NRIની ગિફ્ટ

18 Jan, 2017
12:00 AM

કલ્પના દેસાઈ

PC: etsystatic.com

મહેમાનોની વિદાય થતાં જ સંગીતા બેડરૂમમાં જઈને લંબાઈ ગઈ. થાકેલી આંખોને બંધ કરતાં વાર જ બે મિનિટમાં તો એ નસકોરાં બોલાવવા માંડી. ક્યારની એકલાં પડવાની રાહ જોઈ રહેલી શીના, મમ્મી સાથે ઝઘડો કરવાના ઈરાદે બેડરૂમ તરફ ગઈ પણ મમ્મીનાં નસકોરાં સાંભળી પાછી ફરી ગઈ.

‘બિચારી મમ્મી, કેવા કેવા લોકોની પાછળ પોતાનું જીવન પૂરું કરી નાંખે છે! આજના જમાનામાં પણ એ જ વરસો જૂની મહેમાનગતિ હજીય ચાલુ જ રાખી છે. આખા ઈન્ડિયામાં આપણે એકલાં જ સગાં છીએ? બધાંને ત્યાં બે ચાર, બે ચાર દિવસ ફરી આવે તોય આ લોકોનો મહિનો પૂરો થઈ જાય. અને હવે તો હૉટેલોય જોઈએ તેવી બહુ મળી રહે છે, પછી તો કાકા–કાકીએ જ સમજવું જોઈએ ને? મમ્મી પણ સાવ, બધાંને બિચારાં બહુ ગણી લે.’

મમ્મીના ઊઠવાની રાહ જોઈ રહેલી શીના, થોડી વાર તો ગુસ્સામાં આંટા મારતી રહી. જેવી સંગીતા બહાર આવી, કે શીના એને પૂછી બેઠી, ‘મમ્મી, આ કાકા ને કાકી કેમ વરસોથી આપણાં ઘરે જ મહિનો રહેવા આવે છે?’

‘તો ક્યાં જાય બિચારાં?’

‘લે, બિચારાં શેના? હટ્ટાકટ્ટા છે બંને. ખાસ્સો પૈસો ભેગો કર્યો છે ત્યાં પણ, અને અહીં પણ બંગલા–ગાડી બધું જ તો છે. તું અમસ્તી અમસ્તી દયા નહીં ખા એમની. એક મહિનો એમના બંગલામાં જ કેમ નથી રહેતાં? હવે તો રસોઈયો ને જોઈએ તેટલા સર્વન્ટસ પણ બધે મળી રહે. અરે, હૉટેલમાં રહે કે અહીં કોઈ ફ્લૅટ ભાડે રાખે ને તોય એમને વાંધો આવે એમ નથી. તેં જ એમને હાથમાં ને હાથમાં રાખીને ખોટી ટેવ પાડી દીધી છે. રોજ જાતજાતનું રાંધીને ખવડાવે ને ટાઈમે ટાઈમે ચા ને નાસ્તા, પછી જલસા જ હોય ને? તેમાં વળી પપ્પા ડ્રાઈવર સાથે ગાડી આપી દે! પછી કોને મન ન થાય આપણે ત્યાં મહિનો ધામો નાંખવાનું?’

‘બિચારાં કેટલો ભાવ રાખે છે આપણાં બધા માટે! એમને પાડ લાગે એટલે, બિચારાં કેટલી બધી ગિફટ પણ આપી જાય છે! એ લોકોને કયાં કંઈ ખોટ છે? એ તો ઘરનાં જ કે’વાય એટલે અહીં જ આવે ને, બીજે ક્યાં જાય?’

‘પણ મમ્મી, એક મહિનો બહુ કહેવાય નહીં, કોઈને ત્યાં મહેમાન બનીને ચીટકવા માટે?’ પ્રિયાના સવાલે ચોંકેલી સંગીતા કંઈ બોલી નહીં. આ છોકરી કોણ જાણે ક્યારે બધા વહેવાર સમજશે? આખા વરસમાં એક વાર તો બિચારાં આવે છે. હવે મહેમાનને સાદું જમાડે તો કેવું લાગે? બહુ વખતે જાતજાતનું ખાઈને એ લોકો પણ કેટલાં ખુશ થઈને જાય છે. દિયર તો મારાં કેટલાં વખાણ કરે! ‘ભાભી, તમારા હાથમાં તો જાદુ છે’ ને દેરાણી પણ દર વખતે કહે કે, ‘તમારા જેવી રસોઈ તો મારાથી બનતી જ નથી. આ વખતે તો બધું શીખી જ લેવાની છું.’ આ બધું કંઈ અમસ્તું ઓછું કહેતાં હોય? પણ જવા દે, આ છોકરીને સમજાવવી એટલે ભીંતે માથું જ પછાડવું.

‘બેટા, એ લોકો જરાય પાડ રાખે છે એમના માથે? આપણાં બધાં માટે, બૅગ ભરીને તો કેટલી બધી ગિફ્ટો લાવે છે! આ કેટલાં મોંઘાં સ્વેટર ને સાડી ને ભારે ભારે શર્ટ ને પૅન્ટ ને શૂઝ પણ લાવે છે.’

‘મમ્મી, નવાં કે ઉતરેલાં?’

‘હવે નવાં જેવાં જ ને? એ લોકો તો કહીને જ આપે છે, કે એક જ વાર પહેરેલાં છે. આ જો, તને જરાય ખબર પડે છે, કે આ સાડી પહેરેલી છે? આ શૂઝ જો. એક પણ ઘસરકો નથી પડ્યો, જાણે વાપર્યાં જ નથી. પપ્પાને પણ શર્ટ ને પૅન્ટ બરાબર આવી રહે છે ને મારે તો સાડી પણ કેટલાં વરસ ચાલે.’

‘મમ્મી, તું તો ભોળી ને ભોળી જ રે’વાની. કાકા આટલા માલદાર હોવા છતાં ચીંગુસ છે, તે તને કેમ નથી દેખાતું? કાકી પણ એવાં જ. બંને તમને લોકોને બરાબર મસ્કા મારીને અહીં મજેથી મહિનો કાઢી જાય, એટલે હૉટેલ કે બીજા કોઈ ખર્ચા કરવા જ ના પડે. જ્યારે પહેલી વાર એ લોકો આવેલાં, ત્યારે જ તમે એમનાથી એકદમ ઈમ્પ્રેસ થઈ ગયેલાં. એમને ખુશ કરવા તેં ને પપ્પાએ પણ કંઈ બાકી નહોતું રાખ્યું. પહેલી વારમાં જ, તમારી ફોરેનની વસ્તુઓ તરફ ટપકેલી લાળ એ લોકોના ધ્યાનમાં આવી ગયેલી. એક વાર એમણે આપી જોયું ને તમે વિરોધ કર્યા વગર ખુશી ખુશી બધું લઈ લીધું, એટલે એ લોકોને તો એક મોટું ડસ્ટબિન મળી ગયું. ત્યાં ન વપરાતાં કે ન કામનાં કપડાં કે વસ્તુઓ અહીં આવીને તમારા ખોળામાં નાંખી જાય ને તમે એને પાડ વાળવો ગણી લો! પત્યું?

મમ્મી, જરા શાંતિથી વિચાર. આપણને અહીં કોઈ ખોટ છે? આપણે ભિખારી છીએ? આપણી પાસે બધું જ છે ને મને તો કંઈ જોઈતું પણ નથી. કેમ ખોટા કોઈના ઉપકાર નીચે રહેવાનું? ને તે પણ આવા લુચ્ચા લોકોના કહેવાતા ઉપકાર નીચે? ઉપકાર તો એમણે આપણો માનવો જોઈએ ને જો આપણને કંઈ આપવું જ હોય તો નવી જ વસ્તુ આપવી જોઈએ. કાકીએ તને રસોડામાં મદદ કરવી જોઈએ ને કાકાએ તો તમને બંનેને માથે બેસાડવા જોઈએ. પછી ખોટા મસ્કા મારવા જ ન પડે ને? જો એ લોકો પાસે બહુ વધી પડ્યું હોય, તો કશે દાન કરી દે. બહુ લોકોને જરૂર છે, ઘણી બધી ચીજોની. હવે તો આવે ને, તો હું જ સારી રીતે ના કહી દઈશ, કે મમ્મી પપ્પાને કંઈ જોઈતું નથી, તમે કોઈ આશ્રમમાં બધું દાન કરી દો. આ બૅગ પણ એ લોકોને આપી દઈશ.’

‘સારું બેટા, આટલાં વરસોની ભેગી થયેલી બધી વસ્તુઓ હું પણ પાછી વાળી દઈશ. રિટર્ન ગિફ્ટ! ઓકે?’

‘હંઅઅ...હવે તું મારી મમ્મી પાકી. મારી સ્વીટ, ડાહી ડાહી મમ્મી. થૅન્ક યુ સો મચ.’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.