પરવશ
‘મા, તમારી દાઢી અહીં મશીન પર ટેકવજો તો જરા.’ આશિષે લગભગ સિત્તેરેક વરસના મંગળાબહેનનો હાથ પકડી હળવેકથી ખુરશી પર બેસાડવામાં મદદ કરતાં આંખ તપાસવાના મશીન તરફ ઈશારો કર્યો.
થોડા ગભરાટમાં અને થોડાં ધ્રૂજતાં મંગળાબહેને મશીનમાં દાઢી ટેકવી ડૉક્ટરના ઈશારે મશીનમાં જોવા આંખ સ્થિર કરી પણ વધારે વાર ન જોવાતાં આંખમાંથી પાણી ટપકવા માંડ્યું.
મંગળાબહેનની બન્ને આંખ તપાસી આશિષે એમને બહાર બેસવા જણાવ્યું અને એમની સાથે આવેલા એમના દીકરાને બોલાવ્યો.
‘ભાઈ, તમારા મમ્મીને તો બન્ને આંખે મોતિયો બહુ સમયથી પાકી ગયો છે. જો કે ઓપરેશન બહુ પહેલાં જ થઈ જવું જોઈતું હતું પણ હજીય મોડું નથી થયું. જેટલું બને તેટલું વહેલું જો તમે ઓપરેશન કરાવી લો તો એમના ને તમારાય હિતમાં છે. નહીં તો તમારા મા આંખો ગુમાવશે તો બધાં જ હેરાન થશો. બોલો, ક્યારનું નક્કી કરું? રખે માનતા કે કોઈ ડૉક્ટર તમને આ કહે છે. તમારા માની આંખની હાલત જોઈને જ તમને સાચી સલાહ આપું છું. તમે એમની આંખો નિયમીત રીતે ચેક નથી કરાવતા? સાંઠ પછી તો દરેક વયસ્કની આંખોની તપાસ થવી જ જોઈએ. કોઈને વહેલો કે મોડો મોતિયો આવી શકે છે ને ના આવે તો પણ આંખોની સલામતી ખાતર પણ આંખની તપાસ બેહદ જરૂરી છે.’
સુજોયે ડૉક્ટરની વાતમાં સહમત થતાંની સાથે જ ઓપરેશનની તારીખ નક્કી કરી લીધી અને ઓફિસમાં અઠવાડિયાની રજા મૂકી દીધી. ઘેર જતાં જ રસ્તામાં સુજોયે મમ્મી પર મીઠો ગુસ્સો કર્યો. ‘મમ્મી, તમને આંખે આટલી બધી તકલીફ છે તો તમે મને કેમ કોઈ દિવસ કહ્યું નહીં? હું પારકો થઈ ગયો? કે તમારી વરસો જૂની ટેવ તમે હજી છોડી નથી કે એ તો થાય હવે, એની મેળે બધું સારું થઈ જશે? ડૉક્ટર આગળ મને કેવું મરવા જેવું લાગ્યું હશે તે વિચાર્યું? હું તમારું કંઈ ધ્યાન નથી રાખતો? હીના તમારું ધ્યાન નથી રાખતી? બાળકો કંઈ બોલે છે? અમે બધાં જ તો તમારી આગળપાછળ ફર્યા કરતાં હોઈએ ને તોય તમે અમને કોઈને ન જણાવ્યું કે તમને આંખે આટલી બધી તકલીફ પડે છે?’
મંગળાબહેન ચોધાર વરસતી આંખોએ મનમાં ગણગણી રહ્યાં, ‘બેટા, તું સવારથી તે મોડી રાત સુધી તો તારા કામની દોડાદોડીમાં હોય, બાળકો એમના ભણવા ને રમવામાંથી જેમતેમ પરવારે ત્યારે તમારી પાસે બેસે કે મારી ફિકર કરે? હીનાને તો મેં બે ચાર વાર કહેલું કે ‘બેટા, મને હવે આંખે બરાબર દેખાતું નથી તે કોઈ ડૉક્ટરને ત્યાં લઈ જા ને. હા હા કરીને પણ એણે વરસ કાઢી નાંખ્યું. એક વાર એ કોઈને ફોન પર કહેતી હતી, કે અમારાં માજી આજકાલના આંખે ઝાંખુ દેખાવાની ફરિયાદ કર્યા કરે છે તે હવે મોતિયો આવ્યો હશે એટલે ઓપરેશનના ખરચા આવશે. અહીં જેમતેમ બધા છેડા ભેગા થતા હોય ત્યાં ક્યાં વળી ઓપરેશન કરાવવું? ચાલે ત્યાં સુધી ચલાવવા મેં તો કહી દીધું છે. તદ્દન નહીં દેખાય ત્યારે લઈ જઈશ.’ આવું સાંભળીને પછી હું એને કે તને કઈ રીતે કહું? મારી પોતાની કોઈ બચત હોત તો આમ તમારા ઓશિયાળા ના રહેવું પડત. હું જાણું છું કે તમને એટલી પણ તકલીફ નથી કે મારું ઓપરેશન ના થઈ શકે પણ જવા દે એ વાત.
આંખો લૂછતાં આશિષનો હાથ પકડી મંગળાબહેન બોલ્યાં, ‘બેટા, તારી વાત બિલકુલ સાચી છે. હું જ મૂઈ ઘરગથ્થુ પ્રયોગોમાંથી ઊંચી ન આવી ને આંખમાં જાતજાતનો રસ નાંખતી રહી. કોઈ બતાવે તે ટીપાં નાંખું કોઈ વાર. મારે ખરેખર તો તને જ જણાવી દેવાનું હતું. વહુની મને દયા આવતી કે બિચારી આખો દિવસ તમારી સેવામાંથી ઊંચી આવે કે મારી સેવા કરે? પોતાની પણ જિંદગી હોય કે નહીં એની? એને કહું કે તને કહુંમાં મેં વરસ ખેંચી કાઢ્યું પણ હવે કંઈ નહીં. તેં આપરેશનનું નક્કી કરી જ નાંખ્યું તે બહુ સારું કર્યું.’
ઘેર પહોંચીને આશિષે હીનાને મમ્મીના ઓપરેશનની વાત કરી ને ઓપરેશનના દિવસે વહેલાં તૈયાર રહેવા જણાવ્યું. હીના મનમાં જ ઝટકો ખાઈ ગઈ. મા–દીકરો ક્યારે ઓપરેશનનું નક્કી પણ કરી આવ્યાં? માજી ઉસ્તાદ નીકળ્યાં. દીકરાને જ ડાયરેક્ટ પટાવી કાઢ્યો. ચાલો, ઠીક છે. ઓપરેશન થઈ જાય તેય સારું છે. રોજરોજની કિટકિટ જાય, ‘મને નથી દેખાતું, મને નથી દેખાતું’ હંહ!
મંગળાબહેનની આંખોનું ઓપરેશન થઈ ગયાપછી ડૉક્ટર આશિષે સુજોય અને હીનાને પોતાના રૂમમાં બેસાડ્યાં.
‘જુઓ, તમારાં મમ્મી એ મારાં મમ્મી સમાન જ છે. તમે લોકો હજી થોડા જ દિવસ પછી આવત તો કદાચ એમની આંખો ગુમાવવાનો વારો આવત. એનાથી એમને તો તકલીફ પડત જ પણ તમને લોકોને પણ કેટલી તકલીફ પડત એનું ક્યારેય વિચાર્યું? ઘરમાં વૃધ્ધ મા છે, તો એમની થોડી વધારે કાળજી રાખો. ફક્ત ચાર વાર ખાવાનું ને ઘરમાં આશરો કે કપડાંલત્તા સિવાય પણ દિવસમાં એક જ વાર પાંચ જ મિનિટ પણ આપશો ને, તો એમના ચોવીસ કલાક આનંદમાં જશે. એમની તબિયતની જાણકારી રાખો. અવારનવાર ડૉક્ટરને ત્યાં એમને ચેક અપ માટે લઈ જાઓ. ભલે કંઈ જ ન થયું હોય તોય. બ્લડ પ્રેશર કે ડાયાબિટિસ ચોરી છૂપી આવીને ગોઠવાઈ ગયા હોય તો વહેલા ઝડપાઈ જાય સમજ્યાં? મારે ત્યાં આવા બહુ કેસ આવે છે, કે વહુને સાસુએ ઘણી વાર ફરિયાદ કરી હોય પણ વહુ દીકરાને જણાવતી જ ના હોય! તમારા કેસમાં તો એવું નથી હું જાણું છું પણ ચેતેલાં સારાં. હવે ઓપરેશન પછી રાખવી જોઈતી બધી જ કાળજી સ્ટ્રિક્ટલી ફોલો કરજો અને માજીને ખવડાવી પીવડાવીને ખુશ રાખજો.’ આશિષે બરાબર નિશાના પર તીર માર્યું જેની અસર તો થવાની જ હતી.
‘થેન્ક્સ ડૉક્ટર’ કહી બન્ને મંગળાબહેન પાસે પહોંચી ગયાં.
‘મમ્મી ચાલો ઘેર જઈએ. આજથી તમારી જવાબદારી મારી. નિયમીત દવા નાંખવાથી માંડીને ખાવાપીવાનું સઘળું હું જ નક્કી કરીશ. તમારા માટે રોજ બદામનો શીરો બનાવીશ એટલે તમને જલદી રૂઝ આવી જશે.’ મંગળાબહેનને તો મોતિયો આશીર્વાદરૂપ જ નીવડ્યો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર