મમ્મી, હું કહું તેમ કરીશ?

30 Nov, 2016
12:00 AM

કલ્પના દેસાઈ

PC: idntimes.com

મારી વ્હાલી વ્હાલી મમ્મી,

 

આજે મારે તને બહુ ખાસ ખાસ વાત કરવી છે. મારા દિલની વાત. તને સારી રીતે ખબર છે કે, મારાથી જ્યારે તારી આગળ પણ કંઈ નથી બોલાતું ને બોલતાં બોલતાં રડી પડાય એવું લાગે, ત્યારે હું તને આમ જ પત્ર લખી દેતી હોઉં છું. નાનપણથી જો મેં એ બધા જ પત્રો ભેગા કર્યા હોત તો, આજ સુધીમાં કેટલાય પત્રો ભેગા થઈ ગયા હોત. ચલ જવા દે, એ બધી વાત. આજનો આ ખાસ પત્ર તને બહુ બધી વાત કહેવા લખું છું.

મારા મનગમતા સાથી સાથે લગ્ન કરવાની, તેં ને પપ્પાએ વગર કોઈ ખચકાટે મંજૂરી આપી તે માટે તો તમારા બંનેનો ઉપકાર અમે જિંદગીભર નહીં ભૂલીએ. તમે બંને અમારા માટે દુનિયાના બેસ્ટ મમ્મી–પપ્પા છો.(હા પાડી એટલે આને મસ્કા નહીં સમજતી.) જોકે, મેં પાત્ર જ એવું પસંદ કર્યું કે, તમને બોલવાનો કોઈ ચાન્સ જ ના મળે. મારો મિહિર છે જ એવો મીઠડો. પણ એની વાત નથી, ગભરાતી નહીં. એની કોઈ જ ડિમાન્ડ નથી. પણ અમે બંનેએ જે નક્કી કર્યું છે, તેની વાત કરું.

તમારી વર્ષોની વાતો પરથી એટલું તો હું સારી રીતે જાણું છું, કે તમને તમારી એકની એક દીકરીનાં લગ્ન ખૂબ ધામધૂમથી, એકદમ યુનિક સ્ટાઈલથી અને સૌને વર્ષો સુધી યાદ રહે એ રીતે કરવાની ખૂબ ઈચ્છા છે. બધાં સગાંવહાલાં આવે, સહુ મિત્રો ભેગા મળે ને જૂના–નવા સૌ પાડોશીઓ સાથે હજાર–બે હજાર લોકો લગનમાં મહાલે એવી તમારી ઈચ્છાને હું બહુ વાર સાંભળી ચૂકી છું. ખોટું નહીં કહું, મને પણ આ બધું પહેલાં તો બહુ જ ગમતું. તમારી સાથે જાતજાતનાં લગ્નો માણીને મેં પણ ખૂબ મજા કરી છે. નવી નવાઈનાં, નવી ફૅશનનાં કપડાંમાં ચમકતાં લોકો, ભાવતાં ભોજનોના મોટા મોટા સમારંભો, એકમેકથી ચડિયાતાં ડેકોરેશનો, ચમચમાતી ગાડીઓની વણઝાર ને મહેમાનોને પસંદ કે નાપસંદ સંગીતની સાથે સાથે મેં પૈસાની રેલમછેલ પણ બહુ વાર જોઈ છે.

ધીરે ધીરે કોણ જાણે કેમ, પણ આ બધી એકની એક ચમકદમકથી, એકના એક ઘોંઘાટથી ને એકની એક રીતરસમોથી હવે મને અકળામણ થવા લાગી છે. રીતસરની ગુંગળામણ થાય છે. મને ખબર નહીં કેમ, પણ આ બધું હવે મને નથી ગમતું. મમ્મી, તું યાદ કર એ દિવસો, જ્યારે તું મને તારાં લગ્નની વાતો બહુ હોંશથી કરતી. પચાસેક માણસોની હાજરીમાં કરેલાં લગ્ન કેટલી સાદાઈથી ને શાંતિથી પતેલાં! પપ્પાનો જ ખાસ આગ્રહ હતો, કે ‘અમે અગિયાર માણસો જ લાવશું ને બને તેટલી સાદાઈથી જ લગ્ન રાખજો.’ ત્યારે નાના ને નાનીને કેટલી હાશ થયેલી, તું જ કાયમ કહેતી તે તને યાદ છે? તો પછી, હવે શું થઈ ગયું કે તમે તમારી દીકરીનાં લગ્ન ધામધૂમથી કરવા વિચારો છો? ખૂબ પૈસો આવી ગયો એટલે? કે પછી, બધાંનું આટલાં વરસ ખાધું તે, કે બધાંનાં લગ્નોમાં કરેલો તે ચાંલ્લો વસૂલ કરવાનો છે? સૉરી મમ્મી, પ્લીઝ ખોટું નહીં લગાડતી. તું જ જ્યારે બધી વાતો ભૂલીને જમાનાની વાતોમાં ગુંચવાઈ ગઈ હોવાનું મને લાગ્યું, ત્યારે જ મેં એમાંથી તને બહાર કાઢવાનું નક્કી કરેલું. એમાં મોટામાં મોટો જો કોઈ સાથ આપતું હોય તો તે છે તારો જમાઈ, મિહિર. મિહિર પણ મારા જેવા જ વિચારો ધરાવે છે ને આજની બધી ખોટી તડકભડકથી દૂર ભાગનારો છે. એવું નથી, કે એ સાવ બોચિયો કે મૂજી કે ઓલ્ડ ફૅશન્ડ છે. બસ, એને આજના કહેવાતા ડિઝાઈનર  કે શાનદાર કે ઘોંઘાટિયા લગ્નોમાં રસ નથી. ઘરનાં અંગત કહેવાય એવા લોકોની હાજરીમાં, પહેલાના જમાનામાં થતાં એ રીતનાં લગ્ન જો થઈ શકે તો ઉત્તમ, એવું અમારું માનવું છે. 

ધીમું ધીમું મધુર સંગીત રેલાતું હોય, લગ્નનાં ગીતો ગવાતાં હોય, ફૂલોની સજાવટવાળો મંડપ હોય અને બે ગોર મહારાજ શાંતિથી ને વિધીસર મંત્રોચ્ચાર કરતા હોય. આજકાલ તો ગોર મહારાજની મોટી ટીમ જ માઈકમાં એટલો ઘોંઘાટ કરે ને, કે મંત્રોનું મહત્ત્વ જ કોઈને સમજાય નહીં. ખેર, હું લગ્નમાં તારું ઘરચોળું પહેરીશ, અત્યારથી કહી દઉં છું. મારે કોઈ ડિઝાઈનર ડ્રેસ નથી જોઈતો. તું ને પપ્પા પણ તમારા અસ્સલ મિજાજમાં રહેશો, એટલે કે પપ્પા એમના રેશમી કફની ધોતિયામાં(ન ફાવે તો ચુડીદાર કે પાયજામો પણ ચાલશે. એટલી છૂટ તો આપવી પડે ને?) અને તું તારી અસ્સલ જરી ભરેલી ને વર્ષોથી સાચવી મૂકેલી તે સાડી નહીં પહેરે? મમ્મી, આપણે બહુ ફૂલો ને તારા મઢેલી હેરસ્ટાઈલ નહીં કરીએ કે બહુરૂપી જેવો મેકઅપ પણ નહીં કરીએ, મંજૂર? અને હા, મુખ્ય વાત. મારા માટે તું કાયમ મારી પસંદનાં ઘરેણાં લેવાની વાત કરતી. કેમ? તારાં ઘરેણાં એ મારાં નહીં? મને જોઈશે ત્યારે હું તારાં ઘરેણાં પહેરવા લઈ જઈશ. બાકી, હું કંઈ રોજ ઢીંગલીની જેમ સજીધજીને ઓછી બેસી રહેવાની છું? દહેજ–બહેજનો તો વિચાર જ મનમાંથી કાઢી નાંખજે. મિહિરને સંબંધ જોઈએ છે, બંધન નહીં.

હવે વાત મહેમાનોની આગતા–સ્વાગતાની. મમ્મી, પચાસેક લોકોની વ્યવસ્થા તો આરામથી કોઈ નાનકડા હૉલમાં કે ખુલ્લા પ્લૉટમાં થઈ જ જાય ને? આપણા માળીકાકા છે ને, તે હું નાની હતી ત્યારથી કહેતા, ‘બેટા, તારા લગનમાં તો હું જ ફૂલો સજાવીશ.’ તો આપણે એમને જ કેમ મોકો ન આપીએ? એમના દીકરાની ફૂલોની દુકાન છે અને એ લગ્નના ઓર્ડર પણ લે છે. ફૂલોની ગોઠવણી તો મારી આર્ટિસ્ટ મમ્મી જ કરશે ને? અને મેનૂ? આપણાં રાધામાસીની દીકરી મસ્ત રસોઈ બનાવે છે. આપણે ત્યાં ઘણી વાર રાધામાસીની ગેરહાજરીમાં એ આવી જ છે. પચાસ–સો માણસની રસોઈ કરવી તો એના ડાબા હાથનો ખેલ. મોટા મોટા કૅટરરને કે મંડપ ડેકોરેટરને બોલાવવા, એના કરતાં આ લોકોને ખુશ નહીં કરવા?

બસ, મારી વાત કે માગણી જે ગણે તે પૂરી થઈ. મને સો ટકા ખાતરી છે, કે મારી મમ્મી તો મારી વાત સમજી જ જશે અને પપ્પાને પણ સમજાવી લેશે. તું મારું આટલું કામ કરશે ને, મારી ડાહી મમ્મી? 

તારી જ લાડલી.

લવ યુ મમ્મી, સો સો સો મચ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.