મમ્મીની પણ પરીક્ષા છે
શ્રુતિના ઘરમાં સવાર સવારમાં જ દોડાદોડી થઈ ગઈ. સોહમ નહાવા ગયો હતો અને મીત નાસ્તો કરવા જ બેસવાનો હતો કે રસોડામાંથી કાચના વાસણો તૂટવાનો ખાસ્સો મોટો અવાજ આવ્યો. ‘ઓહો! શું થયું શ્રુતિ...?’ કહેતો મીત રસોડામાં દોડ્યો ને જોયું તો શ્રુતિ રસોડામાં ચત્તીપાટ પડેલી ને આજુબાજુ કાચના વેરણછરણ ટુકડા. આઘાતને કંટ્રોલ કરતાં મીતે જલદી જલદી કાચના ટુકડાઓને ખસેડી શ્રુતિને ઊંચકી બેડરૂમમાં સુવડાવી. એના મોં પર પાણી છાંટતા મીતે શ્રુતિના ગાલ પર હળવી થપકીઓ મારીને એને ઢંઢોળવાની વ્યર્થ કોશિશો કરી, પણ શ્રુતિ તો બેભાન બની ચૂકી હતી. કંઈક બન્યુંના ગભરાટમાં સોહમ પણ દોડી આવ્યો. ‘પપ્પા, શું થયું મમ્મીને ?’
‘કંઈ નહીં બેટા, ટેન્શન નહીં લે. મમ્મીને થાક, ઉજાગરા ને ભૂખને કારણે ચક્કર આવી ગયાં છે. મેં ડૉક્ટરને ફોન કર્યો છે. હમણાં આવતા જ હશે. તું જરા પણ ફિકર નહીં કર બેટા. મમ્મી અબ્બી હાલ બેઠી થઈ જશે. તું તારે આરામથી તૈયાર થા, નાસ્તો કર ને આજનો દિવસ રિક્ષામાં નીકળી જજે. બિલકુલ ટેન્શન લીધા વગર પરીક્ષા આપજે. હું બપોરે તને લેવા આવી જઈશ. ત્યાં સુધીમાં તો મમ્મી પણ આપણી રાહ જોતી થઈ ગઈ હશે જોજે ને.’
સોહમનો ઉતરેલો ચહેરો જોઈ મીતે એને સમજાવ્યો, ‘જો બેટા, તેં આખું વરસ ખૂબ સરસ મહેનત કરી છે તેને નકામી નહીં જવા દેતો. જ્યાં સુધી મમ્મી નૉર્મલ નહીં થાય ત્યાં સુધી મમ્મી સાથે હું છું જ. એટલે મમ્મીની બિલકુલ ચિંતા કર્યા વગર તું તારી પરીક્ષા પર જ પૂરું ધ્યાન આપજે. યાદ રાખજે કે, તારું સ્વસ્થ મન જ તને સારા માર્ક્સ અપાવશે. આપણી કેટલીય ના છતાં મમ્મી તો વર્ષોથી આપણા બે માટે વ્રત, ઉપવાસ ને ઉજાગરા કરતી જ આવી છે. આ બધું કરવાને લીધે જ એની આ હાલત થઈ છે. ડૉક્ટરના આવતાં જ બધું ઠીક થઈ જશે. તું સમજુ છે. વધુ નથી કહેતો. અમને તારી પાસેથી, તારી પાછળ ખર્ચેલા પૈસા કે અમારી મહેનત કે અમારા પ્યારનો બદલો નથી જોઈતો પણ તારે તારી મહેનત અને તારા ભવિષ્યનો વિચાર કરીને પરીક્ષા આપવાની છે, તે ધ્યાન રાખજે.
બેટા, તું જ કેટલીય વાર તારા ક્લાસના ગરીબ દોસ્તોની વાત કરતો હોય છે ને કે, એમના માબાપ કેટલી તકલીફો વચ્ચે એમની ફી ભરે છે ને એ છોકરાઓ પણ પાર્ટ ટાઈમ કામ કરીને કે વાંચવાની દરેક અગવડો વચ્ચે પણ સરસ માર્ક્સ લાવે છે. તારા ક્લાસનો એક છોકરો તો બચપણથી પોલિયાવાળા પગે પણ રોજ ચાલતો સ્કૂલે આવે છે ને પેલી રાહી તો જમણા હાથના અંગૂઠા વગર પણ બધી પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ લાવે છે. તું એમને યાદ રાખજે ને મમ્મીની આ નાનકડી બિમારીને ભૂલીને શાંત ચિત્તે પેપર લખજે. મને તારા પર પૂરો વિશ્વાસ છે કારણકે તું અમારો ડાહ્યો ને સમજુ બેટો છે. તેં પણ અમને આટલાં વર્ષોમાં પૂરો સાથ આપ્યો છે. ક્યારેય ફરિયાદનો મોકો નથી આપ્યો પણ તું તો તારી મમ્મીને સારી રીતે જાણે છે. નાની અમથી વાતનું ભારે ટેન્શન લઈ લેવાની એને બહુ જ ખોટી ટેવ છે. આપણા સમજાવવાથી એ નથી સમજતી તો ભલે ટેન્શન લેતી, આપણે શું કરી શકીએ?
ચાલ જવા દે, મમ્મીની વાત પછી. આપણે બંને પરીક્ષા પછી મમ્મીને જોઈ લઈશું. એને સીધી કરી દઈશું ઓકે? હવે તું મને પગે લાગે છે કે એમ જ આશીર્વાદ આપી દઉં?’ સોહમ મીતને પગે લાગવા વાંકો વળ્યો કે અર્ધેથી જ સોહમે એને ખેંચીને ગળે વળગાડી દીધો. સોહમના વાંસે પ્યારના બે ધબ્બા મારતા કહ્યું, ‘બેટા, ઓલ ધ બેસ્ટ. મને તારા પર વિશ્વાસ છે. પેપર લખીને બહાર નીકળે એટલે મને ફોન કરજે, જોજે પાછો મમ્મીને ફોન નહીં કરતો.’
‘ડૉન્ટ વરી પપ્પા. તમે છો પછી મમ્મીની ચિંતા નથી. બાય.’ હસતાં હસતાં સોહમ રિક્ષા ઊભી રાખવા નીકળી ગયો.
મીતે ફોન કરીને ઓફિસમાં રજા મૂકી દીધી ને ડૉક્ટરના આવવાની રાહ જોવા લાગ્યો. આ સવારનો ટ્રાફિક તો તોબા. કોઈ માંદું હોય કે ઈમરજન્સી હોય તો શું થાય? શ્રુતિના ઉંહકારાએ મીત ચમક્યો, હરખાયો ને હાશ કહી શ્રુતિ પાસે બેઠો. ‘શ્રુતિ... શ્રુતિ… જાગે છે?’ કોઈ જવાબ ન મળતાં મીત પાછો ગૅલેરીમાં જઈ ડૉક્ટર આવે છે કે તે નહીં તે જોવા માંડ્યો. બેલ વાગતાં જ મીતે ડૉક્ટરને આવકારી શ્રુતિની હાલત વર્ણવી.
‘જુઓ મિ. પારેખ, શ્રુતિબહેનની ખાસ કંઈ ચિંતા કરવા જેવું નથી. તમે કહ્યું તેમ જ, દિવસોની ભૂખ, ઉજાગરા ને થાક સાથે ભળેલી ચિંતાને લીધે જ ચક્કર આવી ગયાં. ઈન્જેક્શન ને દવાના કોર્સથી નૉર્મલ થઈ જશે, ડૉન્ટ વરી.’ ડૉક્ટરને વિદાય કરી, મીત શ્રુતિના ભાનમાં આવવાની રાહ જોતો બેડરૂમમાં બેઠો. ટાઈમ પાસ કરવા ટીવી ચાલુ કર્યું તો એમાં પણ ‘પરીક્ષા હૉલમાં રાખવાની સાવધાની’ વિષય પર કોઈ ચારેક નિષ્ણાતો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. કંટાળી મીતે ટીવી બંધ કર્યું. પાંચેક મિનિટમાં જ ઈન્જેક્શનની અસરે શ્રુતિ ભાનમાં આવી ને સામે મીતને જોતાં જ સફાળી બેઠી થવા ગઈ. એની નજર સોહમને શોધતી હતી તે મીત કળી ગયો એટલે તરત જ શ્રુતિ પાસે જઈ એના માથે હાથ ફેરવી એને ફરીથી સુવડાવી દીધી. જોકે હવે શ્રુતિ ઊંઘે તે વાતમાં માલ નહોતો. સૂતાં સૂતાં જ એણે ધીમા સ્વરે પૂછ્યું, ‘સોહમ ગયો?’
