પ્રિય ભાભી

06 Sep, 2017
12:01 AM

કલ્પના દેસાઈ

PC:

આજે બહુ વરસો પછી તમને મારા મનની વાત કહું છું. ઘણી વાર વિચાર્યું કે તમને મારા દિલની વાતો જણાવું પણ કોણ જાણે એવું તે શું હતું કે જે મને મારું દિલ ખોલતાં અટકાવતું હતું? કદાચ આપણાં બે વચ્ચેનું અંતર અથવા આપણાં બે વચ્ચેનો સંબંધ! તમે આવ્યાં ત્યારે હું તો ખુશ થયેલી કે મને સરખી ઉંમરની એક સખી મળી. તમે પણ એવું વિચારીને જ આવ્યાં હશો. શરૂઆતમાં તો આપણાં સખીપણાં ખૂબ જામેલાં યાદ છે ને? તો પછી એવું તે શું થયેલું કે આપણી વચ્ચે તિરાડ પડી ગઈ? ઘણી વાર અબોલાં પણ થયાં અને ઘણી વાર બોલાચાલી પણ!

આજે યાદ કરું છું એ બધા જ પ્રસંગો જેણે આપણને એકબીજાથી ક્યાંય દૂર મોકલી આપેલા ત્યારે દુ:ખ અને પસ્તાવા સિવાય મારા હાથમાં કંઈ જ નથી આવતું. આજે મને મમ્મીની એ બધી વાતો યાદ આવે છે, જે એણે તમારી વિરુધ્ધ કરીને મને ધીરે ધીરે તમારાથી દૂર કરવા માંડેલી. એક જ ઘરમાં અને એક જ ઉંમરનાં આપણે બન્ને સાથે હોવા છતાં દૂર થઈ રહ્યાં હતાં એ ફક્ત મમ્મીને કારણે જ.

મમ્મીને આપણી વાતોથી, આપણી હસીમજાકથી અને આપણી નિકટતાથી રીતસરની અદેખાઈ થવા માંડેલી. એને એમ હતું કે હું તમારી સાથે થઈ જઈશ. આમાં એણે એટલું ન વિચાર્યું કે તમે તો ઘરમાં બધાંની સાથે જ રહેવા આવેલાં ને અમારા ઘરનાં જ એક સદસ્ય હતાં. પહેલેથી જ મમ્મીએ એવું કેમ સ્વીકાર્યું નહોતું? મમ્મીએ હંમેશાં તમને પારકી દીકરી જ ગણી. તમારી દરેક વાતનો ઊંધો અર્થ જ કાઢવો કે તમારી દરેક વાતને નન્નો જ પરખાવવો એવું કદાચ એ જાણીજોઈને કરતી હતી કે એનાથી કોઈ આદતવશ થઈ જતું હતું? મારી તો તે સમયે એવી બધી અક્કલ જ નહોતી ચાલી. નહીં તો કસમથી ભાભી, મેં તમારા ઉપર મમ્મીની જોહુકમી ચલાવી જ લીધી ન હોત. હું હંમેશાં તમારી જ પડખે રહેત અને મમ્મી સાથે લડી ઝઘડીને પણ મેં તમને જ સાથ આપ્યો હોત. સૉરી ભાભી, મને માફ કરજો. શું હું માફી માગવાને લાયક છું ને તે પણ આટલે વરસે? જવાબમાં તમે એ જ તમારું મીઠું હાસ્ય ફરકાવી દેશો મને ખબર છે.

તમારા પિયરથી કોઈ આવતું તો મમ્મીનું મોં ચડી જતું, એમની સાથે એ સરખી વાત પણ કરતી નહીં ને એમને કંઈ ને કંઈ એવું બોલી દેતી જેથી પેલા લોકોનું અપમાન થાય. ફક્ત દીકરીનાં સાસુ હોવાને કારણે જ એ લોકો મમ્મીનું માન જાળવતાં અને ચુપચાપ બધું સાંભળી લેતાં. શું એમનો કોઈ હક નહોતો દીકરીને મળવા આવવાનો કે દીકરી સાથે બે ચાર દિવસો વિતાવવાનો? બધાં સાથે હળીમળીને રહેવાનું એમને પણ મન તો થયું જ હશે ને? મમ્મીના રુક્ષ વલણને કારણે એ લોકો બહારગામથી આવતાં હોવા છતાં બે કલાક તમને મળીને જતાં રહેતાં. એમનાં દિલનું દર્દ એ સમયે મને જો પરખાયું હોત તો મેં આગ્રહ કરીને એમને અઠવાડિયું રાખ્યાં હોત. મને આજે પણ નથી સમજાતું કે, મમ્મી કેમ આવી?

નવાઈ તો મને ત્યારે લાગે કે આ જ મારી મમ્મી, બીજા બધા સાથે બહુ જ સારી રીતે, અરે આપણાં સાવિત્રીબેન પ્રત્યે પણ દયાભાવથી રહે છે તો તમારી સાથે કેમ આવું કરે છે? જાણે તમે એમનાં કોઈ છો જ નહીં? તમારા આગમન પહેલાંનો એનો ઉત્સાહ અને આનંદ તો વર્ણવી જ ન શકાય તેવો હતો. જેની ને તેની આગળ છલકાતો રહેતો એનો આનંદ કોણ જાણે કેમ તમારા આવતાં જ હવામાં ઓગળી ગયો હતો. કદાચ એને તમારામાં એની પ્રતિસ્પર્ધીનાં દર્શન થયાં હશે! ‘મારા દીકરામાં ભાગ પડાવવા આવીએ જમાનાજૂનો છતાં મારી મમ્મી જેવી સ્ત્રીઓના મગજમાં સદાય ઘુમરાતો રહેતો વિચાર જ આમાં કામ કરી ગયો હશે. મમ્મીએ જો એમ વિચાર્યું હોત કે હવે મારી જવાબદારી ઓછી થઈ, કે હવે આ લોકો એમના સંસારમાં સુખી રહે એ જ મારે જોવાનું ને મારાથી થાય તે મદદ કરવાની, તો તમે આટલાં દુ:ખી થયાં હોત? મમ્મીને તો બધો કારભાર પોતાના હાથમાં જ જોઈતો હતો. અરે કારભાર તો ઠીક, એ દરેકને પોતાના તાબામાં પણ રાખવા માગતી હતી! જાણે બધા એના ગુલામ!

થયું પણ કેવું કે, તમારી સાથે મારે પણ પછી બહુ રહેવાનું ન થયું. છતાંય મને સમાચાર તો મમ્મીના ફોનથી મળતા રહેતા. એમાં તમારી ને તમારી ફરિયાદ સિવાય બીજું શું રહેતું? એ એનું ધ્યાન જ તમારા ઉપરથી હટાવી નહોતી શકી! મને તો લાગે છે કે, તમે તમારા મન પર જીત મેળવીને કદાચ સુખી હતાં અને મમ્મી જેટલું દુ:ખી કોઈ નહોતું. એને મોકળું મેદાન મળવાનું પણ કારણ હતું. એના આવા સ્વભાવે પપ્પા અને ભાઈ ચૂપ જ રહેતા. એની વાત ચુપચાપ સાંભળી લેતા. કંકાસથી દૂર ભાગવામાં એમણે તમને અન્યાય કર્યો એ બેમાંથી કોઈના ધ્યાનમાં કેમ ન આવ્યું? ખેર, તમે તો હવે ટેવાઈ ગયાં છો પણ મારે મારા મન ઉપરથી બોજ હળવો કરવો હતો. મેં પણ ચૂપ રહીને તમને ખૂબ અન્યાય કર્યો છે. પ્લીઝ મને માફ કરજો.

બળેવ પર તમે ક્યારેય પિયર કેમ નહોતાં જતાં તે મને કેટલું મોડું સમજાયું? મમ્મીનો આગ્રહ કે દીકરી આવે ત્યારે તમારે હાજર રહેવાનું. બળેવની તૈયારી પછી કોણ કરે? શું તમને કે તમારા ભાઈને ક્યારેય બળેવના દિવસે જ બળેવ ઉજવવાનું મન નહીં થયું હોય? કેમ તમે કોઈ દિવસ પિયર જવાની વાત પણ નહોતી કરી? ક્યાંથી કરી હોત? મમ્મી સામે બોલવાની કે એની વાતનો વિરોધ કરવાની કોની હિમ્મત હતી? અને આવા તો કેટલાય પ્રસંગો અને તહેવારો. તમે ચુપચાપ બધું સહેતાં રહ્યાં ને મમ્મી એના વિજયની ખુશી માણતી રહી.

જ્યારથી મને મમ્મીનાં વર્તનની સચ્ચાઈ સમજાઈ છે ત્યારથી મેં મમ્મીની વાતોને ટાળવા માંડી છે. ભાઈને અને પપ્પાને પણ હું આવીને સમજાવવાની છું, કે હવે બસ. કંકાસથી એટલા ન ડરો કે કોઈ માણસ તમારા ઘરમાં પૂતળું બનીને રહે. મને એક વાર આવવા દો, એ બેને તો સીધા કરું જ. પણ મમ્મીને હું કંઈ કહેવાની નથી કારણકે એના મગજમાં આ બધી વાતો નહીં ઉતરે. બહુ વરસોના પોપડા વળ્યા છે. એ જ્યારે એના દિલથી તમને સ્વીકારશે અથવા સમજશે ત્યારે કોઈએ જ એને કંઈ કહેવું નહીં પડે. એ દિવસ કાલે જ આવે એવું ઈચ્છું.

મારે તમને ઘણું કહેવું છે પણ હવે તો આપણે મળીએ ત્યારે જ. આટલું સહન કરીને પણ તમે આટલાં વરસ મારી મમ્મીને તમારી મમ્મી ગણીને સાચવી, તે બદલ આજે જો હું તમારો આભાર નહીં માનું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. જલદી મળીએ.

 

હવે તો તમારી જ બહેના.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.