મમ્મી, હવે નહીં આવે તો ચાલશે.

01 Jun, 2016
12:05 AM

કલ્પના દેસાઈ

PC:

મમ્મી, આ રવિવારે હું નથી આવવાની. બહુ કામ છે ને કામવાળી પણ નથી આવવાની. તમે લોકો અમારી રાહ નહીં જોતાં.’

બેટા, ફોનમાં એ કોનો રડવાનો અવાજ આવે છે? આપણો દીકુ રડે છે?’

મમ્મી તું એની વાત જ જવા દે. બહુ બગડી ગયો છે. જરા જરા વાતે હવે તો ભેંકડો તાણતો થઈ ગયો છે. મને તો એટલો ગુસ્સો આવે છે ને કે, એને બે લગાવી દઉં.’

અરે અરે! જોજે એને મારતી નહીં. મારવાથી બગડી જશે, ખબર છે ને? તને કામની બહુ દોડાદોડી રહેતી હોય તો હું ત્યાં આવી જાઉં થોડા દિવસ.’

રે’વા દે ને મમ્મી, પપ્પાને ને ભાઈને પાછું નહીં ગમે.’

એ લોકોની વાત જવા દે. એ લોકોને તો ટેવ પડી ગઈ છે મારી પાછળ લાકડી લઈને ફરવાની. તું એ લોકોની ચિંતા છોડ. તને તકલીફ પડે છે ને? તો હું કાલે જ સાંજ સુધીમાં પહોંચી સમજી લે. ત્યાં સુધી દીકુને સાચવી લેજે, રડાવતી નહીં.’

ફોન મૂકીને નેહલે બે હાથને હવામાં વીંઝ્યા. યસ્સ! મમ્મીને પટાવવી અઘરી નથી. દીકુના નામ પર તો બે મિનિટમાં ડાઉન. નેહલે જગ્યા પર ઊભા ઊભા જ ઠેકડો મારી લીધો. હાશ! હવે આપણું કામ થઈ ગયું. મમ્મી આઠ દસ દિવસ તો રહેશે જ. ના પાડશે તો હું દીકુના સમ આપીને રોકી લઈશ. પપ્પા ને ભાઈ તો અમસ્તા જ હજીય મમ્મીનો છેડો પકડીને ફર્યા કરે છે. જાતે બધું કામ કરી લે તો શું થાય? જોકે, મમ્મી એ લોકોને ગાંઠતી નથી તે જ સારું છે, નહીં તો એ લોકો તો મમ્મીને અહીં વરસમાં એક જ વાર મોકલે. ને મમ્મી વરસમાં મારે ત્યાં એક જ વાર આવે તો? ઓહ નો! હું તો મરી જ જાઉં. દીકુને કોણ સાચવે પછી? ને મારી ફિલ્મો ને પાર્ટીઓ ને હૉટેલોના પ્રોગ્રામ તો બધા લટકી જ જાય ને? રોનક પણ મને ખીજાય કે, ‘દર વખતે એમ શું ઘડી ઘડી મમ્મીને બોલાવી લે છે? નાની નાની વાતમાં મમ્મીને કેમ હેરાન કરે છે? પપ્પાને ને ભાઈને પણ તકલીફ તો પડતી હશે ને? એ લોકો કંઈ બોલે નહીં એટલે આમ હેરાન કરવાના?’ આ પુરુષો બધા જ સરખા. પોતાનું જ વિચારે. ભાઈની ને પપ્પાની દયા આવી તે મારી દયા નહીં આવી? મારે બીજું કોણ છે તેને બોલાવું? ને મમ્મીને પણ કોઈ છે બીજું? ને દીકુ સાથે કેટલી માયા છે તે કોઈ જોતું નથી ને ઘર ઘર કરીને બધા મંડી પડ્યા, મારો વાંક કાઢવા, હંહ!

દીકુને આવ્યાને તો હજી બે વર્ષ જ થયાં હતાં પણ તેની પહેલાંય નેહલ કોઈ ને કોઈ બહાને મમ્મીને ફોન કરીને થોડા દિવસ રહેવા બોલાવી લેતી. ઘરમાં સીઝનનું કોઈ કામ હોય કે કામવાળી રજા પર જવાની હોય, તો નેહલ બહાનું કાઢી મમ્મી આગળ થોડાં આંસુ સારી લેતી ને એનું કામ ચપટી વગાડતાં જ થઈ જતું. મમ્મીને પીગળતાં ક્યાં વાર લાગતી? એ આંસુ સારીને પપ્પાને પીગળાવી દેતી ને આમ જ નેહલનું ગાડું ચાલ્યા કરતું. નેહલની આ ચાલને હવે તો બંને ઘરના ત્રણેય પુરુષો સારી રીતે સમજી ગયેલા. રોનકને મરવા જેવું લાગતું તો સામે પક્ષે નેહલના પપ્પા ને ભાઈ રોનક સાથે છૂટથી વાત ન કરી શકતા. પોતાના જ ઘરના હીરામાં ખોટ હોય ત્યાં કોઈને શું ફરિયાદ કરવી?

વાંક કંઈક નહીં પણ ઘણે અંશે નેહલના ઉછેરનો જ હતો. નાનપણથી જો એની બધી જીદ પૂરી ન કરી હોત અને થોડી કડકાઈ રાખી હોત તો આ દિવસ ન આવત કે પસ્તાવાનો વારો ન આવત. ‘દીકરીએ સાસરે જઈને બધું કામ કરવાનું જ છે ને? એમ ભઈસા’બ તમે લોકો બિચારી પાસે બહુ આંટા ન મરાવો. એ ભણે કે ઘરનું કામ કરે? જોતા નથી કેટલી દુબળી થઈ ગઈ છે તે? તમે લોકો પણ થોડા હાથ પગ હલાવો ને બાકીનું કામ તો હું કરું જ છું. પછી વળી એની પાસે શું વધારાનું કામ કરાવવાના તમે? સાસરું કેવું મળ્યું, કેવું નહીં તે આપણે થોડાં જાણી બેઠાં? છો બિચારી અહીં આરામથી રહેતી. પછી તો છે જ ઢસરડા આખી જિંદગી. ભણશે નહીં તો એને સારો છોકરો ક્યાંથી મળવાનો?’ મમ્મીના આવા વિચારો હોય ત્યાં વળી પપ્પાએ નમતું જ મૂકવું પડે, નહીં તો મા ને દીકરી મળીને ઘરને આંસુના દરિયામાં વહાવી દે.

આ બધી ભાંજગડમાં ન તો નેહલ રસોઈ બરાબર બનાવતાં શીખી કે ન તો ઘરનું કોઈ કામ ઢંગથી કરતાં શીખી. રોનક વળી કંઈ છોકરો સારો મળ્યો તે ખાવાની વરણાગીવાળો નહોતો ને નેહલને ફાવતું પડી ગયું. એ જરૂરી નથી કે, દરેક છોકરીને રસોઈ આવડવી જ જોઈએ પણ જ્યારે ઘર–ગૃહસ્થી ચલાવવાની વાત આવે ત્યારે જેમ છોકરાની કમાવાની આવડત જોવાય, તેવી ઘર સંભાળવાની છોકરીની આવડત પણ જોવાય છે ને તે આજની તારીખે પણ, કારણકે હજી તો જમાનો બદલાવાની શરૂઆત થઈ છે. છોકરાઓ સમોવડિયા બનતા થયા છે પણ હજીય ઘરની જવાબદારી ઉઠાવતાં તો છોકરીએ શીખવું પડે છે. ભલે ને એ કમાતી હોય કે ન હોય, બંને સરખો ભાર વહેંચે તો જ ગાડી પૂરપાટ દોડે ને? હવે આ બધું જો મા થઈને દીકરીને ન શીખવે તો પછી નેહલ પણ માના રસ્તે જ ચાલવાની ને?

બંને ઘરના ત્રણેય પુરૂષોએ મળીને ખાનગીમાં એક એવો રસ્તો વિચાર્યો કે, જેથી નેહલ ને એની મમ્મી સીધી લાઈન પર આવી જાય. ભલે ઘરમાં થોડી બોલાચાલી થાય ને થોડાં રિસામણાં મનામણાં પણ થાય તોય બંને મા દીકરીને કોઈએ નમતું નહીં જોખવાનું. જોઈએ તો કામમાં થોડી મદદ કરી લેવાની ને વાતને બીજે વાળી લેવાની. એમ કરતાં થોડા થોડા દિવસ કાઢી નાંખતા સૌને આદત પડી જશે ને ધીરે ધીરે લાંબો સમય એકબીજાથી દૂર રહેતાં ઘરનાંની કિંમત પણ સમજાશે. ને ખરેખર, બે મહિનામાં જ ચમત્કાર થયો.

નેહલને રોનકનો સાથ મળતાં એને ઘડી ઘડી મમ્મીની યાદ આવતી, તે બંધ થવા માંડી. રોનક તો સાથે જ હતો પણ મમ્મીના પ્રભાવમાં એ ઝાંખો પડી ગયેલો. હવે તો રોનકને ખુશ કરવા નેટ પર જોઈ જોઈને નેહલ નવી નવી વાનગી બનાવવા માંડી. દીકરાને રોનક સાચવતો તો નેહલ ઘરનાં નાનાં મોટાં કામો પતાવતી. મમ્મીને હવે મહિનામાં એક જ ફોન થતો ને તેય ખબર પૂછવા કે નવી વાનગીની રેસિપી આપવા! ને દીકુ? એ તો મમ્મી સાથે સંતાકૂકડી રમતો ને પપ્પા સાથે પકડાપકડી! ને નેહલની મમ્મી? નેહલને ખુશ જોઈને સંતોષ પામેલી મમ્મીએ તો નવરી પડતાં જ કમ્પ્યુટર શીખી લીધું ને પછી તો મમ્મી પણ નવી નવી વાનગીઓ બનાવતી થઈ ને ઘરમાં બાપ દીકરાને તો હાલતાં ને ચાલતાં પાર્ટી!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.