પ્રોમિસ
‘હલો...સુશાંતભાઈ? પ્લીઝ જરા આરતીને ફોન આપજો ને.’
‘નમીતાબેન તમે જલદી આવો, આરતીને કંઈ થઈ ગયું છે. એ ક્યારની બેભાન પડી છે.’
‘અરે! એકદમ શું થઈ ગયું આરતીને? પ્લીઝ તમે જલદી કોઈ ડૉક્ટરને ફોન કરો. મને ત્યાં પહોંચતાં ટ્રાફિકમાં સહેજેય અર્ધો કલાક થઈ જશે.’
નમીતાને સુશાંત પર ગુસ્સો આવ્યો. આરતી ક્યારની બેભાન પડી છે? કોણ જાણે ક્યારની એટલે એને બેભાન થયાને કેટલા કલાક થયા હશે? આરતી બેભાન થઈ ત્યારે એ શું કરતો હતો? ડૉક્ટરને નહોતું બોલાવાતું? જો હું ફોન ના કરત તો? એ ‘તો’ની ભયાનક કલ્પનાએ નમીતાને ધ્રુજાવી કાઢી. આરતી આ એક વરસમાં આ રીતે ચોથી વાર બેભાન થઈ. શરૂઆતમાં તો બેભાન બનવાને પણ સાદા ચક્કર ગણીને એણે ધ્યાનમાં જ નહોતું લીધું. સવારથી ખાધું નહોતું ને રાતે સરખી ઊંઘ નહોતી આવીનું જાતે જ કાઢી લીધેલું નિદાન એની પાસે હાજર હતું. માંદગીના લાડ પણ કોની પાસે કરે? જો સૂઈ જાય તો ઘર કોણ ચલાવે? બસ, આ જ મજબૂરીએ આરતી બીજી ને ત્રીજી વાર પણ બેભાન થઈને પડી ત્યારે એની પાસે બહાનાં હાજર હતાં પણ ડૉક્ટરને બતાવવાનો સમય સિલકમાં નહોતો!
સુશાંતને હવે આટલે વરસે શું કહેવાનું? આખી જિંદગી એણે દારૂ ઢીંચીને જલસા કર્યા, નોકરી જતી રહી તો બૈરીએ જેમતેમ નોકરી ને ઘર સાચવીને એને સાચવ્યો. અરે! કહો કે આખી જિંદગી પાળ્યો એને. બાકી એના ઘરનાંઓએ તો ક્યારનો એને છોડી દીધો હતો. વધારામાં છેલ્લાં છ વરસથી ઘરડાં ને અપંગ થયેલાં સાસુ–સસરાને દિયર આરતીને ભરોસે મૂકીને જતો રહેલો. હજી ગયે વરસે સાસુ ને સસરાને વિદાય આપીને, આરતી જેમ તેમ થોડો આરામ પામી હતી. આરામ તો ફક્ત શરીરનો, બાકી મનને તો ક્યાં કોઈ દિવસ આરામ મળ્યો જ હતો? લગ્ન પછીના પાંચમા વરસે જ સુશાંત દોસ્તીના ચક્કરમાં દારૂને રવાડે ચડ્યો અને પછી તો પૂછવું જ શું? નોકરીમાંથી વારંવારની નોટિસ અને લોકોની મજાક, મશ્કરીને નજર અંદાઝ કરતાં કરતાં આરતીએ સહજીવનના(!) ચાલીસ વરસ પૂરા કર્યાં. લગ્ન પછી જીદ કરીને આરતી નોકરીએ લાગી હતી તો આજે ઘર ચાલતું હતું, નહીં તો કોણ જાણે શુંય થાત?
બે વરસથી સુશાંતે દારૂને હાથ નહોતો લગાવ્યો પણ એ તો ડૉક્ટરની ધમકીને વશ થઈને, બાકી તો સસરાની જેમ સુશાંત પણ લિવર ફાટવાને કારણે જ મોત મેળવત. ખેર, લાચાર સાસુનો માનસિક સહારો ના હોત તો આરતી ક્યારનીય બધું છોડીને નીકળી ગઈ હોત. હિંમત હારી જતી ત્યારે આરતી સાસુના ખોળે માથું મૂકી રડી લેતી. સાસુનો હાથ એના માથે ફરતાં જ એ ફરી જીવનરેલને પાટે પાટે અધ્ધર દોડવા માંડતી. આરતી સારી રીતે જાણતી હતી કે એના જેવી કેટલીય સ્ત્રીઓ નાછૂટકે આમ જ દોડતી રહે છે ને મરવાને વાંકે જીવન પૂરું કરતી રહે છે. આજ સુધી કોઈ રસ્તો એવો નથી મળ્યો, જેના ઉપરના કાંટા વણવાની સચોટ રીત કોઈ બતાવી શક્યું હોય. આ દૂષણે તો કેટલાંય કુટુંબોને વગર કોઈ વાંકે બલિ ચડાવ્યાં છે. કોણ જાણે હજી કેટલાંનો ભોગ લેશે? પછી તો, આદત મુજબ આરતી વિચારોને પણ મનમાં ભંડારી દેતી. ફરી કોઈ બનાવ બનતો અને ફરી આરતીનું મગજ બહેર મારી જતું. આ જ થાક અને માનસિક તાણમાં એનું શરીર જવાબ આપવા માંડેલું. શરીર પ્રત્યે બેપરવા રહેતી આરતીને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટિસે પોતાના કબજામાં લઈ લીધી. એનેમિક બનતી જતી આરતીને ઘણા દિવસોથી થાક અને અશક્તિ લાગતી હતી, પણ કોને કહે? કોઈ સાંભળવા, સમજવા ને કાળજી લેવાવાળું પણ હોવું જોઈએ ને?
હા, નમીતા હતી એની ખાસ સહેલી. પણ પોતાની બિમારીની વાત એને કેમ કહેવી? નકામી એને પણ ચિંતા થાય! આ તો ઓફિસમાં રૂટિન ચેક અપ હતું ત્યારે આટલી પણ ખબર પડી નહીં તો ડૉક્ટર પાસે આરતી જાય? ના રે, એ તો સીધી ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘર! સુશાંતને કંઈ થાય તો એને ડૉક્ટરને ત્યાં લઈ જાય બાકી પોતાને તો ડૉક્ટરની કોઈ જરૂર જ નહોતી! જોકે આ વખતનો એટેક ભારે હતો. નમીતાએ જોયું તો, આરતી રસોડામાં ચત્તીપાટ પડેલી અને મોંમાંથી ફીણ પણ નીકળી આવેલું. આરતીને આમ બેભાન થયાને કેટલા કલાક થયા તેય સુશાંતને ખબર નહોતી! ડૉક્ટરની મોંઘી ફીના કારણે કોઈ ડૉક્ટરને ફોન પણ નહોતો કર્યો! ડૉક્ટરની એકવારની વિઝિટ ફીના પાંચ હજાર થાય પણ પૈસા તો આરતીએ ક્યાં મૂક્યા હશે શી ખબર? બસ, ત્યાં જ સુશાંતનું મગજ અટકી ગયું પણ એને એમ ના સૂઝ્યું કે નમીતાને ફોન કરે!
નમીતાએ ફટાફટ એમ્બ્યુલન્સ બોલાવીને આરતીને નર્સિંગ હોમમાં દાખલ કરી દીધી. સુશાંતની ખબર તો પછીથી લેવાશે. અને હા, આરતીની ખબર પણ લેવી જ પડશે હવે તો. એક વાર સારી થવા દે, પછી એની વાત છે. પોતાના જીવના જોખમે આમ નોકરી કરવાની? ચલાવવા ખાતર ઘર ચલાવવાનું? વરને સાચવવાનો? અરે! હજીય સુશાંત કોઈ બીમારીને લીધે પથારીમાં હોત કે બીજું કોઈ કારણ હોત તો સમજ્યાં. આમ તદ્દન નફકરા ને આળસુ થઈને પડી રહેનારની શું દયા ખાવાની? અરે! એણે તો આવી પરિસ્થિતિમાં થોડું પણ મગજ દોડાવીને આરતીને સાચવી લેવાની હતી ત્યારે સાવ બુદ્ધિ બહેર મારી ગઈ હોય એવું સુશાંતનું વર્તન નમીતાને અજબ લાગતું હતું.
નર્સિંગ હોમમાં આરતીના માથે હાથ ફેરવતી નમીતા એક જ વાત વારંવાર કહેતી હતી, ‘આરતી, બધાંને ખાતર બહુ જીવી, હવે તો તારે ખાતર જીવવાનું શરૂ કર. સુશાંતનું બધું જ કામ તેં કરીને એને એવો પાંગળો બનાવ્યો કે ખુદ તારી માંદગીમાં એ કંઈ વિચારી ન શક્યો. એ ભલે હવે નોકરી ન કરે ને ઘરમાં બેસી રહે પણ ઘરનાં કામમાં એને બિઝી રાખ, એના ઉપર જવાબદારી નાંખતી જા તો જ એનું મગજ ચાલશે. થોડા સ્વતંત્ર નિર્ણયો પણ એને લેવા દે. બધું જ તું કરી લે પછી સ્વાભાવિક છે, કે આળસુને તો ઢાળ મળી જાય. હવે તમે બે જ રહ્યાં. ફરી વાર આવું કંઈ ન થાય એની તું કાળજી રાખ અને એની પોતાની કાળજી એને લેવા દે. સુશાંત કંઈ નાનો કીકલો નથી. આળસે એના વિચારો પર જાળાં બનાવ્યા છે બાકી થોડું પોલિશિંગ થશે તો એનું દિમાગ પણ ચમકી જશે અને તારું બાકીનું જીવન પણ. પ્લીઝ, મને પ્રોમિસ આપ કે હવે આવું કોઈ વાર નહીં થાય.’
આરતીએ આંખના ખૂણા લૂછી હસતાં હસતાં નમીતાના હાથમાં હાથ મૂકી દીધો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર