કુમુદિની
સિટીમૉલના એસ્કેલેટર પરથી નીચે સરકતાં એની નજર નીચે દેખાતા આઈસક્રીમ પાર્લર પર ગઈ. નીચે પહોંચીને પહેલું કામ આઈસક્રીમ ખાવાનું જ કરવું પડશે. બહુ મન થઈ ગયું છે. આજે કેટલા દિવસ થયા સારંગીને હૉસ્ટેલ ગયાને? બસ, છેલ્લે ત્યારે સાથે બધાંએ આઈસક્રીમ પાર્ટી કરેલી. પછી તો, એકલાં નીકળવાનોય કંટાળો આવ્યો હતો. હવે આજે તો આઈસક્રીમ ખાવું જ પડશે, નહીં તો મૉલમાં આવેલું સાર્થક નહીં થાય! હર્ષવી પોતે જ પોતાના આવા બાલિશ વિચાર પર હસી પડી.
હજી તો, બીજે માળે ઊતરીને થોડાં ડગલાં ચાલવાનું હતું ને પછી બીજા એસ્કેલેટર પર ને પછી ત્રીજા ને પછી આવશે પાર્લર. ઓહ! કેટલું દૂર લાગે છે આજે આ પાર્લર ને એસ્કેલેટર પણ સાવ ધીમે ધીમે...હંહ! પાર્લર પર ફરી નજર જતાં એની નજર ત્યાં ઊભેલી એક સ્ત્રી પર અટકી. ઓહ! આ કુમુદિની તો નહીં? એણે થોડું ધારીને જોયું ને જોતાં જ દિલમાં ખુશીની લહેર ફરી વળી. હા, કુમુદિની જ છે. ભલે થોડી તબિયત જમાવી છે, તોય એ ઓળખાઈ તો ગઈ જ. શું હજી અહીં જ, અંધેરીમાં જ રહે છે? તો પછી, કેમ મને કોઈ દિવસ દેખાઈ નહીં આટલાં વરસોમાં? બની શકે, કદાચ પિયર આવી હશે. સાસરું તો કોણ જાણે ક્યાં હશે? પેલી સાથે ઊભેલી, હુબહુ એની જ કૉપી લાગતી, સ્વીટ છોકરી એની જ લાગે છે. મા જેવા જ કાળા, વાંકડિયા વાળ ને ઘઉંવર્ણો વાન. બહુ વરસે કુમુદિનીને જોઈ એને મળવા ઉતાવળી બનેલી હર્ષવી, ચાલુ એસ્કેલેટરના પગથિયાં પણ ઉતરવા માંડી. ઉતાવળમાં ઠોકર લાગતાં એ ધીરી પડી ને ફરી પહેલે માળે ડગલાં ભરવા માંડી.
કુમુદિની મારી સાથે બોલશે ખરી? છેલ્લે સ્કૂલમાં બારમાના વિદાયસમારંભમાં પણ એણે મારી સામે જોયું નહોતું અને ઘેર જતી વખતે પણ ડોક ટટાર કરીને, અકડીને દૂરથી જ એણે રિક્ષા પકડી લીધેલી. મનમાં તો બહુ થયું, કે એ દોડીને કુમુદિનીની પાસે જાય, એને મળે, એની સાથે વાત કરે ને કહે કે, ‘કુમુદ, હવે તો આપણે ક્યારે મળશું ને ક્યારે નહીં તે કોણ જાણે. આપણને કયા શહેરની કૉલેજમાં એડમિશન મળશે ને ક્યાં ભણશું તે પણ નથી ખબર. તું ભૂલી જા બધું, હુ તો ભૂલી જ ગઈ છું. ચાલ ને આપણે બુચ્ચા કરી લઈએ. હવે શું રિસાવાનું? આપણા ઝઘડા તો કેવા નાના છોકરાં જેવા જ હતા ને? તોય હજી તારી રીસ નથી ઉતરી? પ્લીઝ કુમુદ, ઊતરી જા. આપણે સાથે ઘેર જઈશું.’ પણ એ કુમુદને અટકાવી નહોતી શકી. પરીક્ષાનું સેન્ટર પણ બન્નેનું એકબીજાથી દૂરની સ્કૂલમાં હતું. રિઝલ્ટને દિવસે બહુ રાહ જોયેલી પણ કુમુદ તો સૌથી પહેલાં જ રિઝલ્ટ લઈને જતી રહેલી. બસ, પછી કોઈ દિવસ કુમુદ, ના કુમુદિની દેખાઈ નહોતી.
એને કોઈ કુમુદ કહે તે નહોતું ગમતું. ‘આખું નામ બોલતાં શું થાય છે?’ ક્લાસમાં નવી નવી ઓળખાણ થયેલી ત્યારે, હર્ષવીને એણે કહેલું. હસી પડતાં હર્ષવી, દરેક અક્ષરને છૂટો પાડીને એનું નામ બોલેલી, ત્યારે કુમુદિનીના મોં પરની અકડ છૂ થઈ ગયેલી. હર્ષવી હંમેશા ખુશ રહેનારી ને મસ્તી તોફાન કરનારી, જ્યારે કુમુદિની એનાથી એકદમ ઊંધી! તોય, થોડા દિવસોમાં જ બંને પાકી બહેનપણી બની ગઈ. હર્ષવીની નિખાલસતા અને ઉદારદિલ સ્વભાવ કુમુદિનીને ઝુકાવવા પૂરતો હતો. કુમુદિની ભણવામાં અવ્વલ હતી તો હર્ષવી પણ કમ નહોતી. પહેલો ને બીજો નંબર બંને જાળવી રાખતાં. ફરક ફક્ત એટલો જ હતો, કે કુમુદિની ભણવામાં નિયમીત હતી, જ્યારે હર્ષવી લહેરમાં રહેનારી. વાતોમાં ને મસ્તીમાં એનો સમય નીકળી જાય પછી અચાનક યાદ આવે બીજા દિવસનું લેસન! લેસન શું હોય તેય નોંધવાનું રહી ગયું હોય! છેલ્લી ઘડીએ ક્યાં જવું ને શું કરવું? કંઈ નહીં, કુમુદિની છે ને?
બસ, એ તરત જ શશાંકને પકડે, ‘ચાલ ને ભઈલા, જરા મને કુમુદને ત્યાં લઈ જા ને. આપણે એની નોટ લઈ આવીએ. મારું હોમવર્ક બાકી રહી ગયું છે.’
‘તને ક્લાસમાં ધ્યાન આપતાં શું થાય? કેમ દર વખતે તારું જ હોમવર્ક રહી જાય ને કેમ કુમુદ કોઈ દિવસ તારી નોટ લેવા નથી આવતી? ચાલ હવે, જલદી ચાલ. બીજી વાર યાદ રાખજે.’ બબડતા બબડતા શશાંક થોડે દૂર આવેલી ઝોપડપટી તરફ સ્કૂટર મારી મૂકતો. મોટામાં મોટો ત્રાસ એને આ જગ્યાએ આવવાનો થતો, જ્યાં એની બહેનની ખાસ ફ્રેન્ડ રહેતી હતી–ઝોપડપટીમાં! કોઈ જોઈ જાય તો શું વિચારે? પપ્પાને તો ખબર જ નથી આજ સુધી પણ મમ્મીએ જ આને બગાડી છે. ‘આપણે બધાં સરખાં જ ને?’ શું સરખાં? સરખાં હોય તો અહીં કેમ રહે છે? કેમ ફ્રીમાં ભણે છે? ચાલ છોડ, મારે કેટલા ટકા? બહેનબા નોટ લઈને આવે કે ભાગીએ અહીંથી. મનમાં ને મનમાં બબડતો રહેતો શશાંક હર્ષવીને પણ બે ચાર વાત સંભળાવી જ દેતો. ‘ફ્રેન્ડ તો કોઈ સારી રાખ. તને કોઈ બીજી નહીં મળી?’
‘પ્લીઝ શશાંક, તું નહીં સમજે આ વાત. મને લાવ્યો તે બદલ થૅંક્સ હો.’
ઝોપડપટીમાં પણ હર્ષવી જતી તો બધાં એને અચરજથી જોયા કરતાં, પણ એ આમતેમ જોયા વગર સીધી કુમુદના ઘેરથી નોટ લઈ ચુપચાપ પાછી વળી જતી. કુમુદના મમ્મી, પપ્પા ને ભાઈ, બહેનને મળીને એને બહુ આનંદ થતો. એ લોકોને જરાય સંકોચ ના લાગે એટલે એ બે મિનિટ એમના ઘરમાં બેસતી ને કંઈ ખાવા આપે તો ખાઈ પણ લેતી. કુમુદના ઘરની હાલત એના મગજમાં સતત ઘુમતી રહેતી. પહેલી વાર એણે કુમુદને એની વર્ષગાંઠ પર નવો જ કંપાસ ભેટ આપેલો, વધારાની નવી પેન મૂકીને. કુમુદે જેમતેમ એ ભેટ સ્વીકારેલી. પછી તો, એ જાતજાતનાં બહાનાં કાઢીને કુમુદના નાના ખર્ચા ઊઠાવી લેતી. કુમુદ હળવું સ્મિત કરતી પણ એની નજરમાં તો આનાકાની જ રહેતી.
કોઈક વાર એવું બનતું, કે મજાક કરવા ટેવાયેલી હર્ષવી કુમુદને ચીડવતી, તો નાક પર ગુસ્સો રાખવા ટેવાયેલી કુમુદ તરત જ મોં ફુલાવીને બેસી જતી. આખો દિવસ બોલતી જ નહીં અને સાંજે પણ એકલી જ ઘેર જતી રહેતી. બીજે દિવસે ભેટ મળેલી બધી વસ્તુઓ હર્ષવીની બૅગમાં મૂકાઈ જતી!. હર્ષવીને આ વાતનું બહુ દુ:ખ થતું. એ કુમુદની પાછળ પડીને પણ એને બોલવા મજબૂર કરી દેતી અને ફરી એમના બુચ્ચા થઈ જતા. આમ જ, છઠ્ઠા ધોરણથી શરૂ થયેલી એમની દોસ્તી, બારમા ધોરણ સુધી કાયમ રહેલી. તો પછી છેલ્લી વાર કિટ્ટા ક્યારે થયેલી?
એમની પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ હાથમાં હતું અને કુમુદે હર્ષવી પાસે જોવા માગ્યું ત્યારે મજાકમાં હર્ષવીએ હાથ પાછળ કરી દીધો હતો. બસ, કુમુદિની રિસાઈ ગઈ ને તરત જ મોં ફુલાવીને ત્યાંથી જતી રહેલી. ‘લે...લે...જોઈ લે, હું તો મસ્તી કરતી હતી’ કહેતી હર્ષવી કેટલીય વાર એની પાછળ ફરતી રહેલી પણ આખરે નિરાશ થઈને બેસી ગયેલી. બસ, એ કાયમ માટેની એમની છેલ્લી કિટ્ટા હતી. ન તો પછી ક્યારેય બંને મળ્યાં કે ન કોઈએ એકબીજાની ખબર કાઢી. યાદ તો બંનેએ એકબીજાને કર્યાં જ હશે પણ એનો શો અર્થ? બધી યાદો અતીતમાં ભંડારાઈ ગયેલી ત્યારે જ આજે અચાનક જ કુમુદિની અહીં દેખાઈ ગઈ એ તો સપનું જ વળી! હર્ષવી ઘડીક અટકી ગઈ. કુમુદ બોલશે તો ખરી ને? એમ પણ હવે આટલાં વરસે વળી શું વેર રાખવાનું? બોલશે જ ને વળી. ને નહીં બોલે તો હું જ એને પહેલાંની જેમ બુચ્ચા કહીને બોલતી કરી દઈશ.
હર્ષવી તો આઈસક્રીમ ખાતી કુમુદની દીકરીની નજીક જઈને બોલી, ‘કેટલી સ્વીટ છે નહીં? બિલકુલ તારા જેવી જ, કુ મુ દિ ની.’
કુમુદિનીએ પાછળ ફરીને જોયું, ‘ઓહ હર્ષવી! કેમ છે? અહીં ક્યાંથી? કેમ છે તું ને કોની સાથે આવી છે? મજામાં તો છે ને?’
હર્ષવીની આંખમાં ખુશીનાં આંસુ ચમકી ઉઠ્યાં. ખુશીનાં માર્યાં એનાથી કંઈ બોલાય એવું જ ક્યાં હતું?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર