જય ભોલે...

26 Jul, 2017
12:02 AM

કલ્પના દેસાઈ

PC: govardhancenter.com

‘જય ભોલે...’

કાંતામાસીએ બારીમાંથી જોયું. ઘરની બહાર રસ્તા પર એક બાવો ‘જય ભોલે’ની આહલેક લગાવતો જઈ રહ્યો હતો. 

‘હાશ! આજે તો શિવજી પ્રસન્ન જ થઈ ગયા. સામે ચાલીને મારે બારણે આવ્યા.’ કાંતામાસી મનમાં ને મનમાં ખુશ થતાં, વહેલાં વહેલાં બારણું ખોલીને બહાર નીકળ્યાં.

‘મહારાજ, અરે ઓ મહારાજ. અહીં આવજો, આ બાજુ.’

મહારાજ તો દક્ષિણાની લાલચે ઘર ભણી વળી ગયા. ‘જય ભોલે’.

‘જય ભોલે’. મહારાજ ઘડીક બેસો, હું હમણાં આ નાગદેવતા માટે દૂધ અને તમારા માટે પ્રસાદ લઈ આવું. બેસજો હં, હમણાં આવી.’

મહારાજે તો નાગના કરંડિયાને બાજુ પર મૂક્યો અને ‘જય ભોલે’ બોલતા આજુબાજુ જોતા રહ્યા.

કાંતામાસી એક વાટકીમાં દૂધ અને એક થાળીમાં મહારાજ માટે જાતજાતનો પ્રસાદ લઈ હાજર થયાં. એક થેલીમાં સીધુંનો સામાન ભરી લાવ્યાં અને સાથે પાંચસો ને એક દક્ષિણા પણ લાવ્યાં! 

મહારાજ તો નિ:સ્પૃહ બની નાગને દૂધ પીવડાવી રહ્યા ને જય ભોલેનો જયઘોષ કરતા રહ્યા. 

‘લે માઈ, આ શિવજીનો પ્રસાદ.’ મહારાજે થેલીમાંથી ભભૂત કાઢી કાંતામાસીના કપાળે લગાવી અને એમની હથેળીમાં થોડી ભભૂત મૂકી. ‘લે માઈ, આ શિવજીનો પ્રસાદ ખાઈ લે. તારું કલ્યાણ થશે. ઘરમાં બીજું જે હોય તેને પણ બોલાવી લે. કહેજે કે, શિવજી જાતે ઘરે આવ્યા છે. નાગને દૂધ પીવડાવી દો અને પ્રસાદ લઈ જાઓ.’

‘મહારાજ, ઘરમાં તો હમણાં કોઈ નથી. દીકરો ને વહુ નોકરીએ ગયાં છે અને છોકરાંઓ સ્કૂલે ગયાં છે. તમે મને એમનો પ્રસાદ આપી દો, હું સાંજે એમને આપી દઈશ.’

મહારાજે બીજી થોડી ભભૂત કાઢીને એક પડીકામાં કાંતામાસીને આપી. કાંતામાસી તો ધન્ય ધન્ય થઈ ગયાં. ‘હે ભોલે, હે મહાદેવ, મારા પરિવારનું કલ્યાણ કરજે. આજે સાક્ષાત્ રાઘરમાં પધારીને તેં મારો ભવ સુધારી કાઢ્યો. મારા જનમજનમનાં પાપ ધોઈ નાંખ્યા. હે પ્રભુ, તારી લીલા અપાર છે. લો મહારાજ, આ તમારી દક્ષિણા અને આ સીધુંનો સામાન.’ બોલતાં બોલતાં તો કાંતામાસીની આંખે ઝાંખપ વળી ગઈ અને જરા વારમાં અંધારું છવાઈ ગયું. 

બપોરનો સમય અને રસ્તે પણ અવરજવર ઓછી. ઘરમાં કાંતામાસી સિવાય કોઈ નહીં એટલે મહારાજે નિરાંતે ઘર સાફ કર્યું અને જય ભોલે બોલતા બોલતા નીકળી ગયા. સોસાયટીમાં છેલ્લું ઘર હોવાથી પાસપડોસમાં પણ કોઈનું ધ્યાન જાય તેવું નહોતું. કલાક પછી કાંતામાસીનું ઘેન ઉતર્યું. ઘરની હાલત જોઈને માથે હાથ દીધા સિવાય કોઈ આરો નહોતો. 

આવો જ એક પ્રસંગ નવરાત્રિમાં બન્યો. આ વખતે કાંતામાસીના બદલે મધુબહેન છે. એમ તો કોઈ પણ બહેન ચાલે, પણ એને માતાજીમાં સોએ સો ટકા આસ્થા હોવી જરૂરી છે. 

મધુબહેનના જીવનમાં જે કંઈ બને છે, એ બધું માતાજીના આદેશથી જ કે માતાજીની ઈચ્છાથી જ થાય છે, એવી એમની દ્રઢ માન્યતા. માતાજી ધારે તે કરી શકે. કોઈનું ભલું કે બૂરું થાય, બધું માતાજીની ઈચ્છાથી જ. આવા માતાજી પર અંધવિશ્વાસ કહી શકાય એટલો વિશ્વાસ મધુબહેનને. એક વાર માતાજીનો હુકમ થાય પછી મધુબહેનને કોઈ ડગાવી ન શકે. સવારથી રાત સુધી મનમાં માતાજીનાં સ્મરણ સાથે દરેક કામ કરતાં મધુબહેન દાનધરમમાં પણ એટલાં જ ઉદાર. માતાજીની દયાથી આજે પૈસેટકે શાંતિ છે તો માતાજીનાં નામ પર થાય તેટલું કરવું, એવી એમની જીદ. આવી જીદમાં ઘરનાંઓની સમજાવટ કોઈ કામ ન આવે. ગરીબ કે જરૂરિયાતમંદોને મદદ કરવામાં મધુબહેન માનતાં નહીં!

એક નવરાત્રિની વાત છે. મધુબહેન તો સ્વાભાવિક જ છે કે, નવ દિવસ ઉપવાસ જ રાખે. એ દિવસોમાં બારણે જે કોઈ માગણ આવે, અલબત્ત માતાજીનું નામ લઈને, તેને દિલ ખોલીને ભોજન ને કપડાં સહિત પૈસાની પણ મદદ કરે. એક બપોરે બે ગરીબ દેખાતી છોકરીઓ મધુબહેનનાં ઘેર પધારી. મધુબહેને તો એક છોકરીના હાથમાં માતાજીની શણગારેલી માટલી જોતાં જ ખુશી ખુશી બારણું ખોલી કાઢ્યું.

‘જય માતાજી’ બોલતાં પેલી છોકરીએ હાથમાંની ઝળહળ માટલી નીચે ઉતારીને મધુબહેન સામે મૂકી. બીજી છોકરીએ સાથે લાવેલી થેલી બાજુએ મૂકી. મધુબહેનનાં ઘેર તો સાક્ષાત્ માતાજી પધાર્યાં, એટલે એમનાં દિલમાં તો હરખ જ ન માય. બંને છોકરીઓને ફરાળ કરાવી, ચા પાઈ અને બેટા બેટા કરી લાડ લડાવ્યાં. સાથે સીધાંનો સામાન અને પાંચસો રૂપિયા માતાજીનાં ચરણોમાં ભેટ ધરવા આપ્યા.

‘મા, તમારો બહુ આભાર.હવે અમારી એક જ માગણી છે.’

‘હા હા, બોલો. મારાથી જે થાય તે કરીશ.’

‘અમે અમારા ગામમાં માતાજીનું મંદિર બનાવીએ છીએ. ગામનાં લોકો બધે ફાળો ઉઘરાવવા જ નીકળ્યાં છે. અમે પણ માતાજી માટે સાડીઓ ઉઘરાવવા નીકળી છીએ. તમારે મંદિર માટે જે આપવું હોય તે આપો અને કોઈ નવી સારામાંની, ભારેમાંની સાડી હોય તો તે પણ માતાજીના શણગાર માટે જો આપશો, તો માતા તમારો ભવ સુધારી દેશે મા. આ જુઓ, આ થેલી ભરીને સાડીઓ અમે તમારા એરિયામાંથી જ ઉઘરાવી છે. તમારી સામેવાળાં બહેને તો પાંચ સાડી આપી, એકદમ નવી અને પેલા ત્રીજા બંગલાવાળાં બહેને તો અગિયાર સાડી આપી. અમે તમને કંઈ નથી કહેતાં પણ તમારે રાજીખુશીથી જે આપવું હય તે આપશો, તો તમારા પર માતાજીની કૃપા જનમોજનમ વરસતી જ રહેશે.’

 મધુબહેન તો આ સાંભળીને જ જોશમાં આવી ગયાં. પેલી સુધાડીએ અગિયાર સાડી આપી? ઊભી રહે, એને પણ બતાવી દઉં કે હું પણ કંઈ કમ નથી.’

જોશમાં ને જોશમાં, મધુબહેને કબાટમાંથી એકએકથી ચડિયાતી, પંદર સાડીઓની થેલી ભરી અને વટથી પેલી છોકરીને થેલી પકડાવી દીધી. ‘લે, આ લઈ જા. તારા ગામમાં માતાજીના મંદિરમાં આ જ સાડી પહેરાવજો અને મને પ્રસાદ જરૂર મોકલજો. જાઓ માતાજીને મારા તરફથી રોજ પગે લાગજો ને મારા માટે પ્રાર્થના કરજો.’ મધુબહેનનો તો ભવ સુધરી ગયો. સાક્ષાત્ માતાજી ઘેર પધાર્યાં! પછી મધુબહેનનું શું થયું તે એમનાં ઘરનાં જાણે.

હજી પણ આપણે ત્યાં ભગવાનના નામે ધૂતનારાં અને એમની વાતોમાં આવીને બાવા બનનારાંઓની ખોટ નથી. શું કરાય? થોડી સી સાવધાની, ઔર ક્યા?

જય ભોલે – જય માતાજી!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.