યાદગીરી
રોજની જેમ પ્રેમાએ આજે પણ પપ્પાજીનો રૂમ ખોલ્યો. ચંદન અગરબત્તીની સુગંધ આખા ઘરને મહેકાવવા રૂમની બહાર દોડી ગઈ. પપ્પાજીના ફોટાની ઉપર સુખડનો હાર શોભતો હતો. ફોટાની સામે, ધીમે ધીમે ઉપર જતી અને વિખેરાઈ જતી ધુમ્રસેરને જોઈ પ્રેમાએ નિ:સાસો નાંખ્યો. મનને ખૂબ મક્કમ કરીને એ રોજ આ રૂમમાં પ્રવેશતી. પપ્પાજીની અગણિત યાદો રૂપે જાળવીને રાખેલી કેટલીય વસ્તુઓને જોતાં જ ધીરે ધીરે એનું મન બીજી જ દુનિયામાં પહોંચી જતું. રૂમમાં પ્રવેશતાં જ, કોણ જાણે કેમ પણ વિરાટે અને એની મમ્મીએ કહેલી વાતો એના કાનમાં પડઘા બની ઘુમરાવા માંડતી. ખાસ્સી વાર સુધી ગડમથલ કર્યા પછી એ રૂમની બહાર નીકળી જતી. જોકે, રૂમની બહાર નીકળ્યા પછી પણ પ્રેમા ખાસ્સી વાર ઉદાસ જ રહેતી.
લગ્ન પછી પપ્પાજીના આશીર્વાદ લેવા, વિરાટ સાથે એ બહુ હોંશથી આ રૂમમાં પ્રવેશી હતી. મમ્મીએ આંખમાં ઝળઝળિયાં સાથે બન્નેનાં સુખી લગ્નજીવનની કામના કરી હતી. પ્રેમા પણ ભાવવિભોર થઈ ઊભી હતી, એવામાં મમ્મીએ મુખ્ય વાત ચાલુ કરી અને વિરાટ એમાં સૂર પુરાવતો રહ્યો. ‘વિરાટના પપ્પાને દુનિયાભરની વસ્તુઓ ભેગી કરવાનો બહુ શોખ હતો. આ રૂમ એમણે ખાસ એ બધી વસ્તુઓ સંઘરવા માટે જ બનાવ્યો હતો. તું જોઈ શકે છે, કે અમે મા–દીકરાએ એ બધી જ વસ્તુઓને કેટલા જતનથી સાચવીને રાખી છે. તું પણ અમારા જેટલી જ કાળજી રાખશે ને આજીવન એ બધી વસ્તુઓને પપ્પાજીની યાદ રૂપે સાચવશે તો અમને આનંદ થશે.’ પ્રેમાએ બંનેને વચન આપ્યું હતું.
છેલ્લાં દસ વરસોથી પ્રેમાનો આ નિત્યક્રમ રહેતો. વિરાટનું ઓફિસ જવું, મમ્મીનું મહિલામંડળોમાં ફરતાં રહેવું અને પોતાનું આ રૂમમાં પ્રવેશીને, પપ્પાજીની અમૂલ્ય યાદોને જોતાં જોતાં વિચારમાં પડી જવું. એવી તો કઈ વસ્તુઓ હતી અને એવું તે શું હતું એ વસ્તુઓમાં, કે જેને મા–દીકરો જીવની જેમ જાળવતાં હતાં અને એને દાનમાં આપવાની, પણ ફક્ત એક જ વાર કહેવાયેલી વાત માત્રથી જ બંનેના ડોળા ફરી ગયા હતા?
‘આજ પછી કોઈ પણ દિવસ, આ રૂમની એક પણ વસ્તુને દાનમાં આપવાનો વિચાર સુદ્ધાં નહીં કરતી. અમને કહેવાની કે સમજાવવાની તો કોશિશ પણ નહીં કરતી. દાન ધરમ તો અમે કરીએ જ છીએ, તું જોતી જ હશે. પપ્પાજીની યાદમાં, મંદિરોમાં ને બ્રાહ્મણોને નિયમીતપણે વાર તહેવારે અમે દાન–દક્ષિણા આપતાં જ રહીએ છીએ. તું એમાં તારા તરફથી ઉમેરજે, મન થાય તો. બાકી, આ રૂમની એક પણ વસ્તુને આ રૂમની બહાર એટ લીસ્ટ અમે તો જવા નહીં જ દઈએ એટલું યાદ રાખજે.’ પ્રેમાને નવાઈ લાગેલી, આટલી સાદી સીધી વાતમાં બંનેના મન કેવાં ઉશ્કેરાઈ ગયેલાં! હશે, કહી પ્રેમાએ મન વાળી લીધેલું. પણ ચંચળ મન એમ થોડું કાબૂમાં રહે?
એની નજર સામે રોજ રોજ, પપ્પાજીના કેટલાંય મોંઘાં કપડાં ભરેલો કબાટ ખૂલતો ને બંધ થતો. બૂટ, ચંપલ ને સૅંડલની અઢળક જોડીઓ, પરફ્યૂમની બૉટલો, ટાઈ, રૂમાલ ને મોજાંથી ઉભરાતો કબાટ જોઈને પ્રેમાની આંખો બંધ થઈ જતી. આ સિવાય પણ રમતગમતના શોખીન પપ્પાજીના રૂમમાં તો કદાચ બધી જ રમતોનાં સાધનોનો સંગ્રહ ખડકાયેલો. સંગીતના નામ પર પણ કંઈ વસાવવાનું બાકી નહોતું રાખ્યું. પપ્પાજીના શોખીન હોવાના કેટલાય પુરાવાઓ અહીં મોજૂદ હતા. પ્રેમાને એ વાતે કોઈ ફરિયાદ નહોતી, કે પપ્પાજીએ કેમ આટલું મોટું સંગ્રહસ્થાન બનાવેલું. ઉલટાનો એને તો આનંદ થયેલો, કે પપ્પાજીને વિવિધ ક્ષેત્રોમાં શોખ હતો. એનો તો બીજી જ કોઈ વાતે રોજ જીવ બળતો રહેતો.
પ્રેમાના ઘરથી થોડે જ દૂર, બજાર જતાં રસ્તામાં એક ઝૂંપડપટ્ટી આવતી હતી. વિરાટ અને તેની મમ્મી કાયમ આ ઝૂંપડાંવાસીઓની જાતજાતની ફરિયાદ કરતાં રહેતાં. એમને મન આ સોસાયટીનો એ કચરો હતો, જેનો સરકારે નિકાલ કરવો જોઈએ. એ લોકો એ ભૂલી જતાં, કે એ ઝૂંપડાંઓમાંથી જ એમને ત્યાં કામ કરવા એમનો ડ્રાઈવર, માળી અને કામવાળી પણ આવતાં. હા એમને પગાર મળતો, વરસનાં બે જોડી કપડાં મળતાં અને વાર તહેવારે બક્ષિસ મળતી ખરી. તેમાં તો પ્રેમાની સામે દસ વાર વિરાટ અને એની મમ્મી પોતાનાં ગુણગાન ગાતાં રહેતાં. પ્રેમા ચૂપચાપ બધું માથા પરથી જવા દેતી.
હજી બે દિવસ પહેલાં જ ડ્રાઈવરે પોતાની માગણી જણાવેલી, તેમાં તો મમ્મી કેટલાં ગુસ્સે થઈ ગયેલાં! બિચારાએ ફક્ત એટલું જ કહેલું, ‘બેન, મોટા સાહેબનો કોઈ જૂનો કોટ હોય તો આપજો ને. મને બહુ વરસ પહેલાં સાહેબે જ આપેલો તે હવે ફાટી ગયો છે. રાતે મારે ઘણી વાર મોડું થાય છે, તો ઠંડી લાગે છે. અને એકાદ જોડી જૂના બૂટ હોય તો તેય આપજો. આ વરસે મારા બૂટ જલદી ફાટી ગયા.’
અને કામવાળીએ શું માગેલું? ‘બેન, મારો છોકરો સ્કૂલમાં ક્રિકેટ બહુ સારું રમે છે. એને બહારગામ જવા મળે એમ છે. બેન, તમે એને સાહેબના જૂના બૂટ ને ક્રિકેટનો સામાન જો આપો ને, તો તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું.’
માળીએ તો વાજાપેટીનું નામ જ મોંમાંથી કાઢેલું કે, મમ્મી તો એના પર ભડકી જ ગયેલાં.
‘તમે બધાં આ ઘરને શું સમજી બેઠાં છો? આ બધું તમારા માટે એ મૂકી ગયા છે એમ? એમની યાદોની મારા મનમાં શું કિંમત છે તે તમે શું સમજો? તમે લોકો ભલે જૂના રહ્યાં ને વરસોથી અહીં કામ કરો છો, પણ તમને બદલામાં પગાર પણ મળે છે, તે કેમ ભૂલો છો? આજ પછી સાહેબના નામની એક પણ વસ્તુ માટે, એક પણ શબ્દ મારી કે વિરાટ આગળ કોઈ બોલતું નહીં.’
પ્રેમાના મનને આ જ કીડો કોરતો રહેતો. આ લોકો મંદિરોમાં પૈસા વેરે છે, બ્રાહ્મણોને અવારનવાર જમણવાર ને દક્ષિણાથી ખુશ કરે છે તો પછી થોડા ઘણા, આ જરૂરિયાતમંદોને પણ દાન સમજીને કરે તો? અને દાન પણ શાનું કરવાનું છે? વરસોથી પડી રહેલી તદ્દન નિર્જીવ વસ્તુઓનું, જેની સામે રોજ અગરબત્તીઓ ફરે છે, જેને જોઈને રોજ સંતોષ મેળવાય છે, જેની યાદોની વાર્તાઓ દોહરાવાય છે અને જેનો ઉલ્લેખ કરવાની પણ કોઈને છૂટ નથી એનું જ ને? કોણ કહે છે, કે બધું જ દાન કરી દો. જેને જેની જરૂર છે, તેને તો તે આપો. ઢગલો કપડાંમાં એકાદ કોટની શી વિસાત? અરે, ઠંડીમાં કોટની ગરમી મેળવીને ડ્રાઈવર કેટલી દુઆ આપશે, ને વારંવાર સાહેબને યાદ કરશે, તે ઓછું છે? ક્રિકેટમાં દીકરો નામ રોશન કરશે તો કામવાળી કોની સ્તુતિ ગાશે? અને માળી? એના દોહિત્રને કોઈ પ્રોગ્રામમાં બહુ મોટો ચાન્સ મળે તો સાહેબની વાજાપેટી એમાં નિમિત્ત નહીં બને? એ વાજાપેટીને એ દોહિત્ર અને માળી પણ જીવની જેમ નહીં પૂજે? શું આ બધી વાતોથી સાહેબની યાદો જીવંત નહીં રહે?
જોકે, પ્રેમાએ પોતાની બચતમાંથી ચૂપચાપ પેલાં ત્રણેયની ઈચ્છા પૂરી કરેલી, પોતાનું નામ ખાનગી રાખવાની શરતે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર