓનો કોઈ ઉપાય છે ખરો?
સ્મિતા સવારથી અકળાયેલી હતી. ધ્રુવને સ્કૂલે લેવા જવાનું હતું. બેંકનું કામ હતું ને સાથે ઘરનું મહિનાનું કરિયાણું લાવવાનું હતું. આ રમાડી હજી આવી નહીં. મહિનાના બાર દિવસ તો આની આ જ રામાયણ હોય. ‘બેન, આજે વર માંદો છે ને કાલે છોકરી માંદી છે આજે છોકરો સ્કૂટર સાથે ઠોકાઈ ગયો, તો કાલે નાના છોકરાને કૂતરું કરડી ગયું.' દવાખાને જવાના પૈસા નહીં ને સરકારી દવાખાનાં કોઈ દાદ આપે નહીં એટલે છાશવારે ઉપાડ લીધે રાખે. આટલા બધા ઘરે કામ કરે છે, તો કમાણી તો સારી હશે. પછી પૈસા બચાવવા જોઈએ ને? વરનાં ને છોકરાનાં લાડ પૂરા કરવામાં પોતાની જાતને તો જોતી નથી. મારેય કેટલી મદદ કરવી? બીજા ઘરેય છે ને? ત્યાંથી ઉપાડ માગતા શું થાય છે? પછી મને મસ્કા મારે કે, ‘બેન તમારો સ્વભાવ બહું સારો છે. આ બીજા ઘરનાં લોકો તો કામ સાથે કામ રાખે. મને કોઈ દિવસ પૂછેય નહીં કે, 'રમા, શું થયું? કેમ માંદી માંદી દેખાય છે? બસ, ખાલી મોડી પડું ત્યારે ખખડાવી કાઢે. બાકી એ લોકોને કામ સાથે લેવાદેવા. બીજું કંઈ નહીં. ઉપાડ તો મંગાય જ નહીં. જો માગો તો, હું કેટલા દિવસ મોડી પડી ને મારા કામમાં કંઈ ઠેકાણું નથી ને અમને તો બીજી દશ મળી રહેશે એવું બધું બોલવાનું ચાલુ કરી દે.’
સ્મિતાનું મગજ ચકરાઈ ગયેલું ને માથામાં હથોડા ઠોકાતા હતા. ઓહો! રમા... રમા... ને રમા... શું આ જ જિંદગી છે? સવારથી જ ભગવાનને બદલે સીધું એનું નામ? રમા આજે આવશે? કે નહીં આવે તો? જો આવી તો ક્યારે એનો ફોન ગાજશે ને ક્યારે એ બધું કામ છોડીને ભાગશે. કંઈ ભરોસો નહીં, કામની ને દાનતની તો એટલી બધી ચોખ્ખી છે કે, એને છોડવાનું મન પણ નથી થતું. એના બધા નખરાં ઉઠાવું એટલે ઘરનાં સૌનું સાંભળવાનું. ‘મમ્મીને તો રમા વહાલી છે. આપણે તો કોઈ વિસાતમાં જ નહીં. રમાનું નામ જપે એના કરતાં આપણું નામ જપે તો મમ્મીનો ઉદ્ધાર થઈ જાય.’
સ્મિતાની નજર રસોડાના કામ પર ફરતી હતી પણ મન તો દરવાજે ચોંટેલું. રમા આવી કે શું? હા...શ...! આવી ખરી. આજે તો ખખડાવી જ કાઢું. આ બધું રોજ રોજ નહીં ચાલે.
‘રમા, કેમ રે! તું પાછી આજે મોડી આવી? કેટલી વાર તને કહેવાનું? મારે બહાર જવાનું હતું તે પણ તારા કારણે નહીં જવાયું. ક્યાં હતી અત્યાર સુધી?’ સ્મિતાનો બહુ સમયનો દબાઈ રહેલો ગુસ્સો રમા પર ઠલવાઈને જ રહ્યો. આ લોકો સાથે આવી જ રીતે કડકાઈથી કામ લેવું પડશે નહીં તો મારે માથે બેસી જશે.
‘બેન ગામથી મારા જેઠ આવેલા. એમને જમાડીને મોકલવામાં મોડું થઈ ગયું. હવે કાલથી રોજના ટાઈમે આવીશ. બેન, બે હજાર આપજો ને.’
‘બે હજાર? હજી તારા આગલા ચૂકવવાના બાકી છે, યાદ છે ને? તું તો હાલતા ને ચાલતાં પૈસા જ માગ્યા કરે છે!’
‘હા બેન, યાદ છે પણ જેઠને દશ હજાર આપી દીધા એટલે ઘરમાં હવે કંઈ નથી.’
‘રમા... તું શું બોલે છે કંઈ ભાન છે? દસ હજાર શેના આપ્યા જેઠને? ને આટલા બધા પૈસા હોય તો મારી પાસે કેમ ઉપાડ લીધે રાખે છે?’
‘બેન, તમને તો ખબર છે, મારો વર કંઈ નથી કમાતો ને છોકરી હવે મોટી થઈ ગઈ છે, એના લગન કરવા પડશે ને? મેં જેમ તેમ દશ હજાર ભેગા કરેલા, પણ મારા જેઠના છોકરાને હોસ્પિટલમાં મૂક્યો છે એટલે એને આપવા પડ્યા.’
‘તારો જેઠ છેક ગામથી પૈસા લેવા અહીં સુધી લાંબો થયો. તો શું એને નથી ખબર કે એનો ભાઈ કંઈ કમાતો નથી? તારો વર આખો દિવસ તારા પૈસે પીને જલસા કરે ને એના ભાઈને જરૂર પડે તો પૈસા તારે આપવાના! ખરું ચાલે તમારામાં આવું બધું. મને તારી ને તારાં છોકરાની દયા આવે બાકી તો, તારા વરને સીધો કરવા જેવો જ છે. જુવાન ને હટ્ટોકટો તો છે. પછી કમાવા જતાં જોર પડે છે? બૈરી-છોકરાં ઢસરડા કરે ને પોતે ખાઈ-પીને મજા કરવાની. મને તો તારા પર પણ બહુ ગુસ્સો આવે છે, એક વાર પોલીસમાં સોંપી દે કે, માર ખાઈને સીધેસીધો કામ કરતો થઈ જાય.’
‘બેન, અમારામાં બધાને ત્યાં આવું જ છે મરદો હરામનું ખાઈને, દારૂ પીને રાત દા’ડો પડી રે. ધમાલ કરે ને જો બૈરા સામે બોલે કે પૈસા આપવાની ના પાડે તો બહુ મારે બેન, પૈસા... આપો?’
સ્મિતા ઢીલી પડી ગઈ. બિચારી રમા. એની કંઈ જિંદગી છે? સવારમાં કેટલીય વહેલી ઊઠીને બધું કામ પતાવીને ઘરેથી નીકળતી હશે તે ઠેઠ રાતે ઘરે પહોંચતી હશે. બપોરે દોડતી દોડતી ઘરે જઈને બધાને જમાડીને પાછી કામ પર લાગી જાય તે સળંગ રાત સુધી એ જ. લોકોના વાસણ-કપડાં-ઝાડૂ-પોતાં ને મહેણાં. પોતાની સાથે સરખામણી કરતી સ્મિતાએ રમાને બે હજાર પકડાવી દીધા.
‘રમા, કાલે સવારે મારી સાથે આવજે તારું બેંકમાં ખાતું ખોલાવી આપું. તું બાર-બાર ઘરનાં કામ કરીને મહિને આટલા રૂપિયા કમાય છે તે તો બધા આમ જ પૂરા થઈ જવાના.’
‘બેન, મારું બેંકમાં ખાતું ખોલેલું છે. ને મેં એક લાખ રૂપિયા બચાવેલા છે. છોકરીના લગન કરવાના છે ને? મને એટલા પૈસા કોણ આપશે? ને બેન, તમે મારા વરને પોલીસમાં આપવાની વાત કરો છો ને? તમે કેટલીના વરને પોલીસમાં આપશો? રસ્તા પર સવારથી મારા જેવી કેટલીય, કામ પર દોડતી તમને દેખાય છે ને, તે બધીના ઘરે આવી જ માથાકૂટ ચાલે છે. બધીના વર નવરા, કામ પર જાય નહીં ને આખો દિવસ પાનાં ને દારૂ. છોકરાં રખડ્યા કરે ને છોકરી મોટી થાય તો માની સાથે ઘરે ઘરે કામ કરવા દોડતી થઈ જાય. આ લોકોને પોલીસમાં આપવાથી એ લોકો સુધરી જશે એમ તમે માનો છો. બેન? જેલમાંથી છૂટીને સીધા જ દારૂના અડ્ડે જશે ને આવીને અમને બહુ મારશે. અમે બહારગામથી આવેલા છે એટલે અમારું રેશનકાર્ડ હો નથી, ને દવાખાનામાં હો અમને કોઈ લાભ નહીં મલે બેન. પાકા ઘર નથી ને લાઈટ-પાણીની સગવડ હો નથી. બોલો બેન, હવે તમે અમને કઈ મદદ કરી શકો, પૈસા સિવાય?'
સ્મિતાની જીભ સિવાઈ ગઈ. 'શું આનો કોઈ રસ્તો નહીં હોય?'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર