કામ્યાનો વાંક
‘કામ્યા, જરા રમાબેનને સો રૂપિયા આપજે ને. મારા હાથ લોટવાળા છે.’
‘ઓક્કે મૉમ.’ કામ્યા રમાબેનને પૈસા આપીને બેસિન પાસે ગઈ એટલામાં મમ્મીએ એને રોકી.
‘કામ્યા, લે ને આ લોટ જરા ચાખી જો તો. મસાલો બરાબર છે કે?’
‘હા એક મિનિટ, જરા હાથ ધોઈ લઉં.’
‘હવે એટલામાં શું હાથ ધોવાની? લે પહેલાં લોટ ચાખી લે, એટલે હું પૂરી બનાવવા માંડું.’
‘પણ મમ્મી, મારા હાથ ગંદા છે અને તેય નોટવાળા. છી! હું એવા હાથે લોટ ચાખવાની? એક જ મિનિટ. હમણાં હાથ ધોઈ લઉં.’
‘તારી તો સફાઈ જ બહુ ભારે. વાતે વાતે હાથ શું ધોયા કરવાના?’
‘એક મિનિટ હવે, હમણાં આવી.’
‘બેનબા તમારા આ હાથ ધોવાના નાટકથી તો હું ત્રાસી ગઈ. હું એકલી જ નહીં, ઘરનાં બધાંને હવે તો ત્રાસ થાય છે. બહુ થયું હવે. સાસરામાં ભારે પડશે, ભારે. સાસુ બોલાવે ત્યારે કહેજે, ‘ઊભા રહો, હાથ ધોઈને આવી.’
‘મમ્મી તેં જ તો નાનપણથી શીખવેલું ને તું જ હવે ના પાડે છે? અને તેય ખાવા બાબતે? તેં જ આગ્રહ રાખેલો ને કે ખાવા પહેલાં હાથ ધોવાના! ને દરેક વાતમાં લગ્નની વાત કેમ લાવીને મૂકી દે છે? પ્લીઝ હવે નહીં કહેતી.’
‘હા, નહીં કહું. મેં તો નાસ્તો કરવા કે જમવા બેસે ત્યારે જ હાથ ધોવાના કહેલા. આ જરા અમસ્તો લોટ ચાખવામાંય શું હાથ ધોવાના?’
કામ્યાએ જવાબ આપ્યા વગર હાથ ધોઈને લોટ ચાખ્યો ને મમ્મીને ‘બરાબર છે’ કહી ગેલેરીમાં જતી રહી.
કાલે સાંજે પણ પોતે કૉલેજથી આવીને નાસ્તો કરવા બેઠી અને ટીવી ચાલુ કર્યું એટલામાં મોટાભાઈ બહારથી આવી ગયા. ‘ઓહ સૅન્ડવિચ?’ બોલતાં એમણે ડિશ તરફ હાથ લંબાવ્યો.
‘પ્લીઝ ભાઈ, હા...થ.’
કામ્યાએ તો બહુ સહજ રીતે જ કહ્યું પણ કામ્યાના આ જ બે શબ્દો ભાઈને ગુસ્સે કરવા પૂરતા હતા.
‘ઓહોહો! બહુ મોટી ચોખ્ખાઈનો અવતાર જાણે. હું કંઈ ધૂળમાં રમીને આવ્યો છું કે કાદવ લાગ્યો છે મારા હાથમાં? તારી ચોખ્ખાઈ રાખ તારી પાસે. આવી સૅન્ડવિચ તો બહુ જોઈ. મમ્મી...મારી સૅન્ડવિચ બનાવજે. હાથ નહીં ધોતી, ચાલશે મને તો બધ્ધું. આપણે બીજા જેવા નથી.’
કામ્યાને સમજ ન પડી કે જે ભાઈ સાથે વરસો કાઢ્યાં તે કેમ પોતાને નથી સમજતા? મમ્મીની સાથે એમણે પણ મને કેટલી બધી સારી વાતો શીખવી જ છે ને? આજે બધું ભૂલી ગયા? બહારગામ રખડતા શું થયા કે ચોખ્ખાઈ બોખ્ખાઈ બધું બાજુ પર? માન્યું કે બધે બધી સગવડ ન હોય કે બધે બધું અનુકૂળ ન પણ હોય, તોય ઘરમાં હોઈએ ત્યારે ચોખ્ખાઈ નહીં જાળવવાની? અરે! એને લીધે સંબંધમાં તડ પાડવાની? બહારથી આવ્યા તો સ્વાભાવિક છે કે ટ્રેન, બસ ને લિફ્ટને દરવાજે તો હાથ લાગ્યા જ હશે. તે સિવાય પણ આખા દિવસમાં કેટલીય જાહેર જગ્યાઓએ ક્યાં ક્યાં હાથ લાગ્યા હશે! તો શું ઘરમાં આવી હાથ નહીં ધોવાના? અને તેય ખાતાં પહેલાં? તેમાં હું થોડી ચોખ્ખાઈ પકડી રાખું છું તો શું ખોટું કરું છું? મમ્મી પણ ભાઈને જ સાથ આપે તેની મને તો નવાઈ લાગે છે.’ કામ્યા દુ:ખી મને ચુપચાપ બેઠી મોંમાં સૅન્ડવિચ ઓગાળતી રહી.