મીતે મનમાં શ્રુતિની ચિંતા છુપાવી એને રાહત આપતાં કહ્યું ‘ક્યારનો તારા આશીર્વાદ લઈને ગયો ને એનું અડધું પેપર તો લખાઈ પણ ગયું હશે. આજે તો પાછું એને ગમતું મેથ્સનું પેપર છે. ચિંતા જ નથી.’
‘મને શું થયું હતું? ખબર નહીં અચાનક જ ચા નાસ્તો તૈયાર કરીને લાવતી હતી ત્યારે શું થયું મને કંઈ યાદ નથી.’
‘હમણાં એ બધું યાદ કરવાની કોઈ જરૂર પણ નથી. એના કરતાં આપણે સાથે જ નાસ્તો કરી લઈએ. મારો પણ બાકી જ છે.’
‘અરેરે ! તારો નાસ્તો બાકી જ છે હજી ? ઊભો રહે, હું લઈ આવું.’
શ્રુતિને જરા ઊંચા અવાજે ઊઠવાની મનાઈ ફરમાવી મીત બંનેનો ચા નાસ્તો બેડરૂમમાં જ લઈ આવ્યો. નાસ્તા દરમિયાન શ્રુતિએ સોહમની પરીક્ષા ને એની તૈયારી ને એના કંપાસ, કૅલ્ક્યુલેટર વગેરે વિશે જાણવાની ઘણી કોશિશ કરી પણ મીતે એને સંતોષ થાય એવા ટૂંકા જવાબો આપી શાંત કરીને સૂવડાવી દીધી. દવાના ઘેનમાં શ્રુતિ ફરીથી ઊંઘી ગઈ.
પરીક્ષાના દિવસો પૂરા થતાં, નિરાંતનો શ્વાસ લેતાં મીતે એક નાનકડી, બે દિવસની ટૂરનું આયોજન કર્યું. સાંજના બગીચામાં ખુરશી નાંખીને ત્રણેય આરામથી બેઠેલાં કે, મીતે વાત ઊંચકી, ‘બેટા સોહમ, તારા ક્લાસમાં પેલા સેકન્ડ રૅન્ક લાવતા છોકરાની તું કાયમ વાત કરતો હોય છે, તેના મમ્મી ને પપ્પા શું કરે છે?’
‘પપ્પા, એનું તો કોઈ નથી. એ તો સ્કૂલની હૉસ્ટેલમાં રહીને ભણે છે. અમારા પ્રિન્સિપાલ બહુ સારા છે. એનો બધો ખર્ચો ઊઠાવે છે ને એનું ધ્યાન તો બધા ટીચર્સ પણ રાખે છે.’
‘એને સવારે વાંચવા કોણ ઊઠાડે, ટીચર્સ? કે પ્રિન્સિપાલ સાહેબ?’
‘શું પપ્પા તમે પણ! એ તો જાતે જ વહેલો ઊઠી જાય ને જાતે જ બધી તૈયારી પણ કરી લે.’
‘એના માટે કોઈ તો વ્રત, ઉજાગરા કે ઉપવાસ કરતું હશે ને?’
‘પપ્પા, એનું કોઈ નથી, તમને પહેલાં જ કહ્યું ને એ તો સરસ ભણે જ છે પછી કોઈએ શા માટે કંઈ કરવું પડે? એ બધું કરવાથી થોડું કોઈ પાસ થઈ જાય?’
‘તો બેટા, ભણવામાં તો તું પણ હોશિયાર જ છે ને? તું બધું તારું કામ ને તારી પરીક્ષાની તૈયારી પણ બહુ સારી રીતે જાતે જ કરી લે એટલો હોશિયાર છે.’
‘યસ પપ્પા, મારો પણ પાંચની અંદર તો કાયમ જ નંબર આવે જ છે.’
‘હા, હું સમજી ગઈ. હવે બહુ આડું આડું બોલવાની જરૂર નથી. આજથી તમારા બંને માટે કે કોઈના માટે પણ મારા વ્રત, ઉપવાસ ને ઉજાગરા બંધ બસ? મારી બહુ મોટી ભૂલ હતી કે, મેં આટલાં વરસ તમને બંનેને બહુ ત્રાસ આપ્યો. સૉરી, હવે બંને મને માફ કરશો?’
બાપ–દીકરાએ ‘માફ કિયા જાએ મિ લૉર્ડ’ કહેતાં જોરમાં ઠહાકો લગાવ્યો ને વાતાવરણ હળવુંફુલ થતાં જ ત્રણેય ઉપડ્યાં નદીકિનારે સહેલ કરવા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર