મમ્મુ, તું મારી સાથે છે ને?
મારી વહાલી મમ્મુ,
તું ક્યારની મારી રાહ જુએ છે ને? પપ્પા ઘરે આવે તે પહેલા હું આવી જાઉં એવી તું ક્યારની મનમાં પ્રાર્થના કરે છે ને? મને ખબર છે. તું બહુ જ ધીરજવાળી છે ને મારી બાબતમાં તે પપ્પા જેટલું ટેન્શન ક્યારેય નથી લીધું એટલે જ તું મને પપ્પા કરતાં વધારે ગમે છે. પપ્પા આપણી સાથે આટલા સ્ટ્રિક્ટ ના હોત ને તો મને પપ્પા પણ તારા જેટલા જ ગમત. પણ જવા દે એ વાત. મારે પપ્પાની ફરિયાદ કરીને તને વધારે દુઃખી નથી કરવી. મારે તને બીજી વાતે દુઃખ પહોંચાડવું છે.
સૉરી મમ્મુ, પણ મારે તને રડાવવી છે મને ખાતરી છે કે, તું મને મારા જેટલી જ. કદાચ મારા કરતા પણ વધારે સમજે છે એટલે મારી જગ્યાએ તને મૂકીને જ વિચારશે ને પરિસ્થિતિ સમજતા તારા, મારાને આપણા સહિયારા દુઃખને ભૂલાવીને જ રહેશે. જેટલી વાર તને ફોન કરવાનો ને તને કહેવાનો વિચાર કર્યો એટલી વાર મારા ગળામાં ડૂમો બાઝતો રહ્યો ને મારાથી ડાયલ થયેલો નંબર કટ થતો રહ્યો. મારી આંખ સામે તારો દયામણો ચહેરો ને એ ચહેરામાંથી મને તારામાં સમાવી લેતી બે આંખો... ના, મારાથી એ આંખોનું વળગણ, એ ખેંચાણ સહન નહીં થાય એવું લાગતા જ મેં લખવાનું નક્કી કર્યું.
મેં ઘર છોડી દીધું છે મમ્મુ. તારા સમ મમ્મુ. હું તને કહેવાની જ હતી ને બધી વાતો તારી સાથે શેર પણ કરવાની જ હતી. પણ, પછી તારા ખોળામાંથી માથું ઊંચું કરીને હું ઘર ના છોડી શકત. તારા આંસુ મારાથી ખાળી ના શકાત ને એ ક્ષણ જ મને ઘર ન છોડવા મજબૂર કરત. મેં તને કહ્યા વગર જ ઘર છોડવાનો ફેંસલો કરી લીધો. હું સારી રીતે જાણું છું કે, મારા પરનો પપ્પાનો બધો ગુસ્સો તારા પર નીકળશે ને તારે દિવસો નહીં કદાચ મહિનાઓ કે વરસો સુધી જેલમાં રહેવાનો ત્રાસ કે ગમ વેઠવાનો છે એ માટે હું તારી દિલથી માફી માગું છું ને ભવિષ્યમાં મળશું તો બધો બદલો ચૂકવી દેવાની પણ ખાતરી આપું છું, મમ્મુ તને ખબર છે ને કે, આ આપણું દિલ કમબખ્ત કોઈનાય કાબૂમાં નથી રહેતું, તો તારા તો કાબૂમાં ક્યાંથી રહે?
મેં મારા કૉલેજ ફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનથી રહેવાનું નક્કી કર્યું છે ને અમે પૂનામાં એક ફ્લેટમાં શિફ્ટ પણ થઈ ગયા છીએ. સૌમિલ બહુ સારો છોકરો છે અમે પાંચ વર્ષ સાથે જ ભણ્યા એટલે એકબીજાને બહુ સારી રીતે ઓળખીએ છીએ. એના પેરન્ટસના ડિવોર્સ થઈ ગયા છે ને એ પૂનામાં એકલો જ રહે છે એની મમ્મી બહુ જ વિચિત્ર સ્વભાવની હોવાથી એના ઘરમાં આખો દિવસ ઝઘડા ને મારામારી ને કંકાસનો ત્રાસ રહેતો. નાનપણથી આવા વાતાવરણમાં ઉછરેલો સૌમિલ લગ્નપ્રથાનો જબરદસ્ત વિરોધી છે. એટલે જ આજ સુધી એ છોકરીઓથી પણ અંતર રાખીને રહેતો. કદાચ એટલે જ મને એ પસંદ પડેલો. મમ્મુ, હું પણ ભણેશરી હોવાથી ને ખાસ તો ચાંપલી કે નખરાળી ન હોવાથી જ સૌમિલ મારો ફ્રેન્ડ બનેલો. તોય અંતર તો જાળવતો જ હં! ક્યાંક મારી સાથે પ્યાર-વ્યાર ના થઈ જાય એ બીકમાં એ લિમિટેડ વાતો જ કરતો. મને પણ એટલે જ ગમતો કદાચ.
તને થશે કે, એનો આવો સ્વભાવ છે તો પછી સાથે રહેવાનું કેમ નક્કી કર્યું? મમ્મુ, પાંચ પાંચ વરસ સુધી કોઈ કઈ રીતે લાગણી દબાવીને રહી શકે? મારા સ્વભાવ પ્રમાણે તો મેં જ પહેલ કરી દીધેલી. એને તો પેલા ડરે વારંવાર અટકાવેલો પણ મેં એને પાંચ વરસ સુધી રાહ જોવાની ધરપત આપતાં કહેલું, ‘પાંચ વરસ પૂરા થાય પછી પણ જો તને લાગે કે, આપણે એકબીજાને લાયક નથી તો તું તારા રસ્તે જતો રહેજે બસ?’ ને મારા આ વિશ્વાસની જીત થઈ. તને થશે કે, ‘તો પછી લગ્ન કેમ ન કર્યા? ઘરમાં કહેત તો ક્યાં વાંધો હતો? પપ્પા કંઈ લવમેરેજની તો ના ન જ પાડત.’ એ બાબતે તો પપ્પાએ મને ઘણી વાર કહ્યું જ હતું ને કે, ‘બેટા, તારે લવમેરેજ કરવા હોય તો કરજે પણ અમને જણાવજે.’ હા, હું જાણું છું કે, આજે લવ મેરેજ ને જાતપાત પણ બહુ સામાન્ય ચીજ બની ગઈ છે ને એમનું કોઈ મહત્ત્વ પણ નથી રહ્યું. પણ આ તો આખી અલગ જ વાત થઈ ગઈ, હજી પણ આપણા સમાજમાં લગ્ન વગર ક્યાં બે જણથી સાથે રહેવાય છે? અરે, ન ઓળખતા લોકો પણ આમાં તો કાજી બનીને કૂદી પડે, એટલે જ અમે આ શહેર છોડી દીધું.
મમ્મુ, મેં કેમ એની વાત માની ખબર છે? મને આપણા ઘરમાં પણ ક્યારેય શાંતિ નથી મળી. તારા ને પપ્પાના મોડી રાતના ઝઘડા શું મારાથી અજાણ્યા હતા? દિવસના તું બહુ કોશિશ કરતી કે, મને કોઈ વાતની ખબર ન પડે. તારા ચહેરા પરની ખેંચાયેલી રેખાઓને વ્યવસ્થિત કરવાની તારી મથામણ મારાથી ક્યાં સુધી છૂપી રહેતી? સવાર સવારમાં તારી ફૂલેલી આંખોમાં કાજળ બહુ શોભતું નહીં પણ હું તારી નબળી ચાલાકીની દયા ખાઈ લેતી. મમ્મુ, ક્યાં સુધી આમ સવારે કાજળ લગાવતી રહીશ? તું કેમ પપ્પાને છોડીને ચાલી ન ગઈ? તારી પાસે તો તારા પિયરનો ખૂબ પૈસો હતો. મોટી ડિગ્રી પણ હતી ને તારા વિચારો પણ સ્વતંત્ર હતા. તોય? તે કેમ આવા પપ્પાને સહન કર્યા? ને સાથે મને પણ સહન કરવા મજબૂર કરી? ફક્ત તારા પ્યારને ખાતર મેં પપ્પાનો ત્રાસ સહન કર્યો પણ હવે નહીં.
હવે હું આઝાદ છું, મુક્ત છું. બધા રિવાજોથી ને બધા બંધનોથી દૂર, હવે હું મારી દુનિયામાં આવી ચૂકી છું, મને સૌમિલ ખૂબ ગમે છે ને એ ખૂબ સારો છે પણ અમારા બંનેના ફેમિલી પ્રોબ્લેમ્સને નજર સામે રાખીને અમે નક્કી કર્યું છે કે અમે હવે લગ્ન કર્યા વગર જ સાથે રહીશું. લગ્નસંસ્થા કે લગ્નપ્રથા ભલે સમાજમાં જરૂરી છે ને સમાજ એનાથી બચેલો રહે છે. નહીં તો બધું વેરવિખેર થઈ જાય વગેરે... પણ શું કોઈએ કેટલાક જડ નિયમોમાં ફેરફાર કે બાંધછોડ કરવાનું ક્યારેય વિચાર્યું? જે નિયમો વર્ષો પહેલાં બનેલા એના પર જ આજે પણ ચાલવાનું? બધું બદલાયું છે તો આમાં કેમ કોઈ બદલાવ નહીં?
આવા પોકળ સમાજમાં રહેવું અમને પસંદ નથી. તમારા લગ્નજીવનના અનુભવોથી અમને બહુ શીખવાનું મળ્યું છે. અમે નક્કી કર્યું છે કે, બને ત્યાં સુધી તો અમે એકબીજાને અનુકૂળ થઈને જ રહીશું પણ જ્યારે એવું લાગશે કે, એણે મારા પર હક જમાવવા માંડ્યો કે એમાં એક ટિપિકલ પતિનો આત્મા પ્રવેશ્યો ત્યારે હું એને અલવિદા કહી દઈશ. મારે બીજી મમ્મુ નથી બનવું મા. હું તારો વાંક નથી જોતી. એ બધા તારા સંસ્કારો જ હતા જે જમાનાજૂના વિચારોવાળા તારા મા-બાપે તારા ભેજામાં ભૂંસાની જેમ ભરેલા અને તને ભણાવી પણ સ્વતંત્ર વિચારોની ખોટ રાખીને.
આપણા ઘરમાં તું નહોતી રહેતી. પત્ની કે કામવાળી રહેતી હતી. મમ્મુ, હું સમજણી થઈ ને મોટી થઈ તોય કમાતી નહોતી થઈ. તને ઘરની બહાર કાઢી ન શકી, તને મુક્તિનો અહેસાસ ન કરાવી શકી. મને માફ કરજે જ્યારે પણ તને લાગે કે, હવે પપ્પા સાથે રહેવાય એમ નથી ને પપ્પાનો ત્રાસ સહન થાય એમ નથી. ત્યારે મારું ઘર તારા માટે નહીં, પણ મારી વહાલી મમ્મુ માટે હંમેશાં ખુલ્લું જ રહેશે. જરાય સંકોચ કર્યા વગર આવી રહેજે, તારી લાડકી પાસે આપણે બધા સાથે રહીશું. મમ્મુ, શું તું નથી ઈચ્છતી કે, તારી દીકરી આઝાદ રહે? એની મરજીની જિંદગી જીવે? પિંજરામાં કેદ રહીને ગૂંગળાયા ન કરે? તો પછી, આ વાંચીને મને ફોન કર ને આશીર્વાદ આપ. તારી રાહ જોઈએ છીએ.
અસીમ ગગનમાં ઊડી ગયેલી તારી દીકરી
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર