આધુનિક રાક્ષસોનો વધ પણ કરવો જ રહ્યો

21 Oct, 2015
12:00 AM

કલ્પના દેસાઈ

PC:

‘દાદી, મમ્મી ક્યારે આવશે?’

‘બેટા, મમ્મીનું શું કામ પડ્યું તને? હું છું ને? મને કહે જે કામ હોય તે.’

‘ના, કંઈ નહીં. મમ્મીનું જ કામ હતું. ક્યારે આવશે કો’ ને?’

‘બેટા, મમ્મીનાં દાદી સિરિયસ છે ને તે બે–ચાર દિવસ એને મળવા ગઈ છે એટલે બે દિવસમાં આવી જશે હવે. તારી સાથે ફોન પર વાત નથી થતી?’

‘મમ્મી ફોન જ નથી લેતી ને પપ્પા ટૂર પર ગયા છે તે હજી ચાર દિવસ પછી આવવાના છે. આ લોકો પણ છે ને સાવ...’

હેતાને વ્યગ્ર મને આંટા મારતી જોઈ દાદીને ચિંતા પેઠી. આ છોકરી આવી ત્યારની મમ્મી–પપ્પાને સતત યાદ કરે છે તે કંઈ થયું તો નહીં હોય ને? રોજ રાત્રે ગરબા ગાવા જાય છે ને ટાઈમ પર આવી પણ જાય છે તે બધી વાત સાચી પણ મમ્મીને જ કહેવાય એવી તે કઈ વાત હશે? કંઈ ખાસ હશે? મને પણ ન કહેવાય? વાત તો કઢાવવી જ પડશે, રાતે ગરબા રમવા જાય તે પહેલાં જ. નહીં તો ન કરે નારાયણ ને કંઈ મુસીબતમાં હશે તોય મને કંઈ ખબર નહીં પડે.

દાદીએ સાંજે હેતાને, ગરબાની તૈયારી કરવાને બદલે આમતેમ આંટા મારતી જોઈ, એટલે એની પાસે જઈ બેઠાં. ‘હેતુ, ગરબામાં બહુ લોક આવે છે?’

‘હં… હા, બહુ લોકો આવે છે.’

‘જેની પાસે પાસ હોય તે જ આવતાં હશે. નંઈ?’

‘હાસ્તો, પાસવાળાને જ આવવા મળે ને?’

‘એ સારું, કોઈ બહારના તોફાની કે મવાલીઓ ઘૂસી ના જાય.’

‘એવું કંઈ નહીં. સારા અપ ટુ ડેટ તૈયાર થઈને આવેલા મવાલીઓ પણ ભરાઈ જાય તો હવે ખબર નથી પડતી. જાણી જોઈને છોકરીઓની સામે આવીને ચાળા કરે ને ગમે તેમ બોલે એટલે અમે લોકો તો હવે ગરબા રમવા જ નથી જવાના. જો બહાર નીકળી જઈએ તો બાજુમાં આવીને ઊભા રહી જાય ને કંઈ કંઈ બોલ્યા કરે. બધી મજા બગાડી નાંખી. બાકી બધા ગરબામાં પડ્યા હોય, કોણ સાંભળે અમારું ?’

‘બસ? તું આટલામાં જ ગભરાઈ ગઈ? ને તારી બધી ફ્રેન્ડ્સ? તે પણ બેસી પડી? અરે, તમે નવા જમાનાની છોકરીઓ છો કે કોણ છો? એ લોકોને તમારાથી સીધા નથી કરાતા? ને તમારે એ લોકો સાથે મોઢું ન બગાડવું હોય તો, ગરબા કઈ જગ્યાએ રમાય છે તે તો ખબર છે ને? ત્યાંના જે આયોજક હોય કે મેનેજર હોય તેને ને કંઈ નહીં તો પેલા ઓરકેસ્ટ્રાવાળાને કહી દેવાનું. એ લોકો જ સ્ટેજ પર જાહેરાત કરીને પેલા લોકોને ચેતવી દેશે, નહીં તો કઢાવી મૂકશે. વાહ રે! તમારે વળી ગરબા કેમ નહીં ગાવાના? જા, તારી ફ્રેન્ડ્સને પણ ફોન કરી દે. આ તહેવાર જ માતાજીનો છે ને તમે ગરબામાં રોજ શું ગાઓ છો? ‘તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા.’ તો તમારે જોગમાયા બનવાનું છે. એમ ઢીલા થઈને ઘરમાં બેસી જશો તે કેમ ચાલશે? તમારામાં કેટલી શક્તિ છે તે તમને જ ખબર નથી. આ નવ નવ રાત્રિ ઉજવીએ ને છેલ્લે દિવસે આપણે દશેરો કેમ ઉજવીએ છીએ?’

‘કેમ દાદી? મને તો કંઈ નથી ખબર. અમારે મન તો ગરબા એટલે મોજમસ્તી, હળવામળવાનું, જાતજાતના ડ્રેસ ને જાતજાતનું ખાવાપીવાનું. તમે કંઈ સમજાવો તો મને ખબર પડે. હું મારી ફ્રેન્ડ્સને પણ બોલાવી લઉં છું. પછી તમે બધી વાર્તા કહેજો. જોગમાયાની ને દશેરાની.’ હેતાનો મૂડ જોતજોતામાં બદલાઈ ગયો. દાદીને બીજું શું જોઈતું હતું?

હેતાની બધી ફ્રેન્ડ્સ ફરીથી ગરબા રમવા જવાની ખુશીમાં સજીધજીને આવી પહોંચી. હેતાએ દાદી સાથે સૌની મુલાકાત કરાવી ને દાદીના હાથનો શીરો ખાઈ બધાં નવરાત્રિની ને દશેરાની વાર્તા સાંભળવા બેઠાં. અસલના જમાના જેવું જ દૃશ્ય જામ્યું ને દાદીએ વાત માંડી.

‘જેમ આપણે ત્યાં કાશ્મીર પર હક મેળવવા ભારત–પાકિસ્તાનની લડાઈ ચાલ્યા કરે છે તેમ સ્વર્ગ પર કબજો મેળવવા માટે દાનવો હંમેશાં દેવોને હેરાન કરતા અને એમની સાથે લડાઈ ચાલુ જ રાખતા. દેવો તો કંટાળી ગયેલા મહિષાસુર નામના રાક્ષસથી, જે ખૂબ બહાદુર હતો અને દેવોને બિલકુલ ગાંઠતો નહોતો. દેવોને હરાવી એણે સ્વર્ગ પર કબજો જમાવી દીધો! પૃથ્વીના લોકો પણ મહિષાસુરથી ત્રાસી ગયેલા. એટલે રાક્ષસોથી દેવોનું રક્ષણ કરવા, આખરે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ‘શક્તિ’ કે દુર્ગા નામની દેવીની રચના કરી અને એને અનેક શસ્ત્રોથી સજ્જ કરીને દાનવો સામે લડવા મોકલી. સિંહ પર સવાર થઈને મા દુર્ગા નવ નવ દિવસ સુધી બહાદુરીથી દાનવો સામે લડી ને દસમા દિવસે માએ મહિષાસુરનો નાશ કર્યો. બસ, આ વિજયની યાદમાં દશેરાની ઉજવણી થાય છે અને નવ રાત્રિની લડાઈની યાદમાં નવ દિવસ દેવી શક્તિની આરાધના કરાય છે. આ ઉત્સવને ‘દુર્ગોત્સવ’ તરીકે પણ ઉજવાય છે.

હવે બોલો છોકરીઓ, એકલે હાથે રાક્ષસો સામે લડીને દેવોને સ્વર્ગ પાછું અપાવનાર દેવી દુર્ગાને જોઈને તમને એમ ન થાય કે, અમે પણ કંઈ કમ નથી. એમ એવા બે–ચાર મવાલીઓથી શું ડરી જવાનું? તમે લોકો ભેગી થઈને એ લોકોનો હુરિયો બોલાવી શકો, એ લોકોને ડાંડિયાથી ઝૂડી શકો કે પછી પોલીસનો નંબર તો છે જ. હવે તો કશે ધમાલ ન થાય એટલે પોલીસ પણ સ્પેશ્યલ પ્રોટેક્શનને બહાને બધે ગરબાના સ્થળે ફરતી જ રહે છે. એમને જઈને ફરિયાદ કરી દો. એમ બધી ગભરાઈ શું ગઈ? એમ તે કંઈ જીવાતુ હશે આ દુનિયામાં? આવા નપાવટ લોકોથી ગભરાઈને આપણે આપણી ગમતી પ્રવૃત્તિઓ પર રોક તો નહીં જ લગાવી શકીએ ને? ચાલો જાઓ એ જ નામ પર તમે ગરબા ગાવા વટથી જાઓ ને આજે તમારી વિજયધજા ફરકાવી આવો તો હું તમને ખરી દુર્ગા માનું. બોલો, તૈયાર છો ને ?

બીજી વાત કે, દશેરાએ રાવણનું પૂતળું બાળવામાં આવે છે તેની કોઈ વાર્તા ખબર છે?’

છોકરીઓને તો દાદીના મોંએ વાર્તા સાંભળવાનો ચસ્કો લાગ્યો. ‘દાદી, હવે એ વાર્તા પણ કરી જ નાંખો.’

‘તો સાંભળો, રાવણે સીતાહરણ કરેલું એ વાર્તા તો તમને ખબર જ હશે. રામે સીતાને છોડાવવા રાવણને જે દિવસે હરાવી એનો નાશ કર્યો, તે દિવસને રામના વિજયની ખુશીમાં ‘દશેરા’ તરીકે ઉજવાય છે. રાવણના દસ માથાં હતા અને દરેક માથા સાથે એક દુર્ગુણ જોડાયો હતો. કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર, સ્વાર્થ, અન્યાય, અહંકાર ને ક્રૂરતા. આ શબ્દોના અર્થ તો તમને માથા પરથી જ ગયા હશે પણ ટૂંકમાં સમજાવું તો, કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ મોહ કે માયા, કોઈ વસ્તુ મેળવવાનો લોભ કે એના માટેનું અભિમાન, આપણો સ્વાર્થ, કોઈની સાથે અન્યાય, કોઈના પ્રતિ દયાને બદલે ક્રૂરતા. આ બધા અવગુણો છે, જેને લીધે રાવણનો નાશ થયો. આપણે પણ દશેરાના દિને એટલું યાદ રાખીએ કે, બને તેટલા આ બધા દુર્ગુણોની ઝપટમાં ન આવીએ ને ખુશી ખુશી બધાંની સાથે મજેથી રહીએ. હવે તમે પોતાની અંદરના અને બહારના દુશ્મનોને હરાવવા સજ્જ થઈ ગયાં હો તો ઉપડો ગરબા રમવા અને ટાઈમ પર આવી રહેજો. ઓલ ધ બેસ્ટ.’

બધી છોકરીઓ વાંકી વળી વળીને દાદીને પગે લાગી ને ખરા દિલના આશીર્વાદ લઈ પહોંચી ગઈ, સ્ત્રીઓને ધુત્કારતા, એમને કોઈ પદાર્થ, કોઈ વસ્તુ કે વાપરી નાંખવાની ચીજ માનતા મોડર્ન અસૂરોનો નાશ કરવા!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.