કોશિશ કરનેવાલો કી હાર નહીં હોતી
'ઋતુ, મારે તને કંઈક કહેવું છે.'
'હા, બોલને. એમાં અચકાય છે શું?'
'તને થતું હશે કે, મેં તને ફસાવી ને મેં તને મારી વાત ન જણાવીને છેતરી. હું તારો ગુનેગાર છું. મને માફ કરી દે પ્લીઝ.'
'આજે એકદમ શું થઈ ગયું? તારી તબિયત તો ઠેકાણે છે ને?'
'તબિયત ઠેકાણે છે એટલે જ, આજે નક્કી કર્યું કે, તારી સાથે મનમાં ઘૂંટાતી વાત કરીને મારા દિલનો ઊભરો કાઢી જ નાંખુ. રોજ તો મારું ઠેકાણું હોતું નથી ને તારો વ્યવહાર જોઈને હું મારી જાતને ફટકારવા સિવાય કંઈ કરી શકતો નથી. રોજ સવારે ઊઠું ત્યારે તારી માફી માગવાનું નક્કી કરું પણ શરમ ને પસ્તાવાના ભારથી ઝલાયેલી જીભ કંઈ બોલી જ ન શકે ને ફરી એક સાંજ મારી સામે હાજર થઈ જાય, મને એના કાતિલ સકંજામાં જકડવા માટે- મને ખતમ કરવા માટે- મને તમારા બધાથી દૂર કરવા માટે.
ઋતુ, મને આ જિંદગી- આ બેવડી જિંદગીથી નફરત થઈ ગઈ છે. મારે તમારી સાથે જીવવું છે ને તમને ખુશ કરવા છે પણ હું લાચાર છું. હારી જાઉં છું શરાબની આગળ. બધુ સમજું છું ને બધું જાણું છું પણ મને જ નથી ખબર કે, સાંજ પડતાં જ મને એવું તે શું થઈ જાય છે કે, આ દુનિયાને છોડીને હું શરાબને સહારે જતો રહું છું. તારી ને મમ્મી-પપ્પાની હાલત જોઈને મને ઘણી વાર બધું છોડીને કશે નાસી જવાનું મન થાય છે. તો ઘણી વાર મારી જાતને ખતમ કરી નાંખું એમ પણ થઈ જાય. આવા દોજખમાં તમને ફેંકવા બદલ મારી જાતને હું ક્યારેય માફ નહીં કરું. પ્લીઝ મને માફ કરી દે. અથવા મને છોડીને તારે જ્યાં જવું હોય ત્યાં તું તારું નવું જીવન શરૂ કરી દે, જતી રહે પ્લીઝ.'
આટલું બોલતાં બોલતાં તો સુજોય ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. ઋતુએ બધી વાતોને શાંતિથી સાંભળ્યા બાદ રડતા સુજોયને સમજાવી શાંત પાડયો.
'શું તું ખરેખર ઈચ્છે છે શરાબ છોડવા? કે આ બધું રાંડ્યા પછીનું ડહાપણ છે?' ઋતુએ બહુ જ સ્વસ્થ રહી મુદ્દાની વાત કરી. તે દિવસે સોનુદીદી સાથે બધી વાત થયાં પછી એને પણ થયું કે, સુજોયને જો પોતાના મનમાં કોઈ અપરાધભાવ હોય કે, શરાબસેવન બદલ પોતાને જ પસ્તાવો થતો હોય અને ખાસ તો જો એની શરાબ છોડવાની પોતાની મરજી હોય- ઈચ્છા હોય તો આ ટેવ/કુટેવ છોડવી અઘરી નથી. તકલીફ તો જેમને આ ટેવ છોડવી જ નથી તેમને કે તેમના પરિવારને વધારે પડે.
બસ, મળી ગયો રસ્તો. હવે તો કંઈ પણ થાય કે કંઈ પણ કરવું પડે સુજોયને હું સુધારીને જ રહીશ. ભલે વરસ જાય- બે વરસ જાય પણ હવે પાછળ નથી હટવું. એક જંગ છેડવી છે. વિના હથિયારની લડાઈ લડવી છે અને આ ઘરમાંથી દારૂના દૈત્યને રવાના કરી શાંતિદૂતને આમંત્રણ આપવું છે ને એને કાયમનો પરિવારનો સદસ્ય બનાવી દેવો છે.
'જો સુજોય, તારી આ વાતને હું સાચી માનીને તારા ઉપર વિશ્વાસ મૂકું છું. હું જાણું છું કે, તું મને ખરા દિલથી કેટલો પ્રેમ કરે છે ને તારા માબાપ તો તારા માટે ભગવાનથી કમ નથી. અમે સૌ પણ તને એટલો જ ચાહીએ છીએ એ પણ તું જાણે છે. તો આપણે એક કામ કરીએ. તું મારી સાથે એક સંસ્થામાં ચાલ. ત્યાં તારા જેવા જ કેટલાય દર્દીઓને જોઈને તને રાહત લાગશે ને તને હિંમત મળશે.
હા, તું દર્દી છે. શરાબસેવન એ એક રોગથી વિશેષ કંઈ નથી પણ આપણા સમાજમાં શરાબ- સેવનને ધુત્કારવામાં ને ખરાબ નજરે જોવામાં આવે છે. તને નવાઈ લાગશે પણ જો આ દર્દીને ઘરનાંનો, મિત્રોનો ને સમાજનો સાથે મળે, પ્રેમ મળે તો બહું જલદી આ દુષણમાંથી- આ રોગમાંથી એ મુક્તિ મેળવીને સ્વસ્થ જીવન જીવી શકે છે. જરૂર છે સૌની માનસિકતા બદલવાની.
માનું છું કે, જાણકારીના અભાવે લોકો આ બધી વાતો જાણતાં નથી. પરિણામે શરાબી અને પરિવાર, બંને અવારનવાર ઘર્ષણમાં ઊતરે છે અને પરિણામે રોજનો કંકાસ ને રોજની તકરારમાં જીવન પૂરું કરે છે. આ રોગ આગળ વધતાં એનાં ખૂબ જ ભયંકર પરિણામો પણ આવે છે. કાયમની માનસિક અસ્વસ્થતા, જાતજાતની બિમારી, જેમાં લિવરની બિમારીમાં નાની ઉંમરે થતું મોત, બાળકોનું અનિશ્ચિત ભવિષ્ય અને પૈસાની ખુવારી તથા સંબંધોની ભાંગતોડ તો બહુ જ આમ બાબત છે.'
સુજોય તો મૂઢ બની ગયો. આ ઋતુ? આટલી બધી સમજુ? આટલી પ્રેમાળ ને આટલી લાગણીશીલ? મારા માટે એ કેટલું સહન કરે છે ને મારા ભલા ખાતર એ કંઈ પણ કરવા તૈયાર છે! હવે તો હું જ મુરખ ઠરું ને જો એની વાત ન માનું તો?
'ચાલ ઋતુ, હમણાં ને હમણાં તું જ્યાં કહે ત્યાં હું આવવા તૈયાર છું ને જે કરવું પડે તે કરવા પણ તૈયાર છું. બસ, હવે તો કોઈ પણ હિસાબે શરાબને છોડીને જ રહીશ.'
ઋતુને તેનો આજનો દિવસ આટલી સુંદર સવાર લઈને આવશે, તે માનવામાં જ ન આવ્યું. એ તો વહેલી વહેલી દોડીને મમ્મી-પપ્પાને સુજોયની ખુશખબરી જણાવવા પહોંચી ગઈ. જીવનમાં આનાથી વધારે બીજું તો શું ઈચ્છતા પણ હતાં એ લોકો? સુજોયના ભવિષ્યને બદલવા ઋતુ નામની કોઈ પરી આમ આકાશમાંથી ઊતરી આવશે એવું ક્યાં એમણે કોઈ દિવસ વિચારેલું? દીકરા- વહુને જતાં જોઈ એમના મોં પર પણ ખુશીની લહેર ફરી વળી.
સુજોય અને ઋતુએ સોનુદીદીની આંગળી પકડી સંસ્થાના દરવાજે દસ્તક દીધા. સુજોય જેવા દર્દીઓથી ઉભરાતા ઓરડામાં એમનું પ્રેમપૂર્વક સ્વાગત કરાયું. કંઈક સંકોચ અને કંઈક ડરથી દાખલ થયેલાં બંને થોડી વારમાં જ સમદુખિયાને જોઈ સ્વસ્થ બન્યાં અને ધીરે ધીરે સંસ્થાના કાર્યક્રમને અનુસરતાં અને મન દઈને ધ્યેયને વળગી રહેતાં સ્વસ્થ જીવન જીવવાના શપથ લીધા. બંનેને શુભ દિવસો અને સ્વસ્થ જીવનની શુભેચ્છા સાથે અલવિદા.
આ સંસ્થાની વિશેષ જાણકારી જેમને મેળવવી હોય તેમણે, દિવ્ય જ્યોતિ, એલએનોન ફેમિલી, ભદ્ર આશ્રમ, નવી કોર્ટની બાજુમાં, અઠવા લાઈન્સ, સુરત અથવા હેલ્પલાઈન 7567301313 પર સંપર્ક કરવો. તે સિવાય નેટ ઉપર પણ આ સંસ્થા ને એના કાર્ય વિશે તેમજ દર્દીઓના અને એમના પરિવારના અનુભવો વિશે જાણવા મળશે.)
*****************************************
આ રોગનો ઈલાજ ફક્ત જાણકારી, સમજણ, સહાનુભૂતિ અને ધીરજ છે. માનીએ કે, આ રોગ બહુ ભયંકર છે, ઝટ પીછો છોડે એવો નથી પણ જો ડાયાબિટિઝ, હ્રદયરોગ કે કેન્સર જેવા રોગોને દવા, પરેજી અને ધીરજની જરૂર હોય અને બધા ભેગાં મળીને રોજ નવા નવા પ્રયોગો કરીને એને હટાવવા તત્પર હોય તો આ રોગને કેમ નહીં? આમાં પણ દર્દી માને નહીં, જીદ કરે, પૈસા વપરાય, માનસિક સ્વાસ્થ્ય જોખમાય વગેરે બધું જ થાય. જરૂર છે ફક્ત સમજણની. આલ્કોહોલિક એનોનિમસ (એલએનોન ફેમિલી ગ્રુપ્સ) નામની સંસ્થા વગર પૈસે આ સેવાનું કામ દુનિયાભરમાં કરે છે. પરિવારના સભ્યો માટે પણ જુદા ગ્રુપ હોય, જુદી મીટિંગો થાય અને સૌ પરિવારના સભ્યોની જેમ અહીં એકબીજાને મદદ કરે છે.
મજા ખાતર પીવાતી શરાબ ક્યારે આદતમાં ફેરવાઈ જાય અને કોઈને સારું લગાડવા પીવાતી શરાબ પણ ક્યારે જીવનનો રસ્તો બદલી નાંખે તે કહેવાય નહીં એટલે પહેલેથી જ પ્રમાણ-ભાન જાળવવું કે ચેતેલા રહેવું જરૂરી છે. છતાં પડેલી આદત છોડવાની દિલથી ઈચ્છા હોય ને પોતાની સાથે પરિવારનું પણ ભલું ચાહતા હો તો કોશિશ કરનેવાલો કી હાર નહીં હોતી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર