કાબેલિયત

15 Jun, 2016
12:05 AM

કલ્પના દેસાઈ

PC:

સિયા કમ્પ્યુટરની સામે બેસીને ક્યારની સ્ક્રીનને તાક્યા કરતી હતી. એની આંગળીઓ કી–બોર્ડ પર ફરવાની તૈયારીમાં હોય એમ અદ્ધર ઉંચકાઈ રહેલી. આંખો પલકારા મારવાનું પણ ભૂલી ગઈ હોય એમ સ્ક્રીનની ઉપર ચારે ખૂણે ચકરાવા મારતી હતી. એક ધૂંધળો ચહેરો ધીરે ધીરે સ્ક્રીન પર પ્રગટ્યો અને ચહેરા પરની રેખાઓ સ્પષ્ટ દેખાતાં જ સિયા ગુસ્સામાં કમ્પયુટર સામે ઘુરકીને, માઉસને જોરમાં પછાડતી ઊભી થઈ ગઈ.

માય ફૂટ!’

ગુસ્સામાં ને ગુસ્સામાં સિયાએ ઓફિસનું લૅપટૉપ ચેક કરીને, પર્સ લઈ, ફ્લૅટને તાળું મારી દીધું. ઝડપથી દાદર ઉતરીને પાર્કિંગમાં ગાડી પાસે પહોંચી. ગાડીનો દરવાજો ખોલવા જતાં જ એની નજર પોતાના પગ પર પડી. ‘ઓહ છટ્! ચપ્પલ? યાર, મને શું થઈ ગયું છે? હવે પાછું આજે લેઈટ થવાનું ને પેલી વાંદરીને, બધાંની વચ્ચે મારું ઈન્સલ્ટ કરવાનું બહાનું મળી જવાનું. પણ હવે બસ. હવે હું એનું ચલાવી નથી લેવાની. હજી કાલની આવેલી ને મારા પર રુઆબ છાંટે? ને રુઆબ પણ પાછો કેવો? જાણે કંપની એના બાપની! અમે આટલાં વરસથી જખ મારીએ છીએ? આવડતમાં ઝીરો છે ને લાગવગે મારી બૉસ બની બેઠી, તેમાં તો જાણે મને ખરીદી લીધી! ગુસ્સો તો એવો આવે કે, સામે જો આવી જાય તો એને બે ચાર ઠોકી દઉં. મારા કલિગ્સ બધા જ જાણે છે કે, ખરું કામ તો હું કરું છું ને આ નવી મૅમ તો તદ્દન મૂરખ છે. હવે જો હોશિયારી બતાવવા ગઈ ને તો એને સીધી જ કરી દેવી છે.’

મનમાં ને મનમાં બબડતી સિયા ઊંચા જીવે ઓફિસ પહોંચી ને એના ધારવા મુજબ જ નવી મૅમ હાથમાં હંટર લઈને ઊભેલી. આખા સ્ટાફની સામે સિયાને પાણીથી પાતળી કરીને ખંધુ હસતી એ પોતાની કૅબિનમાં જતી રહી. આજે સિયા લેઈટ હતી ને વાંકમાં હતી એટલે ચુપચાપ પોતાના કામે વળગી ગઈ પણ એનું મગજ કોઈ પણ સમયે છટકવાની તૈયારી કરીને બેઠેલું. આજે પણ એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો હતો. સાંજે કંપનીના બૉસ અને બીજા ડાયરેક્ટર્સની હાજરીમાં પોતે કઈ રીતે આખો પ્રોજેક્ટ સમજાવશે તેના વિચારોમાં, સિયા ઘડી ઘડી પોતાને, બધાંની સામે વટથી ઊભેલી જોઈ રહી. બધાંનું ધ્યાન એના તરફ છે ને બધા એકધ્યાને એની વાતો સાંભળી રહ્યાં છે. એનો પ્રોજેક્ટ બધાંને ખૂબ જ પસંદ પડ્યો અને તાળીઓના અવાજથી હૉલ ગાજી ઊઠ્યો. બધાની શાબાશી ઝીલતી એ પોતાની મૅમની સામે ત્રાંસી નજરે જોતી જોતી, એની પાસેથી જ, ધીરેથી ‘હંહ’ કરતી પસાર થઈ ગઈ ને કલિગ્સની સાથે તાળીઓની આપ–લે કરવા માંડી. હાશ, આખરે એને કામિયાબી મળી ને પેલી સ્ટુપિડ જોતી રહી ગઈ.

સિયાના મોં પરની ગુસ્સાની રેખાઓ ધીરે ધીરે હળવી થવા માંડી ને એ ફરી પ્રોજેક્ટને લઈને બેસી ગઈ. સાંજની ખુશીના વિચારે બમણા જોરથી એ કામ કરવા માંડી. જોકે, ઓફિસમાં સિયાને શાંતિથી કામ કરવા દે તો એની મૅમે પોતાનું નામ બદલી કાઢવું પડે, એટલે દર એક કલાકે એણે સિયાને કોઈ ને કોઈ બહાને ઉઠાડવા માંડી. જ્યારે લાગ્યું કે, હવે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થવાની અણી પર છે, ત્યારે જ એણે સિયાને કૅબિનમાં બોલાવી, ‘લાવ જોવા દે, હજી કેટલુંક બાકી છે? એમ કર. બાકીનું અહીં બેસીને પૂરું કર અને અહીં જ મૂકી જા. હું જોઈ લઉં પછી તને બોલાવું.’

સિયા ચૂપચાપ મૅમની કૅબિનમાં બેસીને કામ કરવા માંડી. ‘તું તારી જાતને બહુ હોશિયાર સમજે છે ને? આજે તને સીધી કરી દઉં ચિબાવલી.’ સિયા કામ પૂરું કરીને મૅમને રિપોર્ટ સોંપીને કૅબિનની બહાર નીકળી ગઈ. એના કલીગ્સના પણ મોં ઉતરી ગયેલા. સૌ, પેલી સાવ અણઘડ ને ઘમંડી મૅમની ચાલ સમજતાં હતાં પણ ઉપરીની દાદાગીરી ને નોકરીની લાચારી સૌને મજબૂરીથી ચૂપ રાખતી હતી. સૌની મહેનત ને સિયાની કાબેલિયત મળીને દર વખતે એ વન પ્રોજેક્ટ જ તૈયાર થતો, પણ છેક છેલ્લી ઘડીએ પેલી બદમાશ ટપકી પડતી ને બધાના હાથમાંથી–ખાસ તો સિયાના હાથમાંથી લાડવો ઝૂંટવીને વટથી જતી રહેતી. સૌ મનમાં ધુંધવાઈને બેસી રહેતાં ને સિયાને આશ્વાસન આપતાં પણ સિયાને ચેન પડતું નહીં.

ધીરે ધીરે એની રાતોની નીંદ હરામ થવા માંડી ને ભૂખને તો બાર ગાઉનું છેટું જ પડી ગયું. રાત ને દિવસ મૅમના ને મૅમના વિચારોમાં એને થતું કે, એ કશે ભાગી જાય. આ ઓફિસથી દૂર, ઘરથી દૂર ને કદાચ આ દુનિયાથી પણ દૂર. આ ચોથી વાર આવું થવાનું હતું કે, સિયાના ગ્રૂપને સોંપાયેલા પ્રોજેક્ટને સિયા રિપ્રેઝન્ટ કરવાની હોય ને અચાનક જ પેલી શયતાન આવીને સિયાના હાથમાંથી પ્રોજેક્ટ રિપોર્ટ જ ઝૂંટવી જાય ને બૉસ આગળ વહાલી થવા મિટિંગનો દોર પોતાના હાથમાં લઈ લે. તાળીઓ બધી મૅમના ભાગે જાય ને સિયા એની ટીમ સાથે હાથ ઘસતી રહી જાય!

આખરે સિયાએ મનમાં કંઈક વિચારી લીધું. ભલે આ વખતે મિટિંગમાં જે થાય તે. આ પાર કે તે પાર કરી જ નાંખવું છે. હવે બસ, બહુ થયું. એણે રિપોર્ટની બે કૉપી તૈયાર કરી. મૅમને બતાવવાની કૉપીમાં જાણી જોઈને બે ત્રણ મોટી ભૂલો રાખી. એને ગળા સુધીની ખાતરી હતી કે, જો મૅમને મારા કે કોઈ પણ પ્રોજેક્ટમાં સમજ જ નથી પડતી, તો મારી ભૂલ તો ક્યાંથી દેખાવાની? પોતાની ફાઈલ એકદમ સરસ રીતે તૈયાર કરી, સાંજની મિટિંગ માટે એણે જાતને પણ તૈયાર કરી લીધી. ટીમ મેમ્બર્સમાંથી કોઈ પણ ફૂટી જાય તો આખો ભાંડો ફૂટી જાય, એ બીકે એણે વાત તદ્દન ખાનગી રાખી.

સાંજે મિટિંગ ભરાઈ. બૉસ અને બીજા ડાયરેક્ટર્સની હાજરીમાં મૅમે ઊભા થઈને પ્રોજેક્ટ સમજાવવા માંડ્યો. પ્રોજેક્ટ પૂરો થતા સુધીમાં તો બૉસ ટેબલ પર હાથ પછાડતા ઊભા થઈ ગયા. ‘મિસ નારંગ, આ બકવાસ પ્રોજેક્ટ તમે તૈયાર કર્યો છે? મારું ને કંપનીનું નાક કપાવવા બેઠાં છો? તદ્દન વાહિયાત પ્રોજેક્ટ લઈને શું આવી ગયાં? તમને આટલી મોટી મોટી ભૂલો દેખાઈ નહીં? તમે શું કંપનીને આગળ લાવવાના? પ્લીઝ, લીવ ધ કૅબિન. હવે પછી ઓફિસમાં આવવાની મહેરબાની નહીં કરતાં. આજ સુધી રિલેટીવ છો સમજીને તમને મફતનો પગાર આપ્યો ને સહન કર્યાં, પણ હવે નહીં. પ્લીઝ તમે જાઓ. ગુડ બાય.’

શરમના માર્યાં કોઈની સામે જોવાની પણ હિંમત ન કરતાં મિસ નારંગ ઝડપથી ઓફિસ છોડીને નીકળી ગઈ. મિટિંગમાં બૉસને શાંત પાડતાં સિયાએ કહ્યું, ‘સર, એક નજર મારા પ્રોજેક્ટ પર નાંખી લો. તમને ન પસંદ પડે તો મને પણ કાઢી મુકજો, પણ પ્લીઝ મને એક ચાન્સ આપો.’ છેલ્લી ઘડીએ પ્રોજેક્ટ બચાવવાના ઈરાદે ને સિયા પર ભરોસાના ઈરાદે બૉસે ફક્ત પાંચ મિનિટ સિયાને આપી અને સિયા પોતાના પરફેક્ટ રિપોર્ટ સાથે સૌનું દિલ જીતી ગઈ. સૌની વાહવાહ અને તાળીઓનો અવાજ કૅબિનની બહાર પણ સંભળાતાં સૌ ગેલમાં આવી ગયાં. આખરે સિયાને એનો મનગમતો જવાબ મળી ગયો હતો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.