આશીનાં વિધિસરના લગ્નમાં વિઘ્ન!
‘જો આશી, એ તો બહુ જ આનંદની વાત છે કે, તારા સાસરાવાળા માની ગયા અને વિધિસર લગ્નની હા પાડી. છતાં સમાજમાં દહેજ કે જાતપાત ને બીજાં નજીવાં કારણોસર જે રીતે સ્ત્રીઓનો ભોગ લેવાય છે તે જોતાં મારી તો તમને સલાહ છે કે, તમારા તરફથી તમે હોશિયાર રહેજો. તમારાં ઘરનાં હજી પણ સમાજના ડરે એવું કોઈ પગલું ન લઈ લે જેથી તમને તકલીફ થાય. મારી વાત સમજે છે ને તું? તમારાં લગ્નનું સર્ટિફિકેટ મને મોકલી આપ અને પિયર ગયા પછી પણ તારે મને રોજ સવારે ને સાંજે ‘મજામાં છું’નો મેસેજ કરી દેવો. તમારે બંનેએ પણ સતત સંપર્કમાં રહેવું ને જરા પણ ગરબડ લાગે તો તરત જ એમને પોલીસની ધમકી આપી દેવી. ન જ માને તો મને જણાવજે હું બધું સંભાળી લઈશ.’
‘ઓકે આન્ટી, મને સમજણ પડી ગઈ. હું રોજ તમને મેસેજ કરી દઈશ. થૅંક્સ કહું?’
‘ચલ જા ચિબાવલી, હવે જ્યાં સુધી તારાં વિધિવત લગ્ન નહીં થાય ત્યાં સુધી મારો જીવ ઊંચો રહેશે. પણ તું ચિંતા નહીં કર, બધું સારું જ થશે. આ તો આપણે બધી તૈયારી રાખવી સારી એવું હું માનું છું.’
પિયર ગયા પછી પણ આશીને આન્ટીની વાતો યાદ આવતી ને એ મનમાં મલકાતી રહેતી. ‘નિસર્ગ સાથેના સહજીવનના નામે તો એણે ચોકડી જ મૂકી દીધેલી. એ તો આન્ટી ને નિસર્ગની હિંમતને પરિણામે જ હવે પોતે નિસર્ગ સાથે માનભેર સંસાર માંડશે. ને પપ્પાએ તો વરસોની દિલની ઈચ્છા પૂરી કરવા જાણે કમર જ કસી છે. મા હજી સહકાર આપવા બાબતે ઉદાસીન છે, પણ ભાઈ–બહેન ઘરના પ્રસંગને બહાને મારી સાથે ફરતાં થઈ ગયાં તો ઘણું સારું લાગે છે. (ફૅશનેબલ બહેન એમ તો મોડર્ન છે પણ વિચારોમાં કેમ પછાત છે? આ સવાલે કોઈ દિવસ આશીને હેરાન કરી હશે? કોણ જાણે.) રોજરોજ અવનવી દુકાનો ને જાતજાતનું શૉપિંગ! હું ના પાડું છું તોય પપ્પા તો, ‘દીકરીને તો જેટલું આપીએ તેટલું ઓછું’ એમ કહીને વાતને હસવામાં ઉડાવી દે છે. આને જ સુખ કહેવાતું હશે?’
આ બધા સુખના દિવસોમાં દિલના એક ખૂણે એને નિસર્ગની સતત દયા આવતી. હજી તો ઘર ગોઠવીને એ લોકો ઠેકાણે જ પડેલાં કે, આ લગ્નની વાત આવી ગઈ. તેમાં પણ મૂરત બે મહિના પછીનું નીકળ્યું એટલે નિસર્ગને બિચારાને ઘરની બધી જ જવાબદારી આવી પડી! ન ખાવાનાં ઠેકાણાં ન ઘરનાં. નોકરી કરતાં કરતાં કામવાળાનો સમય સાચવવાનો, દૂધ ને છાપું ને પરચુરણ કામો પણ જોવાનાં! બંને મન મારીને દૂરીના–વિરહના આ દિવસો ગણતાં રહેતાં.
સોમેશભાઈએ તો દીકરીને સાસરે જઈને, રીતરિવાજ પ્રમાણે શું શું કરવાનું તેનું લિસ્ટ પણ થોડાં મહેણાંટોણાં સાંભળીને માગી લીધું. ત્યાંના દરેક સભ્યને, લગ્નમાં આવવાનું આગ્રહભેર આમંત્રણ તો આપ્યું જ! નિસર્ગનાં માબાપ તો પહેલેથી જ લગ્નની વિરુદ્ધ હોવાથી એમને આશીના પપ્પાનું આ રીતે આવવું ને લગ્નની તૈયારીની ને રિવાજોની વાતો કરવી બિલકુલ ગમ્યું નહોતું.
‘તમે સારી રીતે જાણો છો કે, અમને આ લગ્ન બિલકુલ પસંદ નથી ને તમારી દીકરીને અમે વહુ તરીકે સ્વીકારી પણ નથી. તમારે લગ્ન કરવાં જ હોય તો અમારા બાજુના ગામમાં આવીને તમારી દીકરીનાં લગ્ન કરી જજો ને તે પણ કોઈ હૉટેલમાં સાદાઈથી રિસેપ્શન જેવું રાખી લેજો. અમારે ત્યાંથી કોઈની આશા રાખતા નહીં. કોઈને મન થશે તો નિસર્ગને જોવા આવી જશે. તમે પૂછ્યું તો અમે રિવાજ જણાવ્યા બાકી અમને એમાં કોઈ રસ નથી.’ આ શબ્દો હતા આશીના સાસરે સોમેશભાઈની પહેલી મુલાકાતના.
ફક્ત દીકરીની ખુશીને ખાતર સોમેશભાઈને બધું અપમાન મંજૂર હતું! સમાજના ડરે કેટલાય માબાપ પોતાના સંતાનના સુખનું ગળું દબાવી દેતા હશે? સોમેશભાઈ તો વળી સમજુ નીકળ્યા, બાકી આશીનું શું ભવિષ્ય હોત? કદાચ એનું આ દુનિયામાં અસ્તિત્વ જ ન હોત !
સોમેશભાઈ હિંમત હાર્યા વગર નિસર્ગના માબાપને આમ જ, દીકરીને ખાતર નમતા રહ્યા, કરગરતા રહ્યા ને થોડે થોડે દિવસે મળતા રહ્યા. ત્રીજી મુલાકાતે નિસર્ગના પપ્પાએ ‘જોઈશું’ કહ્યું! એ દરમિયાન નિસર્ગ એના મોટા ભાઈઓને પણ સમજાવતો રહ્યો, ‘પપ્પા ને મમ્મી તો જૂના જમાનાનાં છે પણ તમે તો બધું સમજો છો ને? હવે લગ્ન થઈ જ ગયાં છે તો પછી તમને આવવામાં શો વાંધો છે? એક જ દિવસનો તો સવાલ છે. પ્લીઝ બધા આવી જજો.’ બેમાંથી એક ભાઈ થોડો ઠીક હતો, તે એણે આખરે માબાપને સમજાવ્યા અને સોમેશભાઈને નજીક પડે તેમ મુંબઈમાં લગ્નનું નક્કી થયું. પણ એક શરત પર! ‘સાસરેથી વહુને કંઈ નહીં મળે! સાસરા તરફથી થતા બધા જ વહેવાર પણ પિયર તરફથી જ કરવાના! લગ્નમાં પણ કોણ આવશે તે અત્યારથી કંઈ કહેવાય નહીં! ને જાનમાં પણ કોઈ આવશે નહીં કારણકે નીચી(!) જાતનાં હોવાથી સગેવહાલે કે ઓળખાણ–પિછાણમાં કોઈને અમે જણાવ્યું નથી.’ બધી શરતોને માથે ચડાવી સોમેશભાઈએ દીકરીનાં લગ્નને સફળ બનાવવાની સઘળી કોશિશો ચાલુ જ રાખી. લગ્નમાં કોઈ કમી રહેવી ન જોઈએ એટલે જાનૈયાઓની કમી પણ સોમેશભાઈએ ને નિસર્ગે પોતાના મિત્રોને આમંત્રીને પૂરી કરી. આશીએ પોતાની સખીઓને આમંત્રી.
દીકરાના લગ્નમાં મા ન જાય(રિવાજ!) ને બાપાની તબિયત સારી નહોતી એટલે બે ભાઈ એમનાં બાળકોને લઈને નિસર્ગ–આશીનાં લગ્નમાં પહોંચી ગયેલા. ભાભીઓને પણ કોઈ બહાનું કાઢીને ઘરે જ બેસાડી દીધી હતી. ખાલી હાથે લગ્નમાં પહોંચેલા ભાઈઓએ પણ હાજરી આપવાની રીત નિભાવી. આ બધી જ વાતોને ખૂબ જ સ્વાભાવિક ગણીને નિસર્ગ ને આશીએ ફરી વાર પ્રભુતામાં પગલાં માંડ્યાં. સોમેશભાઈના દિલના ખરા આશીર્વાદથી ખૂબ ધામધૂમથી લગ્ન થયાં ને સોમેશભાઈએ સંતોષનો શ્વાસ લીધો. સોમેશભાઈનાં સગાં પણ જાનમાં આવ્યાં હોવાથી(!) બધો તમાશો જોતાં બેસી રહેલાં. એમણે કોઈ જાતની મદદ તો ન કરી પણ જતાં જતાં લટકામાં ટીકાટિપ્પણ કરતાં ગયાં !
આ લગ્નને ખુશી ખુશી જો કોઈએ માણ્યાં હોય તો તે, આશી ને નિસર્ગના મિત્રોએ. અરે! આશીની આન્ટીને તો કેમ ભૂલાય? સવારથી આન્ટી પણ એમનાં બહેનને લઈ લગ્નમાં હાજરી આપવા હોંશભેર હાજર હતાં. દીકરીની વિદાયવેળાએ સોમેશભાઈ ભાંગી પડ્યા પણ જમાઈ દીકરા જેવો છે એ યાદ આવતાં તરત જ સ્વસ્થ થઈ ગયા. દરેક અવરોધોને હસતાં હસતાં દૂર કરીને, એક અટપટો કોયડો બની ગયેલા લગ્નનો આખરે સુખદ અંજામ આવ્યો ખરો.
થોડા દિવસો પછી નિસર્ગના મોટાભાઈનો ફોન આવ્યો,
‘નિસર્ગ, તારી વહુને કહેજે કે ફેસબુક પર એના નામની સાથે એના પિયરની અટક છે તે કાઢીને આપણી અટક લગાવી દે.’ નિસર્ગના મગજની નસો તંગ થઈ ગઈ. એણે આશી સામે જોયું.
હવે? આશી શું કરશે?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર