નવલાં નોરતામાં આટલી તકેદારી રાખજો

14 Oct, 2015
12:00 AM

કલ્પના દેસાઈ

PC:

નિયતીએ ઘરની બેલ વગાડી ને માંડ બે પાંચ સેકંડ રાહ જોઈને ફરીથી બેલ પર હાથ દાબી દીધો ને બીજા હાથે બારણું પણ જોરજોરમાં ધધડાવી નાંખ્યું.

‘અરે અરે! શું છે પણ? બારણું તો ખોલવા દે.’ બારણું ખૂલતાં જ સલોનીને ધક્કો મારીને નિયતિ પગ પછાડતી ઘરમાં જતી રહી. સૅંડલનો એક ખૂણામાં ઘા કરીને, સોફામાં પર્સ ફેંકતી એ બાથરૂમમાં ભરાઈ ગઈ. બાથરૂમના દરવાજાના અફળાવાનો અવાજ સાંભળીને નિયતિ મલકી. બેનબા આજે પાછાં રિસાયાં લાગે છે. નક્કી ગરબાની કોઈ રામાયણ લાગે છે. એને પૂછવા નથી જવું, એની મેળે આવશે. આખરે મમ્મી વગર બધી તૈયારી કોણ કરશે?

સલોની જાણી જોઈને ટીવી ચાલુ કરીને બેસી ગઈ. જોકે, એનું ધ્યાન તો દીકરીની હિલચાલ પર જ હતું. નિયતિએ આવીને ટીવી બંધ કરી દીધું.

‘અરે બેટા, હું જોઉં છું ને? તારે નહીં જોવું હોય તો કંઈ નહીં. લાવ રિમોટ ને ટીવી ચાલુ કર જોઉં.’

‘મમ્મી, મારો બધ્ધો પ્રોગ્રામ ભાંગી પડ્યો ને તારે ટીવી જોવું છે?’

‘કેમ? શું થયું? શાનો પ્રોગ્રામ ભાંગી પડ્યો? તું બોલે નહીં તો મને શું ખબર પડે? ચાલ બોલ જોઉં, શું થયું?’

‘ટેલરે હજી ડ્રેસ રેડી નથી કર્યા ને પાર્લરમાં પણ બુકિંગ ફુલ છે. આ એરિયામાં કોઈ પાર્લરમાં ચાન્સ નહીં લાગ્યો. હવે જવા–આવવામાં જ કેટલો ટાઈમ જશે? ભાઈને પણ હમણાં જ એક્ઝામ આવવાની થઈ ને પપ્પાને પણ હમણાં જ ઓફિસનુ કામ આવી ગયું! મારા જ કામ વખતે બધાને કામ આવી જાય કેમ? મારે નથી જવું ગરબા રમવા. બેસી રહીશ ઘરમાં ને બધી ફ્રેન્ડ્સની વાત સાંભળ્યા કરીશ બીજું શું? તને પણ મારી કંઈ પડી નથી. હું આવી ને તું ટીવી જોવા બેસી ગઈ. મને પૂછ્યું પણ નહીં કે, શું થયું છે?’ બોલતાં બોલતાં તો નિયતિ સલોનીના ખોળામાં માથું મૂકીને રડવા માંડી.

સલોનીએ જેમતેમ પોતાના હસવા પર કંટ્રોલ કરતાં નિયતિને માથે હાથ ફેરવી થોડું આશ્વાસન આપી એને શાંત પાડી. ‘ટેલરે ડ્રેસ રેડી નથી કર્યા તો શું થયું? તારી મમ્મી છે ને?’
‘ના હં, હું તારા એવા ઓલ્ડ ફેશનના ચણિયાચોળી નથી પહેરવાની. આ વખતે તો અમે બધાંએ, દિપીકા પદુકોણે જેવા ‘રામલીલા’માં પહેરેલાં ને તેવા જ ડ્રેસ તૈયાર કરાવવાનું નક્કી કરેલું, પણ આ ટેલરે ખરે વખતે જ દગો આપ્યો. બધાના ડ્રેસ રેડી છે ને હું જ બાકી રહી ગઈ.’ નિયતિ ફરી ભાંગી પડે તે પહેલાં જ સલોની એને હાથ પકડીને બેડરૂમમાં લઈ ગઈ. કબાટમાંથી એક સરસ ડ્રેસ કાઢી પથારીમાં ફેલાવીને ગોઠવી દીધો. નિયતિ તો જોઈને જ આભી બની ગઈ. ઓહ! સેઈમ ટુ સેઈમ દિપીકાનો ડ્રેસ! 'વા....ઉ! મમ્મી...આ વળી ક્યાંથી ને ક્યારે લાવી? કેટલામાં લાવી? બહુ કોસ્ટલી થયો હશે નહીં? મેં તો સીવવા નાંખેલો જ ને? પછી તેં કેમ ખર્ચો કર્યો?’

‘બેટા, મેં કોઈ એક્સ્ટ્રા ખર્ચ નથી કર્યો. મને આ ટેલરોના વર્ષોના અનુભવો છે. મને તો ગળા સુધીની ખાતરી હતી કે, ફક્ત પંદર દિવસમાં કોઈ ટેલર તને ડ્રેસ તૈયાર નહીં કરી આપે. આ બધી તૈયારી બે–ત્રણ મહિના પહેલેથી કરવી પડે. છેલ્લી ઘડીએ એ લોકોનાં કામ પણ વધી જાય, એટલે કોને હા પાડે ને કોને ના પાડે? તેં મને તારી વાતમાં માથું મારવાની ના પાડેલી ને, ‘અમે બધી ફ્રેન્ડ્સ અમારી તૈયારી કરી લઈશું’ એમ કહેલું એટલે મેં દૂરથી બધો તાલ જોયા કર્યો. તું તારી આળસમાં બધે મોડી પડી ને બધાંની તૈયારી થઈ ગઈ. પણ તારી મમ્મી તને થોડી એમ જ ઘરમાં બેસવા દેશે? મને તો ખબર હતી કે, આ વખતે કેવા ચણિયાચોળીની ફેશન રહેવાની છે. મેં મારા ચણિયાચોળીને થોડા સુધારાવધારા કરીને દિપિકાબેનના ડ્રેસ જેવા જ બનાવી રાખેલા. જો છેલ્લી ઘડીએ કંઈ ફિયાસ્કો થાય તો મારી લાડકીને કોઈ તકલીફ ના પડવી જોઈએ. અને મેકઅપની ચિંતા પણ નહીં કર. આપણે ક્યાં દુલ્હનનો શણગાર કરવાનો છે? એકદમ સિમ્પલ મેકઅપ સાથે ટ્રેડિશનલ લૂક રાખીને અસ્સલ ગામઠી જ દેખાવું છે ને તારે? તો શું મને એટલું નહીં આવડે? મારી કૉલેજમાં હું જ બધાને દરેક પ્રોગ્રામમાં મેકઅપ કરી આપતી. થોડું ઘણું તો તારી મમ્મીને પણ આવડે છે બકા.’

નિયતિ તો મમ્મીને જોતી જ રહી ગઈ. આ મમ્મી? આટલી બધી ટેલન્ટેડ? મને કેમ કોઈ દિવસ ખબર ન પડી? કાયમ મારી ઈચ્છાને માન આપવામાં ને મારી કાળજી કરવામાં એણે પોતાની ટેલન્ટ છુપાવી રાખી? જો ટેલર ટાઈમ પર ડ્રેસ આપી દેત ને પાર્લરમાં બુકિંગ મળી જાત તો આજે પણ મને મમ્મીનું અસલી રૂપ જોવા ન મળત!

‘મમ્મી, તું કેમ કોઈ દિવસ બોલી નહીં કે તને આટલું મસ્ત મસ્ત બધું આવડે છે?’

‘એ વાત કોઈ વાર નિરાંતે કરીશ પણ તારી ફ્રેન્ડ્સને આજે સાંજે આપણે ત્યાં નાસ્તા–પાર્ટી માટે બોલાવી લે. મારે થોડી વાત કરવી છે.’

સાંજે નિયતિની ફ્રેન્ડ્સ સાથે સલોનીએ ખૂબ વાતો કરી. પોતાના સમયની નવરાત્રીની ને આજની નવરાત્રીની વાતોમાં કલાક ક્યાંય નીકળી ગયો. ‘જુઓ, તમે સૌ મારી દીકરીઓ જ છો એટલે તમને ખાસ વાતો કરવા જ બોલાવી છે. હું જાણું છું કે, તમને બધું જ ખબર છે, છતાં સાવચેતી પણ એટલી જ જરૂરી છે. થોડી જ બેદરકારી બહુ મોટી આફત નોતરી શકે છે. એટલે તમે સૌ પહેલાં મને પ્રોમિસ કરો કે, તમે હંમેશાં ગ્રુપમાં જ રહેશો. તમે તદ્દન એકલાં કે બે–ત્રણ જણ પણ કશે કોઈ નવી જગ્યાના ગરબા જોવા કે કંઈ ખાવાપીવાની જગ્યાએ નહીં જાઓ. કોઈ નવી ઓળખાણ થાય તો તેની વાતમાં આવીને કશે ગ્રુપ છોડીને નહીં જાઓ. થોડી થોડી વારે બધાં એકબીજાને જોતાં રહેજો, જેથી કોઈ છૂટું પડી જાય તો તરત ધ્યાનમાં આવે. ફોન સતત સાથે જ રાખજો ને રોજ ભૂલ્યા વગર ચાર્જ પણ કરી રાખજો. બેલેન્સ પણ કરાવી રાખજો, જેથી ફક્ત ફોન ન ચાલવાના બહાને પણ તમને કોઈ મુસીબત ન નડે.

તમારી પાસે તમારાં વાહન છે જ એટલે કોઈની લિફ્ટ લેવાની ભૂલ તો કરતાં જ નહીં ને ભલે સાથે છોકરીઓ હોય તો પણ અજાણ્યાને ભરોસે કશે જતાં નહીં ને કંઈ ખાતાંપીતાં નહીં. ખાવાપીવાની વાત કેમ વારંવાર કરું છું? કારણકે આ જ રસ્તો છે, છોકરીઓને આસાનીથી ફસાવવાનો. તમારા ઘરે પણ વચ્ચે બ્રેકમાં ફોન કરી દેવો જેથી માબાપને રાહત રહે. એક બે મિનિટ લાગે ફોન કરતાં એટલે બિલકુલ આળસ નહીં કરતાં. તમને જરા પણ વહેમ જાય કે, કોઈ તમારા ફોટા પાડે છે તો તરત જ પોલીસને ફોન કરી દેજો. પોલીસનો નંબર ગોખી રાખજો–બધાં જ. કંઈ પણ ગરબડ લાગે તો મોટે મોટેથી બૂમો પાડજો, જેથી મોડે સુધી જાગતાં લોકો જરૂર દોડી આવશે. પર્સમાં ચિલી સ્પ્રે ને પેપર સ્પ્રે રાખજો જ રાખજો. જોકે, આ બધી વસ્તુની કોઈ જ જરૂર નહીં પડે જો તમે તમારા જ ગ્રુપમાં જ આવજાવ કરશો તો.

હા, ખાવાપીવાની કાળજી પણ એટલી જ રાખજો. આટલા દિવસ નો ફાસ્ટ ફુડ. ફક્ત લીંબુપાણી કે નાળિયેરપાણી પીજો કારણ કે, પરસેવો ખૂબ થશે ને એનર્જી પણ તેટલી જ જોઈશે. ફ્રૂટ્સ ને ડ્રાયફ્રૂટ્સના પેકેટ્સ હું તૈયાર કરી મૂકીશ તે નિયતિ રોજ લઈ આવશે. દિવસના મસ્ત મજાની ઊંઘ ખેંચી કાઢજો ને સાંજે ફ્રેશ થઈ જજો ગરબાની તૈયારી માટે. ઓક્કે? તો ચાલો, સૌને હેપ્પી નવરાત્રી. ખૂબ એન્જૉય કરો. છેલ્લે દિવસે તો હું પણ આવીશ ગરબા ગાવા.

‘આન્ટી તમે ?’

‘મમ્મી તું ?’
‘કેમ નહીં? તમારી આન્ટી ગરબા ક્વીન છે. આપણે ધમાલ મચાવી દઈશું, જોઈ લેજો.’

‘ઓકે આન્ટી. થૅંક્સ અ લૉટ. બાય આન્ટી.’

‘લવ યુ મમ્મી.’ કહેતી નિયતિ સલોનીને લઈ ગોળ ગોળ ઘૂમવા માંડી...‘ઢોલ બાજે...’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.