હું, તું અને હુતુતુ

06 Apr, 2016
12:05 AM

કલ્પના દેસાઈ

PC:

દરવાજાના લૉકમાં ખૂબ ઉતાવળમાં ચાવી ફરવાનો અવાજ અને એની પાછળ પાછળ બારણું જોરમાં અફળાવાનો અપેક્ષિત અવાજ સાંભળીને ગરિમાનું દિલ હંમેશની જેમ એક થડકારો ચૂકી ગયું. હંમેશની જેમ મોં પરથી નૂર ઊડી ગયું અને હંમેશની જેમ જ શરીરમાં એક ધ્રુજારી ફરી વળી. જોકે આજનો દિવસ જરાક નહીં ખાસ્સો જુદો ઉગ્યો હતો. આજની બપોર તો એકદમ જ અણધારેલી પોતાના ખોળામાં આવીને બેસી ગયેલી અને સાંજ? હા, સાંજ કેવી જશે ? બસ, હવે ખબર પડશે કે આજની સાંજ કેવી જશે તે. પોતે જ તો નિર્માણ કરેલી આ સાંજ. એકદમ જુદી ને ક્યારેય ન વિચારેલી કે ન અનુભવેલી. રોજના રસ્તે આંખ મીંચીને ચાલ્યા કરતી ગરિમાએ આજે હિંમત કરીને એક નાનકડી કેડી પર ડગલાં માંડવાની હિંમત કરેલી. મનમાં બપોરને યાદ કરીને ખુશ થતી ગરિમા બે પળ માટે નજીકમાં જ ધસી આવતા તોફાનને જાણે ભૂલી ગઈ.

ગરિમા...ગરિમા...પાણી લાવજે...’

પાણી સામે જ છે ટિપૉય પર.’

હા મને દેખાય છે, બહુ વાયડા થવાની જરૂર નથી. ચા ને નાસ્તો કોણ લાવશે ? તારો...?’

અધૂરા શબ્દોને મનમાં બબડીને ગરિમાએ ચા ને ગરમાગરમ બટાકાવડાં પણ ધર્યાં. ચાટ પડેલા શમિતે ફરી મૂળ વાત યાદ કરતાં બૂમ પાડી, ‘ગરિમા...’

ભઈ, હું અહીં જ છું. કેમ બૂમાબૂમ કરે છે આવ્યો ત્યારનો ?’

અવાજમાં બને તેટલી કરડાકી લાવીને શમિતે ઉલટતપાસ ચાલુ કરી. ‘આજે બપોરે ક્યાં હતી? મેં કેટલા ફોન કર્યા તે જોયું કે નહીં? રિંગ તો જતી હતી પછી ફોન કેમ ન ઉપાડ્યા? એવા તે કયા કામમાં હતી કે ફોન પણ ન ઉપાડાય? ક્યાં ગયેલી? મને એક ફોન પણ ન થાય?’

થોડી હળવી થયેલી ગરિમા મનમાં બબડી રહી, સવાલ ઓછા કરે તો ન ચાલે? બિચારાને ગુસ્સામાં યાદ પણ નથી આવતું કે, એક જ સવાલમાં બધું આવી જાય એવું કંઈ પૂછું. મનમાં શમિત પર હસતી ગરિમાએ મોં પર બને તેટલી ગંભીરતા લાવી જવાબ આપ્યો, ‘ફોન સાઈલન્ટ મોડ પર હતો.’

એમ નહીં તો દિવસમાં સો વાર ફોનમાં માથું નાંખતી હો છો, તે બપોરથી અત્યાર સુધી એકેય વાર ફોનમાં જોયું જ નહીં? ક્યાં ગઈ ’તી તે જવાબ આપ ને પહેલાં, બીજા લવારા કરવા કરતાં.’

પિક્ચર જોવા ગયેલી.’

પિક્ચર જોવા? એકલી?’

એકલી શું કામ ? અમે ચાર જણ ગયેલાં.’

ચાર જણ ? કોણ કોણ ? મને કહેવાની(પૂછવાની) પણ જરૂર ન લાગી ?’

એમાં શું કહેવાનું ?’

અરે ! આજ સુધી તું મને કહ્યા વગર કશે ગઈ નથી ને આજે એકદમ ? ને તેય મને...’

પૂછ્યા વગર એમ ને ?’ ગરિમાએ વાક્ય પૂરું કર્યું એટલે શમિત છંછેડાયો.

હા, પૂછ્યા વગર બસ ? કોણ કોણ ગયેલાં ?’ જેટલા જોરમાં શમિતની જિજ્ઞાસા ભડકી રહી હતી તેટલી જ શાંતિથી સામે ગરિમા જવાબ વાળી રહી હતી. ગરિમાએ હંમેશાં આગ પર પાણી નાંખવાનું જ કામ કરેલું એટલે એને આમેય આગના ભડકા બહુ ગમતા નહીં. કોણ નાની નાની વાતમાં માથાકૂટ કરે ? એના તો ધ્યાનમાં જ નહીં કે, એના આ સ્વભાવનો શમિત બહુ સારો ફાયદો ઊઠાવી રહ્યો હતો.

લગ્ન પછીનું પહેલું વરસ સ્વર્ગમાં ગાળી ચૂકેલી ગરિમાને સહેજેય અંદાજ નહીં કે, બાકીની જિંદગી આમ બીબાંઢાળ બની જશે! સવારથી સાંજ એ જ, શમિતની પાછળ પાછળ ફરવાનું ને નાના બાળકની જેમ એનું ને એના કામના પથારાનું ધ્યાન રાખવાનું. સમજો ને કે, ઘરની ઓફિસ ગરિમા જ ચલાવતી. બહાર જવાનું પણ ધીમે ધીમે ઓછું થવા માંડેલું. ક્યારે શમિતનો ફોન આવે ને ક્યારે કયું પેપર મગાવે કે કઈ ફાઈલમાં શું જોવાનું કહે શી ખબર? ગરિમાના પગમાં અજાણ્યે જ બેડી ખનકતી થઈ ગયેલી. પહેલાં તો દર અઠવાડિયે ફિલ્મ જોઈને બહાર ખાવાનો પ્રોગ્રામ નક્કી જ રહેતો પણ છેલ્લે ક્યારે ને કઈ ફિલ્મ જોયેલી ? દિમાગ પર બહુ જોર આપવા છતાંય ગરિમાને કંઈ યાદ આવતું નહીં. હશે, જવા દે કહીને એ ફરી રુટિનમાં ફર્યા કરતી. ટીવી જોતી તેમાં બધું આવી જતું, ફિલ્મો પણ. મન થતું તો કોઈ વાર એ બહારથી ઓર્ડર કરીને એકલી જ કંઈક ખાઈ લેતી. શમિતને હવે બહારના ખાવાનાથી પેટમાં ગરબડ થતી હતી! ઘરમાં પૂરી રાખવાનું એક બહાનું જ કે બીજું કંઈ ? ગરિમાએ વધારે વિચારવાનું બંધ કરવા માંડેલું. નકામો ત્રાસ નથી આપવો મગજને.

ગરિમાની જિંદગી એમ જ બીબાંઢાળ બની જાય એ કદાચ કોઈકને પસંદ નહોતું ને એટલે જ એનો એક દિવસ ફોન આવ્યો, ‘શું કરે છે ?’

બસ, કંઈ નહીં. જમીને થોડો આરામ કરીને પછી ફિલ્મ જોવા બેસીશ.’

એમ? કઈ ફિલ્મ છે ? શાહરુખ કે સલમાનવાળી જ હશે નહીં ?’

એવું કંઈ નથી. જે હોય તે, મને રોજ બપોરે ફિલ્મ જોયા વગર ખાવાનું હજમ નથી થતું હવે.’

થિએટરમાં ફિલ્મ જોવાનું મન નથી થતું ? કેટલા મહિના થયા થિએટરમાં ફિલ્મ જોયાને ?’

યાદ નથી, કદાચ બે કે ત્રણ વરસ.’

ઓહ નો! તું આજે ને આજે ચાલ. આપણે એક મસ્ત ફિલ્મ જોઈ કાઢીએ ને પછી તારી ફેવરિટ ચાટ, પાણીપૂરી ને ભેલપૂરી થઈ જ જાય. બે વરસમાં તું આટલી બધી બદલાઈ ગઈ? તારો વર સાવ કેવો છે કે, તને ઘરની બહાર જ નથી કાઢતો !’

ગરિમા ફોન પર ના ના કહેતી રહી પણ અંદરથી આવેલા પેલા અવાજે પણ એને ધક્કો મારી ફોન કરનારને સાથ પુરાવ્યો. ‘જા ને. શું ના પાડે છે? બહાર નીકળ ને તારી જાતને ઓળખ. તું ઘરમાં બેસી રહેવા માટે નથી બની. તારા ઘર સિવાયની બહારની દુનિયામાં પગ નહીં મૂકે તો ખબર કેમ પડશે કે, દુનિયામાં શું ચાલી રહ્યું છે ? ને તું ક્યાં કોઈ ગુનો કરવા જાય છે ? ફિલ્મ જ જોવાની છે ને? તે પણ કેટલા સમય પછી સાથે ફિલ્મ જોશે કંઈ ભાન છે તને? તમે સાથે જોયેલી ફિલ્મોનું તો તું લિસ્ટ બનાવતી યાદ છે ને? મારે કંઈ સાંભળવું નથી, તું થિએટર પર ચાર વાગે હાજર જોઈએ, સમજી?’ ને પેલા અવાજ સાથે ફોન પણ કટ.

સાંજે શમિત ઘરે આવે તે પહેલાં તો બહુ આરામથી એ ઘરે પાછી પણ ફરી શકશે ને શમિત માટે ચા–નાસ્તાની તૈયારી પણ આરામથી કરી શકશે. બધા ટાઈમની ગણતરી કરીને એણે છેવટે ફોન પર હા કહી ને એ તૈયાર થવા ગઈ. ફક્ત એક જ ફોનથી એના સમગ્ર અસ્તિત્વમાં પરિવર્તન આવી ગયું. ખુશ થતી ને ગીત ગણગણતી ગરિમા થિએટર પર પહોંચી તો એના મોંમાંથી હલકી ચીસ નીકળી ગઈ, ‘ઓહ...વાહ...તમે લોકો પણ! મને સાલીએ કહ્યું જ નહીં કે તમે લોકો પણ આવો છો. હજીય એવી જ બદમાશ છે. ચાલો બહુ વખતે મજા આવવાની.’

મેં તો તને પહેલાં જ કહેલું ને? તું જ નખરાં કરતી હતી.’ તૃપ્તિએ બધાના હાથમાં ચૉકલેટ પકડાવતાં કહ્યું, ચાલો જલદી, ફિલ્મ શરૂ થવાની તૈયારી છે.’

ફિલ્મ જોઈને તો બધ્ધાં ખુશ. ‘સાલો આપણો વર પણ આવો જ હોવો જોઈએ નહીં?’

હા હા, કેમ નહીં? જમાનો બદલાય તેની સાથે આ લોકોએ પણ બદલાવું જ જોઈએ. અરે કંઈ નહીં તો આપણી લાગણીનો ખ્યાલ કરે ને તો પણ બહુ.’ વાતો થતી રહી ને છૂટાં પડ્યાં ત્યારે ગરિમાની ચાલ બદલાઈ ચૂકેલી. ફિલ્મની અસર મગજ પર એટલી જડબેસલાક કે, મનમાં અમુક વાતની તો એણે ગાંઠ જ મારી દીધી. એ ઘરે પાછી ફરી ને શમિતને આપવાના જવાબોની તૈયારી કરતી રહી.

હું મારી ફ્રેન્ડ્સ સાથે ફિલ્મ જોવા ગયેલી ને એટલે મોબાઈલ સાઈલન્ટ પર હતો ને આવીને બધી તૈયારી કરવામાં ફોન લવારા મોડ પર મૂકવાનું ભૂલી ગયેલી, ઔર કુછ ?’

અચાનક થયેલા હુમલાથી શમિત જરા ઝંખવાયો ને અવાજમાં જરા નરમાશ લાવતાં બોલ્યો, ‘હા તે ભલે ને, તારી ફ્રેન્ડસ સાથે જવાનું તારે ફિલ્મ જોવા. મેં ક્યારે ના પાડી ? આ તો જરા ફોન કર્યો હોત તો ચિંતા ન થાત, બીજું કંઈ નહીં. કઈ ફિલ્મ જોઈ આવી ?’

કિ એન્ડ કા.’

મનમાં શમિતે માથું ઠોક્યું, જિસકા ડર થા વહી હુઆ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.