કાલથી કામ પર

15 Feb, 2017
12:00 AM

કલ્પના દેસાઈ

PC: cloudfront.net

શિવાનીએ લંચબૉક્સ ખોલતાં ખોલતાં શાકની સુગંધને મનમાં જ મમળાવી લીધી. સવારે જ ઘરની દિવાલો પણ જાણી ગયેલી કે, આજે કયું શાક બન્યું છે. રૂપાના હાથમાં તો જાદૂ હતો. ઓછામાં ઓછા મસાલાઓ વાપરી એ પળ-વારમાં ચટાકેદાર ભોજન બનાવી કાઢતી, પંદરેક દિવસથી જ એ શિવાનીને ત્યાં આવતી હતી, પણ એની રસોઈ સૌની જીભે વળગી ગઈ હતી. શિવાનીએ મટર-પનીરને યાદ કરતાં, મોંમાં પાણી સાથે શાકની ડબ્બી હાથમાં લીધી. પણ આ શું? ડબ્બીને ખાલી જોતાં જ શિવાનીનું મગજ છટક્યું.

'ઓહ ! આજે પાછી ભૂલી ગઈ?' તદ્દન કેરલેસ! આ રૂપાને કાલે સવારે જ રજા આપી દઈશ. અરે, કાલની પણ રાહ શું કામ જોવાની? સાંજે જ ફોન કરી દઉં, 'કાલથી કામ પર નહીં આવતી.' બસ, બહુ થયું હવે. પંદર જ દિવસમાં આ ત્રીજી વાર ગોટાળો કર્યો. એક દિવસ રોટલી જ નહોતી મૂકી! શાક શાની સાથે ખાવું મારે? પરમ દિવસે સલાડ અને ફ્રૂટનો ડબ્બો ખાલી! ને આજે શાક! હદ જ થઈ ગઈને? એ ક્યાં ને શું કામ કરવા જાય છે, એટલું તો એને ભાન હશે ને? તો પછી, કામમાં એટલું ધ્યાન નથી રખાતું? ચાર જણની તો રસોઈ બનાવવાની છે, તેમાંય આવા છબરડા. મારી પાસે હવે એની સાથે માથું દુખવવાનો ટાઈમ નથી. હવેતો ના જ કહી દઉં બસ.

બગડેલા મૂડે શિવાનીએ લંચબૉક્સ લઈ કેન્ટીન તરફ ચાલવા માંડ્યું. બે ચા મંગાવી રોટલી ખાઈ, પેટ ભર્યાના સંતોષ સાથે કામે વળગી. રહી રહીને મટર-પનીરની સુગંધ ખાલી ડબ્બી રોટલી ને ચા એને પરેશાન કરતાં રહ્યાં. રૂપા દિમાગમાં ભરાઈ ગયેલી તે?

'રૂપા, પ્લીઝ તું કાલથી હવે કામ પર નહીં આવતી.'

'સૉરી મેમ, બીજી વાર નહીં થાય આવું. મારી ભૂલ થઈ ગઈ.'

'ભૂલ થઈ ગઈ? ને બીજી વાર? અરે, એક વાર ચાલે, બે વાર ચાલે પણ પંદર જ દિવસમાં આ ત્રીજી વાર? તેં ગોટાળો કર્યો તેમાં મારે ભૂખ્યા રહેવું પડ્યું તેનું કંઈ ભાન છે તને? તું તો સૉરી કહીને છટકી જાય પણ મારે શું કરવું? આમ જ ભૂખ્યા રહેવાનું છે, દર ત્રીજે કે ચોથે દિવસે? કંઈ સમજે છે, હું શું કહું છું તે? તું રહેવા દે. તારાથી મારે ત્યાં કામ નહીં થાય. મારે તો ટાઈમ પર ખાવાનું તૈયાર જોઈએ ને તે પણ વ્યવસ્થિત. એક તો તું, રોજના નવાં બહાનાં કાઢીને મોડી આવે તે પણ મારે ચલાવવાનું અને તારા ગોટાળા પણ ચલાવવાના! ના ભાઈ, મારી પાસે વધારાના પૈસા નથી, હું બીજી શોધી લઈશ પણ તું મહેરબાની કરીને, તારા આટલા દિવસના પૈસા લઈને જતી થા. પ્લીઝ, મારા ઉપર મહેરબાની કર.

તારા કારણે તો હું ઑફિસે પણ મોડી પડવા માંડી ખબર છે?  મારી બસ જતી રહે, સાહેબની ગાળ ખાવી પડે ને ભૂખ્યા પણ હેવું પડે! આટલો બધો ત્રાસ સહન કરવાનો એના કરતાં તું જવા માંડ બેન, મને માફ કર.'

'મેમ, મારી બેબી નાની છે ને સાસુ બિમાર છે. આ બધાનું કામ કરવામાં મોડું થઈ જાય છે ને એમની ચિંતામાં કોઈ વાર? તમારા માટે રોટલી કે શાક મૂકવાનું ભૂલી જાઉં છું. પણ મેમ, હવેથી કોઈ ભૂલ નહીં કરું. હું હજી થોડી વહેલી ઊઠીને કામ પતાવીને ટાઈમ પર આવી જશ. ને ધ્યાનથી કામ કરીશ, પણ પ્લીઝ મને કામ પર રહેવા દેજો. બહુ મુશ્કેલીથી આ કામ મળ્યું છે, મેમ.'

પ્યૂન બોલાવી રહ્યો હતો, 'મેમ, સર બોલાવે છે.'

'શિવાની, શું છે આ બધું? આજકાલ ઑફિસે પણ મોડાં પડવા માંડ્યા છો! અને કામમાં પણ ભૂલો પડવા માંડી છે! ઘરમાં ઠીક છે ને બધું? એની પ્રૉબ્લેમ શિવાની?'

'ના સર, બધું ઠીક છે. કોઈ વાર એકાદ મિનિટને લીધે બસ જતી રહે છે, ને મોડી પડું છું. પણ સર હવે નહીં, પ્લીઝ, એક્સક્યુઝ મી. સર.'

'ઓ.કે., ઓ.કે., ફાઈન. ધ્યાન રાખજો હવે ટાઈમનો પણ અને કામમાં પણ. યુ કેન ગો.' ફફડતા દિલે ઑફિસમાં ગયેલી શિવાની ખુશ થતી થતી બહાર નીકળી. હાશ! બચી ગઈ આજે. સર ખરેખર બહુ સારા છે. આજ સુધી મારા કામમાં કોઈ ભૂલ નહોતી થઈ તેમાં જ માફ કરી હશે. બાકી કોણ ચલાવી લે? કાલથી થોડી વહેલી ઊઠી જઈશ ને બસ પણ વહેલી જ લઈ લઈશ. સરને ફરિયાદનો મોકો નથી આપવો. સારું કામ ને સારી ઈમ્પ્રેશન ટકાવી રાખવી છે. મગજમાંથી રૂપા ક્યારે છટકી, ખબર ના પડી.

બીજે દિવસે...

'રૂપા, જો દાળ-ચોખા પલાળ્યાં છે, અને શાક પણ મેં સાંજે જ ઑફિસેથી આવતાં, બસમાં જ સમારી કાઢેલું. તું થોડો ઝપાટો રાખજે, ને જો મારું ટિફિન થોડું ધ્યાનથી ભરજે હં. હું જતી વખતે તને પૂછી લેવાની જ ટેવ પાડી દઈશ, એટલે કંઈ રહી ન જાય. તારાં સાસુને કેમ છે હવે? ને દીકરી-વર બધાં મજામાં છે? ચાલ હવે, મારી સામે એમ જોયા નહીં કર. એ તો તારી રસોઈનો મને ચટકો લાગી ગયો છે ને, એટલે કાલથી કામ પર પાંચેક મિનિટ મોડું પણ થાય ને તો ચિંતા નહીં કરતી, હું સાચવી લઈશ.' બંને પોતાની રીતે ખુશ હતાં - કાલથી કામ પર જવાનું છે - થોડા વહેલાં.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.