પરીક્ષામાં ધ્યાન
‘જો મમ્મી, તને પહેલેથી કહી દઉં છું. કાલથી દસ દિવસ સુધી મારી પરીક્ષા ચાલશે, તો મહેરબાની કરીને રોજ રોજ મને ટૉર્ચર નહીં કરતી, કે ‘બેટા, વાંચવા બેસ. બેટા, કેટલા વાગ્યે ઊઠાડું? બેટા, જલદી જમી લે. બેટા, જલદી તૈયાર થઈ જા ને બેટા આમ ને બેટા તેમ, ઓકે? મને રોજ જ એકની એક વાતનો બહુ ત્રાસ થાય છે. હવે હું નાની કીકલી નથી રહી, કે તું કહે તેમ નાચ્યા કરું. ટ્વેલ્થમાં છું ને મને મારી જવાબદારીનું ભાન છે સમજી? પ્લીઝ, હવે મને હેરાન નહીં કરતી.’ નિકીતાએ ધડામ દઈને બારણું બંધ કર્યું ને મૌલી અચાનક થયેલા આ હુમલાને ખાળવા, બાથરૂમમાં મોં ધોવા દોડી. આંસુઓને ધોતાં ધોતાં ખાસ્સી પાંચ મિનિટ એ કાનમાંના પડઘાને આઘા ધકેલવા મથતી રહી, પણ દિલને ચાળણી કરી ગયેલા નિકીના શબ્દો એને ખળભળાવવા માટે પૂરતા હતા.
આખરે મારી ક્યાં ભૂલ થઈ? શું દીકરીની કાળજી રાખવી એ ભૂલ છે? પરીક્ષામાં તો બધા જ માબાપ આટલું ધ્યાન તો રાખતાં જ હશે ને? મેં એવી તે કઈ વાત કરી કે નિકીએ આજે આવું બોલવું પડ્યું? ને તેય આટલા ગુસ્સામાં? એના પપ્પાને હમણાં ખબર પડે તો? જોકે, એમને તો જૉબની દોડાદોડમાં ટાઈમ જ ક્યાં મળે છે, કે નિકી સાથે બેસે કે એના માટે ઉજાગરાય કરે? બસ, યાદ રાખીને ફોન કરીને વિશ કરી દે ને પેપર કેવું ગયું એમ પૂછી લે, કે પત્યું. બિચારાને જૉબ જ એવી છે તે શું કરે? એક તો આ ભણવાનું જ્યારથી ચોવીસ કલાકનું થઈ ગયું છે, ત્યારથી બધા સંબંધો પર પાણી ફરી વળ્યું છે. મા તો હજીય, ઘરમાં હોય એટલે છોકરાંઓને જોઈ શકે, એમનું ધ્યાન રાખી શકે અને માંદે–સાજે એમની સાથેય રહી શકે. મૌલી ટીવી જોવા બેઠી, પણ ફરી ફરીને એક જ સવાલ એના મનમાં ઘુમરાતો રહ્યો, આજે નિકીએ આવું વર્તન કેમ કર્યું મારી સાથે? રાત–દિવસ વાંચી વાંચીને કંટાળી હશે? પરીક્ષાની તૈયારી નહીં થઈ હોય બરાબર? નાપાસ થવાની બીક હશે? હે ભગવાન! મારી દીકરીને સંભાળી લેજે.
આખો દિવસ પછી તો, મૌલીએ નિકીતાનું નામ જ ન લીધું. એ મોબાઈલ પર મેસેજ મોકલતી રહી, ‘ચા તૈયાર છે. નાસ્તો કરી જા. જમી લે’ વગેરે. નિકી પણ મોં ફુલાવીને ચુપચાપ આંટા મારી જતી ને ખાઈ–પી જતી. મનમાં ને મનમાં નિકીને પોતાની જાત પર અને મમ્મી પર પણ ગુસ્સો આવતો હતો. છેલ્લા એક મહિનાની મહેનતમાં કેટલુંક વંચાય? એક વિષય પણ પૂરેપૂરો કવર ન થાય. પહેલેથી કેમ પોતે વાંચ્યું નહીં? આખું વરસ હાથમાં હતું. બધા વિષયો પણ પોતાની પસંદગીના જ હતા. માબાપની કોઈ વાતે, કોઈ જ જબરદસ્તી નહોતી. તોય કેમ આળસમાં આખું વરસ પોતે ગુમાવી દીધું અને હવે બધા ઉપર ગુસ્સો? પોતાની જાત પર ગુસ્સો? પોતે જ જવાબદાર છે આ બેદરકારી માટે ને પોતાને જ એની બરાબર શિક્ષા મળશે અને મળવી જ જોઈએ. શા માટે મમ્મી કે પપ્પા મારા ભાગની શિક્ષા ભોગવે?
નિકીતા થોડી સ્વસ્થ થઈ, મમ્મી પાસે જઈ નીચું મોં કરી બેસી ગઈ.
‘મમ્મી, સૉરી. મેં તારા ઉપર બહુ ગુસ્સો કર્યો. મને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ.’
મૌલી બધું ભૂલીને નિકીને વળગી પડી. ‘દીકરા, શું થયું તે મમ્મીને નહીં કહે? કેમ આટલો બધો ગુસ્સો આવી ગયો મનમાં? તે પણ પરીક્ષાના દિવસોમાં જ? કંઈ થયું છે? કોઈ કંઈ બોલ્યું? કોઈનો ફોન આવ્યો? જલદી બોલ, શું થયું?’
‘મમ્મી, મારાથી બરાબર વંચાયું નથી. પરીક્ષા માટે મેં બિલકુલ મહેનત નથી કરી. આખું વરસ ધમાલ–મસ્તી અને ફાલતુ વાતોમાં પૂરું કર્યું છે. સાવ આળસુ થઈ ગયેલી તારી દીકરી. જ્યારે ખરેખર પરીક્ષાનું ટાઈમટેબલ આવ્યું, ત્યારે હું ગભરાઈ ગઈ અને વરસ બગડવાના વિચારે નર્વસ થઈ ગઈ. રૂમમાં ભરાઈને ફક્ત ચોપડા ઉથલાવવા સિવાય મેં કંઈ નથી કર્યું. મને કંઈ સમજ જ નથી પડતી, કે શું વાંચું ને કેટલું વાંચું ને ક્યાંથી શરૂ કરું? એકાદ બે ગમતા સબ્જેક્ટ સિવાય બધામાં મને ઝીરો જ મળવાનો છે, મને ખાતરી છે. હવે પરીક્ષા આપું કે ન આપું તેના ટેન્શનમાં સતત રહેતી હોઉં અને તું સતત મારી કાળજી રાખતી દેખાય, એટલે મને મારી જાત પર હજી વધારે ગુસ્સો આવે. મેં તમને બહુ તકલીફ આપી. બસ, આજે એ ગુસ્સો મેં તારા ઉપર કાઢી નાંખ્યો. આઈ એમ વેરી સૉરી મમ્મી.’ આટલું બોલતાં બોલતાં તો ધ્રુજતી રહેલી નિકીતા મોટેથી રડી પડી.
પોતાનાં આંસુઓને અટકાવતાં, મૌલીએ નિકીતાનું માથું ખોળામાં લઈ એના વાંસે હાથ ફેરવતાં એટલું જ કહ્યું, ‘બેટા, કોઈ વાંધો નહીં. તું બિલકુલ ચિંતા નહીં કર. આવતા વરસે જો તું બરાબર મહેનત કરવાનું નક્કી કરતી હોય, તો આ વરસની ચિંતા છોડીને પરીક્ષાને બાય બાય કરી દે. આ એક વરસ ભલે જાય પણ પરીક્ષા તો ફરી આવશે ને? ત્યારે પાસ થઈને આગળ વધી જજે. તું કોઈ આડુંઅવળું પગલું નહીં જ ભરે એની તો અમને બંનેને ગળા સુધીની ખાતરી હતી અને છે. ફક્ત નાપાસ થવાના ડરે આટલો બધો ગુસ્સો ઠીક નથી. જ્યારે તને જ કારણ ને પરિણામની ખબર છે તો પછી, મારે કે તારા પપ્પાએ કંઈ કહેવાનું રહેતું નથી. ચાલ આ વરસને ચોકડી માર ને આવતા વરસની તૈયારી ક્યારથી કરવાની તે તું જ નક્કી કરી લે. મારો તો તને પૂરો સાથ છે જ.’
‘થૅન્ક યુ મમ્મી. ચાલ આપણે આજે ફરવા જઈએ. હું કાલથી જ નવા વરસની નવી શરૂઆત કરી દઈશ. હું પપ્પાને ફોન કરું?’ મૌલીએ નિકી તરફ પોતાનો ફોન લંબાવ્યો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર