પંચાત કરવાવાળાને લપડાક મારવી કે નહીં?
કેતકીએ ઘરનો દરવાજો ખોલ્યો કે, એના આશ્ચર્ય વચ્ચે ઘરમાં લાઈટ–પંખા ચાલુ હતા! બેડ રૂમમાંથી કોઈના બોલવાનો અવાજ આવતો હતો અને રસોડામાંથી કંઈક શેકાવાની સુગંધ! ઝડપથી હાથમાંનો સામાન સોફામાં ફેંકી કેતકી બેડરૂમ તરફ દોડી. ફોન પર વાત કરતી એક પચીસેક વર્ષની યુવતીની પીઠ જોઈને એને હસવું આવી ગયું. ‘ઓહ! તું છે. તેં તો મને ડરાવી જ દીધી.’
‘શું આન્ટી તમે પણ? અમસ્તાં જ જરા અમથી વાતમાં ડરી ગયાં? મારા સિવાય તમારા ઘરની ચાવી બીજા કોની પાસે હોવાની?’ આવા મીઠા ઠપકાની આશાને બદલે સુહાનીનો ઉદાસ ચહેરો સામે જોઈ કેતકી ચમકી. આને વળી શું થયું ?
‘ચાલ બોલ તો પહેલાં, શું થયું છે તને? તને ખબર છે કે, મને તું શું કોઈ પણ રડે તે બિલકુલ ગમતું નથી. કોઈએ છેડતી કરી? કંઈ ખોવાઈ ગયું? પર્સ ચોરાઈ ગયું? કે કોઈ કંઈ બોલ્યું? જે હોય તે ફટાફટ બોલવા માંડ એટલે હમણાં એનો ફેંસલો થઈ જાય.’
કેતકી એકદમ તડ ને ફડ કરી દેનારી. કોઈ પણ વાતનો ફેંસલો બીજા દિવસ પર ટાળવાને બદલે તે જ દિવસે ને બને તો તે જ ઘડીએ કરવામાં માનનારી. સુહાની સામેના ફ્લૅટમાં એની મમ્મી કલાબેન સાથે રહેતી હતી. કલાબેન સ્વભાવે ઓછાબોલાં પણ સુહાની ચુલબુલી ચકલી. આખો દિવસ કેતકીબેનને ત્યાં જ એનો અડ્ડો હોય. કેતકીબેનના પણ દીકરાવહુ બહારગામ હોવાથી અને પતિ સવારથી સાંજ ઓફિસે હોવાથી સુહાનીને મોકળું મેદાન મળી રહેતું. એને માટે જો કલાબેન મા હતી તો કેતકીબેન અંતરંગ સહેલી હતી. પોતાનો રોજનો રિપોર્ટ કેતકીબેનને જણાવ્યા વિના એને ચેન ન પડતું.
સુહાનીના જન્મના થોડા દિવસ પછી અચાનક જ એના પપ્પા માધવભાઈ ઘર છોડીને કશેક ગાયબ થઈ ગયેલા. બહુ શોધવા છતાં એમની કોઈ ભાળ ન મળતાં આખરે કલાબેને દીકરી સાથે નવું જીવન શરૂ કર્યું– એકાંતવાસનું! પિયરમાં કે સાસરામાં જે સગાં હતાં તેમણે સમાજના ડરથી કલાબેનને સાથે રાખવાનું આડકતરી રીતે ટાળ્યું. કલાબેને શહેર બદલી નાંખ્યું પણ એમ કંઈ ભૂતકાળે પીછો છોડ્યો નહીં. એમના જ એક જૂના પાડોશી, એમના નજીકના મકાનમાં જ રહેતા હતા. કલાબેન તો એમની સાથે ઔપચારિક સંબંધ રાખતાં પણ પાડોશીઓ કામધંધા વગરના હોવાથી અવારનવાર કોઈ ને કોઈ બહાને મળવા પહોંચી જતાં! એમને ત્યાં ઘરનાં વડીલ ગણાય એવાં એક જમાના જૂના ડોશીમા હતાં. આખો દિવસ જતાંઆવતાં લોકો પર નજર રાખવા સિવાય ને કોઈ નજીક ફરકે તેને બે સવાલ કે સલાહનો પ્રસાદ આપ્યા વગર એમને ચેન ન પડતું. તેમાં પણ કલાબેન અને સુહાનીને જોતાંવેંત જ એમના મગજનો કીડો સળવળવા માંડતો અને સોંસરવા ઉતરે એવા સવાલ બધાની વચ્ચે પૂછ્યા વિના કે બે વાત સંભળાવ્યા વિના એમને ચેન ન પડતું. ડોશીમા તો બોલીને રાજી થતાં, જાણે બહુ મોટો વાઘ માર્યો! પણ કલાબેન અને સુહાનીનો આખો દિવસ બેચેનીમાં વીતતો.
‘મમ્મી, પપ્પા ક્યાં ગયા છે? પપ્પા ક્યારે આવશે? પપ્પાને આપણે યાદ આવતાં હોઈશું? બધાના પપ્પા છે ને મારા કેમ નથી? મમ્મી, આજે સ્કૂલમાં બધાં મને પપ્પાના નામે ચીડવતાં હતાં.’ વગેરે સવાલોથી–વાતોથી અને ધીરજ બંધાય તેવા જવાબોથી મોટી થતી સુહાની ધીરે ધીરે સમજી ગયેલી કે, એના પપ્પા ઘર છોડીને, એમને છોડીને દૂર કશે નીકળી ગયા છે અને હવે ક્યારેય પાછા નહીં આવે. એણે સવાલ પૂછવાના બંધ કરી દીધા અને મમ્મીની વધુ નજીક આવી. ‘હવે ક્યારેય નહીં પૂછું મમ્મી. તને દુ:ખ થાય એવું કંઈ નહીં કરું.’ કલાબેન સુહાનીને વળગી એને માથે ક્યાંય સુધી વહાલનો હાથ ફેરવતાં રહ્યાં. બંને મા-દીકરીનો જો આ દુનિયામાં કોઈ સહારો હતો, તો કેતકીબેન. કેતકીબેને ક્યારેય કોઈ સવાલ નહોતો કર્યો કે કોઈ વાત જાણવાની આડકતરી કોશિશેય નહોતી કરી. બસ એમણે તો ફક્ત આ પ્રેમભૂખ્યા પરિવારને પ્રેમ આપ્યો હતો, હૂંફ આપી હતી. બહુ જલદી સુહાની કેતકીબેનની દોસ્ત બની ચૂકી હતી. જે વાતોથી માને દુ:ખ થાય એ બધી વાતો એ છૂટથી કેતકીબેન સાથે વહેંચતી ને રાહત મેળવતી.
એમાં વળી બન્યું એવું કે, તે દિવસે સવારથી જ કલાબેનને તાવ આવતો હતો અને સુહાનીએ ઓફિસમાંથી રજા લીધી હતી. પેલાં માજીના મોટા દીકરાનું કોઈ માંદગીમાં આગલી રાતે જ મૃત્યુ થયું હોવાથી અને જૂના પાડોશી હોવાને નાતે સવારે એમને ત્યાં જવું જરૂરી હતું. એમ તો કલાબેન જ ત્યાં જાત પણ નાછૂટકે સુહાનીએ જવું પડ્યું. સુહાની તો બીજી સ્ત્રીઓ સાથે એક બાજુ જઈને બેઠી કે ડોશીની નજર એના પર પડી. ‘અલી છોકરી, પછી તારા બાપના કંઈ સમાચાર? કોઈ દિવસ આવે બાવે કે નહીં તમારી ખબર કાઢવા? શો જમાનો આવ્યો છે? આટલી નાની ફૂલ જેવી દીકરીને ને જુવાનજોધ વહુને છોડી જતાં જરાય દયા ન આવી? બાવો બનવાનો હતો કે ઘર છોડી જવાનો હતો તો લગન જ શું કામ કર્યાં? જ્યારથી જાણ્યું ત્યારથી મને તો આ બેની બહુ દયા આવે. પણ શું થાય હેં?’ ડોશીએ આજુબાજુ જોયું પણ કોઈએ હોંકારો ન પૂરાવ્યો એટલે આમતેમ ફાંફાં મારીને પાછાં દીકરાના ગમમાં રડમસ થઈને બેસી ગયાં!
કમરામાં સન્નાટો પથરાઈ ગયો ને સુહાનીની આંખોમાં તો જાણે બંધ તોડવા તત્પર કોઈ છંછેડાયેલી નદી આવીને ગોઠવાઈ ગઈ! એ તો સડાક કરતીકને ઊભી થઈ ગઈ ને દોડતી પોતાને ઘરે જઈ માના ખોળામાં ઠલવાઈ ગઈ. કલાબેન વગર કહ્યે જ બધું સમજી ગયાં. ડોશીને એના દીકરાના મોતના ગમ કરતાંય દુનિયાની પંચાતમાં વધારે રસ હતો! આંસુ, ચીડ ને ગુસ્સાને દિલમાં ધરબી દઈ એમણે સુહાનીને શાંત પાડી. ‘બેટા, પંચાત કરવાવાળા કોઈને નથી છોડતાં. એ ડોશી તો એવી જ છે. જે આખી જિંદગી નહીં સુધરી, જેને દીકરાના મોતે પણ નહીં સુધારી તે હવે સુધરવાની? આપણા રડવાથી એને કોઈ અસર નહીં થાય પણ આપણું મગજ ખલાસ થશે ને આપણો દિવસ–આપણું કામ બધું જ બગડશે. મહેરબાની કરીને શાંત થઈ જા ને પછી કેતકીમાસીને ત્યાં મળી આવજે. તને સારું લાગશે.’
સુહાની તરત જ શાંત થઈ ગઈ. આ વાતને તો વર્ષો થઈ ગયાં છે. આટલાં વર્ષોમાં તો લોકોના મોંએ કંઈ કેટલીય વાર જાતજાતના સવાલો એ સાંભળી ચૂકી છે, માને પણ લોકોએ હેરાન કરવામાં કોઈ કસર તો નહીં જ છોડી હોય. મારાથી કેમ આ ભૂલ થઈ ગઈ? માને પણ દુ:ખ તો થયું જ હશે ને પાછી બિમાર છે, છતાં એ મને શાંત રાખવા પ્રયત્નો કરે છે. ઓહ! ‘સૉરી મમ્મી.’ કહી એ તરત જ બંને માટે કૉફી બનાવી લાવી. સાંજે કલાબેનને થોડું ઠીક લાગતાં સુહાની કેતકીબેનના ઘરે પહોંચી ગઈ. કેતકીબેન હજી આવ્યાં નહોતાં એટલે સુહાનીએ ટોસ્ટ શેકીને કૉફી બનાવી દીધી. મૂડ ઠીક કરવા ફ્રેન્ડ સાથે વાત ચાલુ જ કરી કે, કેતકીબેનનો અવાજ સંભળાતાં ફરી એને સવારની વાત યાદ આવી ગઈ. કેતકીબેનના પૂછતાં જ એણે મનનો ઉભરો ઠાલવી દીધો.
‘આન્ટી, હજી કેટલાં વરસ અમારે આ બધું સાંભળવાનું છે? મારા પપ્પા અમને છોડી ગયા તેમાં અમારો શો વાંક? લોકોને શું એટલી નથી ખબર? ને તેમાં પણ આ ડોશલી તો તાકમાં જ રહેતી હોય. એનાથી જેટલાં દૂર રહીએ તેટલાં એને બહાનાં મળતાં રે’ ને ઝેર ઓકવામાં તો એક નંબર છે. તમે જ કહો કે, એનો દીકરો હજી કાલે ગુજરી ગયો તો એણે પંચાત કરવી જોઈએ? ને હું એને કોઈ જવાબ આપતે તો એ બરાબર કહેવાતે? પ્રસંગની આમન્યા મેં રાખી તો એનાથી કેમ ના રખાઈ?’
‘જો બેટા, લોકોના મોંએ કંઈ તાળાં દેવા ન જવાય ને એવા લોકોને જવાબ આપવામાં આપણો ખોટો સમય બરબાદ થાય. તારી મમ્મીના સંસ્કાર સારા હોવાને લીધે તમે ચૂપ રહો છો ને ઝઘડો નથી કરતાં, બાકી મારા હિસાબે તો બહુ પંચાત કરતા લોકોને એક વાર તો મજા ચખાડી જ દેવાની. એમને પણ ખબર પડે કે, આ લોકો સાંભળી લે એવાં નથી એટલે બીજી વાર તમને છેડતાં પહેલાં સો વાર વિચાર કરશે. જો આ ડોશીને એક જ વાતે સીધી કરાશે. બહુ વરસો પહેલાં એના આવા જ સ્વભાવને કારણે, એના ઘરમાં બહુ મોટો ઝઘડો થતાં એને એના પતિએ ને સાસરાવાળાએ કાઢી મૂકેલી. ત્યાર પછી એ પાછી ગઈ જ નહોતી. બધા સાથે કંકાસ કરતી રહે એટલે આજુબાજુમાં પણ કોઈ સાથે એને ફાવે નહીં. આ તો દીકરાવહુ સજ્જન તે એને સાથે રાખી બાકી આવી ડોશીને આજે કોઈ પોતાની સાથે ન રાખે. જો, થોડા દિવસોમાં એના ઘરે બેસણું રાખશે ત્યારે ખાસ એના ઘરે જજે. તને જોઈને બધાંની વચ્ચે નક્કી કંઈક તો અવળચંડાઈ એ કરશે જ. તે જ સમયે હિંમત કરીને બોલી દેજે કે, ‘કાકી, એમ તો તમને પણ સાસરામાંથી કાઢી મૂકેલા એવું બધાં કહે છે તે વાત સાચી કે?’ બસ. પછી એ કોઈને તો ખબર નહીં પણ તને કે તારી મમ્મીને કોઈ દિવસ કોઈ સવાલ નહીં કરે, સમજી? જા, ડાયલૉગ ગોખવાની તૈયારી કર ને જતાં પહેલાં મારી સામે ફાઈનલ રિહર્સલ કરી જજે.’
સુહાની તો અવાચક થઈ ગઈ! ‘આન્ટી તમે? આવું બોલવાનું કહો છો?’
‘જો બેટા, નાગ ડંખે નહીં પણ ફૂંફાડો પણ ન મારે ને, તો એનાથી કોઈ ન ગભરાય. હું તને ખોટું સહન કરવાની ના પાડું છું તો સાથે સાથે ખોટું કરનારાને સબક શીખવવા પર પણ ભાર મૂકું છું. તારી મમ્મી નહીં બોલે ને તું પણ નહીં બોલે તો આ દુનિયામાં ઠેર ઠેર આવી ડોશીઓ મળતી જ રહેશે તો શું કરશો? થોડી બહાદૂર બન. ને બીજી વાત. જે થયું એમાં તમારો કોઈ વાંક નથી. આવા ભૂતકાળને તો ભૂલી જવામાં જ ભલાઈ છે. ભૂતકાળને માથા પર રાખીને જીવવામાં તો તમે સોનેરી વર્તમાનને પણ બિહામણો ભૂતકાળ જ બનાવતાં રહો છો. આપણે સડેલું ફેંકી દઈએ કે કાપી નાંખીએ, એને સંઘરતાં નથી કે એને જોયા નથી કરતાં કે યાદ પણ નથી કરતાં. તો આ બધી વાતો સડેલી નથી? ક્યારેય તમારા કોઈ કામમાં આવી? કચરો ફેકતાં જાઓ ને સ્વચ્છ, સુંદર વિચારોથી જીવનને હરિયાળું બનાવી આનંદ માણો. ચાલ, હવે આજે સત્સંગ પૂરો. નહીં તો તને બગાસાં આવવા માંડશે. ઓલ ધ બેસ્ટ. ને હા, ફાઈનલ રિહર્સલ યાદ રાખજે.
‘ઓહ આન્ટી! મને તો એટલું જોશ ચડી ગયું ને તમારી વાતોથી કે, એમ થાય છે કે, હમણાં પેલી ડોશીને જઈને ખખડાવી કાઢું.’
‘ના બેટા, ધ્યાન રાખજે તારા આવેશ પર. જેમ એ લાગ જોઈને તીર મારે છે ને તેમ તારે પણ મોકો જોઈને જ ચોકો મારવાનું છે. નહીં તો એ ઘાયલ કેવી રીતે થશે? જે રીતે એ બીજાનાં મગજ કાણાં કરે છે તે જ રીતે તારે એના મગજને ચાળણી જેવું કરી નાંખવનું છે, સમજી?’
કેતકીબેન તરફ આભારનું સ્મિત ફરકાવી સુહાની ઘરે પાછી ફરી, એક નવા જ જોશ ને નવા જ ઉમંગ સાથે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર