મમ્મી, તું રડતી નહીં
હા...ય મમ્મી,
હાઉ આર યુ? અરે! અરે! ગુસ્સો નંઈ. મને ખબર છે તને આવું બધું નથી ગમતું એટલે મેં જાણી જોઈને તને ચીડવવા જ ખાસ લખ્યું છે. શરૂઆતથી જ જો તારો મૂડ બની જાય તો મારો લેટર વાંચવામાં તને વાંધો નંઈ આવે. અબ થોડા થોડા ઈંગ્લિશ તો બનતા હૈ હં મમ્મી. એમાં પાછી મને ટોકતી નંઈ, કે જોઈ મોટી ઈંગ્લિશની ખાં. મમ્મી, આ ખાં એટલે શું? જવા દે મારે નથી જાણવું. મને તો તારું ખાં બોલવું જ જલસા કરાવી દે.
મમ્મી, એક બેસ્ટમબેસ્ટ ન્યુઝ આપું. આંખ બંધ કર જોઉં. અરે, સૉરી. ચાલ વાંચી જ નાંખ ત્યારે. આ વખતે પણ હું ક્લાસમાં ફર્સ્ટ આવી છું. દેખા...આખિર બેટી કિસકી હૂં? હું પણ તારા જેવી જ બધી વાતમાં હોશિયાર બનવા માગું છું. સ્પોર્ટ્સમાં પણ મેં બહુ બધી ગેમ્સમાં ભાગ લીધો છે. હમણાં હમણાં બહુ દોડાદોડી રહે છે. વહેલી સવારની ઠંડીમાં જ કૉલેજ પહેલાં પ્રેક્ટિસ ને સાંજે કૉલેજ છૂટ્યા પછી પણ બે કલાક પ્રેક્ટિસમાં જ જાય છે. થોડું વધારે જ થાકી જવાય છે પણ યે સબ તો ચલતે રહેતા હૈ. મને ક્યાંથી એ બધી શક્તિ કે પાવર મળે છે ખબર છે? તારામાંથી. સાચ્ચે મમ્મી, ખોટું નથી કહેતી. નાનપણથી તો તને જોતી આવી છું ને સમજણી થઈ પછી તો તને સમજતી પણ થઈ છું.
તું ઊંઘના ફક્ત છ કલાકને બાદ કરતાં સતત ને સતત, મને તો કોઈ ને કોઈ કામમાં જ દેખાઈ છે. એવો એકેય દિવસ મને યાદ નથી જ્યારે તું સોફામાં કે પલંગમાં આરામ કરવા કલાકેક પણ સૂતી હો. બેઠાં બેઠાં પણ તારા હાથમાં તો કંઈ ને કંઈ કામ ચાલુ જ હોય. તું તો પાછી મારી સુપરમૉમ. મને તારું, ‘જા જા હવે, મસ્કોડી એક નંબરની’ સંભળાઈ ગયું. પણ તેં તારા તરફ ફરીને કોઈ વાર જોયું છે કે તારામાં કેટલી બધી આવડતો ને કેટલી બધી અનલિમિટેડ શક્તિ ભરેલી છે? હું કંઈ એ બધું ગણાવવા નહીં બેસું, નહીં તો તું મારા માથે જ બેસી જશે. વાંચતાં વાંચતાં તારા મોં પરના બધા એક્સપ્રેશન્સ મારી નજર સામે કૂદકા મારે છે ને મારાથી હસવું રોકાતું નથી. પ્લીઝ, ગુસ્સો નંઈ. તું મારી એકદમ પાક્કી દોસ્ત છે ને?
ચાલ, તો એ જ નામ પર મને એકદમ સાચ્ચેસાચ્ચું કહી દે કે પપ્પા કેમ છે? સૉરી, તારું મોં તરત જ પડી ગયું તે મેં જોયું પણ શું એવું પણ મારાથી ન પૂછાય? તારી કાળજી મારાથી ના લેવાય? તેં મને ફૂલની જેમ મોટી કરી, તો હવે તારી જિંદગીના કાંટા વીણી લેવાની મારી ફરજ નંઈ? મારો હક કે ફરજ જે કહે તે આ જ છે. દીકરી કે દીકરો મોટો થાય તે મિત્ર કહેવાય તો હું તારી દોસ્ત નંઈ? તારાં સુખદુ:ખમાં હું ભાગીદાર બનું તે તને નંઈ ગમે? તને તો કોઈની આગળ રડવાની ટેવ નથી, કાયમ મેં તને સંતાઈને રડતાં જ જોઈ છે. નાની હતી ને પપ્પાથી ગભરાતી એટલે હું તારી સોડમાં આવીને લપાઈ જતી પણ મને હવે ખબર પડે છે કે એવા સમયે હાથમાં હાથ લેનારું કે આંસુ લુછનારું કે વાંસે હાથ ફેરવનારું કોઈ હોય તો કેટલું સારું લાગે. તેં મને કોઈ દિવસ રડવા નથી દીધી. પપ્પાના ગુસ્સા સામે તું હંમેશાં ઢાલ બનીને મારી આગળ ઊભી રહી જતી. પપ્પા સાથે લડતી ને કોઈ વાર પપ્પાનો માર પણ ખાઈ લેતી તું મને રોજ દિવસમાં પચાસ વાર દેખાતી હોઈશ.
પ્લીઝ મમ્મી, જે હોય તે સાચ્ચું કહી દેજે. પપ્પા હજી દારૂ પીએ છે? તારી સાથે રોજ ઝઘડા કરીને તને મારે છે? તો હવે ફિકર નહીં કર. મારી પાસે એક રસ્તો છે. જો તારો જવાબ હા હોય તો હું તને બતાવું નહીં તો હું ભણવાનું છોડીને ઘરે આવતી રહીશ. જો, તારા મોં પરનો ગભરાટ સાફ કહે છે કે, બેટા ભણવાનું નહીં છોડતી. તું જ તો મારો આસરો છે. તારા વગર મારું કોણ? વગેરે વગેરે. પણ મને તારો આસરો સમજતી હોય તો મારી આટલી વાત માન ને મને જે હોય તે સાચ્ચું કહી દે. ઓક્કે, તું તૈયાર છે એમ ને?
તો જો, મારું વેકેશન પડે ત્યાં સુધી થોડી રાહ જોઈ લે. મારી એક ફ્રેન્ડનો સેઈમ આપણા જેવો જ કિસ્સો છે. એના પપ્પા એકદમ ઓલરાઈટ થઈ ગયા છે ને મારી ફ્રેન્ડ એકદમ ખુશ છે હવે. એણે મને બધી વાત કરી છે તે રીતે આપણે પપ્પાની પણ ટ્રીટમેન્ટ કરાવશું. ઘણી બધી ધીરજ રાખશું ને શાંતિથી પપ્પાના સારા થવાની રાહ પણ જોઈશું. મને ખબર છે, આ કામ બહુ અઘરું છે, તારાથી કે મારાથી એકલીથી જ થઈ જાય એવું તો નથી જ. ઘણી વાર તો અશક્ય લાગે એવું જ છે. તોય બિલકુલ અશક્ય નથી. આપણે સાથે જ મંડી પડશું ને પપ્પાને સમજાવી પટાવીને ટ્રીટમેન્ટ માટે તૈયાર કરશું. બસ, એક વાર પપ્પા માની જાય એટલે અડધી બાજી તો આપણે જીતી લઈશું. પછીથી આપણે સૌએ ખૂબ ધીરજથી એકબીજાને સાચવી લેવાનાં છે ને એકબીજાને સાથ આપવાનો છે. દારૂની આ આદત ખરાબ છે, પરિવાર સહિત પીનારને પણ ખતમ કરી નાંખે છે બધી ખબર છે તોય કોશિશ તો ચાલુ જ રાખશું. એક દિવસ તો એવો આવશે જ, કે જ્યારે આપણા સૌનાં જીવનમાં પણ શાંતિ આવશે.
બસ મમ્મી, મારે આટલું જ કહેવું છે આજે તો. તને ખૂબ ખૂબ વહાલ મોકલું છું. જરાય રડ્યા વગર હિંમતથી થોડા દિવસ કાઢીને મારા આવવાની રાહ જો. હું આવીને જાદુઈ છડી ઘુમાવી દઈશ ને પછી આપણે ત્રણેય પહેલાંની જેમ ધમાલમસ્તી કરશું. ચાલ, મારા ક્લાસનો ટાઈમ થાય છે. બાય મમ્મી. હા ભાઈ, આવજે મમ્મી બસ? લવ યુ...લવ યુ...લવ યુ...’
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર