થોડા મીઠા ચટની
રેવતી પોતાના રૂમમાં બેઠી બેઠી, ડ્રોઈંગરૂમમાં મોટેથી થતી વાતોના અવાજો સાંભળી રહી હતી. તેજનો બર્થ ડે હતો. મહેમાનોથી ઘર ભરાઈ ગયેલું. ભરાઈ શેનું, ઉભરાઈ જ ગયેલું વળી. તેજના કૉલેજના ફ્રેન્ડ્સ અને દીકરી જમાઈના નજીકના ફ્રેન્ડ્સ. હાહાહીહી અને ધાંય ધાંય મ્યુઝિકના અવાજમાં પોતાની બૂમ કોઈ સાંભળવાનું નહોતું, રેવતી જાણતી હતી. બાકી રહેલાં સગાંવહાલાં રવિવારે પાર્ટીમાં આવશે. ત્યારે પણ આ જ બધું હશે ને? એને શો ફરક પડશે? કંઈ નહીં. આ જ રૂમ ને આ જ એકાંત ને એ જ દૂધ ને રોટલી. હૉલમાંથી સતત બૂમો ચાલુ હતી અને કોઈ પોતાના રૂમ સુધી આવીને જ મોટેથી બોલી ગયેલું, ‘મહારાજ, મીઠી ચટની ખલાસ થઈ ગઈ છે ને સાથે થોડી ભેળ પણ મોકલજો.’ અચ્છા, ત્યારે ભેળ ને પાણીપૂરી ને દહીંપૂરીનો પ્રોગ્રામ લાગે છે. રેવતીના હોઠ વંકાયા. એક નિ:સાસો નાંખી, એણે ટીવી ચાલુ કરી રૂમનો દરવાજો બંધ કરી દીધો. સાંભળે તો દુ:ખ ને?
એસિડિટી કંઈ આજની હતી? વર્ષોથી એ તીખું ને મસાલાવાળું ખાતી જ હતી. ગળાથી શરૂ થતી તે અગન પેટ સુધી ફરી વળતી. પણ તેથી શું? દવા લેતી કે દસ મિનિટમાં બધે શાંતિ. ફરી એ જ જીવનની રફતાર ચાલતી રહેતી. વર્ષો સુધી નોકરીને બહાને કેટલાય કલાક ભૂખા રહેવું પડતું. બહારનું તીખું, મસાલાવાળું નાછૂટકે ખાવું પડતું અને રાતે ઘેર જઈ વાસી ને ઠંડું ખાવાથી, બીજું થવાનું પણ શું હતું? દીકરીને અને પતિને સાચવવામાં જાતને ક્યાં સાચવી હતી? રેવતી બધું યાદ કરવા નહોતી માગતી પણ છાસવારે યોજાતી આ બધી પાર્ટીઓ અને એના પર લદાયેલું બંધન. ઓહ! ખરેખર ત્રાસદાયક જ હતું. ભલા એસિડિટીમાં તે કોઈ રોજ દૂધ ને રોટલી ખાતું હશે? ડૉક્ટરે તો, મન થાય તો કયારેક ઓછાં મરચાંવાળું ને રોજ તો મરચાં વગરનું જે ખાવું હોય તે ખાવાનું કહ્યું જ છે ને? જોકે, ખટાશની પણ ના પાડી છે. તો પછી ખાવું શું? દીકરીએ સહેલો રસ્તો શોધી કાઢ્યો હતો, રોટલી ને દૂધ! સવારે યાદ રહે તો મરચાં વગરનું પોતાનું જુદું ખાવાનું ઢંકાતું, નહીં તો રોટલી સાથે દૂધ કે ગોળ.
નોકરી હતી ત્યાં સુધી સારું હતું. ખાવાની બાબતે આમ મનને ક્યારેય મારવું નહોતું પડ્યું. ભેળ, પાણીપૂરી, દહીંપૂરી ને રગડાપૅટિસ તો, નામ માત્રથી એના મોંમાં પાણી લાવી દેતાં. સૅન્ડવિચ ને ઈડલી–ઢોસા પણ એ ક્યારેક ખાઈ લેતી. હા, મજબૂરીમાં ખાતી પણ પછી તો આદત પડી ગયેલી. એટલો ફરક પડ્યો હતો કે એણે એસિડિટીને લીધે પછીથી મોળું ખાવા માંડેલું. કંઈ તદ્દન બંધ તો નહોતું જ કર્યું. જયારે અહીં? દીકરીને ત્યાં રહેતી થઈ પછી તો, બધાં બંધનમાં આ ખાવાનું બંધન પણ ઉમેરાયું હતું, જેને તોડવાનો વિચાર કેટલીય વાર આવતો પણ કેવી રીતે? કંઈ સમજાતું નહોતું. કામવાળી બાઈ પણ નિષ્ઠુર હતી. ‘બેને ના પાડી છે.’ આ એક જવાબમાં એ જરાય બાંધછોડ કરતી નહીં.
‘બેને શું ના પાડી છે?’ એ પૂછતી.
‘મમ્મી, તમને તીખું કંઈ પણ ખાવાનું આપવાની બેને ના પાડી છે. બેન જાણશે તો મને વઢશે.’
‘હવે બહુ ડાહી થયા વગર થોડું શાક લઈ આવ જા. કંઈ ખબર નહીં પડે.’ એ પેલીને પટાવતી પણ
‘ના, ના’ કરતી એ તો તે દિવસે રૂમની બહાર ગઈ તે ગઈ જ. દેખાઈ બીજી સવારે! ત્યાર પછી એ રેવતીની સામે ક્યારેય ગઈ જ નહીં. રેવતી મનમાં ને મનમાં ગુસ્સો દબાવી બેસી રહી. પોતાની દીકરીને જ જ્યાં પોતાની દયા નથી ત્યાં જમાઈને શું કહેવાનું? ઉફ્ફ! આ કમરનો દુ:ખાવો જીવ લેશે કે શું? મરું તે પહેલાં એક વાર બધું ખાઈ લેવું છે. આખી જિંદગી હાયબળાપા કોના માટે કર્યા? જેના માટે કર્યા, તે જ આજે મારા માથે બેસી ગઈ. જરા અમસ્તી એસિડિટી માટે થઈને મારી દુશ્મન થઈ ગઈ. ઘરની બહાર એકલાં નહીં જવાનું! કશે પડી જાય તો બધાંને ઉપાધિ! રેવતીનો જીવ ગુંગળાતો. આમ કેમ જીવાય?
ડૉક્ટરને ત્યાં પહેલી વાર બતાવવા ગયેલાં, તે દિવસથી જ ડૉક્ટરની વાત પકડી રાખીને આજ સુધી નિયમોનું ચુસ્તપણે પાલન થતું રહ્યું હતું. અરે! સાદી સીધી એસિડિટીમાં આટલો જુલમ? ખાવાની પોતાની નાનકડી જીદ પર લાંબું લેક્ચર સાંભળવા મળતું ને યાદ કરાવાતું, ‘ડૉક્ટરે શું કહેલું? કાળજી નહીં રાખો તો અલ્સર થઈ જશે.’ હવે આટલાં વરસોમાં એકાદ સગું કોઈ અલ્સરને લીધે મર્યું હશે, તેનો દાખલો દર વખતે આપીને પોતાનો ભોગ લેવાય! રેવતીને કંઈ ઠીક નહોતું લાગતું.
ફરી બૂમ પડી, ‘મહારાજ થોડી દહીંપૂરીની ડિશ તૈયાર કરજો.’ રેવતીને થયું, બારણું ખોલીને એ રસોડામાં દોડી જાય અને ટ્રેમાં બધી ડિશ ગોઠવીને લઈ આવે અને આરામથી રૂમમાં બેસીને બધું પેટ ભરીને ખાય, મન ભરાય ત્યાં સુધી. હૉલ નજીક હતો ને રસોડું પણ કંઈ દૂર નહોતું, તોય રેવતી માટે તો બધું જોજનો દૂર હતું. એવું સપનું હતું જે ક્યારેય સાચું પડવાનું જ નહોતું. રેવતીને કોણ જાણે કેમ આજે જરાય ચેન નહોતું પડતું. પાર્ટીઓ તો ઘણી વાર થતી પણ આજના જેવી બેચેની? રેવતીના રૂમનો દરવાજો ખૂલ્યો અને મહારાજ રોટલી ને દૂધ મૂકી ગયા. ‘મહારાજ, થોડી ભેળ ને દહીંપૂરી ને થોડી પાણીપૂરી મૂકી જજો ને.’ શબ્દો ગળામાં અટકેલા જ રહ્યા અને રૂમ બંધ થઈ ગયો.
બીજા દિવસે સવારમાં જ, ‘તમારા મમ્મી બિમાર છે ને હૉસ્પિટલમાં છે’નો ફોન આવ્યો કે તરત જ, દીકરી–જમાઈ, પોતાને અને કામવાળીને જરૂરી સુચનાઓ આપી ઉતાવળમાં નીકળી ગયાં. કામવાળી કામ પતાવીને, પાછી આવું કહીને ઘરે ગઈ. તેજ બે દિવસ ફરવા ગયો હતો. રેવતીને તો સોનાનો સૂરજ ઉગ્યો. ઘર બંધ કરી એ તો ઉપડી ટૅક્સીમાં શહેરના જાણીતા મૉલ પાસે.
‘હાશ! ભૈયાજી છે.’ લારી નજીક જઈ, નાના બાળક જેવી ઉત્સુકતાથી એ લારીમાં બધે નજર ફેરવી રહી. એક પછી એક ડિશ ધરાઈને ખાધા પછી રેવતી સંતોષના સ્મિત સાથે છેલ્લે બોલી, ‘ભૈયાજી, મૈં તીખા કમ ખાતી હૂં, થોડા મીઠા ચટની જ્યાદા દેના.’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર