આજે મારો બર્થ ડે છે

14 Dec, 2016
12:00 AM

કલ્પના દેસાઈ

PC: bindiweddings.com

‘કેટલા વરસની થઈ તું આજે? ચાલીસ કે પીસ્તાલીસ?’

‘એય પ્લીઝ હં, હું હજી એટલી બધી મોટી પણ નથી થઈ ગઈ. તને હું ચાલીસ વરસની લાગું છું? તો પછી, તું તો પચાસનો જ થઈ ગયો ખરું ને?’

‘અરે ભઈ, આટલી વાતમાં શું ગુસ્સો કરે છે? ચાલ ને, તું પચ્ચીસની થઈ બસ?’

‘હા, એટલે તું છવ્વીસનો થયો, એવું સાબિત કરવા માગે છે? સીધું સીધું મને વિશ કરી દે ને જે ગિફ્ટ લાવ્યો હોય તે હાજર કરી દે બસ. ક્યારની તારી રાહ જોઉં છું, ને તું છે કે કાયમ મને રડાવવાની જ તૈયારી કરીને આવ્યો હોય.’

‘અરે બાબા, રડે તારા દુશ્મન. ચાલ આંખ બંધ કર ને તારો હાથ આગળ કર.’

શ્વેતાએ મીઠ્ઠું હસી પડતાં, આંખ બંધ કરી બંને હાથ લંબાવી દીધા.

‘લુચ્ચી’ બોલતાં મયંકે શ્વેતાના એક હાથે એનું મનપસંદ ઘડિયાળ પહેરાવી દીધું અને બીજા હાથમાં જયપુરની એર ટિકિટ થમાવી દીધી.

‘અચ્છા બચ્ચુ, એટલે મને ચીડવતો હતો કેમ? પણ કંઈ નહીં, માફ કરી દીધો જા. મને બંને ગિફ્ટ તારા જેટલી જ પસંદ પડી છે, હોં બકા. થેન્ક યુ સો મચ. આઈ લવ યુ કહેવું પડશે?’ લુચ્ચું હસતાં શ્વેતાએ મયંકના કાનમાં ‘આઈ લવ યુ’ કહીને એનો કાન આમળી નાંખ્યો.

દસ વરસના મુગ્ધ પ્રેમસંબંધને વાગોળતી શ્વેતા સવારથી એકદમ મસ્તીના મૂડમાં હતી. મસ્તીભર્યાં ગીત ગણગણતાં, આટલાં વરસોના જનમદિવસની અવનવી ઉજવણીઓને એ યાદ કરી રહી હતી. બે ચુલબુલા ને પ્રેમાળ બાળકો, મીત અને સ્મિત પણ દર વરસે મમ્મીનો બર્થ ડે ધામધૂમથી ઉજવવા, પપ્પા સાથે દોડાદોડી કરીને ઘરને ગજાવી દેતાં. એમના વહાલમાં તરબોળ શ્વેતાને એની નાનકડી દુનિયા સ્વર્ગથીય વધારે સુંદર લાગતી. જોકે દરેકનો બર્થ ડે, દર વરસે ધામધૂમથી જ ઉજવાતો. ચારેય જણ આ સ્પેશ્યલ દિવસોની આતુરતાથી રાહ જોતું.

આજે ફરી એક વાર શ્વેતાનો બર્થ ડે આવી ગયો હતો. બંને બાળકો બે દિવસની માથેરાન ટૂરને કારણે મોડી રાતે પાછાં ફરેલાં, તે હજી ઊંઘતાં હતાં. મયંકને આજે કોઈ ખાસ મિટિંગ હોવાથી મોડો આવવાનો હતો. હા, પણ તેથી શું? મારો બર્થ ડે તો યાદ રહે ને? દર વરસે કેટલાય દિવસોથી ઘર ગજાવવા માંડતો મયંક, આ વરસે મારો બર્થ ડે ભૂલી ગયો કે શું? થોડા દિવસ પર જ મીતે પૂછેલું, ‘મમ્મી બહુ દિવસથી તારી બર્થ ડે કેક નથી ખાધી. ક્યારે છે તારો બર્થ ડે?’ સાંભળતાં જ સ્મિતે પણ મારી સામે સવાલી નજરે જોયેલું ને મયંકે જ જવાબ આપેલો, ‘આપણી મમ્મીનો બર્થ ડે આવતા મન્ડે આપણે સેલીબ્રેટ કરશું, ઓકે?’ પોતે મનમાં કેટલી ખુશ થયેલી? મયંકની યાદદાસ્ત પર ગર્વ થયેલો. તો પછી આજે એવું તે શું થયું કે, મયંકનો આખા દિવસમાં એકેય ફોન ન આવ્યો? સવારમાં તો એ હંમેશની જેમ દોડાદોડીમાં જ હતો, તોય દર વરસની જેમ આજે એને કેમ ઓફિસ જતાં યાદ ના આવ્યું? હું તો રાહ જોતી જ રહી ગઈ, ‘હૅપ્પી બર્થ ડે પગલી’ સાંભળવા ને એ તો બાય કહેતો લિફ્ટમાં દાખલ થઈ ગયેલો! ગમે તેટલી ઉતાવળ હોય કે ઓફિસનું ભલભલું ટેન્શન કેમ ન હોય, તોય કોઈનો બર્થ ડે આજ સુધી મયંક ભૂલ્યો હોય એવું બન્યું નથી.

શ્વેતાએ મયંકને ફોન કરવા કદાચ દસેક વાર મોબાઈલ હાથમાં લીધો હશે, પણ દર વખતે મયંકનો હસતો ચહેરો જોઈને એણે ફોન પાછો મૂકી દીધો. ના ના, એનો જ ફોન આવવા દે. મને વિશ કરવાનું કહેવા હું જ સામેથી ફોન કરું? કાયમ માટે મને ચીડવવાનું પછી એને બહાનું મળી જશે. શ્વેતાનું ચિત્ત કામમાં લાગ્યું નહીં ને વારંવાર એ ઘરમાં આંટા મારતી રહી. વહેલી સવારથી તો ખરા જ, પણ રાતે બાર વાગ્યાથી જ એના પર મેસેજ ને ફોનનો મારો ચાલુ થઈ ગયેલો. મયંકે એકેય વાર ન પૂછ્યું, કે ‘આજે વળી કોના ફોન છે આટલા બધા?’ કે પછી, ‘કોણ મેસેજ મોકલીને આપણી ઊંઘ બગાડે છે?’ ભર ઊંઘમાં એને સંભળાયું પણ હશે કે? ઊંઘ તો પોતાને જ ક્યાં આવી હતી? સતત મેસેજના જવાબ આપવામાં ને ફોન પર ‘થેન્ક યુ, થેન્ક યુ’ કહેવામાં એનાં મનમાં અવનવા તરંગો ઊછળી રહ્યાં હતાં. આ વરસે કઈ ગિફ્ટ મળશે? ચારેય જણ સાથે ક્યાં ફરવા જઈશું?

બંને બાળકોનો તો શું વાંક કાઢવો? એ લોકોને થોડું એટલું બધું યાદ રહેવાનું, કે કોનો બર્થ ડે ક્યારે છે! જો ને, કેવા બંને રોજની જેમ ધમાલમસ્તી કરવા માંડ્યા? પપ્પા હોત તો વળી યાદ કરાવત ને બંને મારી ફરતે ગોળ ગોળ ફર્યા કરત. ચાલ મન, બધું વિચારવાનું બાજુએ મૂકીને કામે લાગ એના કરતાં. શ્વેતાએ બંનેનું બધું કામ પતાવી એમને રમવાની છુટ્ટી આપી દીધી. સાંજ સુધીમાં તો, ‘મયંક’ અને ‘બર્થ ડે’, આ બે શબ્દોએ શ્વેતાને પોતાના ચક્કરમાં બરાબરની ઘુમાવી ઘુમાવીને થકવી નાંખી.

 આખરે સાંજ વીતી ગઈ ને રાતે આઠના ટકોરે મયંકે ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં તદ્દન અંધારું અને નીરવ શાંતિ! કદાચ પહેલી વાર જ આવું બન્યું હશે. ક્યાં ગયાં આ લોકો? કશે બહાર જાય તો અચૂક શ્વેતા પોતાને ફોન કરે ને કરે જ. છોકરાઓનો પણ કોઈ અવાજ જણાતો નથી. દિવાલ પર હાથ ફંફોસતાં મયંકે લાઈટની સ્વિચ ઓન કરી. એના આશ્ચર્ય વચ્ચે રૂમમાં અજવાળું ન થયું. અચાનક એક ફુગ્ગો ફુટ્યો અને મોટા અવાજ સાથે ‘હૅપ્પી બર્થ ડે ટુ યુ’નું ગીત શરૂ થઈ ગયું. એ સાથે જ રૂમમાં બધી લાઈટ પણ એક સાથે ઝળાંહળાં થઈ ઊઠી. છોકરાઓ મોટે મોટેથી ગાતા હતા, ‘હૅપ્પી બર્થ ડે ટુ ડિયર મમ્મી...હૅપ્પી બર્થ ડે ટુ યુ...’

 મયંકે સૉરીના ભાવ સાથે બે કાન પકડીને શ્વેતા સામે ઊઠબેસ શરૂ કરી,  પણ શ્વેતા?

‘અરે, પાગલ. આ શું કરે છે? મારો બર્થ ડે ભૂલી ગયો તો શું થયું? મેં ને છોકરાઓએ આ વખતે બધી તૈયારી કરી. કેવો લાગ્યો સેલિબ્રેશનનો આઈડિયા?’

‘અરે મારી પગલી, તારા જેવી જ મસ્ત તારી તૈયારી.ચાલ જલદી, બહુ ભૂખ લાગી છે. કેક કાપી લે, આપણે બહાર જઈએ તારી મનપસંદ રેસ્ટોરાંમાં.’

‘તું થાક્યો છે ને પણ? મેં ખાવાનું ઓર્ડર કરી દીધું છે. આજે આપણે ઘરમાં જ ઉજવી કાઢીએ મારો બર્થ ડે, હેં ને મીત–સ્મિત?‘

‘હા ડૅડી, અમે મમ્મી સાથે બધી તૈયારી કરી લીધી છે. આપણે આજે ઘરમાં જ મમ્મીને કેક ખવડાવશું.’

‘થૅંક્સ પગલી, હૅપ્પી બર્થ ડે.’

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.