કૉલેજમાં પણ પોતાની આ આદતે કામ્યાને સહુથી દૂર કરી દીધી હતી. રિસેસમાં બધી ફ્રેન્ડ્સ સાથે નાસ્તો કરવા બેસતી વખતે એણે હાથ ધોવાની વાત કરી.
‘અરે યાર! સબ ચલતા હૈ. હવે સામે ડબ્બા ખૂલ્યા હોય ને મોંમાં પાણી આવતું હોય, ત્યાં ક્યાં હાથ ધોવા જવાનું? ખાધા પછી તો હાથ ધોવાના જ છે ને?’ બધી ફ્રેન્ડસના એક સૂરે કામ્યાને ચૂપ કરી દીધી. એણે ભૂખ નથી કહી ખાવાનું ટાળ્યું અને પછી બીજા દિવસથી એ એકલી ખાવા બેસવા માંડી. પહેલાં તો બધી ફ્રેન્ડ્સ ચોંકી પણ પછી મશ્કરી કરતી બીજે ખાવા જતી રહી. કામ્યાને બહુ ખોટું લાગતું ને ઘણી વાર રડવું પણ આવતું પણ કોઈ પોતાને સમજતું નહોતું તે દુ:ખ સહન કરવું બહુ ભારે હતું.
બધાંને ઘર ચોખ્ખું જોઈતું હતું. ઘરમાં બે વાર ઝાડૂ ને પોતાં કરવાનો નિયમ હતો. બધાંને પોતાની વસ્તુઓ જગ્યા પર વ્યવસ્થિત ને પાછી ચોખ્ખી જોઈતી હતી. ગમે ત્યાં મૂકેલું કે ધૂળવાળું કંઈ પણ, કોઈને પણ મંજૂર નહોતું. કપડાં રોજ ધોયેલાં અને ઈસ્ત્રીવાળા જ જોઈતાં હતાં, બૂટ પૉલિશવાળા અને સૅન્ડલ કે ચપ્પલ પણ બ્રશ મારેલાં ચોખ્ખાં! મમ્મીને ચોખ્ખા વાસણમાં જ રાંધવાનું અને ખાવાપીવાનું જોઈતું. મમ્મીને તો જરાય ડાઘવાળી થાળી કે તપેલી પણ ચાલતી નહીં. કામવાળાં બેનને એ ઠપકારી કાઢતી અને ફરીથી વાસણ સાફ કરાવતી. પ્લેટફોર્મ પણ બે વાર સાબુથી ચમકાવવાનું કહેતી. કામ્યાને આ બધું જ માન્ય હતું. બધું ચોખ્ખું અને વ્યવસ્થિત હોવું જ જોઈએ તેની કોઈ ના નહોતી.
તો પછી આ લોકો ખાવા પહેલાં હાથ ધોવાની કેમ બેવડી નીતિ અપનાવે છે? ઘરમાં હોઈએ કે કોઈના ઘરે જમવા જઈએ કે હૉટેલમાં જમવા જઈએ તો હાથ ધોવાના! રસ્તા પર ખાવા ઊભા રહ્યા કે ફાકા મારવાનું મન થયું ત્યારે ઘરમાં હોવા છતાં હાથ નહીં ધોવાના! આ કેવું? કામ્યાના મગજમાં આ બધું ઉતરતું નહોતું ને ચોખ્ખાઈની વાતે બધાં એનો વાંક કાઢતાં હતાં કે એની મશ્કરી કરતાં હતાં તે તો બિલકુલ જ સમજાતું નહોતું.
શું કામ્યાએ ચોખ્ખાઈને બદલે સંબંધને વધારે મહત્વ આપવું જોઈએ? કે પછી ચોખ્ખાઈને પકડી રાખવી જોઈએ? કે મન મારીને ચોખ્ખાઈને અલવિદા કરવાની? ના રે ના. આ કંઈ એટલી મોટી વાત તો નથી કે જેનો હલ જ ના નીકળે.
કામ્યા પોતાના પૂરતી પોતાની ચોખ્ખાઈ જાળવી રાખે અને જાહેરમાં પોતાનો અણગમો ન બતાવે, તો પછી ભલે ને જેને જેમ રહેવું હોય તેમ રહે. દરેકને પોતાની ચોખ્ખાઈ મુબારક. સંબંધ પણ કાયમ અને પોતાની ચોખ્ખાઈ પણ કાયમ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર