એક મા-નો પત્ર
મારા વહાલા દીકરા,
એક માનાં આશિષ, ખૂબ મજામાં હોઈશ. થોડા દિવસોથી જોકે તું થોડો દુઃખી થાય છે ને અપસેટ રહે છે, જાણું છું. તારી સાથે જ, તારા જેવા કેટલાય દીકરાઓના જીવને આજકાલ ચેન નથી. તમે લોકો જ્યાં ને ત્યાં ભેગા મળો ત્યારે અમારી જ વાતો કરો છો ને અમારી જ ચિંતા કરો છો, એ જાણીને અમને રાહત થાય છે. પણ એ રાહત કેટલી ક્ષણોની? કેટલા કલાકોની? કેટલા દિવસોની? ને કેટલા વર્ષોની? આ થોડા દિવસો વીતી જવા દે, પછી અમારી સતત ચિંતા કરવાવાળાને અમારા ખાતર પોતાના કિમતી સમયનો ભોગ આપનારા તમે સૌ એક એવા અંધારા ભોંયરામાં ભરાઈ જશો, જ્યાંથી બહારની દુનિયાની રોશનીનું એક કિરણ પણ તમારા ભોંયરાની દિવાલને અડકી નહીં શકે.
રોજ રોજ છાપાં જોઈને મને બે ઘડીની ખુશી મળે છે કે, મારા જેવી માના દીકરાની કુરબાની એળે નથી ગઈ. આખા દેશના લોકો અમારી સાથે છે, અમારી પડખે ઊભા રહેવા તૈયાર છે, અમારા પરિવારોની કલ્યાણનિધિમાં ઉદાર હાથે ફાળો પણ નોંધાવે છે. અને વખત આવ્યે ફોજમાં ભારતી થવા પણ પડાપડી કરે છે, ના ના, આ છેલ્લે છેલ્લે જરા જોશમાં લખાઈ ગયું. દીકરા, ફોજમાં પડાપડી કરવાવાળા તો જુદી જ માટીના બનેલા હોય. ફોજમાં ભરતી થવા માટે પોતાના દીકરાને તૈયાર કરનાર માતાઓની જ ખોટ પડી છે. એમાં તમારા જેવા દીકરાઓનો બિલકુલ વાંક નથી, જ્યાં દૂધમાં જ નથી તો લોહીમાં ક્યાંથી આવે?
તમને ક્યાં કોઈએ શીખવ્યું છે કે, આ ભારત દેશ મારો છે ને મારે એના માટે કંઈક કરવું જોઈએ? તમને તો જન્મતાંની સાથે જ મોંમાં ચાંદીના ચમચા પકડાવી દેવાય છે. હવે તો હેસિયત હોય કે ના હોય પણ ઉત્તમ શિક્ષણ, ઉત્તમ કપડાં અને ઉત્તમ જરૂરિયાતો પાછળ પોતાનો જીવ રેડી દેનારા અને પોતાના પ્રેમનો દેખાડો કરનારા મા-બાપોની એક આખી જમાત ઊભી થઈ ગઈ છે. એમને પોતાનાં સંતાનો સિવાય અને એમની ઊજળી કારકિર્દી સિવાય કંઈ દેખાતું જ નથી. પછી આ ફોજીની સામાન્ય નોકરીમાં કોણ માથું મારે?
અહીં નોકરી કરવા માટે નથી લાખો રૂપિયા બચાવવા પડતા, કે નથી લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું. ડોનેશનના નામે તમારા નાનપણથી જ પોતાની ઊંઘ હરામ કરનારા માબાપોને, સરહદ પર લડનાર ફોજી દીકરાઓ ખાતર ઊંઘ હરામ કરવાનું ક્યાંથી મંજૂર હોય? એમને ડૉક્ટર, એન્જિનિયર જેવી મોટી ડિગ્રીઓમાં રસ છે. ફોજીઓની શું ડિગ્રી? લાખો કમાઈ આપતા તમારા જેવા દીકરાઓમાં જેમને રસ છે, એમને સામાન્ય સગવડ ભોગવતા ને ગમે તે પરિસ્થિતિમાં, ગમે તેટલા દિવસ રહેતા ને કમાણીના નામે 'ફોજી' કે 'શહીદ'નું લેબલ કમાઈ લાવતા દીકરાઓમાં ક્યાંથી રસ હોય?
બેટા, તમે તમારી જિંદગી જીવો, અમે તો હિંમતથી ને ખુદ્દારીથી જીવીએ જ છીએ ને જીવીશું. દેશ પર કુરબાન કરવા દસ દીકરાઓને જો જન્મ આપવો પડે તો આપીશું. એટલી તાકાત તો મારા જેવી દરેક સિપાહીની મા માં છે એ હું ખાતરીથી કહી શકું.
એકાદ-બે હુમલા દુશ્મનની છાવણી પર થતાં જ વાર. તમે અમારી એક નાનકડી કોમની વાહવાહી પર ઊતરી પડશો. અમને અનામતની લાલચ નથી કે નથી સરકારની કે પ્રજાની બીજી કોઈ રહેમની જરૂર. જો અમે પણ લાલચી હોત, તો ક્યારનાય અમારા દીકરાય તમારી જમાતમાં ભળી ગયા હોત. અમેય એશોઆરામથી રહેત ને દીકરાની કે પતિની ચિંતામાં રાતોના ઉજાગરા ના કરત.
બેટા, મેં પહેલાં જ કહ્યું કે, આમાં તારા જેવા દીકરાઓનો વાંક નથી, તમે આટલા સંદેશાઓ વહેતા કરીને અમારા પ્રત્યે લાગણી બતાવી, એ જ અમારા માટે બહુ છે. ફક્ત એ જ આશા અમર રહેશે, કે કાશ દર વર્ષે તારા જેવા જુવાનિયાઓ જો દેશને ખાતર શહીદ થવા ફોજમાં ભરતી થવા આવવા માંડશે તો મારે આવો કોઈ પત્ર લખવાની જરૂર નહીં પડે.
લિ.
આ દેશના દીકરાઓમાં પોતાના દીકરાને શોધતી એક શહીદની મા
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર